ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપ ગૌરવયાત્રાથી ઓબીસી, આદિવાસી અને દલિત મતદારો સુધી પહોંચવા માગે છે?

ઇમેજ સ્રોત, Twitter/@BJP4GUJ
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
વિધાનસભાની ચૂંટણી માટે આવનારા દિવસોમાં 144 વિધાનસભા બેઠકમાં પ્રચાર માટે આગામી નવ દિવસમાં પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ (ભાજપે) 12 ઑક્ટોબરથી રાજ્યનાં પાંચ જુદાં જુદાં ધાર્મિક સ્થળોએથી ગૌરવયાત્રા શરૂ કરવાનું આયોજન કર્યું છે.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બહુચરાજીથી માતાના મઢ સુધીની 'ગુજરાત ગૌરવ યાત્રા'ને મહેસાણા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે એક સભાને સંબોધી જેમાં તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, "બાવળ વાવ્યા તો બાવળ જ ઊગેને."
તેમણે કૉંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, "રોપે પેડ બબૂલ કા આમ કહાં સે હોએ, આ બાવળ વાવવાવાળા લોકો છે, કૉંગ્રેસે વર્ષો સુધી આ જ કર્યું. લોકોને અને ભાઈ-ભાઈને આપસમાં લડાવ્યા. જ્યાં પાણી આપવાનું હતું ત્યાં પાણી ન આપ્યું. "
તેમણે કૉંગ્રેસ પર વેર-ઝેરની રાજનીતિ કરવાનો આરોપ કર્યો.
નડ્ડાએ કહ્યું કે, "છેલ્લા 21 વર્ષમાં ગુજરાતની તસવીર બદલાઈ કે નહીં, આજે ગુજરાત કેટલાક ક્ષેત્રોમાં ગુજરાત આગળ છે."
ત્યાર બાદ તેઓ બપોરે દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે.
મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરને બાદ કરતાં તમામ પાંચ ગૌરવયાત્રાઓ એક જિલ્લાનાં મંદિરોથી શરૂ થઈને દૂરના અન્ય જિલ્લાનાં મંદિરોએ પૂરી થશે.
આ યાત્રાઓ દરમિયાન આશરે 144 જેટલી જનસભામાં ભાજપના રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ લોકોની વચ્ચે જશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ 8 ઑક્ટોબરે આ પાંચ ગૌરવયાત્રાઓની માહિતી આપી હતી.

જે.પી નડ્ડા શું બોલ્યા?

ઇમેજ સ્રોત, @BJP4India
નડ્ડાએ કહ્યું હતું કે આજે દેશમાં જે વિકાસકાર્યો થઈ રહ્યાં છે, જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે તેની ગંગોત્રી આ ગુજરાતમાં છે. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસે વિકાસયાત્રા ' અટકી લટકી અને ભટકી' ગઈ છે. તેમણે કૉંગ્રેસની ઉપર લોકોની વચ્ચે સમુદાય, ભાષા અને વિસ્તારના નામે વૈમનસ્ય ઊભું કરાવવાના આરોપ મૂક્યા હતા.
કોરોના સામેની લડાઈ આ સદીની સૌથી મોટી લડાઈ હતી. અમેરિકા પણ તેની સામે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ભારતમાં વૅક્સિનમાં ડબલ ડૉઝ અને પછી બૂસ્ટર ડૉઝ મળી ગયા છે, જેના કારણે તમે પાસ-પાસે બેસી શકો છો. નવ મહિનામાં દેશમાં બે-બે વૅક્સિન મળી ગઈ હતી.
જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે વાત કરી અને યુદ્ધ અટક્યું. એક અઠવાડિયામાં 22 હજાર ભારતીયોને સલામત બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી બે હજાર ગુજરાતના હતા. બીજા દેશના વિદ્યાર્થીઓ પણ ભારતના ઝંડા લઈને બહાર નીકળ્યા હતા.

આ પાંચ સ્થળોએથી નીકળશે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા
- મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધી
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાથી પોરબંદર સુધી
- અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી
- નવસારી જિલ્લાના ઉનાઈથી ફાગવેલ (ભાથીજી મહારાજ)
- ઉનાઈથી અંબાજી

ચૂંટણી સમયે હિન્દુત્વ અને ધાર્મિક ભાવનાઓ આધારિત મુદ્દા દ્વારા ગુજરાતમાં મત અંકે કરવાની ભાજપની વ્યૂહરચના નવી નથી. પરંતુ આ પાંચ ગૌરવયાત્રા માટે પસંદ કરવામાં આવેલાં મંદિરોને ધ્યાનમાં લેવામાં આવે તો સમજી શકાય છે કે બૃહદ હિન્દુ સમાજ ઉપરાંત આ સ્થળો કોઈ ચોક્કસ સંપ્રદાયમાં આસ્થા ધરાવતા જ્ઞાતિ સમાજો સુધી પહોંચવાની કવાયત છે.
આ પાંચેય યાત્રાઓમાં ઓબીસી સમાજ, આદિવાસી સમાજ અને દલિત સમાજોના મતદારોની સંખ્યા નોંધપાત્ર હોય તેવી બેઠકો છે.
તો એ પણ જાણી લઈએ કે આ યાત્રાઓ જે સ્થળેથી શરૂ થવાની છે તેનું મહત્ત્વ શું છે અને રાજકીય રીતે તે કેટલું મહત્ત્વનું છે.

બહુચરાજીથી માતાનો મઢ (આશાપુરા માતા મંદિર)
મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજીથી શરૂ થનારી આ ગૌરવયાત્રાનો અંત કચ્છના માતાના મઢ તરીકે જાણીતા આશાપુરા માતાના મંદિરે થવાનો છે.
આશાપુરા માતા કચ્છના રાજવી પરિવાર ઉપરાંત વિવિધ ક્ષત્રિય સમાજ જેવા કે જાડેજા રાજપૂત, ચૌહાણ અને તે સમયના નવાનગર, રાજકોટ, મોરબી, ગોંડલ અને ધ્રોલના રાજવી પરિવારોનાં ઇષ્ટદેવી મનાય છે.
આ ઉપરાંત કચ્છના પોલાડિયા સમાજ, ગોસર સમુદાય અને બારિયા રાજપૂતોના કુળદેવી તરીકે પૂજાય છે.

નવસારી જિલ્લાના ઉનાઈથી ફાગવેલ
નવસારી જિલ્લાનું ઉનાઈ માતાના મંદિરથી 13 ઑક્ટોબરે શરૂ થનારી એક યાત્રા મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામે ભાથીજી મહારાજના મંદિરે પૂર્ણ થશે.
આ સ્થળના ઇતિહાસ અનુસાર ગાયોને ચોરી જનારા બહારવટિયાઓ સામે લડતાં લડતાં ગોરક્ષા માટે ભાથીજી મહારાજે પોતાનો જીવ આપી દીધો હતો.
ખેડા જિલ્લાના વિવિધ સમાજ ઉપરાંત ખાસ કરીને ક્ષત્રિય સમાજ માટે ફાગવેલનું ભાથીજી મહારાજનું મંદિર મહત્ત્વનું શ્રદ્ધાકેન્દ્ર છે.

નવસારી જિલ્લાના ઉનાઈથી અંબાજી

ઇમેજ સ્રોત, AFP
નવસારીના ઉનાઈ માતાના મંદિરથી જ બીજી ગૌરવયાત્રા શરૂ થશે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના આવેલા દેશના મહત્ત્વપૂર્ણ યાત્રાધામ અંબાજીમાં પૂર્ણ થશે.
આ યાત્રાને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવયાત્રા નામ આપવામાં આવ્યું છે.
જે દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલા ગુજરાતના આદિવાસી મતદારો ધરાવતી વિધાનસભા બેઠકો પર પ્રચાર કરવાની યાત્રા છે.
ઉલ્લેખનીય છે કે ઉનાઈથી શરૂ થનારી આ બન્ને યાત્રાઓની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે.

અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ

ઇમેજ સ્રોત, C R PAATIL/FACEBOOK
અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાનું ઝાંઝરકા ગામ સંત સવૈયાનાથનું જન્મસ્થળ અને સમાધિસ્થાન છે.
મેઘવાળ પરિવારમાંથી સંત પદ પામેલા સવૈયાનાથ એક સમાજસુધારક હતા અને હાલમાં પણ દલિત સમાજ ઉપરાંત વિવિધ સમાજોના શ્રદ્ધાળુઓ તેમના સમાધિસ્થળની મુલાકાત લે છે.
ઝાંઝરકાની આ ગાદી મંદિરના વર્તમાન મહંત શંભુપ્રસાદ ટુંડિયા દસાડાની વિધાનસભાની બેઠક પરથી વર્ષ 2007થી 2012 દરમિયાન ભાજપના ધારાસભ્ય તરીકે અને વર્ષ 2014થી 2020 દરમિયાન ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ યાત્રા જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પૂર્ણ થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાથી પોરબંદર
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી પસાર થનારી આ યાત્રા દ્વારકાધીશ મંદિરથી શરૂ થઈને પોરબંદર સુધી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં આહીર સમાજ, તથા મેર અને કોળી સમાજના મતદારોનો પ્રભાવ ધરાવતી વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
ઉલ્લેખનીય છે કે, સવર્ણ વર્ગના રાજપૂત સમુદાયને બાદ કરતાં ઓબીસી સમાજમાં આવતા રાજપૂત, આહીર, મેર, કોળી સમાજનાં મતદારો તથા દલિત અને આદિવાસી સમુદાયો આ પાંચેય યાત્રામાં આવતી બેઠકોમાં નોંધપાત્ર સંખ્યામાં છે.

મંદિરોથી શરૂ થતી ભાજપની યાત્રા શું સૂચવે છે?
જોકે એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં હિન્દુ વિચારધારામાં માનનારી પાર્ટી તરીકે કામ કરી રહી છે, કારણ કે અરવિંદ કેજરીવાલ સહિતના તેમના ઘણા નેતાઓ સોમનાથ મંદિર સહિત બીજાં અનેક મંદિરોની મુલાકાત લઈ ચૂક્યા છે.
બીજી બાજુ કૉંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ ગુજરાતમાં હજી સુધી પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કર્યો નથી, તેવામાં ભાજપની યાત્રાઓમાં મંદિરોથી શરૂ થઈ રહી છે, તો તેનો શું અર્થ નીકળે છે.
આ વિશે રાજકીય વિશ્લેષક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે ભાજપની એક વાત ખૂબ સારી છે કે તેમાં કોઈ પણ પ્રકારનો દંભ નથી. તે પાર્ટી જેવી છે, તેવી જ દેખાય છે.
"તેમણે કહી જ દીધું છે કે અમે હિન્દુ મતો માટે આ યાત્રાઓ કરી રહ્યા છીએ. લોકોની ભાવનાઓ મંદિરો અને તેમના ધર્મ સાથે જોડાયેલી હોય છે, અને તેમની ભાવનાઓને પોતાની તરફ વાળવા માટે ભાજપે મંદિરોનો સહારો લીધો છે."
"બીજી બાજુ આપ પણ તેમની જેમ જ મંદિર-મંદિર જઈ રહી છે, તેવામાં ભાજપ ચોક્કસ એ બતાવવાનો પ્રયાસ કરશે કે તે બીજા કોઈ પણ પક્ષ કરતાં મોટા હિન્દુ છે."
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત કહે છે કે, "આ સીધો સંકેત છે કે ભાજપ પાસે હવે હિન્દુત્વની વાત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."
"એક તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં રૂપિયાની ગગડતી સ્થિતિ, વધતી જતી મોંધવારી, અને બેરોજગારીના સવાલોનો ભાજપ પાસે કોઈ જવાબ જ નથી, માટે તેઓ હિન્દુત્વના શરણે પહોંચી ગયા છે."

શું કહે છે ભાજપની નેતાગીરી?

ઇમેજ સ્રોત, @BJP Gujarat
પત્રકારો સાથે વાત કરતાં પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસલક્ષી કાર્યો કરવા માટે આશીર્વાદ આપ્યા હતા તે તમામ વિકાસકાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવયાત્રા સ્વરૂપે જનતાને આપશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













