ગુજરાત ચૂંટણી : નિષ્ક્રિય દેખાતી કૉંગ્રેસ કઈ રીતે ચૂંટણીપ્રચાર કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી સંવાદદાતા

- તાજેતરમાં પીએમ મોદીએ વલ્લભ વિદ્યાનગરની સભામાં કહ્યું હતું કે તમે એવું ન સમજતા કે "કૉંગ્રેસ ચૂપ થઈ ગઈ છે અને કંઈ જ નથી કરી રહી, એમ માનીને સંતોષથી ચૂંટણીમાં બેસી ના રહેશો."
- તેમણે એમ પણ કહ્યું કે "તેઓ પ્રેસ-કૉન્ફરન્સ નથી કરી રહ્યા કે કોઈ પડકારજનક નિવેદનો નથી કરી રહ્યા પણ મેં શોધી કાઢ્યું છે કે તેઓ શું કરી રહ્યા છે. આપણે સજાગ રહેવું પડશે."
- વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના ચૂંટણી પ્રચારમાં એવું શું શોધી કાઢ્યું છે? અને કૉંગ્રેસના મૌન પ્રચારમાં શું મતદારોને આકર્ષવાનું ખરેખર સામર્થ્ય છે ખરૂં?
- કૉંગ્રેસના મૌન પ્રચાર અંગે વિગતો જાણવા અમે અંતરિયાળ વિસ્તારના કૉંગ્રેસી કાર્યકર્તાઓનો સંપર્ક કર્યો.

"તમારો શત્રુ ભૂલો કરી રહ્યો હોય ત્યારે તેને ખલેલ ન પહોંચાડશો" નેપોલિયન બોનાપાર્ટનું આ પ્રસિદ્ધ અવતરણને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના પ્રચાર સાથે જોડી શકાય?
કેમકે ગુજરાતમાં કૉંગ્રેસના પ્રચાર ઉપર નજર કરીએ તો આ ચૂંટણીમાં મૌન પ્રચાર વધુ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
કદાચ એટલે જ વડા પ્રધાન મોદીએ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં ભાજપના કાર્યકર્તાઓના જનવિશ્વાસ સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે એવું ન સમજતા કે "કૉંગ્રેસ ચૂપ થઈ ગઈ છે અને કંઈ જ નથી કરી રહી, એમ માનીને સંતોષથી ચૂંટણીમાં બેસી ના રહેશો."
તેમણે કહ્યું "કૉંગ્રેસ ખૂબ જ ચૂપ છે, પરંતુ એમ નહીં માની લેતા તે ખતમ થઈ ગઈ છે. તેઓ ચૂપચાપ ગામડાંઓમાં જઈ રહ્યા છે અને તેમનો પાયો મજબૂત કરી રહ્યા છે. એવા ભ્રમમાં ન રહેતા કે તેઓ (ચૂંટણી માટે) કંઈ જ નથી કરી રહ્યા."
"તેઓ પ્રેસ-કૉન્ફરન્સ નથી કરી રહ્યા કે કોઈ પડકારજનક નિવેદનો નથી કરી રહ્યા પણ મેં શોધી કાઢ્યું છે કે તેઓ શું કરી રહ્યા છે. આપણે સજાગ રહેવું પડશે."
વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના ચૂંટણી પ્રચારમાં એવું શું શોધી કાઢ્યું છે? અને કૉંગ્રેસના મૌન પ્રચારમાં શું મતદારોને આકર્ષવાનું ખરેખર સામર્થ્ય છે ખરૂં?
કૉંગ્રેસના મૌન પ્રચાર અંગે વિગતો જાણવા અમે અંતરિયાળ વિસ્તારના કૉંગ્રેસી કાર્યકર્તાઓનો સંપર્ક કર્યો.

કૉંગ્રેસના 8 વચનો

ઇમેજ સ્રોત, @IYCGujarat
ખેર, જમીન પર તો કૉંગ્રેસનો પ્રચાર બહું દેખાતો નથી પરંતુ, સોશિયલ મીડિયા પર જોઈએ તો ગુજરાતમાં કૉંગ્રેસનો પ્રચારના કેન્દ્રમાં આ મુખ્ય 8 ચૂંટણી વચનો છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- ઘર વપરાશનું ગૅસ સિલિન્ડર 500 રૂપિયામાં, ઘર વપરાશની વીજળીના 300 યુનિટ ફ્રી, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના
- દીકરીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ ફ્રી, 3000 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ
- યુવાનો માટે 10 લાખ નોકરીઓ, કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ, બેરોજગારોને 3000 રૂપિયા ભથ્થું
- ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, ખેડૂતોના વીજળીના બિલ માફ, દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી
- દરેક ગુજરાતી માટે 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત, કિડની, લીવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્સ મફત, દવાઓ મફત
- ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી, નશાબંધીના કાયદાઓનો કડક અમલ, ગુનેગારોને જેલ
- શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગૅરંટી યોજના, ઇન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા
- સરકારી નોકરીમાં ભરતી અને સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે.

યૂથ કૉંગ્રેસ વધુ સક્રિય

ઇમેજ સ્રોત, @IYCGujarat
ગુજરાત યૂથ કૉંગ્રેસ વધુ સક્રિય જણાય છે.
ખાટલા પરિષદો, પદયાત્રાઓ, મોડી રાતે મશાલ રેલીઓ, યુવાનોની બાઈક રેલીઓ, ખેડૂતોની હજારો ટ્રૅકટર સાથેની રેલીઓ કાઢવામાં આવે છે. તેમાં લોકડાયરા સાથે મનોરંજન પણ પિરસવામાં આવે છે. ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી બીબીસી સાથે વાત કરતા કહે છે, "મશાલ રેલી ક્રાંતિનું પ્રતિક છે અને યુવાઓ તેને લઈને આગળ વધી રહ્યા છે."
યુવા કાર્યકર અને મહુવા (ભાવનગર) તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પરેશ જીંજાળા બીબીસી સાથે વાત કરતા કહે છે, "ચૂંટણી વખતે ધ્યાન રાખવા માટે દરેક બૂથ પર 10 જણાની ટીમ રાખવાની છે અને અમે તેનું 70 ટકા કામ અમે પુરૂ કરી નાખ્યું છે. તાલુકા-જિલ્લાની દરેક યોજનાઓ બૂથ પ્રતિનિધિઓને અનુલક્ષીને જ બનાવવાની હોય છે."
"ગઈ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે કયા વિસ્તારમાં કયા કારણોસર હાર્યા તેની સમીક્ષા કરીને તે વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવું. જેમકે જેમાં અમે પાછળ હતા તે મહુવા વિસ્તારમાં કતપરથી લઈને માઢિયા સુધીના આગળના દરિયાકાંઠાના ગામોમાં જમણવાર સાથેની મિટિંગો યોજાઈ હતી. નિરમા હટાવવાના કારણે આ ગામોમાં અમને નુકશાન થયું હતું તો પ્રદૂષણ ન થાય અને લોકોની બહું જમીન પણ ન જાય તેવા ઉદ્યોગો લાવવાના પ્રયાસની વાત સાથે અહીં પ્રચાર કરવાનો હતો."
તેમના જણાવ્યા અનુસાર, ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને વધુ બેઠકો ગ્રામ્ય વિસ્તારમાંથી મળી હતી. એટલે વધુ ભાર ગ્રામીણ વિસ્તારોમાં આપવામાં આવે છે.

કૉંગ્રેસના પ્રચારના મુદ્દા
યુવાનોને ટાર્ગેટ કરતા કૉંગ્રેસ પ્રચાર અભિયાનમાં પેપરલીકની ઘટનાઓના મુદ્દાને ઉછાળી રહી છે. રાજ્યમાં વિવિધ ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષામાં થયેલા પેપરલીકની ઘટનાઓની યાદી સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં 22 પેપરલીક થયા હોવાનો દાવો કરી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં કૉંગ્રેસના પ્રચારની પદ્ધતિનું અવલોકન કરતા તે યુવા પરિવર્તન રેલીઓ કાઢે છે અને કૉંગ્રેસ તરફી જુસ્સો ઉભો કરે છે, પરંતુ લાંબા ભાષણોથી બચે છે.
હાલમાં ગુજરાતમાં કૉંગ્રેસની યુવા પાંખના સોશિયલ મીડિયા પરની પોસ્ટ પરથી જોઈ શકાય છે કે, ભાજપની ગૌરવયાત્રા પર કૉંગ્રેસે પ્રચાર અભિયાન ચલાવ્યું છે અને કટાક્ષો કરી રહી છે.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કૉંગ્રેસ ભાજપના 27 વર્ષના શાસનમાં મોંઘવારી અને બેરોજગારી, ભ્રષ્ટાચાર, સરકારી શાળાઓની બિસમાર હાલત અને ખાનગી શાળાઓમાં મોંઘા શિક્ષણ, કોરોનાકાળમાં ઓક્સિજન, વેન્ટિલેટરની અછત, ઇંજેક્શનોના કાળાબજાર, ઉપરાંત ગેસ સિલિન્ડરના ભાવ વધારા, ખેડુતો પર જીએસટીનો ભાર જેવા મુદ્દા લોકો સમક્ષ રજૂ કરી રહી છે.
એટલું જ નહીં, ભાજપની ટીકા સાથે કૉંગ્રેસ પોતાના 27 વર્ષ પહેલાંના શાસનકાળ દરમિયાન ગુજરાતના દરેક જિલ્લામાં જીઆઈડીસી, 30 હજાર કરતાં વધુ શાળાઓનું નિર્માણ, દરેક જિલ્લામાં કૃષિ, ટૅકનિકલ, ઍન્જીનિયરિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રની યુનિવર્સિટીઓની સ્થાપના જેવી સિદ્ધિઓનો પણ પ્રચાર કરે છે.
અમુક વર્ગને સાથે નહીં રાખવાના નિર્દેશ?

ઇમેજ સ્રોત, Getty Images
સમાજના કયા વર્ગને કૉંગ્રેસ ટાર્ગેટ કરે છે? એવા સવાલના જવાબમાં સૌરાષ્ટ્રના એક કૉંગ્રેસી કાર્યકર્તાએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે અમને અમુક કાર્યક્રમમાં અમુક વર્ગને સાથે નહીં રાખવો એવા નિર્દેશો આપવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે કોઈ જાહેરાત નહોતી થઈ પરંતુ અમને આંતરિક રીતે કહેવાયું હતું કે રથયાત્રા, જન્માષ્ટમી સહિતના દરેક તહેવારો કૉંગ્રેસના બૅનર-પતાકા લગાવીને ઉજવવાના છે. લોકોને પણ લાગવું જોઈએ કે આ કૉંગ્રેસ પ્રેરિત કાર્યક્રમ છે.
જોકે વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે, "ગુજરાત કૉંગ્રેસ જૂની પદ્ધતિએ જ પ્રચાર કરી રહી છે એટલે કૉંગ્રેસ પાસે પ્રચાર નીતિ કે વ્યૂહરચના હોય એવું લાગતું નથી. પોસ્ટર્સ લાગ્યા અને મુદ્દાઓ ઉપાડ્યા તેના આધારે એવું કહીં શકાય કે 'કામ બોલે છે' અંતર્ગત ભૂતકાળમાં કરેલા પાયાના કામો યાદ અપાવવાની કોશિશ છે અને 8 વચનો આપવામાં આવ્યા છે."
તેઓ ઉમરે છે, "નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ ખાટલા બેઠક કરી રહી છે, તે વાતના પણ અનેક સૂચિતાર્થ છે. એક સૂચિતાર્થ ભાજપના કાર્યકરને સાવધાન કરવાનો છે."
આ વખતે મોટી ખામી એ દેખાય છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ વારંવાર ગુજરાતમાં સભાઓ કરી રહ્યા છે. એ પ્રકારના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો ગુજરાત કૉંગ્રેસના નથી થયા.
એ વીડિયોની સત્યતાની ખાતરી કરી શકાતી નથી પણ તાજેતરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની એક ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેઓ ભાજપના કાર્યકર્તાને કહી રહ્યા હતા કે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીનો પ્રચાર ભાજપ કરતા કેમ વધારે દેખાઈ રહ્યો છે.
દિલીપ ગોહિલ કહે છે, "માંડવિયાની આ વાતનો અર્થ એમ થયો કે સોશિયલ મીડિયામાં પ્રચારમાં પણ ભાજપની સ્પર્ધા કૉંગ્રેસ સાથે નથી પણ આમ આદમી પાર્ટી સાથે છે. ટૂંકમાં 27 વર્ષ પછી કૉંગ્રેસે સત્તામાં આવવા માટે કરવો પડે એટલો પ્રયત્ન કરી રહી નથી. ત્રીજો પક્ષ સ્પર્ધામાં આવ્યો ત્યારે કૉંગ્રેસે અલગ કરવાની જરૂર હતી પણ એવું નથી થયું. ઉલટાનું કૉંગ્રેસે વહેલા ઉમેદવારો જાહેર કરવાની વાત કરી હતી તે હજુ નથી થયા."

ગુજરાતના તમામ જિલ્લાને આવરી લેતી 5 યાત્રા

ઇમેજ સ્રોત, @IYCGujarat
જોકે ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નિષ્ક્રિયતાના આક્ષેપોને ફગાવતા કહે છે, "સૌ પ્રથમ અંબાજીથી ઉમરગામ સુધીની 40 આદિવાસી બેઠકોને આવરી લેતા આદિવાસી મહાસંમેલનનો પ્રારંભ દાહોદથી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં થયો હતો."
"5 સપ્ટેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 1 લાખ કરતા વધુ કાર્યકર્તાઓની હાજરીમાં રાહુલ ગાંધીએ પ્રચાર માટેના કૉંગ્રેસના 8 વચનો આપ્યા હતા. પછી આ વચનોને લઈને અમે મારૂ બૂથ, મારૂ ગૌરવ હેઠળ ડોર-ટુ-ડોર જઈ રહ્યા છીએ."
તેઓ ઉમેરે છે, "યુવા યોજગાર સંકલ્પ યાત્રા, દલિત અધિકાર સત્યાગ્રહ, સૌરાષ્ટ્રની 27 બેઠકોને આવરી લેતા એક યાત્રા લલિત કગથરાની આગેવાનીમાં રાજકોટથી ખોડલધામ સુધી અને બીજી અંબરિશ ડેરની આગેવાનીમાં રાજુલાથી ખોડલધામ સુધી કાઢવામાં આવી હતી."
આગામી કાર્યક્રમો વિશે મનીષ દોશી કહે છે, "યુથ કૉંગ્રેસના વડા હરપાલસિંહ ચૂડાસમાના નેતૃત્વમાં યુવા પરિવર્તન યાત્રા નીકળી છે. અમે કર્મચારી સંગઠનોને મળી રહ્યા છીએ. તેને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. દિવાળી બાદ અમે 5 ચૂંટણી યાત્રાનું આયોજન કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં બે યાત્રા નિકળશે, એક યાત્રા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી નિકળશે. આ બધી યાત્રા 7 દિવસની હશે અને તેમાં જે તે વિસ્તારના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે."
પાટણ અને થરાદમાં અમારા સંમેલનો થયા છે.
ભાજપ પેજ કમિટિ સુધી પહોંચી ગઈ છે ત્યારે કૉંગ્રેસ 'મારૂ બુથ, મારૂ ગૌરવ' લઈને આવ્યું તે પણ કૉંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. અમદાવાદના રિવરફ્રન્ટ પરના કાર્યક્રમમાં ગુજરાતભરના બૂથ લેવલના કાર્યકર્તાઓએ તેમાં ભાગ લીધો હતો.
ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે મનીષ દોશી કહે છે, "19થી 21 સ્ક્રીનિંગ કમિટિની બેઠકો મળી રહી છે. ચાર તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર થશે. પહેલા તબક્કાની યાદીમાં 40થી 50 ઉમેદવારો હશે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે."
જોકે દિલીપ ગોહિલ કહે છે, "કૉંગ્રેસ પાસે જમાનાને અનુરૂપ નવા મતદારોને આકર્ષવા માટેની કોઈ યોજના જણાતી નથી અને એવી યોજના હોય તો તેનો અસરકારક અમલ જમીની સ્તર પર પ્રચારમાં જોવા મળતો નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













