બૅન્કો કંપનીઓની અબજો રૂપિયાની લોનની માંડવાળ કરે, ત્યારે તમારા પૈસા લૂંટાય છે?

ઇમેજ સ્રોત, MADE NAGI,GETTY
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
હજારો કરોડ રૂપિયાની લોન રાઈટ ઑફ એટલે કે માંડવાળ કરવામાં આવી હોવાના સમાચાર અખબારો, ટેલિવિઝન, ઓનલાઈન પોર્ટલ અને સોશિયલ મીડિયા પર વારંવાર ચમકતા રહે છે.
સંસદના શિયાળુ સત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે આપેલી માહિતી અનુસાર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં બૅન્કોએ કુલ 10 લાખ કરોડ રૂપિયાની લોન (એનપીએ - નોન પર્ફોર્મિંગ ઍસેટ)ને માંડવાળ કરી છે. જોકે સરકારે એમ પણ કહ્યું છે કે માંડવાળ કરવામાં આવેલી આ રકમનો અર્થ એ નથી કે બૅન્કો આ નાણાને પાછા લેવાના પગલાં નહીં લે. આ નાણાની વસુલાતની કાર્યવાહી બાકીદારો પાસેથી ચાલુ રહેશે.
આ ઉપરાંત માંડવાળ કરવામાં આવેલી લોનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. માહિતી મેળવવાના અધિકાર કાયદા હેઠળની એક અરજીના જવાબમાં કેનેરા બૅન્કે જણાવ્યું હતું કે છેલ્લાં 11 વર્ષમાં બૅન્કે રૂપિયા 1.29 લાખ કરોડ રૂપિયાની લોન રાઈટ ઑફ કરી છે.
જોકે, શેર બજારમાં લિસ્ટેડ બૅન્કો પોતાની ત્રિમાસિક કામગીરીનું વિવરણ જાહેર કરે ત્યારે તેમાં લોન રાઈટ ઑફની માહિતી પણ હોય છે. બૅન્કોએ તેમના ત્રિમાસિક પરિણામમાં શેરધારકોને જણાવવાનું હોય છે કે બૅન્કે કેટલી લોન રાઈટ ઑફ કરી છે.
કેનેરા બૅન્કના આ સમાચાર બહાર આવ્યા પછી વિરોધ પક્ષના અનેક નેતાઓએ કેન્દ્ર સરકારને નિશાન બનાવી હતી. વકીલ પ્રશાંત ભૂષણ, માર્ક્સવાદી નેતા સીતારામ યેચૂરી સહિતના અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર સરકારને ઘેરી લીધી હતી અને જણાવ્યું હતું કે સરકારી બૅન્કો લોન માંડવાળ કરીને લોકોના પૈસા લૂંટી રહી છે.
લોન રાઈટ ઑફ વિશેનો વિરોધ પક્ષનો આ દાવો સાચો છે કે પછી સરકાર જાણીજોઇને તથા ટેક્નીકલ શબ્દોનો ઉપયોગ કરીને આટલી મોટી રકમ છુપાવી રહી છે?
ટેક્નીકલ રાઈટ ઑફ અને લોનમાફીનું આ કોકડું ઉકેલતા પહેલાં બૅન્કિંગ સિસ્ટમને સમજવી જરૂરી છે. સૌપ્રથમ એ સમજીએ કે બૅન્કો માટે લોન કેટલી જરૂરી હોય છે.
વાસ્તવમાં બૅન્કિંગનો બિઝનેસ તેમના ગ્રાહકોના નાણાં જમા કરવાને બદલે તેમને લોન આપવા પર વધારે આધારિત છે. બૅન્ક માટે આ બન્ને બાબત જરૂરી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅન્કો કે નાણાકીય સંસ્થાઓ માટે લોન એક ઍસેટ (અસ્ક્યામતો) હોય છે, કારણ કે તેનાથી બૅન્કોને આવક થાય છે. બૅન્કો જે લોન આપે છે તેના બદલામાં લોન લેનાર પાસેથી વ્યાજ વસૂલે છે.
બીજી તરફ બૅન્કોમાં જમા ગ્રાહકોના નાણાં (ડીપોઝિટ્સ) બૅન્કોની લાયેબિલિટી એટલે કે જવાબદારી હોય છે અને ડીપોઝિટ્સ માટે બૅન્કોએ ગ્રાહકોને વ્યાજ ચૂકવવાનું હોય છે. ડીપોઝિટ્સનો ઉપયોગ બૅન્કો લોન આપવા માટે કરતી હોય છે.

રાઈટ ઑફ શું છે?

ઇમેજ સ્રોત, SOPA IMAGES,GETTY
લોન લેનાર વ્યક્તિ કે બિઝનેસ સક્ષમ હોવા છતાં જાણીજોઇને લોન ન ચૂકવે તેને વિલફુલ ડિફૉલ્ટર કહેવામાં આવે છે.
આવા વિલફુલ ડિફોલ્ટર્સ પાસેથી લોન વસૂલવાની આશાનો અંત આવે ત્યારે બૅન્કો એ લોનને ડૂબેલી માનીને રાઈટ ઑફ ખાતામાં નાખી દે છે, પરંતુ રાઈટ ઓફનો અર્થ એ નથી કે તે લોન માફ કરવામાં આવી છે. બૅન્કો પોતાની બેલેન્સ શીટને ચોખ્ખી રાખવા માટે આવું કરતી હોય છે અને તેની પણ એક પ્રક્રિયા છે.
રિઝર્વ બૅન્કના નિયમ અનુસાર, આવી લોનને બૅન્કો પહેલાં નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર કરવી પડે છે અને લોન વસૂલ ન કરી શકાય ત્યારે તેને રાઈટ ઑફ કરવાની હોય છે.
આવા ભાગેડુ આર્થિક ગુનેગારોને દંડવા માટે સરકારે એક કાયદો પણ બનાવ્યો છે. એ કાયદા હેઠળ ભાગેડુ ધંધાર્થીઓને દેશમાં પરત લાવવાના પ્રયાસ કરવામાં આવે છે અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર તેમની સ્થાયી-અસ્થાયી સંપત્તિ જપ્ત કરીને લોન વસૂલવામાં આવે છે.

શું છે એનપીએ?
એનપીએને સમજતા પહેલાં બૅન્કો કઈ રીતે કામ કરે છે તે સમજીએ. દાખલા તરીકે, કોઈ બૅન્કમાં રૂ. 100 જમા હોય તો તેમાંથી સાડા ચાર રૂપિયા રિઝર્વ બૅન્ક રાખે છે. તેને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) કહે છે. હાલ સીઆરઆરનો દર 4.5 ટકા છે.
સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) એટલે કે કાયદેસરનો તરલતા ગુણોત્તર. એસએલઆરનો હાલનો દર 18 ટકા છે. તેથી બૅન્કોએ બોન્ડઝ કે ગોલ્ડના સ્વરૂપમાં પ્રત્યેક રૂ. 100માંથી 18 રૂપિયા રિઝર્વ બૅન્કમાં રાખવાના હોય છે.
બાકી બચેલા રૂપિયાા 77.50માંથી બૅન્કો લોન આપી શકે છે. તે લોનનું જે વ્યાજ મળે તેમાંથી બૅન્કો તેમના ગ્રાહકોની ડીપોઝિટ્સનું વ્યાજ ચૂકવે છે અને તેમાંથી બાકી બચેલો હિસ્સો બૅન્કનો નફો બને છે.
રિઝર્વ બૅન્કના નિયમ અનુસાર, બૅન્કોને કોઈ અસ્ક્યામત એટલે કે લોનમાંથી વ્યાજની આવક મળતી બંધ થઈ જાય તો તેને એનપીએ ગણવામાં આવે છે.
બૅન્કે જે લોન આપી છે તેની પ્રિન્સિપાલ અમાઉન્ટ (મૂળ રકમ) કે વ્યાજનો હપતો 90 દિવસમાં પાછો ન મળે તો બૅન્કોએ તેને એનપીએ ખાતામાં નાખવી પડે છે.

એનપીએના નિયમો

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE,GETTY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોઈ લોન અકાઉન્ટ નજીકના ભવિષ્યમાં એનપીએ બનશે કે કેમ તે નક્કી કરવા રિઝર્વ બૅન્કે કેટલાક નિયમો બનાવ્યા છે. તે મુજબ, એનપીએ થવાની સંભાવના હોય તેવાં એકાઉન્ટ્સને બૅન્કોએ સ્પેશ્યલ મેન્શન એકાઉન્ટ તરીકે ચિહ્નિત કરવાના હોય છે.
કોઈ લોન એકાઉન્ટના એનપીએ જાહેર કર્યા બાદ બૅન્કોએ તેને સબ-સ્ટાન્ડર્ડ ઍસેટ્સ, ડાઉટફૂલ ઍસેટ્સ અને લૉસ ઍસેટ્સ એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવાના હોય છે.
કોઈ લોન ઍકાઉન્ટ એક વર્ષ કે તેથી ઓછા સમય માટે એનપીએ બન્યું હોય તો તેને સબ-સ્ટાન્ડર્ડ ઍસેટ્સ કહેવામાં આવે છે. આવું ઍકાઉન્ટ એક વર્ષ સુધી સબ-સ્ટાન્ડર્ડ ઍસેટ્સની શ્રેણીમાં રહે તો તેને ડાઉટફૂલ ઍસેટ્સ કહેવામાં આવે છે. એ એકાઉન્ટને આપેલી લોન વસૂલી શકાશે નહીં એવું બૅન્કોને લાગે ત્યારે તેને લૉસ્ટ ઍસેટ્સની શ્રેણીમાં નાખી દેવામાં આવે છે.
બૅન્કિંગ નિષ્ણાત કાજલ જૈને કહ્યું હતું કે “રિઝર્વ બૅન્કે એનપીએના નિયમોમાં ફેબ્રુઆરીમાં મોટો ફેરફાર કર્યો હતો અને અડધો ડઝન નિયમો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. લોન ડિફોલ્ટના કિસ્સામાં 180 દિવસમાં નિરાકરણ કરવાનું બૅન્કો માટે અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. એવું ન થાય તો તે એકાઉન્ટને બૅન્કરપ્સીની એટલે કે તેને દેવાળિયું જાહેર કરવાની પ્રક્રિયા આગળ વધારવી પડે છે.”
કાજલે ઉમેર્યું હતું કે “નવા નિયમ હેઠળ રૂપિયા 2 હજાર કરોડ કે તેથી વધારેની લોન ડિફોલ્ટના કિસ્સામાં બૅન્ક અધિકારીઓએ 180 દિવસમાં પ્રોવિઝનિંગ અથવા તો સમાધાનની યોજના તૈયાર કરવી પડે છે. એવું ન થાય તો તેમાં બૅન્કરપ્સી પ્રોસેસ કરવી અનિવાર્ય છે.”
અર્થશાસ્ત્રી સુનિલ સિન્હાએ કહ્યું હતું કે “બૅન્કોમાં ડિફોલ્ટના કિસ્સા વધી રહ્યા છે તે કેટલીક હદ સુધી સાચું છે, પરંતુ હવે બૅન્કોને તેની પ્રોવિઝનિંગ માટે માત્ર છ મહિના આપવામાં આવ્યા છે. તેથી બૅન્કોએ આ એનપીએને ખોટના સ્વરૂપમાં દર્શાવવી પડશે. તેનો અર્થ એવો નથી કે બૅન્કોની લોન ડૂબી ગઈ છે અને તે ક્યારેય વસૂલ જ નહીં થઈ શકે.”

લોનમાફી એટલે શું?

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN, GETTY
કોઈ વ્યક્તિ કે બિઝનેસ લોન પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકે અથવા ચૂકવી શકવા અસમર્થ હોય તો તેવી લોનને સરકારે માફી આપી છે, પરંતુ બધા લોકો કરજ માફીના આ દાયરામાં આવતા નથી.
આ પ્રકારે સામાન્ય રીતે ખેડૂતોને કરજ માફી આપવામાં આવતી હોય છે. ચૂંટણી પહેલાં આવી કરજ માફીની જાહેરાત કરવામાં આવતી હોવાનું વારંવાર જોવા મળ્યું છે.
સાદા શબ્દોમાં કહીએ તો ખેડૂતોને ખરાબ પાક, કમોસમી વરસાદ કે દુષ્કાળ જેવી કુદરતી આફતોથી થતા આર્થિક નુકસાનની ભરપાઈ માટે કરજ માફીની જાહેરાત કરવામાં આવે છે. કરજ માફીની આવી યોજનામાં કોઈ મોટી કંપનીની લોન માફ કરવામાં આવતી નથી.
આર્થિક બાબતોના જાણકાર સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે બૅન્કો કે નાણાકીય સંસ્થાઓ લોન માંડવાળ કરવાને બદલે સરકારની કરજ માફી યોજનાને અગ્રતા આપે તે દેખીતું છે.
સુદીપે કહ્યું હતું કે “બૅન્કો માટે લોનને માંડવાળ કરવા કરતાં કરજ માફી એક સારી વધારે સારી બાબત છે, કારણ કે કરજ માફીમાં બૅન્કોને લોનની તમામ રકમ સરકાર પાસેથી પાછી મળી જાય છે અને લોનધારક(મોટાભાગના કિસ્સામાં ખેડૂત)ને પણ લોનને બોજમાંથી મુક્તિ મળે છે.”
સુદીપે ઉમેર્યું હતું કે “સરકાર એવું કહે કે તે ખેડૂતોને રૂ. 1,000ની કરજ માફી આપશે તો તેનો અર્થ એ થયો કે બૅન્કોને તે રૂ. 1,000 સરકાર આપશે, જ્યારે કે રાઈટ ઑફ પ્રક્રિયામાં બૅન્કોએ બેડ લોન્સ માટે જોગવાઈ કરવી પડે છે અને તેની અસર બૅન્કોના નફા પર થાય તે દેખીતું છે.”
લોન માંડવાળ અને લોન માફીની કથામાં મોટાભાગે આંકડાનો ખેલ હોય છે. કદાચ એટલે જ કહેવામાં આવે છે કે આંકડા અસત્યનું બયાન નથી કરતા, પરંતુ સંપૂર્ણ સચ્ચાઈ પણ નથી દર્શાવતા.














