વડા પ્રધાન મોદીએ જેમની પ્રતિમાનું અનાવરણ કર્યું એ કેમ્પે ગૌડા કોણ હતા?

- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી સંવાદદાતા
બેંગલુરુના સ્થાપક કેમ્પે ગૌડાની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઔપચારિક અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્યું હતું. આ પ્રતિમા વિમાન માર્ગે શહેરમાં આવતા લોકોનું સ્વાગત કરશે.
સોળમી સદીના વિજયનગરના સામ્રાજ્યના વડા કેમ્પે ગૌડાએ બેંગલુરુની સ્થાપના કર્યાનાં 511 વર્ષ પછી તેમની 4,000 કિલોની તલવાર સાથેની 220 ટન વજનની પ્રતિમાની કર્ણાટકના લોકોને ભેટ આપવામાં આવી છે.
આ પ્રતિમાનું નિર્માણ શિલ્પકાર રામ વી સુતારે કર્યું છે. રામ સુતારે સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતમાંના નર્મદા ડૅમ ખાતેની પ્રતિમાનું પણ નિર્માણ કર્યું છે.
સરદાર પટેલ કૉંગ્રેસી નેતા હતા અને તેમની પ્રતિમાના નિર્માણને તેમનો વારસો અંકે કરવાનું રાજકીય પગલું ગણવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય જનતા પાર્ટી કહે છે કે સરકાર પટેલ કૉંગ્રેસી નેતા હોવા છતાં તેમના યોગદાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને તેમને વડા પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે છ મહિના બાકી રહ્યા છે અને રાજ્યનો શાસક ભાજપ વોક્કાલિગા પ્રદેશમાં પોતાની સ્થિતિ બહેતર બનાવવા ઇચ્છે છે. તેથી કેમ્પે ગૌડાની પ્રતિમાનું ઉદઘાટન પણ તેમનો વારસો અંકે કરવાનો ભાજપનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.

કેમ્પે ગૌડા કોણ હતા?

કેમ્પે ગૌડા સવર્ણ વોક્કાલિગા સમુદાયના હતા. બેંગલુરુ, માંડ્યા, મૈસૂરુ, ચામરાજનગર, હાસન, ચિકમંગલુરુ, ટુમાકુરુ તથા કોલાર જિલ્લાને આવરી લેતા ઓલ્ડ મૈસૂર અથવા દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં વોક્કાલિગા સમુદાયનું પ્રભુત્વ છે.
ઉત્તર કર્ણાટકમાં બીજા સવર્ણ જ્ઞાતિ જૂથ લિંગાયતોનું પ્રભુત્વ છે અને આ સમુદાયના લોકો સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓલ્ડ મૈસૂર પ્રદેશ મુખ્યત્વે કૉંગ્રેસ તથા જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના મજબૂત વોક્કાલિગા નેતા તથા ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા વચ્ચેની રાજકીય ટક્કરનું કેન્દ્ર છે. આ પ્રદેશમાં ભાજપનો લોકસભાની ગત ચૂંટણીમાં આસાનીથી વિજય થયો હતો, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તે તેના બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓના આ ગઢના કાંગરા હલાવી શક્યો નહતો.
2019માં સૌપ્રથમ વાર સરકાર રચ્યા પછી તત્કાલીન મુખ્ય મંત્રી બીએસ યેદીયુરપ્પાએ 23 એકરમાં ફેલાયેલા થીમ પાર્ક સાથે પ્રતિમાના નિર્માણ માટે રૂ. 100 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે જે રીતે સમગ્ર દેશમાંથી ઈંટો એકઠી કરવામાં આવી હતી એવી જ રીતે આ થીમ પાર્ક માટે રાજ્યના 31 જિલ્લામાંથી 21 ઑક્ટોબરથી માટી તથા પાણી એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
ભાજપ માટે કેમ્પે ગૌડાનો વારસો એટલો બધો મહત્ત્વનો છે કે કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના ટર્મિનલ-2 વિસ્તારમાં તેમની પ્રતિમાનું અનાવરણ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરવું પડે?

કેમ્પે ગૌડાનો વારસો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યેલાહાન્કામાં જન્મેલા કેમ્પે ગૌડા અલગ પ્રકારના નેતા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડી (એનઆઈએએસ)ના પ્રોફેસર નરેન્દ્ર પાણીએ બીબીસીને કહ્યું હતું કે “કોઈ પડકારી ન શકે એટલા માટે વિજયનગર સામ્રાજ્ય પથ્થરના કિલ્લા બનાવવા ઇચ્છતું ન હતું. તેથી કેમ્પે ગૌડાએ તેમનો કિલ્લો ઊંચા સ્થળે સ્થળાંતરિત કર્યો હતો. તેને લીધે તેઓ દૂર સુધી નજર રાખી શકતા હતા. કિલ્લાના સ્થાનને કારણે તેઓ પોતાના તેમજ પોતાના નાગરિકો માટે આગોતરી સાવધાનીની વ્યવસ્થા વિકસાવી શક્યા હતા.”
તેમણે શહેરમાં ચાર વોચ ટાવર્સ પણ બનાવ્યા હતા, જેને કેટલાક ઇતિહાસકારો શહેરના વિસ્તાર માટેનો કેમ્પે ગોવડાનો સંકેત માને છે. એ ચાર ટાવર્સ હાલના લાલબાગ, ગાવી ગંગાદરેશ્વર મંદિર, એમઈજી સેન્ટર અને યેલાહાંકા ગેટ વિસ્તારમાં હતા.
હાલ જૂના શહેર તરીકે ઓળખાતા વિસ્તારમાંના નાનાં, પુરાણાં મંદિરોના વિકાસને પણ કેમ્પે ગોવડાએ વેગ આપ્યો હતો.
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર હિસ્ટોરિકલ રિસર્ચ (આઈસીએચઆર)ના ડેપ્યુટી ડિરેક્ટર એસકે અરુણીએ કહ્યું હતું કે “એ પૈકીનાં મોટાં ભાગનાં દ્વવિડ સ્થાપત્ય શૈલીનાં છે. તેની બહારની દીવાલ પર રામાયણ જેવા કથાત્મક શિલ્પોની શૃંખલા જોવા મળે છે. વિજયનગરનાં મંદિરોમાં પણ એ જોવા મળતી હતી. ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીકના દેવનહલ્લીમાં પણ વિજયનગરથી અલગ શૈલીનો મંદિરનો મંડપ જોવા મળે છે.”

દૂરંદેશી

ઇમેજ સ્રોત, @HD_KUMARASWAMY
પ્રોફેસર નરેન્દ્ર પાણીએ કહ્યું હતું કે “તેઓ પરંપરાગત અર્થમાં વ્યવહારુ હતા. તેઓ કોઈ નિર્ણયના પરિણામનો વિચાર પહેલા કરતા અને માઠું પરિણામ નિવારવા બધું જ કરતા હતા. તેઓ વિજયનગર સામ્રાજ્યના નિયમોને અનુસરતા હતા. તેમણે પોતાના ચલણી સિક્કા પણ પડાવ્યા હતા. ક્રિષ્ના દેવરાયાએ તેમની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ પોતાની રીતે મુક્ત થવામાં સફળ રહ્યા હતા.”
શહેરી વિસ્તારોના સર્જન ઉપરાંત કેમ્પે ગૌડા સિંચાઈના હેતુસર સંખ્યાબંધ તળાવોના નિર્માણ માટે પણ વિખ્યાત છે. તેમણે બેંગલુરુ પર કેટલા વર્ષ શાસન કર્યું હતું એ વિશે ઇતિહાસકારોમાં ભિન્નમત પ્રવર્તે છે તેમ, તેમણે ચોક્કસ કેટલાં તળાવનું નિર્માણ કરાવ્યું હતું એ બાબતે પણ ઇતિહાસકારો એકમત નથી.
તેમના શાસન વિશેનું આધારભૂત વર્ણન ડૉ. સૂર્યનાથ કામતે લખ્યું છે. 1513થી 1569 સુધી તેમણે શાસન કર્યું હોવાના પુરાવા છે. તેઓ 1608 સુધી જીવંત હોવાના પુરાવા પણ ઇતિહાસકારોને મળ્યા છે.
બેંગલોર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. એમ જમુનાએ બીબીસીને કહ્યું હતું કે “કેમ્પે ગૌડા પુરાલેખનને બદલે લોકકથાઓને કારણે વધારે જાણીતા છે.”
“તેમ છતાં તાજેતરનાં વર્ષોમાં તેમની એક યોદ્ધા તરીકેની ઈમેજ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. તે ઈમેજ તિરુમાલા મંદિરમાં અમને મળી આવેલી ક્રિષ્ના દેવરાયા અને કેમ્પે ગૌડાની પ્રતિમાઓથી બિલકુલ વિપરીત છે. કેમ્પે ગૌડા વિશેના અમારા વિભાગના એક વાર્ષિક કાર્યક્રમમાં અમે તેમની પ્રતિમાનો ફોટો પ્રકાશિત કર્યો હતો. આજકાલ તેમને તલવાર અને ઢાલ સાથે ઊભેલા મોટી મૂછવાળા યોદ્ધાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તેઓ એવા ન હતા. તેઓ યુદ્ધ ક્યારેય લડ્યા ન હતા. તેઓ રાજદ્વારી તરીકે જાણીતા હતા અને તેમણે પાલેગરો વચ્ચે શાંતિ સ્થાપવાનું કામ કર્યું હતું.”
પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે એક અન્ય ઇતિહાસકારે બીબીસીને આ સંદર્ભમાં જણાવ્યું હતું કે “કેમ્પે ગૌડાના યૌદ્ધાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. બૃહદ બેંગ્લુરુ મહાનગરપાલિકા સામેની તેમની પ્રતિમામાં તેમણે ચૂડીદાર પહેર્યું હોવાનું જોવા મળે છે. ચૂડીદાર તો છેલ્લાં 300 વર્ષમાં અથવા તો મોગલકાળના લગભગ અંતે અસ્તિત્વમાં આવ્યાં હતાં.”














