ભારતમાં ચલણી નોટોની ડિઝાઇન કોણ નક્કી કરે છે? તેના પરનો ફોટો બદલવાનો અધિકાર કોને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હર્ષલ અકુડે
- પદ, બીબીસી મરાઠી
ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી દેવી અને ગણેશજીનાં ચિત્રો મૂકવાં જોઈએ તેવી માગણી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી તે પછી સમગ્ર દેશમાંથી લોકો આ સંદર્ભે વિવિધ માગણી કરી રહ્યા છે.
કરન્સી નોટો પર શિવાજી મહારાજ, બાબાસાહેબ આંબેડકરથી માંડીને વિનાયક સાવરકર, બાળાસાહેબ ઠાકરે અને નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ હોવા જોઈએ તેવી માગણી રાજકીય નેતાઓ કરી રહ્યા છે.
હાલ દેશમાં કરન્સી નોટો પર મહાત્મા ગાંધીનું ચિત્ર છાપવામાં આવે છે. એ ફોટો છે તેવી જ રીતે નોટની બીજી બાજુ પર ગણપતિજી અને લક્ષ્મી માતાનો ફોટો છાપવો જોઈએ, એવું અરવિંદ કેજરીવાલે સૂચવ્યું છે.
ચલણી નોટો પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને લેખક રવીન્દ્રનાથ ટાગોરના ફોટો છાપવાની માગણી જૂનમાં કરવામાં આવી હતી, પરંતુ નોટો પરના મહાત્મા ગાંધીના ફોટોગ્રાફને બદલવાનો કોઈ વિચાર ન હોવાનું સ્પષ્ટ જણાવીને રિઝર્વ બેન્કે તે ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
કરન્સી નોટો પરના ફોટો બદલવાની માગણી દેશમાં વારંવાર કરવામાં આવતી રહે છે. કેટલીક વખત એ મુદ્દે રાજકીય ગરમાગરમી સર્જાય છે અને થોડા દિવસમાં ઊભરો શમી જાય છે.
સવાલ એ છે કે નેતાઓની માગણી મુજબ ચલણી નોટો પરના ફોટા ખરેખર બદલી શકાય? જો આવું શક્ય હોય તો તેની પ્રક્રિયા શું છે અને સૌથી મહત્ત્વની વાત એ કે આ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે?

ભારતીય ચલણી નોટોનો ઇતિહાસ
ભારતીય ચલણ કોણ છાપે છે અને તેની પ્રક્રિયા શું છે તેની માહિતી મેળવતા પહેલાં કરન્સી નોટોનો ઇતિહાસ સમજી લેવો જરૂરી છે.
અત્યારે ભારતીય ચલણી નોટો પર એકબાજુ મહાત્મા ગાંધીનો ફોટોગ્રાફ જોવા મળે છે, પરંતુ એક સમયે કરન્સી નોટો પર ગાંધી બાપુનો ફોટો ન હતો એવું તમને કોઈ કહે તો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાચું. દેશને 1947માં આઝાદી મળી હતી, પણ ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો 1969ના નવેમ્બરથી જોવા મળતો થયો હતો.

ઇમેજ સ્રોત, RBI
દેશની આઝાદી મળ્યાના કેટલાક મહિનાઓમાં ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન સ્વતંત્ર ભારતની નવી ચલણી નોટોની ડિઝાઇન બનાવવાનું કામ ચાલુ હતું.
રિઝર્વ બૅન્કની વેબસાઈટ પરની માહિતી અનુસાર, ભારત સરકારે 1949માં પહેલી વખત એક રૂપિયાની નોટની ડિઝાઇન તૈયાર કરી હતી. અગાઉની ચલણી નોટ પરના બ્રિટનના રાજાનો ફોટો હટાવીને તેના સ્થાને ગાંધીજીનો ફોટો મૂકવામાં આવશે એવી ધારણા હતી.
તે મુજબની ડિઝાઇન પણ બનાવવામાં આવી હતી, પરંતુ આખરે મહાત્મા ગાંધીના ફોટોની જગ્યાએ ચલણી નોટ પર અશોકસ્તંભ હોવો જોઈએ એ બાબતે સમિતિ સહમત થઈ હતી.

ઇમેજ સ્રોત, RBI
1950માં ભારતીય પ્રજાસત્તાક દ્વારા બે, પાંચ, દસ અને 100 રૂપિયાની નોટ ચલણમાં મૂકવામાં આવી હતી.
બે, પાંચ અને 100 રૂપિયાની નોટની ડિઝાઇનમાં બહુ મોટો ફરક ન હતો, પરંતુ તેના રંગ અલગ-અલગ હતા. 10 રૂપિયાની નોટના પાછળના ભાગમાં દાદરાવાળી હોડીનો ફોટો યથાવત્ રાખવામાં આવ્યો હતો.
1950માં હિન્દીને અગ્રતા આપીને નવી ચલણી નોટો છાપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, RBI
1954માં 1,000, 2,000 અને 10,000 રૂપિયાની નોટો ફરી છાપવામાં આવી હતી. 1978માં એ નોટો ચલણમાંથી રદ કરવામાં આવી હતી. એટલે કે 1978માં 1,000, 2,000 અને 10,000 રૂપિયાની નોટબંધી કરવામાં આવી હતી.
બે અને પાંચ રૂપિયા જેવી નાના મૂલ્યની ચલણી નોટો પર સિંહ, હરણ જેવાં પ્રાણીના ફોટોગ્રાફ છાપવામાં આવ્યા હતા, પણ, 1975માં 100 રૂપિયાની નોટ પર કૃષિ સ્વાલંબન અને ચાના બગીચાઓમાંથી ચૂંટવામાં આવતાં પાંદડાનાં ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં.

જ્યારે ચલણી નોટ પર પહેલી વાર ગાંધી દેખાયા
ચલણી નોટો પર મહાત્મા ગાંધી ક્યારે આવ્યા? મહાત્મા ગાંધીના 100મા જન્મ દિવસ નિમિત્તે 1969માં પહેલી વખત ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો હતો. તે ફોટો સેવાગ્રામ આશ્રમમાં બેઠેલા ગાંધીજીનો હતો.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
1972માં રિઝર્વ બેન્કે સૌપ્રથમ વખત 20 રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી. તેના ત્રણ વર્ષ પછી 1975માં 50 રૂપિયાની નોટ આવી હતી.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
80ના દાયકામાં નવી સિરીઝની નોટો છાપવામાં આવી હતી, જૂના ફોટોની જગ્યાએ નવા ફોટો આવ્યા હતા. તે વખતે ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો ન હતો.
એક રૂપિયાની નોટ પર તેલના કૂવા, બે રૂપિયાની નોટ પર વિજ્ઞાન તથા ટેકનૉલૉજીસંબંધી આર્યભટ્ટ ઉપગ્રહનો ફોટો હતો, જ્યારે પાંચ રૂપિયાની નોટ પર ટ્રેકટર વડે ખેતી કરતા ખેડૂતનો ફોટો હતો.

ઇમેજ સ્રોત, RBI
એ જ સેટમાં 10 રૂપિયાની નોટ પર મોર તથા શાલીમાર ગાર્ડનનો ફોટો હતો. 20 રૂપિયાની નોટ પર કોણાર્ક મંદિરનો, જ્યારે 100 રૂપિયાની નોટ પર હિરાકુંડ બંધનો ફોટો હતો.
દરમિયાન દેશનું અર્થતંત્ર જોશભેર વિકસી રહ્યું હતું અને લોકોની ખરીદક્ષમતા વધી રહી હતી. તેથી રિઝર્વ બૅન્કે ઑક્ટોબર, 1987માં સૌપ્રથમવાર 500 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
તેના પર મહાત્મા ગાંધીનો ફોટોગ્રાફ ફરી છાપવામાં આવ્યો હતો. આજની ચલણી નોટોમાં જોવા મળે છે તેમ એ નોટ પર પણ ગાંધીજીનો ફોટો છાપવામાં આવ્યો હતો. એ સિવાય અશોકસ્તંભનો વોટરમાર્ક પણ હતો. પાછળની બાજુએ ગાંધીજીની દાંડી યાત્રાનો ફોટો છાપવામાં આવ્યો હતો.

નોટોની ડિઝાઇનમાં આમૂલ પરિવર્તન

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
સલામતીનાં નવાં ફીચરો સાથેની મહાત્મા ગાંધી સિરીઝની નવી નોટો 1996માં છાપવામાં આવી હતી. તેમાં વૉટરમાર્ક પણ બદલવામાં આવ્યો હતો અને પ્રજ્ઞાચક્ષુ લોકો પણ નોટને પારખી શકે એટલા માટે તેમાં નવીન ફીચરો સામેલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ મહાત્મા ગાંધીનો ફોટો યથાવત્ રહ્યો હતો.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
એ પછી એ જ સિરીઝમાં 1,000 રૂપિયાની નોટ વર્ષ 2000ની નવમી ઑક્ટોબરે ચલણમાં મૂકવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
ભારતીય કરન્સી નોટોમાં બીજી વખત મોટા ફેરફાર નવેમ્બર, 2016માં કરવામાં આવ્યા હતા. 2016ની આઠમી નવેમ્બરે મહાત્મા ગાંધી સિરીઝની 500 અને 1,000 રૂપિયાની નોટો ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
એ પછી મહાત્મા ગાંધી ન્યૂ સિરીઝ હેઠળ નવી નોટો ચલણમાં મૂકવામાં આવી હતી. તેમાં અલગ-અલગ રંગો ઉપરાંત નોટોનો આકાર બદલીને નાનો કરવામાં આવ્યો હતો. 2,000 રૂપિયાની નવી નોટ એ સિરીઝની છે.
દરમિયાન, એક રૂપિયાની નવી નોટ 2015માં બહાર પાડવામાં આવી હતી, પણ એ હાલ વ્યાપક રીતે ચલણમાં નથી. હવે બે તથા પાંચ રૂપિયાની નવી નોટો છાપવામાં આવતી નથી. એ મૂલ્યની જૂની નોટોને હાલ ચલણમાં માન્ય ગણવામાં આવે છે.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
ભારતમાં ચલણી સિક્કાનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવતો રહ્યો છે, પરંતુ સ્વતંત્ર ભારતનો પહેલો ચલણી સિક્કો 1950ની 15, ઑગસ્ટે બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં બ્રિટનના રાજાની મહોરને બદલે અશોકસ્તંભ અને મકાઈના બે ડોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દેશમાં શરૂઆતમાં નિકલ ધાતુ વડે ચલણી સિક્કા બનાવવામાં આવતા હતા. કાળાંતરે તેમાં વિવિધ ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોથી સ્ટેનલેસ સ્ટીલ અને કુપ્રો-નિકલના સિક્કા બનાવવામાં આવે છે.

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
જૂન, 2011માં 25 પૈસાથી ઓછા મૂલ્યના સિક્કાનું ચલણ બંધ કરવામાં આવ્યું હતું. હવે 50 પૈસા, એક રૂપિયો, બે રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાના મૂલ્યની ચલણી સિક્કાનો વપરાશ કરવામાં આવે છે.
ચલણી નોટો, સિક્કાઓ કોણ છાપે છે?

ઇમેજ સ્રોત, RBI.ORG.IN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં ચલણી નોટો તથા નાણાંસંબંધી તમામ અધિકાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તથા ભારત સરકાર પાસે છે. ચલણી નોટો સંબંધી તમામ કામકાજ રિઝર્વ બૅન્કનું સેન્ટ્રલ બોર્ડ કરે છે, જ્યારે નાણાંનું કામ કેન્દ્ર સરકાર પોતે સંભાળે છે.
વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ ચલણી નોટોની રચના કે ડિઝાઇન બદલવા સંબંધી તમામ અધિકાર રિઝર્વ બૅન્કને આપવામાં આવ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ મુજબ, કોઈ પણ ચલણી નોટની ડિઝાઇનમાં ફેરફાર કરવો હોય તો રિઝર્વ બૅન્કના સેન્ટ્રલ બોર્ડ અને કેન્દ્ર સરકાર બન્ને પાસેથી મંજૂરી લેવી પડે છે. એ પછી પણ ચલણની ડિઝાઇન બદલવાનો અંતિમ નિર્ણય તો કેન્દ્ર સરકાર જ કરે છે.
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા એક્ટ (1934)ની કલમક્રમાંક 22માં આ સંબંધે જોગવાઈ કરવામાં આવી છે. સૌપ્રથમ રિઝર્વ બૅન્ક ચલણી નોટની ડિઝાઇન બનાવે છે. તે ડિઝાઇન બૅન્કના સેન્ટ્રલ બોર્ડને મોકલવામાં આવે છે. આખરે એ ડિઝાઇન મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. નોટની ડિઝાઇન બનાવવાની પ્રક્રિયા આવી છે.
કોઈન્ઝ એક્ટ (2011) મુજબ, સિક્કા પર ભારત સરકારનો સંપૂર્ણ અધિકાર છે. ભારત સરકાર સિક્કાની ડિઝાઇન બનાવીને સિક્કા તૈયાર કરાવે છે, જે બાદમાં વિતરણ માટે રિઝર્વ બૅન્કને મોકલવામાં આવે છે.
ચલણી નોટો અને સિક્કાઓનું વ્યવસ્થાપન રિઝર્વ બૅન્કના કરન્સી મૅનેજમૅન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વિભાગ રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નરના અખત્યાર હેઠળનો છે. હાલ ટી. રવિશંકર આ જવાબદારી સંભાળે છે.
રિઝર્વ બૅન્કની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કરન્સી મૅનેજમૅન્ટ વિભાગ ચલણી નોટો અને સિક્કાના વ્યવસ્થાપનનું ધ્યાન રાખે છે. ચલણી નોટોની ડિઝાઇન, છાપકામ અને તેનો સમયસર પુરવઠો કરવાનું તેમજ સિક્કાના વિતરણનું કામ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
બનાવટી નોટો પર નિયંત્રણ રાખવાનું, નોટો તથા સિક્કાઓની લેવડદેવડ સુલભ કરાવવા ઉપરાંત કરન્સી ચેસ્ટ તથા લોકો માટે ગ્રાહક સેવા ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન રાખવાનું કામ પણ કરન્સી મૅનેટમૅન્ટ વિભાગનું હોય છે.
એ સિવાય નોટોની ડિઝાઇનસંબંધી આયોજન, સંશોધન, ચલણી નોટો તથા સિક્કાઓની સુનિયોજિત સપ્લાય અને રિઝર્વ બૅન્કના નિયમાનુસાર ક્ષતિગ્રસ્ત નોટો તથા સિક્કાઓના નિકાલનું કામ પણ આ જ વિભાગે કરવાનું હોય છે.
ભારતમાં મહારાષ્ટ્રના નાસિક, મધ્ય પ્રદેશના દેવાસ, કર્ણાટકના મૈસુરુ અને પશ્ચિમ બંગાળના સાલબોનીમાં ચલણી નોટો છાપવામાં આવે છે. મહારાષ્ટ્રના મુંબઈ, કોલકાતામાં અલીપુર, હૈદરાબાદના સૈફાબાદ અને ઉત્તર પ્રદેશના નોઇડામાં ટંકશાળ આવેલી છે.














