હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં પેન્શનનો પ્રશ્ન આટલો મોટો રાજકીય મુદ્દો કેમ બની ગયો?

- લેેખક, અરવિંદ છાબરા
- પદ, બીબીસી સંવાદદાતા
“મને દર મહિને પેન્શન સ્વરૂપે માત્ર રૂ. 1301 મળે છે. એક ગેસ સિલિન્ડર ખરીદું તો પણ એ પૈસા ખતમ થઈ જાય. તેથી રસ્તા પર ચા વેચીને, લોકોને એંઠા વાસણ માંજીને ગુજરાન ચલાવવું પડે છે.”
62 વર્ષના હરિદાસ ઠાકુર સજળ આંખે પોતાની વ્યથા વર્ણવે છે, ત્યારે બાજુમાં ઉભેલા લોકો પણ પોતાના આંસુ રોકી શકતા નથી. હિમાચલ પ્રદેશના શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થતાંની સાથે જ હરિદાસ ઠાકુરનું જીવન મુશ્કેલ બની ગયું છે.
શિમલાથી લગભગ એક કલાકના અંતરે આવેલા કુફરી પાસે તેઓ ચાની એક નાનકડી દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં મેગીનાં કેટલાક પેકેટ્સ, બે-ત્રણ ડઝન ઈંડા અને ચિપ્સનાં કેટલાંક પેકેટ્સ જોવા મળે છે.
કુફરીની બર્ફીલી હવામાં તેઓ પ્રવાસીઓની રાહ જોતા હોય છે. તેમને આશા હોય છે કે પ્રવાસીઓ અહીં રોકાઈને ગરમ ચાની સાથે આમલેટ કે મેગી ખાય તો તેમને થોડી કમાણી થાય.
તેમણે કહ્યું હતું કે, “બહુ મહેનત કરી ત્યારે નોકરી મળી હતી. સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે, 60 વર્ષથી મોટી વયના વૃદ્ધોને 2,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. તે અમને મળતું નથી, કારણ કે અમે નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ)માં જોડાયેલા છીએ. અમારે ક્યાં જવું? અમે રસ્તા પર આવી ગયા છીએ.”
“મેં આવી સરકાર ક્યારેય જોઈ નથી. અમારે પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરવું? ગુજરાન કેવી રીતે ચલાવવું? અમે બે-અઢી મહિના આંદોલન પણ કર્યું. અમારી દરકાર કોઈ કરતું નથી.”
પછી ચૂંટણી તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું હતું કે, “બધાનો વારો આવે છે. અમે પણ કશુંક કરીશું.”

ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો

હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણ પેન્શનના મુદ્દાની આસપાસ ચકરાવો લઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવી એનપીએસ હેઠળના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના (ઓપીએસ) પૂર્વવત કરવાની માગ કરી રહ્યા છે અને આ બાબત ચૂંટણીમાં મોટો મુદ્દો બની છે.
શિમલાની કડકડતી ઠંડીમાં દિવસ દરમિયાન તડકામાં મોલ રોડ પર લોકો આ વિશે ચર્ચા કરતા જોવા મળે છે.
રાજ્યમાં હાલ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) બન્નેએ સત્તામાં આવતાંની સાથે જ સૌથી પહેલાં ઓપીએસના અમલની જાહેરાત કરી છે.
કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે, રાજસ્થાન તથા છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે જે રીતે ઓપીએસ અમલી બનાવી છે એ રીતે હિમાચલમાં પણ થશે, જ્યારે આપ એવો દાવો કરી રહી છે કે, પંજાબમાંની તેની સરકારે ઓપીએસને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
હિમાચલ પ્રદેશમાં એનપીએસમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ દુઃખી છે અને યુવા સરકારી કર્મચારીઓ તેમના ભવિષ્ય બાબતે ચિંતિત છે.
રાજ્યના વીજળી વિભાગમાં કાર્યરત 29 વર્ષના જય કિશને જણાવ્યું હતું કે, “નિવૃત્ત લોકો તરફ નજર કરીએ ત્યારે ગભરાટ થાય છે, કારણ કે તેમને એનપીએસ હેઠળ બહુ ઓછું પેન્શન મળે છે.”
તેમણે કહ્યું હતું કે, “દરેક માણસ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે. જે રીતે મોંઘવારી વધી રહી છે તેને ધ્યાનમાં લેતાં અમને જે પેન્શન મળશે તેમાંથી અમારું ગુજરાન તો ચાલી જ નહીં શકે.”

પેન્શન યોજનામાં ફેરફાર ક્યારે અને શા માટે કરાયો?

તત્કાલીન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકારે 2003માં જૂની પેન્શન યોજનાની જગ્યાએ એનપીએસ અમલી બનાવી હતી. એ પછી અનેક રાજ્યોની માફક હિમાચલ પ્રદેશમાં પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો.
એનડીએ સરકારે પહેલી જાન્યુઆરી, 2004 અને એ પછી સરકારી સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે એનપીએસ અમલી બનાવી હતી.
એ સમયે એવી દલીલ કરવામાં આવી હતી કે, પેન્શન પેટે બહુ મોટો ખર્ચો થાય છે.
એનપીએસ હેઠળના કર્મચારીઓએ એક યુનિયન પણ બનાવ્યું છે અને ચૂંટણી નજીક આવતાંની સાથે જ તેમણે આંદોલન તેજ કર્યું છે.
ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ એસોસિએશન (એનપીએસઈએ-એચપી)ના મહાસચિવ ભરત શર્માએ કહ્યું હતું કે, “અમે ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે હિમાચલ પ્રદેશમાં આ મુદ્દો સર્વોચ્ચ સ્થાને છે.”
તેમના જણાવ્યા મુજબ, નવી પેન્શન યોજનામાં અનેક ખામીઓ છે. તેમણે કહ્યું હતું કે, “જૂની યોજના હેઠળ કર્મચારીને તેના છેલ્લા પગારના અડધા ભાગ જેટલું પેન્શન મળતું હતું. તેથી તેના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલતું હતું.”
“નવી પેન્શન યોજના અમલી બનાવવામાં આવી ત્યારે પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે, બહુરાષ્ટ્રીય કંપનીની માફક આ યોજનામાં કર્મચારીઓને મોટો લાભ મળશે. અસલી પરિસ્થિતિ સામે આવી ત્યારે કોઈને પેન્શન પેટે રૂ. 800 તો કોઈને રૂ. 1,500 મળતા થયા હતા.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે લોકોને એકઠા કર્યા, રેલીઓ કાઢી અને ઉપવાસ કર્યા. આજે લગભગ દોઢ લાખ કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે.”
હિમાચલમાં નવી પેન્શન યોજનાનો વિરોધ કરતા લોકોમાં એવા લોકો પણ સામેલ છે, જેમને જૂની પેન્શન યોજના હેઠળ સારા પ્રમાણમાં પૈસા મળે છે. જેમ કે હરિયાણા વીજળી બોર્ડમાંથી વરિષ્ઠ અધિકારી પદેથી નિવૃત્ત થયેલા હેતરામ પાલને પેન્શન પેટે લગભગ રૂ. 50,000 મળે છે.
તેમણે કહ્યું હતું કે, “અમને જે પેન્શન મળે છે તેમાંથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. અમે ખુલ્લા હાથે ખર્ચ કરી શકીએ છીએ. અમારા સંતાનો અને પૌત્રો માટે પણ ખર્ચ કરી શકીએ છીએ. અમારું પેન્શન મોંઘવારી ભથ્થાંના આધારે સતત વધતું રહ્યું તે સારી વાત છે.”
એનપીએસ હેઠળના કર્મચારીઓના આંદોલનને ટેકો આપવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, “અમે એનપીએસ હેઠળના કર્મચારીઓ સાથે છીએ, કારણ કે એક તો તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને બીજી તરફ તેની માઠી અસર અમારાં સંતાનો અને તેમના બાળકો પર પણ થઈ શકે છે.”

જૂની પેન્શન યોજના પૂર્વવત થઈ શકે?

હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના ઈન્ટર ડિસિપ્લીનરી સ્ટડીઝ વિભાગના પ્રોફેસર બલદેવ નેગી માને છે કે, સરકારની દાનત સારી હોય તો જૂની પેન્શન યોજના પૂર્વવત થઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે, “સરકારના નાણાં વિભાગના આકલન અનુસાર, એક સમયે લગભગ રૂ. 2,000 કરોડનો ખર્ચ થશે અને પછી દર વર્ષે રૂ. 500 કરોડનો બોજો વધશે. આ રીતે વિચારો તો નવી યોજના હેઠળ સરકાર એનએસડીએલને અંદાજે જે રૂ. 1,100 કરોડ આપે છે તે બચાવી શકાય.”
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, જૂની યોજના પૂર્વવત કરવાનો અર્થ મોટો નાણાકીય બોજ એવો થાય.
હિમાચલ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર હરીશ ઠાકુરે જણાવ્યું હતું કે, “યોજના બદલવી એ બહુ મોટો પડકાર છે.”
તેમણે કહ્યું હતું કે, “હિમાચલની વાત કરીએ તો રાજ્ય સરકાર હાલ પેન્શન પાછળ રૂ. 7,500 કરોડ ખર્ચે છે. જૂની યોજના પૂર્વવત થાય તો 2030 સુધીમાં આ બોજો ચાર ગણો વધી જશે. આ બહુ મોટો પડકાર છે અને તેથી વર્તમાન સરકાર તેની ઈચ્છા હોવા છતાં આ કામ કરી શકી નથી.”
નાણાકીય સંકટની દલીલ સામે ક્રોધે ભરાઈને હરિદાસ ઠાકુરે કહ્યું હતું કે, “નાણાકીય સ્થિતિ ખરાબ છે એવું સરકાર કહે છે. એવું જ હોય તો બધા માટે પેન્શન બંધ કરી દો. 2004 પછીના કર્મચારીઓ માટે જ પેન્શન બંધ શા માટે? નાણાકીય પરિસ્થિતિ ખરાબ હોય તો તેને સુધારો અને અમારી સાથે ન્યાય કરો."














