હિમાચલ પ્રદેશ ચૂંટણી: મોદી સાથે તુલના થઈ રહી છે એવા 'કરોડપતિ ચાવાળા' ઉમેદવાર

ચાવાળા
    • લેેખક, બ્રજેશ મિશ્ર
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું કહી શકું કે હું હવામાં ઊડી રહ્યો છું, કેમ કે મારા જેવા સામાન્ય કાર્યકરને આટલું માન મળ્યું. શિમલા જેવી શહેરી બેઠક મને આપવામાં આવી એ બહુ મોટું સન્માન છે. મને કેવું લાગી રહ્યું છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી."

આ શબ્દો છે હિમાચલ પ્રદેશની શિમલા શહેરી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ઉમેદવાર સંજય સૂદના.

સંજય સૂદને જે બેઠક આપવામાં આવી છે તે ભાજપ સરકારના પ્રધાન સુરેશ ભારદ્વાજની છે. સુરેશ ભારદ્વાજને શિમલાના બદલે કુસુમ્પટી બેઠક આપવામાં આવી છે.

સંજય સુદની શિમલાના જૂના બસ સ્ટેન્ડ ખાતે ચાની દુકાન છે. તેમનું કહેવું છે કે ભાજપને કારણે જ આ શક્ય બન્યું છે, કેમ કે ભાજપ જ આવી રીતે કોઈને ટિકિટ આપી શકે.

સંજય સૂદ કહે છે કે કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે તેમણે છાપાં વેચવાનું કામ કર્યું હતું. તે વખતે જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) સાથે જોડાયા હતા અને ત્યાંથી તેમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

સંજય સૂદ જોકે બે વાર નગરસેવક રહી ચૂક્યા છે. તેમને લાગે છે કે પોતે લોકો વચ્ચે હરતાફરતા રહે છે એટલે જ ચાર ચાર વાર આ બેઠક પરથી જીતતા ભારદ્વાજની જગ્યાએ ભાજપે તેમને પસંદ કર્યા.

line

કરોડપતિ ચાવાળા

ચાવાળા

સંજય સૂદ ચાવાળા છે, પણ તેમણે ઉમેદવારી સાથે સોગંદનામું દાખલ કર્યું છે તેમાં જણાવ્યા અનુસાર તેમની પાસે ત્રણેક કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે પોતાની ઓળખ વેપારી અને સમાજસેવક તરીકેની આપી છે.

એફિડેવિટ મુજબ સંજય સૂદ, તેમનાં પત્ની અને પુત્રી પાસે સ્થાયી મિલકત 1.1 કરોડની છે, જ્યારે અસ્થાયી સંપત્તિ 1.74 કરોડ રૂપિયાની છે. સંજય સૂદના પરિવારની સરાહન અને રામપુર ગામમાં જમીનો છે. શિમલામાં તેમની પોતાની પ્રોપર્ટી છે.

જોકે ત્રણ કરોડના ચાવાળાને ઉમેદવાર બનાવાયા તેની સામે જનતા સવાલ પણ પૂછી રહી છે.

લોકોમાં ફેલાયેલી આ વાત સામે સંજય સૂદ જણાવે છે કે, "મારા વિશે કોણ શું કહે છે તેનાથી મને કંઈ ફરક પડતો નથી, કેમ કે મારા પગમાં કેટલાં છાલાં પડેલાં છે તે હું જ જાણું છું. લોકોને તેની ખબર નથી એટલે હું તેમને જવાબ આપી શકતો નથી."

સંજય સૂદને શિમલા બેઠક મળી તેની સામે બીજા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરોમાં પણ આ મુદ્દે અસંતોષ છે.

રાજ્યની રાજધાનીની સૌથી અગત્યની ગણાતી બેઠક સંજય સૂદ આપી દેવાઈ અને ચાર વાર જીતેલા ધારાસભ્યને અન્યત્ર મોકલી દેવાયા તેનાથી તેમના ટેકેદારોમાં રોષ છે. જોકે આ વિરોધ બહુ દબાતા સ્વરોમાં જ વ્યક્ત થઈ રહ્યો છે અને કાર્યકરો ખુલ્લીને આ વિશે વાત કરવાનું ટાળી રહ્યા છે.

line

સંજય સૂદના ચૂંટણી મુદ્દાઓ શું છે?

ચાવાળા

સંજય સૂદ બે વાર નગરસેવક બન્યા છે, પણ વિધાનસભા બેઠકમાં તેમની પકડ કેટલી ગણાય તે સામે સવાલ છે. શિમલાના ભારદ્વાજના ટેકેદારો આ મુદ્દે નારાજ છે.

જોકે સંજય સૂદ કહે છે કે ભાજપમાં લોકો ચહેરાને જોઈને નહીં, પણ પક્ષનું પ્રતીક જોઈને ટિકિટ આપે છે.

સંજય સૂદે બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, "ભાજપમાં કોઈનો વ્યક્તિગત બેઝ હોતો નથી. અહીં કમલના ફૂલને સમર્થન હોય છે. હું બે વાર નગરસેવક બન્યો છું. મેં પણ લોકો વચ્ચે કામ કર્યું છે. સુરેશ ભારદ્વાજ પણ મારા માટે પ્રચાર કરી રહ્યા છે એટલે લોકો ભાજપના ટેકેદારો ચહેરો જોઈને નહીં, પરંતુ કમલનું નિશાન જોઈને મત આપી દેશે."

લાઇન

સંજય સૂદઃ એક પરિચય

લાઇન
  • સંજય સૂદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલા છે.
  • 1991માં શિમલાના જૂના બસ સ્ટેન્ડ પર ચાની દુકાન શરૂ કરી હતી.
  • ચાની દુકાન સાથે તેઓ અખબારો વેચવાનું કામ પણ કરતા હતા.
  • કૉલેજમાં હતા ત્યારે એબીવીપી સાથે જોડાયા હતા અને બાદમાં આરએસએસ સાથે જોડાયા હતા.
  • 2007માં ભાજપે પ્રથમ વાર ટિકિટ આપી તે પછી નગરસેવક બન્યા હતા.
  • બે વાર નગરસેવક બન્યા અને પ્રદેશ ભાજપમાં ખજાનચી પણ છે.
  • 2017 વખતે પણ વિધાનસભાની ટિકિટ માટે તેમની પ્રબળ દાવેદારી હતી.
લાઇન
line

કૉંગ્રેસના ઉમેદવાર પણ છે કરોડપતિ

કૉંગ્રેસના ઉમેદવાર હરીશ જનાર્થા
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના ઉમેદવાર હરીશ જનાર્થા

સંજય સૂદને ટિકિટ મળી છે અને તેમની છાપ ચાવાળા તરીકેની છે તે વિશે વાત કરતાં કૉંગ્રેસના આ બેઠક પરના ઉમેદવાર હરીશ જનાર્થા કહે છે કે ભાજપમાં આંતરિક વિખવાદને કારણે સુરેશ ભારદ્વાજની ટિકિટ કપાઈ છે અને સંજય સૂદનો નંબર લાગી ગયો છે.

તેઓ કહે છે, "તેઓ માત્ર કહેવા ખાતરના ચાવાળા છે. ચાની દુકાન તો તેમના ભાઈ ચલાવે છે. તેઓ પોતે શું કરે છે મને ખબર નથી. તેમણે સંપત્તિ જાહેર કરી તે રીતે તો તેઓ કરોડપતિ છે. આવી વ્યક્તિ માટે ભાજપે એક વરિષ્ઠ અને અનુભવી નેતાની ટિકિટ કાપી નાખી."

હરીશ જનાર્થા કહે છે, "હું 2002થી એટલે કે 20 વર્ષોથી શિમલાની જનતાની સેવા કરું છું. ભાજપની સરકારમાં અહીં કામ થયા નથી, વીજળી, પાણીની સમસ્યા હોય કે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે અહીં સુવિધાઓ વધારવાની વાત છે તે બધી બાબતો હું ધારાસભ્ય બનીને કરીશું. હું પણ અહીં નગરસેવક તરીકે રહ્યો છું અને બે વાર ડેપ્યુટી મેયર રહ્યો છું."

તેઓ ઉમેરે છે કે, "હું નાનપણથી શિમલામાં છું. અહીંના એક એક વોર્ડની સમસ્યાની મને ખબર છે. હું તે દૂર કરવા કોશિશ કરીશ."

કૉંગ્રેસના ઉમેદવાર જનાર્થા પણ કરોડપતિ છે. તેમણે દાખલ કરેલી એફિડેવિટ અનુસાર તેમની પાસે સ્થાયી અને અસ્થાયી કુલ 4.51 કરોડની સંપત્તિ છે.

મજાની વાત એ છે કે 2017ની ચૂંટણી વખતે કૉંગ્રેસે તેમને ટિકિટ આપી નહોતી એટલે તેઓ અપક્ષ તરીકે અહીંથી ચૂંટણી લડ્યા હતા.

તેના કારણે કૉંગ્રેસના ઉમેદવાર હરભજનસિંહ ભજ્જી ત્રીજા નંબર જતા રહ્યા હતા અને જનાર્થાની સામે ભાજપના ઉમેદવાર ભારદ્વાજ જીત્યા હતા.

રાજકીય વિશ્લેષકો કહે છે કે ગત વખતે જનાર્થાએ સારો દેખાવ કર્યો હતો અને માત્ર થોડા મતોથી હાર્યા હતા એટલે કૉંગ્રેસે આ વખતે તેમને સંદ કર્યા છે.

line

વિધાનસભાની સ્થિતિ પર એક નજર

ચાવાળા

ઇમેજ સ્રોત, ANI

શિમલા શહેર વિધાનસભા પહેલા માત્ર શિમલા તરીકે જ જાણીતી હતી, પરંતુ 2008માં સીમાંકનથી બે બેઠકો બની તે પછી આ બેઠક શિમલા શહેર અને બીજી બેઠક શિમલા ગ્રામીણ બની છે.

શિમલા શહેર બેઠક પર લાંબા સમયથી ભાજપનો કબજો રહ્યો છે. 1967માં શિમલા બેઠક પર જનસંઘ જીત્યો હતો.

1998માં પણ ભાજપના નરેન્દ્ર બરાગટ અહીંથી જીત્યા હતા.

તે પછી 2003માં કૉંગ્રેસના હરભજનસિંહ ભજ્જી જીત્યા હતા, પણ ત્યાર બાદ 2007થી સુરેશ ભારદ્વાજ જીતતા આવ્યા છે.

line

બેઠકનું શું છે ગણિત?

ચાવાળા

હિમાચલ પ્રદેશના રાજકારણને સારી રીતે જાણતા કટારલેખક કે. એસ. તોમર કહે છે સંજય સૂદને ટિકિટ આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારદ્વાજે આરએસએસની નેતાગીરીને નારાજ કરી હતી.

તેઓ કહે છે, "ભાજપને જો કુસુમ્પટીમાં સારો ઉમેદવાર મળી ગયો હોત તો ભારદ્વાજને ટિકિટ જ ના મળી હોત. ત્યાં ભાજપ પાસે સારો ઉમેદવાર ના હોવાથી મજબૂરીમાં તેમને ત્યાંની ટિકિટ મળી ગઈ છે. તેઓ બળવાખોરી કરત તો ભાજપને નુકસાન થાત અને શિમલા બેઠક ગુમાવવાનો વારો આવત."

તોમરના જણાવ્યા અનુસાર શિમલા શહેર બેઠક પર વેપારીઓનું વર્ચસ્વ છે. સંજય સૂદ વેપારી તરીકે પોતાની છાપ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે તેમણે સફરજનના બગીચામાં કામ કરનારા મજૂરોની નારાજગી સહન કરવી પડી શકે છે. સફરજન ઉગાડનારા લોકો ભાજપથી નારાજ છે. ઑગસ્ટમાં તે લોકોએ વિધાનસભાનો ઘેરાવ પણ કર્યો હતો.

બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર પંકજ શર્મા પણ કહે છે કે આ બેઠક પર વેપારીઓનો પ્રભાવ છે. સૂદની જ્ઞાતિના લોકો અહીંથી જીતતા રહ્યા છે એટલે ભાજપે તેને ધ્યાનમાં રાખીને સંજય સૂદ પર દાવ લગાવ્યો છે.

તેઓ ઉમેરે છે, "શિમલા શહેરી બેઠક માટે કૉંગ્રેસમાંથી પણ એક ચાવાળાની ચર્ચા હતી. કૉંગ્રેસના ઘણા નેતાઓએ દાવેદારી કરી હતી, પણ આખરે જનાર્થાને ટિકિટ આપવામાં આવી. કૉંગ્રેસ કાર્યાલયમાં ચા પીવરાવનારા એક કાર્યકરે પણ ટિકિટ માટે દાવેદારી કરી હતી."

પંકજ શર્માના જણાવ્યા અનુસાર કૉંગ્રેસ સામે નામો આવ્યા તેમાં ત્રણ નામ મુખ્ય હતાં, પણ આખરે હરીશ જનાર્થાને પસંદ કરાયા, કેમ કે ગત વખતે તેમના કારણે જ કૉંગ્રેસને બહુ નુકસાન થયું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન