ગુજરાતમાં સમાન સિવિલ કોડ માટે ઉચ્ચ સમિતિની રચના કરાશે, આ સિવિલ કોડ શું છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- ગુજરાત સરકાર આવનારા દિવસોમાં સમાન નાગરિક સંહિતાનો અમલ કરવા તૈયારી કરી રહી હોવાનાં એંધાણ મળ્યાં છે
- આ અગાઉ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની ભાજપ સરકારો સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત કરી ચૂકી છે
- ભારતના તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદાનો અમલ કરવા માટેની આ પ્રક્રિયા અંગે તમે કેટલું જાણો છો?
- ગુજરાત સરકારે આ નિર્ણય ચૂંટણીલક્ષી કે કોઈ એક સમુદાયને કેન્દ્રમાં રાખીને લેવાયો હોવાની વાત નકારી કાઢી હતી

ગુજરાતમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત ચકાસવા માટે એક ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આજે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં સમાન સિવિલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે આ પહેલાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરકારો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના નિર્ણયની જાહેરાત કરી ચૂકી છે.
હવે ગુજરાતમાં આ અંગેની ચર્ચા શરૂ થતાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે નાગરિકોમાં કુતૂહલ સર્જાયું છે. આખરે યુનિફોર્મ સિવિલ કોડ કે સમાન નાગરિક સંહિતા એટલે શું?
ભારતની બંધારણ સભાના દિવસોથી માંડીને આજ દિન સુધી આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો છે અને તે અંગે અવારનવાર અલગઅલગ મતોને કારણે વિવાદ સર્જાતા રહે છે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

ઇમેજ સ્રોત, AFP
બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસ દ્વારા લિખિત એક અહેવાલમાં આ મુદ્દાને વિસ્તૃતપણે આવરી લેવાયો છે
જે મુજબ લગ્ન, તલાક, ઉત્તરાધિકાર અને બાળક દત્તક લેવાની બાબતમાં ભારતમાં વિવિધ સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને વિશ્વાસ પર આધારિત અલગ-અલગ કાયદા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે. યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના 'પ્રયાસ' કરવા જોઈએ.
અલબત્ત, એકસમાન કાયદાની ટીકા દેશના બહુમતી હિન્દુઓ અને લઘુમતી મુસ્લિમો બન્ને સમાજ કરતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના શબ્દોમાં કહીએ તો આ એક 'ડેડ લેટર' છે.
જમણેરી હિન્દુત્વવાદી સંગઠનો, મુસ્લિમ પર્સનલ લૉના કથિત 'પછાત' કાયદાઓને આગળ ધરીને યુસીસીના અમલની માગણી કરતાં રહ્યાં છે. મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈ મુજબ ત્રણ તલાક કાયદેસર હતા અને એ કાયદા મારફત મુસલમાનો તેમની પત્નીઓને તત્કાળ છૂટાછેડા આપી શકતા હતા, પરંતુ મોદી સરકારે 2019માં તે કાયદાને દંડપાત્ર બનાવી દીધો હતો.
ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ જણાવવામાં આવ્યું હતું કે 'ભારત સમાન નાગરિક સંહિતા અપનાવશે નહીં ત્યાં સુધી લૈંગિક સમાનતા મૂર્તિમંત થશે નહીં.'

સરકારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાએ ગુજરાત સરકાર દ્વારા કૅબિનેટ મિટિંગમાં રાજ્યમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત ચકાસવા માટે સમિતિની રચના અંગેના નિર્ણય વિશે વાત કરતાં કહ્યું હતું કે, “આ એક અલગ પ્રકારનો અને દેશને નવી દિશા આપનારો નિર્ણય છે.”
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો છે ત્યારે આ નિર્ણય ચૂંટણીલક્ષી છે કે કેમ? તે પત્રકારપરિષદમાં પુછાયેલા પ્રશ્ન અંગે ખુલાસો આપતાં તેમણે કહ્યું હતું કે, “કૅબિનેટની મિટિંગમાં આવા અનેક નિર્ણયો લેવાય છે, જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે એવી વાત સ્વાભાવિક રીતે સામે આવે કે જે-તે નિર્ણય ચૂંટણીપ્રેરિત છે.”
ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાનો માર્ગ હવે લગભગ મોકળો થયો હોય તેવું કહેવાઈ રહ્યું છે ત્યારે શું ભારત સરકાર આ દિશામાં આગળ વધશે કે કેમ? આ પ્રશ્ન અંગેના જવાબાં રૂપાલાએ કહ્યું હતું કે, “એવું બની શકે કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર પણ આ દિશામાં નક્કર કદમ લે.”
સમાન સિવિલ કોડ થકી લઘુમતી પ્રજાના અધિકાર મર્યાદિત કરવાના સરકારના ઇરાદાના આક્ષેપ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે , “તમામ નાગરિકોને ભારતના બંધારણને અનુરૂપ મળતા તમામા અધિકારો આગળ પણ ચાલુ રહેશે, તેનામાં કોઈ વધારો-ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો કોઈ ઇરાદો નથી. આ જાહેરાત માત્ર દીવાની બાબતોને લગતા મુદ્દાઓ અંગે સમાન ધારો લાવવા પૂરતી જ છે.”
રૂપાલાએ સમાન સિવિલ કોડ અંગે વધુ વાત કરતાં કહ્યું હતું કે, “હાલમાં ધાર્મિક અને સાંપ્રદાયિક આધારે જુદા જુદા કાયદા થકી નાગરિકોની દીવાની બાબતો અંગે ઊભા થતા વિવાદોના નિકાલ કરાય છે. તેના કારણે ઘણા નાગરિકોના મનમાં વિભ્રમ પેદા થાય છે, તેમને લાગે છે કે અમુક ધર્મા પાળનારને અમુક પ્રકારના અધિકારી મળે છે અને અમુક ધર્મ ન પાળતી વ્યક્તિઓ તે અધિકાર મેળવી શકતી નથી, આ સ્થિતિને સુધારવા માટે આ જાહેરાત કરાઈ છે. પ્રસ્તાવિત સમિતિની ભલામણોને આધારે જ આગળની કાર્યવાહી કરાશે.”
આ જાહેરાત અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારપરિષદમાં વાત કરતાં જણાવ્યું હતું કે, “કૅબિનેટની બેઠકમાં યુનિવર્સલ સિવિલ કોડના અમલીકરણની જરૂરિયાત ચકાસવા માટે સમિતિના ગઠનની જાહેરાત કરવાનું સરાહનીય પગલું લીધું છે. અને સમિતિના ગઠન માટેની તમામ સત્તા મુખ્ય મંત્રીને આપી છે.”














