અમેરિકા: કાશ્મીર મુદ્દે અમે વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી

ડોનાલ્ડ લૂ

ઇમેજ સ્રોત, TURKMENEMB_USA

    • લેેખક, સલીમ રિઝવી
    • પદ, બીબીસી માટે, ન્યૂયોર્કથી

અમેરિકાએ ફરી એક વખત ભારપૂર્વક જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે તેની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેનું માનવું છે કે કાશ્મીર મુદ્દાનું નિરાકરણ બહારના હસ્તક્ષેપ વિના ભારત અને પાકિસ્તાને મંત્રણા વડે કરવું જોઈએ.

અમેરિકાના વિદેશ મંત્રાલયમાં દક્ષિણ તથા મધ્ય એશિયા બાબતોના અધિકારી આસિસ્ટંટ સેક્રેટરી ઑફ સ્ટેટ ડોનાલ્ડ લૂએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું.

bbc gujarati line

અમેરિકન રાજદૂત દ્વારા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની મુલાકાત

અમેરિકા

ઇમેજ સ્રોત, @USEMBISLAMABAD

પાકિસ્તાન ખાતેના અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની મુલાકાત તાજેતરમાં લીધી પછી સોશિયલ મીડિયા વેબસાઇટ પર જણાવ્યું હતું કે તેમણે ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ની મુલાકાત લીધી હતી.

ભારત માને છે કે તે પ્રદેશ પાકિસ્તાને કબજે કરેલો છે. ભારતે આ સંદર્ભે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

આ સંબંધે બીબીસી હિન્દીના સવાલના જવાબમાં ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે “હા. પાકિસ્તાન ખાતેના અમારા રાજદૂત ડોનલ્ડ બ્લોમ પાકિસ્તાનના કાશ્મીર પ્રદેશમાં ગયા હતા અને આ કોઈ નવી વાત નથી. પાછલાં વર્ષોમાં અમારા કેટલાય રાજદૂત એ પ્રદેશની મુલાકાત લેતા રહ્યા છે. એ જ રીતે ભારત ખાતેના અમારા રાજદૂતો પણ ભારતના કાશ્મીરની મુલાકાત લેતા રહ્યા છે.”

અમેરિકાના વિદેશ મંત્રાલયે આ વર્ષના ઑક્ટોબરમાં એક ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી હતી. તેમાં અમેરિકન નાગરિકોને ચેતવણી આપવામાં આવી હતી કે આતંકવાદ તથા હિંસાથી બચવા માટે તેમણે ભારતના કાશ્મીરનો પ્રવાસ ન કરવો જોઈએ.

bbc gujarati line

ભારત-પાકિસ્તાન વચ્ચે અથડામણનુ જોખમ વધ્યું છે?

અમેરિકા

સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા પર બન્ને દેશો વચ્ચે સૈન્ય અથડામણનું જોખમ ખરેખર વધ્યું છે?

આ સવાલના જવાબમાં ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે “ભારત અને પાકિસ્તાન વચ્ચે અંકુશરેખા પર 2021થી ફરીથી લાગુ કરવામાં આવેલો યુદ્ધવિરામ અત્યાર સુધી ચાલી રહ્યો છે એ માટે અમે આભારી છીએ. મને લાગે છે કે કાશ્મીરમાં હિંસાનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ઇમરજન્સી કે વિદ્રોહ કે તણાવનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આ સારી વાત છે, પરંતુ તેની ગંભીરતા ઓછી આંકી શકાય નહીં.”

ડોનાલ્ડ લૂએ કાશ્મીરમાં ચૂંટણીની પ્રક્રિયા ઝડપથી બહાલી વિશેનું અમેરિકાનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે “કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીની પ્રક્રિયાને તથા રાજકીય અધિકારોને પણ બહાલ કરવામાં આવે એ માટે અમે ભારતને પ્રોત્સાહિત કરીએ છીએ. ઉપરાંત કાશ્મીરમાં મીડિયા પોતાનું કામ કરી શકે તે પણ સુનિશ્ચિત કરવું જોઈએ. આ બધું કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે જરૂરી છે. અનેક વર્ષો સુધી શાંતિ જળવાઈ રહેશે તેવી મને આશા છે.”

bbc gujarati line
વીડિયો કૅપ્શન, રશિયાએ યુક્રેનના ખેરસનથી પીછેહઠ કરવાના નિર્ણયને લઈને રશિયાના લોકોનો મિશ્ર પ્રતિસાદ

અમેરિકાએ પાકિસ્તાનને એફ-16 માટે મદદ શું કામ કરી?

એફ-16

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ પાકિસ્તાનને એફ-16 લડાયક વિમાનો સંબંધે 450 મિલિયન ડૉલરની સહાયતાની જાહેરાત તાજેતરમાં કરી હતી.

તેની સામે ભારતે નારાજગી વ્યક્ત કરી ત્યારે અમેરિકાએ એવું કહીને છટકવાનો પ્રયાસ કર્યો હતો કે આ તો પાકિસ્તાનને આતંકવાદ સામેની લડાઈ માટે મદદ કરાઈ રહી છે.

જોકે, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે “અમેરિકા આવું નિવેદન કરીને કોઈને બેવકૂફ બનાવી શકે નહીં.”

તેમના કહેવા મુજબ, ભારત એવું માને છે કે પાકિસ્તાનને અમેરિકા દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રકારની સૈન્ય મદદનો ઉપયોગ ભારત વિરુદ્ધ જ કરવામાં આવે છે.

એફ-16ના મુદ્દે ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે “આ કોઈ સૈન્ય મદદનો કાર્યક્રમ નથી, પરંતુ અમેરિકા દ્વારા સૈન્ય સામગ્રી વેચવાનો મામલો છે, એ હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું. એફ-16 લડાયક વિમાનોના મામલે અમેરિકા પાકિસ્તાનને જે મદદ કરી રહ્યું છે તે નવાં વિમાનો વેચવાનો મામલો નથી. તેમાં નવાં હથિયાર આપવાનાં નથી કે કોઈ નવી સૈન્ય સુવિધા પણ આપવાની નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “આ તો જૂના વિમાનોના મેઈન્ટનન્સનો મામલો છે અને તે પાકિસ્તાનનો નહીં પણ અમેરિકાની સરકારી નીતિનો મામલો છે. અમેરિકા કોઈ દેશના સૈન્ય શસ્ત્રસરંજામ વેચે છે ત્યારે તે સંબંધી તકનીકી મદદનું વચન પણ આપતું હોય છે.”

bbc line

અમેરિકા અને પાકિસ્તાન

અમેરિકા

ઇમેજ સ્રોત, @USEMBISLAMABAD

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી સંબંધ બહુ પુરાણો છે. 1979થી 1990 દરમિયાન અમેરિકાએ સોવિયેત સૈન્ય સામે લડવા માટે અફઘાન મુજાહિદીનને પાકિસ્તાન મારફત મદદ મોકલી હતી. તેમાં અમેરિકાએ પાકિસ્તાનને સૈન્ય તથા આર્થિક મદદ સ્વરૂપે પાંચ અબજ ડૉલરથી વધુ નાણાં આપ્યાં હતાં.

ઘણા જાણકારો એવું પણ કહે છે કે એ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનને બીજા અબજો ડૉલર મોકલ્યા હતા, જેને કોઈ હિસાબ-કિતાબ પણ નથી.

એ દરમિયાન અમેરિકા તરફથી પાકિસ્તાનને એફ-16 લડાયક વિમાનો સહિતનો અનેક ઉચ્ચ ટેક્નૉલૉજીયુક્ત લશ્કરી સરંજામ આસાનીથી મળતો રહ્યો હતો.

2001થી 2017 સુધી અમેરિકાએ પાકિસ્તાનને 33 અબજ ડૉલરની સૈન્ય તથા આર્થિક મદદ કરી હતી, તેમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈનો ખર્ચ પણ સામેલ છે.

પાકિસ્તાન આર્મીના તત્કાલીન કમાન્ડર-ઇન-ચીફ જનરલ અયુબ ખાનને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંરક્ષણ સંબંધોના શિલ્પકાર માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન આર્મીના તત્કાલીન કમાન્ડર-ઇન-ચીફ જનરલ અયુબ ખાનને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંરક્ષણ સંબંધોના શિલ્પકાર માનવામાં આવે છે.

પાકિસ્તાને અમેરિકા પાસેથી બધી મદદ તો લઈ લીધી, પરંતુ તેના બદલામાં અમેરિકા ઇચ્છતું હતું તેવું કર્યું ન હતું.

અમેરિકા પાસેથી મળેલી આર્થિક મદદનાં નાણાં વડે પાકિસ્તાને તાલિબાન તથા અન્ય આતંકવાદી જૂથોને મદદ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

જાણકારો એવું પણ માને છે કે અમેરિકા દ્વારા આપવામાં આવેલી સહાયનો મોટો હિસ્સો પાકિસ્તાને ભારત વિરુદ્ધની સૈન્ય તૈયારી પાછળ પણ ખર્ચ્યો છે.

ઇમરાન ખાનને પાકિસ્તાનના વડા પ્રધાનપદેથી હટાવવામાં આવ્યા ત્યાર બાદ અમેરિકા દ્વારા પાકિસ્તાનને લશ્કરી સહાયનો સિલસિલો ફરી શરૂ થયો છે.

ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન ઇમરાન ખાને એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેમની સરકાર હટાવવા પાછળ અમેરિકાનો હાથ છે.

બીબીસીએ આ સંદર્ભે ડોનાલ્ડ લૂને સવાલ કર્યો ત્યારે તેમણે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિશેના કોઈ સવાલનો જવાબ આપશે નહીં.

ભારત સાથેના સંબંધ વિશે શું કહ્યું?

બાયડન-મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને અમેરિકાના સંબંધ વિશે ડોનાલ્ડ લૂએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેનો ગાઢ સંબંધ માત્ર અમેરિકાની સલામતી માટે જ નહીં, પરંતુ એશિયા અને વિશ્વની સલામતી માટે પણ જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે “અમેરિકા અને ભારતનો સંબંધ વિશ્વમાં સૌથી વધુ મહત્ત્વનો સંબંધ છે.”

તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશ વચ્ચેના સંબંધના મહત્ત્વનાં ત્રણ પાસાં આર્થિક બાબતો, સલામતી અને બન્ને દેશ વચ્ચેના લોકો વચ્ચેનો સંબંધ છે.

ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે “ભારત અને અમેરિકા વચ્ચેનો આર્થિક સંબંધ છેલ્લાં 30 વર્ષથી નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. તેમાં બન્ને દેશો વચ્ચેનો વ્યાપાર હવે 157 અબજથી વધુ ડૉલરનો થઈ ગયો છે. એ ઉપરાંત બન્ને એકમેકને ત્યાં રોકાણ કરી રહ્યા છે. તેનાથી એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.”

તેમણે એમ પણ જણાવ્યું હતું કે સલામતીના ક્ષેત્રમાં અમેરિકા અને ભારત વચ્ચેનો સહયોગ અદભુત છે. તેમાં બન્ને વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, સલામતી સંબંધી સામાનનો વેપાર, સલામતીના ક્ષેત્રમાં આધુનિકતમ સામાનનું નિર્માણ, ઉત્પાદન તથા તેમના વેપારનો સમાવેશ થાય છે.

ડોનાલ્ડ લૂએ ઉમેર્યું હતું કે “સલામતી કરારો અમલી બનાવીને અમેરિકા હવે તેની સૌથી વધુ સંવેદનશીલ ટેક્નૉલૉજી પણ ભારતને ટ્રાન્સફર કરી રહ્યું છે અને તેને બહેતર બનાવવામાં બન્ને દેશો એકમેકને સહયોગ આપી રહ્યા છે.”

આ સંદર્ભે પી-81 મેરીટાઇમ સર્વેલન્સ પ્લેનનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે આ ટેક્નૉલૉજી ભારત અગાઉ કોઈ દેશને ન તો વેચવામાં આવી હતી કે ન તો કોઈની સાથે શેર કરવામાં આવી હતી.

આ સંદર્ભે અન્ય સૈન્ય-સરંજામનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે “હવે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમાં પ્રેડેટર ડ્રોન અને એફ-16 લડાયક વિમાનો જેવો આધુનિક સામાન પણ ભારતને સંભવતઃ વેચી શકાશે.”

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં તાજેતરનાં વર્ષોમાં માનવાધિકારના ઉલ્લંઘન સંબંધી ઘટનાઓમાં થયેલા વધારા વિશેના એક સવાલના જવાબમાં ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે “માનવાધિકાર ઉલ્લંઘનના મામલે અમે ભારત સરકાર સાથે ઉચ્ચતમ સ્તરની બેઠકોમાં ચર્ચા કરી છે. ભારત એક લોકતંત્ર છે અને ત્યાં સ્વતંત્ર ન્યાયપાલિકા, મીડિયા તથા સક્રિય સિવિલ સોસાયટી છે.”

“માનવાધિકાર સંબંધી આ મામલાઓના નિરાકરણ માટે ભારતમાંની લોકશાહી સંસ્થાઓએ બહુ સક્રિય થયું પડશે, એવું હું સમજું છું.”

યુક્રેન પર રશિયાના હુમલા પછી ભારતની રશિયા સંબંધી નીતિ બાબતે અમેરિકા સાથેના મતભેદ બહાર આવ્યા હતા.

અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂક્યા હોવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. તેનાથી અમેરિકા ખુશ નથી.

આ સંબંધે ડોનાલ્ડ લૂએ કહ્યું હતું કે “રશિયાના મામલે અમેરિકા અને ભારતની પદ્ધતિ ક્યારેય અલગ-અલગ હોય છે એ આશ્ચર્યની વાત નથી, પરંતુ અમે બન્ને યુદ્ધનો ઝડપથી અંત આવે તેની તરફેણમાં છીએ અને બન્ને દેશ માને છે કે યુદ્ધના અંતની સાથે તમામ દેશોનાં સાર્વભૌમત્વ, અખંડિતતા અને સ્વાતંત્ર્યના આંતરરાષ્ટ્રીય મૂલ્યોનો આદર પણ થવો જોઈએ.”

ડોનાલ્ડ લૂના જણાવ્યા મુજબ, રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં આગામી સમયમાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું મને લાગે છે.

bbc gujarati line
bbc gujarati line