'હવે મને કોઈ પાકિસ્તાની નહીં કહી શકે', પાકિસ્તાનથી આવેલા હિંદુઓ આ ચૂંટણીમાં મત આપશે

પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળી

ઇમેજ સ્રોત, naresh vaghela

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી

"મારે સરકારી નોકરી કરવી છે પણ મને ભારતીય નાગરિકતા મળી ન હતી, જેથી હું સરકારી નોકરી માટે અરજી કરી શકતો ન હતો પરંતુ હવે મને ભારતીય નાગરિકતા મળી ગઈ છે."

ઉપરોક્ત શબ્દો 26 વર્ષીય કિશન વાઘેલાના છે. કિશન વાઘેલાનો જન્મ પાકિસ્તાનના સાંગડ જિલ્લાના સરારીમાં થયો હતો.

ત્રણ વર્ષની ઉંમરે માતા-પિતા સાથે તેઓ અમદાવાદ આવી ગયા હતા, પછી 22 વર્ષ પછી તેમને ભારતીય નાગરિકતા મળી છે.

કિશન હવે પહેલી વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મત આપી શકશે. કિશન વાઘેલાની જેમ પાકિસ્તાનથી આવેલા 1,032 હિંદુઓ ભારતીય નાગરિકતા મળ્યા બાદ પહેલી વાર અમદાવાદની જુદી-જુદી વિધાનસભા બેઠકો પર મતદાન કરશે.

બીબીસી
  • કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પાકિસ્તાની હિંદુઓને ઝડપથી નાગરિકતા મળે તે માટે અમદાવાદ કલેકટરને સત્તા સોંપી હતી
  • છેલ્લાં પાંચ વર્ષમાં 1,032 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા મળી છે
  • આ તમામ લોકો પહેલી વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે
બીબીસી

પાકિસ્તાનથી આવ્યા બાદ ભારતમાં પહેલી વાર મતદાન કરશે

અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાંબા ગાળાના વિઝા પર વસવાટ કરતાં પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર તેઓ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મતદાન કરશે.

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા વર્ષ 2017થી 2022 દરમિયાન 1,032 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે.

આ તમામ લોકો પહેલી વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. તેઓ પોતાના અનુભવ અંગે કહે છે કે, ભારતીય નાગરિકતા મળ્યા બાદ લોકશાહીના પર્વ સમી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવું એ સૌથી મોટી ખુશીની વાત છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016 અને 2018ના ગૅઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવેલી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આઈબી ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેમને સ્વીકારપત્ર એનાયત કરવામાં આવે છે.

બાદમાં તેના આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી પાકિસ્તાનથી આવેલા નિર્વાસિત હિંદુઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

2017થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1,032 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

વર્ષ 2017માં 187, વર્ષ 2018માં 256, વર્ષ 2019માં 205, વર્ષ 2020માં 65, વર્ષ 2021માં 212 અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 107 એમ કુલ 1032 હિંદુઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.

બીબીસી

અરજી કરવાની ફી 100 રૂપિયા

પાકિસ્તાની હિન્દુઓ

ઇમેજ સ્રોત, RAJESH MAHESHWARI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિંધ માઇનોરિટી માઇગ્રન્ટ ઍસોસિયેશનના પ્રમુખ રાજેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં પાકિસ્તાની હિંદુઓને ઝડપથી ભારતીય નાગરિકતા મળે તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરને સત્તા સોંપણી કરવાનું નોટિફિકેશન કર્યું હતું."

"આ નોટિફિકેશન પહેલાં ભારતીય નાગરિકતા મેળવવા માટેની ફાઈલો ગાંધીનગરથી દિલ્હી મોકલવામાં આવતી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે વર્ષ જેટલો સમય વીતી જતો હતો, તેમજ તે સમયે અરજદારદીઠ 5 હજારથી લઈને 15 હજાર સુધીની ફી થતી હતી."

"પણ કેન્દ્ર સરકારે વર્ષ 2016માં નોટિફિકેશન કર્યા બાદ દરેક અરજદારદીઠ ફી માત્ર 100 રૂપિયા કરી દીધી છે. જે દરેક અરજદારને પોષાય તેવી રકમ છે, તેમજ આ નોટિફિકેશન બાદ કલેકટરને સત્તા આપ્યા બાદ સિટીઝનશિપની ફાઈલ મંજૂર કરવાની પ્રક્રિયામાં માત્ર 6 મહિનાનો જ સમય લાગે છે."

"અરજદારોની અરજી પર નિર્ણયનો સમય ઘટ્યો છે જેથી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી બની છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "પહેલાં જો ફાઈલમાં કોઈ તકલીફ હોય અને ફૉલોઅપ કરવું હોય તો દિલ્હી સુધીનો ધક્કો ખાવો પડતો હતો. કેટલાક લોકોને તે પોસાય તેવું પણ ન હતું, પરંતુ હવે જો ફાઈલ અંગે કોઈ ફૉલોઅપ લેવું હોય તો અમદાવાદ કલેક્ટર કચેરીમાંથી થઈ શકે છે."

બીબીસી

પાકિસ્તાનમાં સ્થિતિ બગડતા ગુજરાત આવ્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં રહેતા ડૉ. ભગીરથચંદ સોલંકી પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેતા હતા. જેઓ તેમના પરિવાર સાથે વર્ષ 2012માં ભારત આવ્યા હતા.

ડૉ. ભગીરથચંદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ, "હું પાકિસ્તાનના હૈદરાબાદમાં ગવર્મેન્ટ મેડિકલ ઑફિસર હતો. હું મારાં છ બાળકો અને પત્ની સાથે અમદાવાદ આવ્યો હતો. પાકિસ્તાનમાં સ્થિતિ બગડવાને લીધે હું મારા પરિવાર સાથે ભારત આવી ગયો."

"હું મારા આવ્યા બાદ મારાં માતા-પિતા અને ભાઈને પણ અમદાવાદ લાવ્યો હતો. મારો ત્રીજો ભાઈ પાકિસ્તાનના હૈદરાબાદમાં જ રહેતો હતો. પાકિસ્તાનમાં તેની હત્યા થઈ ગઈ હોવાથી મારાં માતા-પિતા અને મારો ભાઈ પાકિસ્તાન ગયા હતા."

"મારા ભાઈના મોતના આઘાતમાં મારી માતાનું પણ મૃત્યુ થયું હતું, તેમજ ત્યાર બાદ ત્યાં પાકિસ્તાનમાં ગયેલા મારા બીજા ભાઈનું પણ અપહરણ થયું હતું. જેનો આજ દિવસ સુધી કોઈ પત્તો મળ્યો નથી. થોડા દિવસ બાદ મારા પિતા પણ પાકિસ્તાનમાં જ મૃત્યુ પામ્યા હતા."

ડૉ. સોલંકીએ વધુમાં જણાવ્યુ કે, "મને વર્ષ 2021માં ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ હતી. હું ખૂબ જ ખુશ છું. મારો મત હું આપી શકીશ. હું મારાં પત્ની અને મારી બે દીકરીઓ જે 18 વર્ષથી ઉપરનાં છે. અમે મારા પરિવારના ચાર લોકો આ ચૂંટણીમાં મતદાન કરી શકીશું."

"ભારતીય નાગરિકતા મેળવવા માટે અમે કેટલુંક ગુમાવ્યું છે, તો કેટલુંક મેળવ્યું છે. હું પાકિસ્તાનમાં એમબીબીએસ કરીને આવ્યો છું, હું ભારતનો નાગરિક ન હતો ત્યારે મને મેડિકલ પ્રૅક્ટિસ કરવા માટેની પરમિશન હતી, પરંતુ હું ભારતનો નાગરિક બનતા મારી મેડિકલ પ્રૅક્ટિસની પરમિશન રદ કરવામાં આવી છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "હું ભારતનો નાગરિક હોવાથી મારી મેડિકલની ડિગ્રી ફૉર ઍન્ડ ડિગ્રી છે. મારે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશનની પરીક્ષા આપવી પડે. મેં આ પરીક્ષા આપી છે, પરંતુ છેલ્લા 8 મહિનાથી મને રિઝલ્ટ આપવામાં આવ્યું નથી. હાલ હું હૉસ્પિટલમાં મેડિકલ પ્રૅક્ટિસ કરી શકતો નથી, પરંતુ માત્ર ઍડમિનનું જ કામ કરી શકું છું. જો મને મારું પરિણામ મળી જાય તો હું પ્રૅક્ટિસ કરી શકું. મારું રિઝલ્ટ મેળવવા મેં અલગ-અલગ જગ્યા પર રજૂઆત કરી છે, પરંતુ પરમિશન માટે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ન હોવાનો જવાબ મળે છે."

બીબીસી

'હવે મને કોઈ પાકિસ્તાની નહીં કહે'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

શહેરના કુબેરનગરમાં રહેતા 26 વર્ષીય કિશન વાઘેલાના પરિવારના 11 સભ્યો વર્ષ 2002માં પાકિસ્તાનથી અમદાવાદ આવ્યા હતા.

કિશન વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ કે, તેઓ પાકિસ્તાનના સાંગડ જિલ્લાના સરારીમાં રહેતા હતા. તેમના પિતા પાકિસ્તાનમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા હતા. તેમનાં માતા-પિતા સહિત 5 ભાઈ અને 4 બહેનોને લઈને અમદાવાદ આવ્યા હતા."

તેમણે જણાવ્યું હતું કે, "હાલ હું 26 વર્ષનો છું, જ્યારે અમે અમદાવાદ આવ્યા ત્યારે હું ચાર વર્ષનો હતો. શાળા અને કૉલેજનો અભ્યાસ મેં અમદાવાદમાં કર્યો છે."

"ભણતો હતો ત્યારે મને બધા પાકિસ્તાની છે તેમ કહીને ચિંડાવતા હતા. હવે કોઈ મને પાકિસ્તાની નહીં કહી શકે. જો કોઈ મને પાકિસ્તાની કહેશે તો હું તેમને મારી ભારતની સિટીઝનશિપ દેખાડી શકીશ. હું પણ ભારતીય નાગરિક છું એમ કહી શકીશ."

"મારે સરકારી નોકરી કરવી છે. મારી પાસે સિટીઝનશિપ ન હોવાથી હું સરકારી નોકરી માટે અરજી કરી શકતો ન હતો, મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી છે. હું સિવિલ સર્વિસમાં જોડાવા માગું છું. મેં પહેલાં પોલીસની ભરતી માટે તૈયારી કરી હતી પણ તે સમયે મને ભારતની નાગરિકતા મળી ન હોવાથી હું સરકારી ભરતીમાં ભાગ લઈ શક્યો ન હતો."

તેઓ કહે છે કે મેં પહેલાં ક્યારેય મત આપ્યો નથી, હું પ્રથમ વાર ચૂંટણીમાં મારો કિંમતી મત આપી શકીશ. મને ખૂબ જ ખુશી છે.

ગ્રે લાઇન
બીબીસી
બીબીસી