CAA : નાગરિકતા કાયદાને કારણે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સપ્તર્ષિ દત્તા
    • પદ, બીબીસી મૉનિટરિંગ

દેશના નવા નાગરિકતા કાયદા અને તેના વિરોધ સામેના સરકારના આકરા પ્રતિભાવની આંતરરાષ્ટ્રીય મીડિયામાં આકરી ટીકા થઈ રહી છે, પરંતુ તેનાથી દિલ્હી જરાય ચિંતિત હોવાના ભાગ્યે જ કોઈ સંકેત મળ્યા છે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા, ઇસ્લામધર્મીઓ સિવાયના, અન્ય ધર્મના લોકોને ભારતનું ઝડપથી નાગરિકત્વ આપવાની જોગવાઈ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સીએએ)માં કરવામાં આવી છે.

સીએએ અને ગેરકાયદે વસાહતીઓને ઓળખી કાઢવાના હેતુસરની નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી)ની કાર્યવાહી સામે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.

તેની ટીકા કરતા લોકો કહી રહ્યા છે કે નાગરિકત્વ માટે ધર્મને આધાર ગણવાનો માપદંડ ભારતના ધર્મનિરપેક્ષતાના પાયાના સિદ્ધાંત પર કુઠારાઘાત સમાન છે.

સીએએ તથા એનઆરસીના વિરોધકર્તાઓ સામે સરકારે પોલીસ કાર્યવાહી કરાવી છે, વિરોધકર્તાઓને બદનામ કરવા પ્રચારઝુંબેશ શરૂ કરી છે, ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.

વિરોધકર્તાઓને ઓળખી કાઢવા માટે ફેશિઅલ રેકગ્નિશન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પગલાંઓએ એવી ટીકાને બળ આપ્યું છે કે સરકાર ભિન્નમતને સાંખી શકતી નથી.

line

વધતો વિરોધ

વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના પ્રતિસ્પર્ધી અને સૌથી નજીકના પાડોશી પાકિસ્તાને ભારતની ટીકા કરી છે, પણ એમાં કશું આશ્ચર્યજનક નથી.

પરંતુ ભારતની પ્રતિષ્ઠા એકદમ ઊજળી હોય તેવા દેશોમાંથી મળતા ચિંતાના સંકેત ખરેખર ધ્યાનાકર્ષક છે.

પશ્ચિમમાં અમેરિકામાંથી સ્પષ્ટ સંકેત મળ્યા છે. સીએએ ખરડો પસાર થવાનો હતો ત્યારે જ અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય વિશેના પંચ (યુએસસીઆઈઆરએફ)એ આ કાયદાને "ખોટી દિશામાંનો જોખમી વળાંક ગણાવ્યો હતો."

યુએસસીઆઈઆરએફે ઉમેર્યું હતું, "ભારતીય નાગરિકત્વ માટે ભારત સરકાર એક ધાર્મિક માપદંડ સર્જી રહી છે અને તેને કારણે લાખો મુસલમાનોનું નાગરિકત્વ છીનવાઈ જશે, એવો યુએનસીઆઈઆરએફને ડર છે."

અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોનો પ્રતિભાવ વધારે સંયમભર્યો હતો. સીએએને સંસદની મંજૂરી મળી પછી માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે વૉશિંગ્ટન "લઘુમતીઓ તથા ધાર્મિક અધિકારોનું ચુસ્તીપૂર્વક રક્ષણ કરે છે" અને "ભારતીય લોકશાહીનો આદર કરે છે." જોકે, તેમનો સંદેશો સ્પષ્ટ હતો.

એવી જ રીતે ભારત ખાતેના યુરોપિયન સંઘના રાજદૂત ઉગો અસ્તુતોએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણના "ઉચ્ચતમ ધારાધોરણોને" જાળવી રાખવામાં આવશે એવી તેમને આશા છે.

કેટલાક અન્ય દેશોએ તેમની ચિંતા બીજી રીતે વ્યક્ત કરી હતી. ઈશાન ભારતીય રાજ્ય આસામમાં વિરોધ પ્રદર્શને વેગ પકડ્યો કે તરત જ જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ તેમની ભારતયાત્રા રદ્દ કરી હતી.

નવી દિલ્હી માટે એ મૂંઝવણભર્યું હતું અને જાપાની દૈનિક મૈનિચી શિમ્બુને નોંધ્યું હતું કે "વડા પ્રધાને તેમની વિદેશની મુલાકાત સલામતીની કથળતી પરિસ્થિતિને કારણે રદ્દ કરી હોય એવું ભાગ્યે જ બન્યું છે."

દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશના વિદેશમંત્રી એ. કે. અબ્દુલ મોમેન અને ગૃહમંત્રી અસદુઝમાન ખાને પણ તેમની ભારત મુલાકાત રદ્દ કરી હતી.

બાંગ્લાદેશના બંગાળીભાષી દૈનિક માઇમેનસિંઘ લાઇવના અહેવાલ મુજબ, મોમેને જણાવ્યું હતું કે ભારત સરકારનાં પગલાંથી "એક સહિષ્ણુ અને બિનસાંપ્રદાયિક દેશ તરીકેની ભારતની ઐતિહાસિક પ્રતિષ્ઠા જોખમાઈ શકે છે."

પૂર્વ તરફ નજર કરીએ તો મલેશિયાના વડા પ્રધાન મહાતીર મોહમ્મદને કુઆલા લમ્પુરસ્થિત ધ સ્ટાર અખબારે એવું કહેતા ટાંક્યા હતા કે "પોતાને બિનસાંપ્રદાયિક દેશ ગણાવતું ભારત હવે કેટલાક મુસ્લિમોને નાગરિકત્વથી વંચિત રાખવાનાં પગલાં લઈ રહ્યું એ જાણીને મને દુઃખ થાય છે."

line

મીડિયાની સ્પષ્ટ વાત

વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વના દેશોનો સત્તાવાર પ્રતિભાવ ટીકાત્મક હતો ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાનો પ્રતિભાવ અત્યંત આકરો હતો.

ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ અખબારે "મોદી તેમની કટ્ટરતા વધારે સ્પષ્ટ કરે છે" એવા શીર્ષક હેઠળ તંત્રીલેખ પ્રકાશિત કર્યો હતો.

એ તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું : "ભારતના 20 કરોડ મુસ્લિમોનું અનુમાન એકદમ સાચું છે કે આ કાયદાને સ્થળાંતર કરનારા લોકોને મદદ કરવા સાથે કંઈ લાગતુંવળગતું નથી. ભારતની કુલ 1.3 અબજની વસતિમાં આશરે 80 ટકા હિંદુઓ છે અને આ કાયદો, મુસ્લિમોને હાંસિયામાં ધકેલીને ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની યોજના પાર પાડવાના હેતુસરનો છે."

બ્રિટનના ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારે "ભારતનો નાગરિકત્વ ખરડો બિનસાંપ્રદાયિકતાને જોખમમાં મૂકે છે" એવા શીર્ષક હેઠળ તંત્રીલેખ પ્રકાશિત કર્યો હતો.

તેના સમાપનમાં અખબારે જણાવ્યું હતું : "ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકેની વગનો નૈતિક દાવો જાળવી રાખવો હોય તો તેણે દેશમાં લાંબા સમયથી રહેતા લાખો લોકોને, ધર્મના આધારે, બીજા દરજ્જાના નાગરિકો બનાવતા માર્ગ પર આગળ વધવાનું ટાળવું જોઈએ."

ફ્રાન્સના લા ક્રોઇક્સ અખબારે પ્રકાશિત કરેલા લેખમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ કાયદો "ભારતનાં લોકશાહી મૂલ્યો પરનો હુમલો છે."

લિબરેશન નામના બીજા ફ્રેન્ચ અખબારે જણાવ્યું હતું, "ભારતીય ઉપખંડ નરસંહારના આવેગમાં ફરી જકડાઈ જાય એ પહેલાં આજે બનેલી ઘટનાઓની નોંધ આપણે સાક્ષી તરીકે લેવી જ જોઈએ."

મધ્ય પૂર્વના ગલ્ફ ન્યૂઝ અખબારની વેબસાઇટ પરના એક લેખમાં જણાવવામાં આવ્યું હતું કે સીએએએ "ભારતના 20 કરોડ મુસ્લિમો અને બિનસાંપ્રદાયિક હિંદુઓથી માંડીને અન્ય ધર્મોના લોકોને વધુ એક અમંગળ સંદેશો મોકલ્યો છે."

મુસ્લિમોના બાહુલ્યવાળા તથા ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં અખબારોએ પણ આવી જ લાગણી વ્યક્ત કરી હતી.

દારી ભાષાના અખબાર સોભે કાબુલમાં પ્રકાશિત ઝેયા મલિકના એક લેખમાં જણાવ્યા મુજબ, ભારતની શાસક ભારતીય જનતા પાર્ટીએ દર્શાવ્યું છે કે તેનો અભિગમ "કોમવાદી ભારતીયોને આકર્ષવામાં મદદરૂપ છે. એ પૈકીના મોટા ભાગના ઇસ્લામવિરોધી છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાંના તેમનાં મુખ્ય કામોમાં મસ્જિદોના વિનાશનો સમાવેશ થાય છે."

line

ભારતનો પ્રતિભાવ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

સીએએ બાબતે નવી દિલ્હીનું વલણ સ્પષ્ટ તથા અડગ હોય એવું લાગે છે અને સરકાર જરાય ચિંતિત જણાતી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે તાજેતરની એક પત્રકારપરિષદમાં કહ્યું હતું, "અમે પ્રદેશમાંના તમામ દેશો સુધી અમારી વાત પહોંચાડી છે. સંબંધિત દેશની સરકારોને અમારો દૃષ્ટિકોણ જણાવવા અમારી તમામ રાજદ્વારી કચેરીઓને જણાવ્યું છે."

જોકે, લંડનસ્થિત વિચારમંડળ ચેથમ હાઉસના દક્ષિણ એશિયાના નિષ્ણાત ગરેથ પ્રાઈસે કહ્યું હતું, "આંતરરાષ્ટ્રીય ચિંતા કરતાં સરકારનું ધ્યાન સ્થાનિક મુદ્દાઓ પર વધારે છે."

પ્રતિષ્ઠામાંના ઘસારા પ્રત્યેની આ ઉદાસીનતાને કારણે ભારતીય રાજદ્વારી અધિકારીઓનો મોટા ભાગનો સમય દેશની બિનલોકપ્રિય નીતિઓનો બચાવ કરવામાં ખર્ચાય છે.

ભારતની આર્થિક વૃદ્ધિ ધીમી પડી છે અને એ તત્કાળ ગતિ પકડે તેવા સંકેત દેખાતા નથી ત્યારે સરકાર માટે તેની વિવાદાસ્પદ અને ટીકાકર્તાઓએ જેને બાહુલ્યવાદી ગણાવી છે એ નીતિને, વધારે રાજદ્વારી પ્રતિષ્ઠા ગુમાવ્યા વિના ત્યાગવાનું મુશ્કેલ પુરવાર થઈ શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો