ઈરાન અને અમેરિકા વચ્ચેની તંગદિલીથી શું ભારતમાં મોંઘવારી વધશે?

સુલેમાની

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે મંદીના ભયંકર ભરડામાં છે. બજારમાં માગ કેમ સુધરે તેમજ ગ્રાહકોનો વપરાશ કેમ વધે તે આજના સમયનો તકાજો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા સતત ઊંચે જઈ રહેલા ફુગાવાના ગ્રાફને નાથવાની ચિંતામાં છે. સાથોસાથ ફરી એક વાર વ્યાજના દર ઘટાડી અને ભારતીય અર્થવ્યવસ્થા વૃદ્ધિનો માર્ગ પકડે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા મથતી હશે.

બરાબર ત્યારે જ ઈરાનના કુદ્સ ફોર્સના વડા કાસમ સુલેમાની બગદાદ ઍરપૉર્ટ પરના અમેરિકન હવાઈ હુમલામાં માર્યા ગયા છે.

એમની સાથે અબુ મહદી અલ મોહાંદિસ ઈરાન દ્વારા સમર્થિત પૉપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સના નાયબ કમાન્ડર પણ મોતને ભેટ્યા છે.

આ અણધારી આવી પડેલી આફતને કારણે કેન્દ્રનું નાણા મંત્રાલય આગામી વર્ષ માટેનું બજેટ તૈયાર કરવા માટે પ્રવૃત્ત બન્યું છે.

આ ઘટનાક્રમમાં તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ છે તે મોટો ચિંતાનો વિષય બનીને ઊભરી રહી છે.

line

ક્રૂડઑઇલના ભાવમાં વધારો

ક્રૂડ ઓઈલ

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTY IMAGES

ઘરઆંગણાની ઈંધણની કિંમતો આંતરરાષ્ટ્રીય ક્રૂડઑઇલના ભાવ ઉપર આધારિત છે.

ઑઈલ માર્કેટમાં કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લિટરે 10 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 15 પૈસાનો વધારો જાહેર કર્યો છે.

અમેરિકાના હવાઈ હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડઑઇલની કિંમત આજે 4.39 ટકાના વધારા સાથે 69.16 ડૉલર પ્રતિબેરલ પહોંચી છે.

આ અગાઉનો ઊંચામાં ઊંચો ભાવ સપ્ટેમ્બર પહેલાં 66.25 ડૉલર પ્રતિબેરલ હતો. ભારત પોતાની જરૂરિયાતનું 90 ટકાની આસપાસ ક્રૂડઑઇલ આયાત કરે છે.

આ કારણે જો અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી વધુ વકરે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવ ઊંચકાઈ જાય.

આમ થાય તો ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના ભાવ વધવાને કારણે છેલ્લાં ત્રણ વર્ષની ઊંચામાં ઊંચી સપાટી એટલે કે 5.54 ટકાના દરને પણ કુદાવી જાય.

મોંઘવારી અને મંદીનો બેવડો માર ઝીલી રહેલી અર્થવ્યવસ્થા માટે આ એક મોટો ફટકો મારવાનું કામ કરી જાય.

line

ભારત પર કેવી રીતે અસર થશે?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આની સીધી અસર ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર પણ પડે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીના 0.9 ટકા જેટલી ઘટી હતી.

આમ થવાને કારણે માર્ચ 2020માં પૂરું થતું નાણાકીય વરસ ગત વરસની સરખામણીમાં ઓછી કરંટ એકાઉન્ટ ડેફિસિટ સાથે પૂરું થાય એવી શક્યતાઓ વધી હતી.

અમેરિકાની આ ઍર સ્ટ્રાઇકને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડઑઇલના ભાવમાં જે વધારો થયો છે તેને કારણે આવનાર સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ મોટો વધારો ઝીંકાય એવી શક્યતાઓનું નિર્માણ થયું છે.

આમ થાય તો મોંઘવારી વધવાને કારણે ફરી પાછી બૅન્કોના હાથમાં ખર્ચવા માટે બાકી રહેલી આવક ઘસાય. જેને કારણે માંડ બેઠી થવા મથતી માગ ફરી પાછી નીચે પટકાય.

ભારતીય ચલણ એટલે કે રૂપિયો પણ અમેરિકન ડૉલરની સરખામણીમાં 4 ટકા ઘસાઈને ડૉલર 71.77 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે.

આ બધાનું સીધું પરિણામ મોંઘવારી અને મંદીને વધારવામાં થાય.

આ પહેલાં સઉદી અરેબિયાની આરામકો રિફાઇનરી પર 14 સપ્ટેમ્બર 2019ના રોજ ડ્રોન હુમલો થયો તેને કારણે ચિંતા ઊભી થઈ હતી. સદનસીબે એ ચિંતા ટૂંકજીવી નીવડી.

ઈરાનમાં કાસિમ સુલેમાની અમેરિકન ઍર સ્ટ્રાઇકમાં માર્યા જવાના કારણે જે પ્રકારના દેખાવો અને ગુસ્સો તેમ જ લાગણીના પ્રદર્શનો થઈ રહ્યા છે તે જોતાં જો ઈરાન અને અમેરિકા મોટી અથડામણમાં ટકરાય તો અખાતના દેશોમાંથી પણ ક્રૂડઑઇલનો જથ્થો જે આપણને મળે છે તેના ઉપર અસર થાય.

આશા રાખીએ કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ તણાવ ઝાઝું નુકસાન કર્યા વગર ઓસરી જાય. આવો આશાવાદ ફળીભૂત થાય એવી શક્યતાઓ અત્યારે બહુ ઓછી દેખાય છે.

આમ ઈરાન અને અમેરિકા વચ્ચે વકરતી જતી તણાવની પરિસ્થિતિને કારણે જો ક્રૂડઑઇલના ભાવ વધુ ઊંચકાય તો એની અસર કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર તેમજ ફુગાવાના દર અને રૂપિયાની ઘસાતી જતી કિંમત પર થશે.

ભારત 111.9 અબજ ડૉલર ઑઇલની આયાત કરે છે અને એટલે એની કિંમતમાં જે કંઈ વધારો થાય તે સરવાળે આપણી અર્થવ્યવસ્થા પરનું ભારણ વધારે જ.

ટૂંકમાં પાડા પાડા લડે અને ઝાડનો ખો નીકળે તે રીતે ઈરાન અને અમેરિકાની આ લડાઈમાં ભારતની અર્થવ્યવસ્થાનો ખો નીકળી જાય એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો