બિઝનેસ શરૂ કરવા બેરોજગારોને આ રીતે મળશે રૂ. એક લાખથી રૂ. 50 લાખ સુધીની લૉન

લૉન

ઇમેજ સ્રોત, HTTPS://WWW.SRTRI.COM/

ઇમેજ કૅપ્શન, કોઈ પણ રોજગારી માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોમાંથી એક છે, મૂડી રોકાણ.
    • લેેખક, એ કિશોર બાબુ
    • પદ, બીબીસી માટે

સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા હોવ કે પછી પ્રાઇવેટ સૅક્ટરમાં નોકરી શોધતા હોવ કે પછી કારકિર્દી બનાવવા માટે કોઈ બિઝનેશ શરૂ કરવાનું વિચારતા હોવ. આ ત્રણેય સ્થિતિ માટે 'પ્લાન બી' તૈયાર રાખવો જોઈએ જેમાં આપણે ધારેલું લક્ષ્ય ન મેળવી શકીએ તો પણ કોઈ નાની-મોટી રોજગારીનું સર્જન આપણે જાતે જ કરી શકીએ તેવા વિકલ્પો આપણી પાસે હોય.

કોઈ પણ રોજગારી માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોમાંથી એક છે, મૂડી રોકાણ.

હવે જ્યારે તમારી પાસે રોજગારીનું સર્જન કરવાની યોજના હોય, પરંતુ એ યોજનામાં મૂડીરોકાણ કરવા તૈયાર હોય તેવા રોકાણકારો ન મળે તો કેટલીક સરકારી યોજનાઓ તમને એક લાખ રૂપિયાથી લઈ 50 લાખ રૂપિયા સુધીની લૉન મેળવી આપી શકે છે.

એટલું જ નહીં, રોજગારીનું સર્જન કરવાની કેટલીક સરકારી લૉનમાં તમને 35 ટકા સુધીની સબસીડી પણ મળી શકે તેમ છે.

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) બેરોજગાર યુવાઓ માટે સ્વરોજગાર સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે.

આ લૉન ઉદ્યમી બનવા ઇચ્છતા યુવાઓ માટે બહુ ઉપયોગી છે. આ એક એવી યોજના છે, જેમાં અરજીથી માંડીને પસંદગી સુધીનું બધું કોઈ વચેટિયા વિના સંપૂર્ણ પારદર્શકતા સાથે ઓનલાઈન કરવામાં આવે છે.

પીએમઈજીપી શું છે? તેમાં કોણ કોને પૈસા ઉધાર આપે છે? એ મેળવવાની લાયકાત શું છે? એ માટે અરજી કેવી રીતે કરવી? આ યોજનાના નિયમો અને શરતો શું છે?

ગ્રે લાઇન

પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના

લૉન

ઇમેજ સ્રોત, FACEBOOK/SKILLINDIAOFFICIAL

પીએમઈજીપી દેશના ગ્રામ્ય તથા શહેરી બેરોજગાર યુવાઓને રોજગાર આપવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે.

ભૂતકાળમાં કેન્દ્ર સરકાર આવી બે યોજનાનું સંચાલન કરતી હતી. તેમાં પ્રધાનમંત્રી રોજગાર યોજના અને ગ્રામીણ રોજગાર સર્જન યોજનાનો સમાવેશ થતો હતો. હવે આ બન્નેને એક કરીને પીએમઈજીપી શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનું અમલીકરણ ખાદી તથા ગ્રામોદ્યોગ પંચ (કેવીઆઈસી) દ્વારા કેન્દ્ર સરકારના માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ મંત્રાલયની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

અહીં કેવીઆઈસી રાષ્ટ્રીય સ્તરની નોડલ એજન્સી છે. રાજ્ય સ્તરે કેવીઆઈસી બૉર્ડ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.

લૉન કોના માટે છે?

નવ-સ્થાપિત લઘુ, સૂક્ષ્મ, કુટીર ઉદ્યોગ એકમોથી માંડીને મધ્યમ સ્તર સુધી લૉન આપવામાં આવે છે, પરંતુ જૂના એકમોના વિસ્તરણ તથા તેમના આધુનિકીકરણ માટે આ યોજના હેઠળ કોઈ લૉન આપવામાં આવતી નથી.

આ યોજના 2026 સુધી અમલમાં રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. પંદરમા નાણાં પંચે 2021-22થી માંડીને 2025-26 સુધી આ યોજના માટે રૂ. 13,554.42 કરોડની ફાળવણી કરી છે.

ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર રોકવા માટેની યોજના

કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય તથા શહેરી ક્ષેત્રોમાં સ્વરોજગાર યોજનાઓ, પ્રકલ્પો અને સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગો સ્થાપીને બેરોજગાર યુવાઓને રોજગારીની તક આપવાનો છે.

જેમના માટે રોજગારીની તક અથવા હસ્તકલા કાર્ય માટે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તક ઉપલબ્ધ નથી તેવા બેરોજગાર યુવાઓને પુનઃ સંગઠિત કરીને તેમને સ્વરોજગારની તક દ્વારા સ્વાવલંબી બનાવવા તથા તેમના જીવન સ્તરમાં સુધારો કરવાનો હેતુ પણ છે.

ગ્રે લાઇન

કેટલી લૉન મળશે?

લૉન

ઇમેજ સ્રોત, AFP

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવા ઉત્પાદક એકમોની સ્થાપના માટે રૂ. 50 લાખ સુધીની લૉન મળી શકશે, જ્યારે સર્વિસ યુનિટ્સને રૂ. 20 લાખ સુધીની લૉન મળી શકશે.

અગાઉ આ લૉનની મહત્તમ મર્યાદા રૂ. 25 લાખ હતી, પરંતુ બેરોજગાર યુવાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકારે તે મર્યાદા વધારીને રૂ. 50 લાખ કરી છે.

કેટલું રોકાણ કરવું પડશે?

સામાન્ય શ્રેણીના લોકોએ તેમના દ્વારા સ્થાપવામાં આવનારા એકમો માટે કુલ પ્રોજેક્ટ કોસ્ટના 10 ટકા નાણાંનું રોકાણ કરવું પડશે.

મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, લઘુમતી સમુદાય, વિકલાંગો અને ભૂતપૂર્વ સૈનિકો જેવા લાભાર્થીઓએ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પાંચ ટકા રોકાણ પોતાની રીતે કરવાનું રહેશે.

બાકીના નાણાંનું શું?

જનરલ કેટેગરીના લાભાર્થીઓને કુલ પ્રોજેક્ટ ખર્ચના 90 ટકા નાણાં બૅન્કો તરફથી લૉન મારફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પછાત વર્ગના લાભાર્થીઓને 95 ટકા નાણાં આ રીતે લૉન સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેટલી સબસિડી મળશે? કેવી રીતે મળશે?

ગ્રામ્ય વિસ્તારોમાં એકમ સ્થાપિત કરનારાઓને મહત્તમ 35 ટકા સબસિડી મળશે, જ્યારે શહેરી વિસ્તારો માટે તે પ્રમાણ 25 ટકા હશે. જોકે, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, ટ્રાન્સજેન્ડર અને વિકલાંગો જેવા વિશેષ શ્રેણીના અરજદારો માટે જ આ સબસિડી ઉપલબ્ધ છે.

સામાન્ય શ્રેણીના અરજદારો માટે પણ લૉન સબસિડીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેટેગરીના લોકો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત થનારા એકમો માટે 25 ટકા અને શહેરી વિસ્તારોમાંના એકમો માટે 15 ટકા સબસિડી આપવામાં આવશે.

ગ્રે લાઇન

અરજી કેવી રીતે કરવી?

આ યોજના હેઠળ અરજીથી માંડીને લાભાર્થીઓની પસંદગી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે. પ્રોજેક્ટની વ્યવસ્થાની ભૌતિક ચકાસણી પણ કરવામાં આવશે.

કોને અરજી કરવી?

પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ www.kviconline.gov.in પર ક્લિક કરીને પીએમઈજીપીઆઈ પોર્ટલનો સંપર્ક કરવાનો રહેશે.

એ પછી અરજી કરવી પડશે. ગ્રામ્ય બેરોજગારોએ તેમની વિગત કેવીઆઈસીમાં ભરવાની રહેશે, જ્યારે શહેરી બેરોજગારોએ તેવું ડીઆઈસીમાં કરવાનું રહેશે.

એ કામ પૂર્ણ થાય પછી અરજીની પ્રિન્ટ કાઢવી પડશે.

ઓનલાઈન અરજી https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp વેબસાઈટ પર જઈને કરી શકાશે.

આ સાઈટ પર લોગ ઈન કરવા માટે અરજદારે સૌપ્રથમ તેનું યુનિક યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે.

એ પછી ઓનલાઈન અરજીમાં પૂછવામાં આવેલી તમામ વિગત આપવાની રહેશે.

ગ્રે લાઇન

કેટલા દિવસમાં જવાબ મળશે?

અરજી કરવામાં આવ્યાના દસથી પંદર દિવસમાં જ સંબંધિત અધિકારી તરફથી તેનો જવાબ આપવામાં આવશે. એ પછી પ્રોજેક્ટની મંજૂરી લઈને કામ શરૂ કરવાનું રહેશે.

અરજદાર અરજી કરશે પછી, તેઓ જે પ્રોજેક્ટનું નિર્માણ કરવાના છે તે સંબંધી તાલીમ કેન્દ્ર સરકાર તેમને આપશે. તે ટ્રેનિંગ ઓનલાઈન કે ઓફલાઈન હોઈ શકે છે. આ ટ્રેનિંગ અનિવાર્ય છે.

અરજદાર અરજી કરવા પહેલાં આ ટ્રેનિંગ લઈ શકે છે અને એ પછી અરજી કરી શકે છે.

લૉનના પ્રથમ હપ્તાનું વિતરણ, સબસિડી ક્યારે મળશે?

ઈડીપી પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ લૉનના પહેલા હપ્તાનું વિતરણ કરવામાં આવશે, પરંતુ અરજદારને કેન્દ્ર સરકાર તરફથી તત્કાળ કોઈ સબસિડી આપવામાં આવશે નહીં.

અરજદારે ત્રણ વર્ષ સુધી લૉનના હપ્તાની ચુકવણી નિયમિત રીતે કરવાની રહેશે. એ પછી, કેન્દ્ર સરકાર દ્વારા અરજદારને આપવામાં આવનારી સબસિડીના નાણાં તેણે લીધેલી લૉનમાં સમાયોજિત કરવામાં આવશે.

ગ્રે લાઇન

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

લૉન
  • 18 વર્ષથી વધુ વયના તમામ લોકો આ યોજનાનો લાભ લેવાને પાત્ર છે.
  • તેઓ કમસે કમ આઠમું ધોરણ પાસ હોય તે જરૂરી છે.
  • સ્વયં સહાયતા સમૂહ (બીજી કોઈ યોજના હેઠળ લાભ ન મળતો હોય તેવા બીપીએલ સંબંધિત તમામ લોકો) આ યોજનાનો લાભ લેવાને પાત્ર છે.
  • પ્રત્યેક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે.

બૅન્કની ભૂમિકા શું હશે?

રાષ્ટ્રીયકૃત બૅન્કો, જાહેર તથા ખાનગી ક્ષેત્રની બૅન્કો, ગ્રામીણ બેન્કો અને સ્ટેટ ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા પ્રમાણિત શેડ્યુલ્ડ બૅન્કો લાભાર્થીઓને લૉન આપશે.

કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

આ યોજના હેઠળ આપવામાં આવેલી લૉન માટે બૅન્કો વ્યાજ વસૂલતી હોય છે, પરંતુ દરેક બૅન્કનો વ્યાજનો દર અલગ-અલગ છે. વ્યાજનો દર સામાન્ય રીતે સાતથી દસ ટકા હોય છે. કેટલીક બૅન્કોમાં તે વધુ પણ હોઈ શકે છે.

રૂ. 50 લાખથી વધુ લૉન નહીં મળે?

આ યોજના હેઠળ અગાઉ લેવામાં આવેલી લૉન ચૂકવી દેવામાં આવી હોય તો રૂ. 50 લાખથી વધુની લૉન પણ મળી શકે. વધુ લૉનની જરૂર હોય તો તેની મર્યાદા વધારી શકાય છે.

બીજા તબક્કામાં રૂ. એક કરોડ સુધીની લૉન મળી શકે છે અને એ લૉન પર કેન્દ્ર સરકાર પાસેથી 15થી 25 ટકા સબસિડી પણ મળી શકે છે.

આવકની કોઈ મર્યાદા છે?

આ યોજના માટે અરજી કરવા ઇચ્છતા લોકો માટે આવકની કોઈ મર્યાદા નથી.

ગ્રે લાઇન

કેવા પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે?

લૉન

ઇમેજ સ્રોત, AFP

તેનો આધાર તમારા વિચાર તથા વ્યાપાર કૌશલ્ય પર છે. વિવિધ ક્ષેત્રમાં બિઝનેસ યુનિટ્સના નિર્માણની વિગત https://www.kviconline.gov.in/pmegp/pmegpweb/docs/jsp/newprojectReports.jsp વેબસાઈટ પરથી મળી શકશે.

વિવિધ પ્રોજેક્ટ્સમાં કૃષિ આધારિત ફૂડ પ્રોસેસિંગ એકમો, સિમેન્ટ તથા સંબદ્ધ ઉત્પાદનો, કેમિકલ, પોલીમર્સ તથા મિનરલ્સ, કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઈન સોલ્યુશન્શ, ડેરી તથા મિલ્ક પ્રોડક્ટ્સ, ઇલૅક્ટ્રૉનિક તથા ઈલૅક્ટ્રિકલ ઉપકરણો, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, વન ઉદ્યોગ, હોર્ટિકલ્ચર-ઓર્ગેનિક ફાર્મિંગ, કાગળ તથા સંબદ્ધ ઉત્પાદનો, પ્લાસ્ટિક તથા સંબદ્ધ સેવાઓ, સર્વિસ સેક્ટર ઉદ્યોગ, સ્મોલ બિઝનેસ મૉડેલ્સ, કાપડ તથા વસ્ત્રો અને વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેની અરજી
  • પ્રસ્તાવિત એકમ માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ
  • આઈડી કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાન કાર્ડ, આધાર કાર્ડ
  • અરજદાર ખાસ શ્રેણી સંબંધી હોય તો તેનું પ્રમાણપત્ર
  • અરજદારે કોઈ ટ્રેનિંગ લીધી હોય તો એ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું ઉદ્યમી વિકાસ કાર્યક્રમ (ઈડીપી) સર્ટિફિકેટ
  • અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતી, ભૂતપૂર્વ સૈનિક અને પીએચસી માટેનું પ્રમાણપત્ર
  • અરજદાર કોઈ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તો તેની વિગત
  • બૅન્ક દ્વારા તેમની જરૂરિયાત માટે માગવામાં આવતા અન્ય દસ્તાવેજ

અરજીની સ્થિતિ બાબતે કેવી રીતે જાણવું?

અરજદારને તેની અરજીની સંપૂર્ણ સ્થિતિની વિગત ઓનલાઈન મળી શકશે. kviconline.gov.in/pmegp/ વેબસાઈટ પર લૉગ ઈન કરીને અરજદાર તેની અરજીનું ઈ-ટ્રેકિંગ કરી શકે છે.

કોને આ યોજનાનો લાભ નહીં મળે?

અગાઉથી ચાલતા ઉદ્યોગના વિસ્તાર કે તેના નવીનીકરણ માટે આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા જે પ્રતિકૂળ ઉદ્યોગોની યાદી બનાવવામાં આવી છે તેમને પણ આ યોજના લાગુ પડશે નહીં.

ગ્રે લાઇન

સૂચિબદ્ધ નકારાત્મક ઉદ્યોગ

લૉન

ઇમેજ સ્રોત, Getty Images

  • માંસ સંબંધિત ઉદ્યોગ અને બિઝનેસ યુનિટ્સ
  • સિગારેટ, બીડી અને પાન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એકમો
  • હોટેલ્સ તથા ઢાબાઓમાં દારૂનું વેચાણ તથા સપ્લાય કરતા ઉદ્યોગો અને પથ્થર આધારિત ઉદ્યોગો
  • ચા, કોફી, રબર, સેરી કલ્ચર, હૉર્ટિકલ્ચર, ફ્લોરીકલ્ચર, પશુપાલન, મરઘાપાલન, પીસી કલ્ચર, હાર્વેસ્ટર મિશન વગેરે જેવા પાક ઉત્પાદન સંબંધી ઉદ્યોગો
  • આ યોજના 20 માઈક્રોન્સથી ઓછી જાડાઈના પોલીથીન કવર બનાવતા ઉદ્યોગોને પણ લાગુ પડતી નથી

મદદ માટે કોનો સંપર્ક સાધવો?

પીએમઈજીપીએ અરજદારોની મદદ માટે હેલ્પ ડેસ્કની રચના કરી છે. તેનો ટેલિફોન નંબર 07526000333 અને 07526000555 છે.

તેનું ઈ-મેઈલ આઈડી [email protected] છે.

પત્ર દ્વારા સંપર્કનું સરનામુઃ ખાદી ડિરેક્ટોરેટ, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રિઝ કમિશન, એમએસએમઈ મંત્રાલય, ભારત સરકાર, 3 ગ્રામોદય, ઈરલા રોડ, વિલે પારલે (પશ્ચિમ), મુંબઈ – 400056

ફોન નંબરઃ 022-26715860/26207624

ઈ-મેઈલ આઈડીઃ [email protected]

રેડ લાઇન
રેડ લાઇન