શું મોદી સરકાર વિપક્ષ પાસેથી બેરોજગારીનો મુદ્દો પણ છીનવી લેશે?

રોજગાર મેળો

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઑક્ટોબરે એટલે કે ધનતેરસના દિવસે 'રોજગાર મેળા'માં પ્રથમ તબક્કા હેઠળ 75 હજાર યુવાનોને સરકારી નોકરીના નિમણૂકપત્રો આપ્યા
  • આ યોજનાની જાહેરાત વડા પ્રધાન કાર્યાલયે આ વર્ષે જૂનમાં ટ્વીટથી કરી હતી
  • એવું કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી અને આ મિશન હેઠળ આવતા વર્ષના અંત સુધીમાં દસ લાખ લોકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે
  • વધતી બેરોજગારીનો મુદ્દો ઉત્તરથી દક્ષિણ ભારત અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં વિપક્ષ માટે સરકાર પર હુમલો કરવાનું શસ્ત્ર બનતો આવ્યો છે
  • કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ બેરોજગારીના મુદ્દે મોદી સરકારને ઘેરતા રહ્યા છે
  • સવાલ એ થાય છે કે શું કેન્દ્ર સરકાર તરફથી આગામી દોઢ વર્ષમાં દસ લાખ લોકોને નોકરી આપવાના વચન સાથે વિપક્ષ પાસેથી બેરોજગારીનો મુદ્દો છિનવાઈ જશે?
લાઇન

ભારત સરકાર વર્ષ 2023ના અંત સુધીમાં દસ લાખ યુવાનોને નોકરી આપવાની વાત કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઑક્ટોબરે એટલે કે ધનતેરસના દિવસે 'રોજગાર મેળા'ના નામથી તેની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ શનિવારે પ્રથમ તબક્કા હેઠળ 75 હજાર યુવાનોને સરકારી નોકરીના નિમણૂકપત્રો આપ્યા.

આ ભરતીઓમાં યુપીએસસી, એસએસસી અને રેલવે સહિત કેન્દ્ર સરકારનાં 38 મંત્રાલયો અથવા વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે. એટલે કે આ મેગા પ્લાનમાં રેલવે, ડિફેન્સ, બૅન્કિંગ, પોસ્ટ અને ઇન્કમ ટૅક્સ જેવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજનાની જાહેરાત વડા પ્રધાન કાર્યાલયે આ વર્ષે જૂનમાં ટ્વીટથી કરી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી અને આ મિશન હેઠળ આવતા વર્ષના અંત સુધીમાં દસ લાખ લોકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે.

22 ઑક્ટોબરે જે વિભાગો માટે નોકરીઓ માટે નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા તેમાં રેલવેનો પણ સમાવેશ થાય છે. રેલવે ભારતમાં સૌથી વધુ સરકારી નોકરી આપતો વિભાગ છે.

ભારતીય રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ બીબીસીને જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન લગભગ 8 હજાર યુવાનોને રેલવેમાં નોકરીનો ઑફર-લેટર આપવામાં આવશે. આમાં તેમનો પણ સમાવેશ થાય છે જેમને અનુકંપાનાં ધોરણે નોકરી મળે છે.

આ પહેલાં વિપક્ષે રોજગારના મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કર્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ બેરોજગારીના મુદ્દે મોદી સરકારને ઘેરતા રહ્યા છે.

અર્થાત્ કે હાલના સમયમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષ માટે બેરોજગારીની સમસ્યા મોટો મુદ્દો રહ્યો છે.

વધતી બેરોજગારીનો મુદ્દો ઉત્તરથી દક્ષિણ ભારત અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં વિપક્ષ માટે સરકાર પર હુમલો કરવાનું શસ્ત્ર બનતો આવ્યો છે.

line

વિપક્ષનો રોજગારનો મુદ્દો

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સરકારી નોકરી મેળવવા માંગતા લોકોમાં મોટી સંખ્યામાં બિહારના યુવાનો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સરકારી નોકરીઓ એક મોટો ચૂંટણી મુદ્દો રહ્યો છે. બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે 2020ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બિહારમાં સરકાર બને તો દસ લાખ યુવાનોને નોકરીનું વચન પણ આપી દીધું હતું.

ગયા ઑગસ્ટ માસમાં જેડીયુ અને આરજેડી ગઠબંધન સરકારની રચના બાદ તેજસ્વી યાદવે ઓછામાં ઓછા ચારથી પાંચ લાખ લોકોને નોકરી આપવાની વાત કરી હતી.

તેજસ્વી યાદવે શુક્રવારે પોતાના ફેસબુક પેજ પર ઘણી તસવીરો મૂકી છે. જેમાં મુખ્ય મંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આરોગ્ય વિભાગમાં યુવાનોને નોકરીના પત્રો આપતા જોવા મળે છે.

તેજસ્વી યાદવે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, "આજે બિહારે ઇતિહાસ રચી દીધો છે. આપ સૌને હાર્દિક અભિનંદન. એક જ દિવસમાં એક જ વિભાગના 9,469 આરોગ્ય કર્મચારીઓને આજે નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. બિહારે ચીંધેલા માર્ગ પર હવે આખા દેશે નોકરી-રોજગારના મુદ્દા પર આવવું જ પડશે."

એટલે કે આ પોસ્ટ પરથી પણ તેજસ્વી યાદવ નોકરી અને રોજગારને મોટો મુદ્દો બનાવતા જોવા મળી રહ્યા છે.

line

રેકૉર્ડ સ્તરની બેરોજગારી

રોજગાર મેળો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં બેરોજગારીનો મુદ્દો રાજકારણમાં છવાયેલો રહે છે

યુપી, બિહાર, ઝારખંડ સહિત તમામ રાજ્યોના નોકરી અંગેનાં પોતપોતાનાં વચનો અને દાવાઓ છે. તે જ સમયે, વિરોધ પક્ષો દ્વારા શાસિત દરેક રાજ્ય સરકારો સતત મોદી સરકાર પર બેરોજગારી વધારવાનો આરોપ લગાવી રહી છે.

હકીકતમાં, વર્ષ 2019માં જ ભારતમાં પાછલાં 45 વર્ષના સૌથી વધુ બેરોજગારીના આંકડા સામે આવ્યા હતા. તે વર્ષે લોકસભા ચૂંટણીઓ પહેલાં આ આંકડા લીક થવા પર ઘણો વિવાદ થયો હતો.

અહેવાલો અનુસાર, બાદમાં સરકારે પોતાના આંકડાઓ જાહેર કર્યા અને સ્વીકાર્યું કે ભારતમાં બેરોજગારીનો દર છેલ્લા ચાર દાયકામાં સૌથી વધુ થઈ ગયો છે.

સરકારે અગાઉ લીક થયેલા અહેવાલને એમ કહીને ફગાવી દીધો હતો કે બેરોજગારીના આંકડાને હજુ અંતિમ રૂપ અપાયું નથી.

પરંતુ આ સમાચાર સામે આવ્યા બાદ વિપક્ષ રોજગારના મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓ પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે.

વીડિયો કૅપ્શન, ન્યાયપાલિકાની પરીક્ષા પાસ કરનાર હરિયાણાના એક ખેડૂત પુત્રીની સંઘર્ષની કહાણી

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ)ના આંકડા અનુસાર, ભારતમાં બેરોજગારીનો દર 20 ઑક્ટોબર, 2022ના રોજ 7.8 ટકા છે. આમાં, શહેરી બેરોજગારીનો દર 7.5% છે, જ્યારે ગામડાં માટે આ આંકડો 7.9% છે.

આ વર્ષે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2014થી માર્ચ 2022 વચ્ચેનાં આઠ વર્ષમાં લગભગ 22 કરોડ લોકોએ કેન્દ્ર સરકારના વિભાગોમાં કાયમી નોકરી માટે અરજી કરી હતી.

આ દરમિયાન માત્ર 7.22 લાખ લોકોને જ કેન્દ્ર સરકારમાં કાયમી નોકરી મળી છે. સરળ શબ્દોમાં કહીએ તો, નોકરી માટે અરજી કરનારા લોકોની સંખ્યામાંથી માત્ર 0.32 ટકાને જ નોકરી મળી છે.

ખુદ ભાજપના સાંસદ વરુણ ગાંધી આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે.

વરુણ ગાંધીએ ટ્વીટ કરીને સરકારને સવાલ કર્યો હતો કે, "જ્યારે દેશમાં લગભગ એક કરોડ સ્વીકૃત પદો ખાલી છે, તો આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે?"

ભારતમાં બેરોજગારીની સ્થિતિનું આ માત્ર એક ઉદાહરણ છે.

line

શું મોદી સરકાર માહોલ બદલી શકશે?

રોજગાર મેળો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મોદી સરકાર પર વિપક્ષ દ્વારા સતત બેરોજગારીના મુદ્દે પ્રહાર થતા રહે છે

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કેન્દ્ર સરકાર તરફથી આગામી દોઢ વર્ષમાં દસ લાખ લોકોને નોકરી આપવાના વચન સાથે વિપક્ષ પાસેથી બેરોજગારીનો મુદ્દો છિનવાઈ જશે.

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ)ના એમડી મહેશ વ્યાસે બીબીસીને કહ્યું, "સરકારનો વાયદો બહુ મોટો છે. કેન્દ્ર સરકાર દસ લાખ લોકોને નોકરી આપવા માટે જે પહેલ કરી રહી છે તે મોટી અને મહત્ત્વપૂર્ણ છે."

વધતી બેરોજગારીને લઈને યુવાનોનો આક્રોશ ઘણી વખત રસ્તાઓ પર પણ જોવા મળ્યો છે. બિહાર, યુપી, તેલંગાણા, રાજસ્થાન અને હરિયાણા જેવાં ઘણાં રાજ્યોમાં નોકરીની માંગ સાથે પ્રદર્શનો થઈ ચૂક્યાં છે. નોકરીવાંછું યુવાનોનો આક્રોશ રસ્તા પર જોવા મળ્યો છે.

મહેશ વ્યાસ કહે છે, "ભારતમાં નોકરીની માંગને લઈને બહુ આંદોલનો થયાં નથી. ભૂતકાળમાં બિહાર કે યુપી જેવાં રાજ્યોમાં જે પ્રદર્શનો થયાં તે નિયમોમાં ફેરબદલને કારણે થયાં હતાં. પછી તે રેલવેની એનટીપીસી પરીક્ષાના નિયમોની વાત હોય કે અગ્નિવીર યોજનાની વાત હોય. તેમાં જે પ્રદર્શનો થયાં હતાં તે નિયમોમાં ફેરફારને કારણે થયાં હતાં."

"વિદ્યાર્થીઓ આયોજનપૂર્વક નોકરી માટે તૈયારી કરે છે, પછી તેમને ખબર પડે છે કે તેમને ચાર વર્ષ માટે જ નોકરી મળશે અને એ જ કારણે તેઓએ પ્રદર્શન કર્યાં હતાં."

હકીકતમાં, કેન્દ્ર સરકારની 'અગ્નિપથ યોજના' વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં. બિહાર અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન દરમિયાન હિંસક ઘટનાઓ પણ બની હતી.

ભારત સરકાર આ યોજના હેઠળ ટૂંકા ગાળા માટે 17.5 વર્ષથી 21 વર્ષની વયના યુવાનોની લશ્કરમાં ભરતી કરશે. યુવાનોએ આર્મીમાં જૂની રીતે ભરતી કરવાની માંગ સાથે આ યોજનાનો વિરોધ કર્યો હતો. આ યોજનાને લઈને રાજકીય હોબાળો થયો હતો.

આ વર્ષની શરૂઆતમાં, રેલવેની નૉન-ટેકનિકલ પૉપ્યુલર કૅટગરી (એનટીપીસી) પરીક્ષામાં ભરતીપ્રક્રિયાને લઈને ઘણો હોબાળો થયો હતો. બાદમાં રેલવેએ એક કમિટી બનાવી અને વિદ્યાર્થીઓનાં સૂચનોના આધારે ફેરફાર કર્યા.

દેખીતી રીતે, મોદી સરકાર માટે પણ બેરોજગારીની સમસ્યા એક મોટો મુદ્દો છે. તેથી, નાણાકીય વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટમાં, કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષમાં 60 લાખ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આવી સ્થિતિમાં દસ લાખ લોકોને નોકરી આપવી એ એક મોટી ઉપલબ્ધિ હશે.

જોકે, બીબીસીએ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે કેટલા લોકોને કયા વિભાગમાં અને કેવા પ્રકારની નોકરી આપવામાં આવશે. પરંતુ તેમનું કહેવું છે કે હાલમાં તેનો આંકડો ઉપલબ્ધ નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન