લાઇટ બિલ : ઘરમાં વીજળી સૌથી વધુ શેમાં વપરાય છે અને તેની બચત કઈ રીતે કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અલ્મુડેના દ કાબો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

- ઉનાળામાં એસીનું 23 કે 24 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું તાપમાન નહીં રાખીને તમે વીજળી બચાવી શકો છો
- બારીઓ બરાબર બંધ કરવાથી અથવા સારા પડદાના ઉપયોગ વડે વીજળીના બિલમાં ઘણી બચત કરી શકાય છે
- કાર્યક્ષમ ફ્રીઝમાં 40 ટકા ઓછી વીજળી વપરાય છે
- સિરામિક કરતા ઇન્ડક્શનના વાસણના ઉપયોગથી વીજળીની બચત વધુ થાય છે
- રીમોટ કન્ટ્રોલ વડે ટેલિવિઝન બંધ કરવાથી સ્ક્રીન બંધ થઈ જાય છે, પરંતુ નાની લાલ લાઈટ ચાલુ રહે છે અને તેમાં વીજળી વપરાતી રહે છે

વીજળીના વધતા દરને કારણે વધુને વધુ લોકો વિચારતા થયા છે કે વીજળી પરના ખર્ચને કેવી રીતે ઘટાડવો?
રૂમની બહાર નીકળીએ ત્યારે લાઈટ્સ બંધ કરવી એ સર્વસામાન્ય વાત છે. લાઈટ હંમેશાં ચાલુ રાખવાથી વધારે ખર્ચો થાય છે એ માન્યતા ભૂલભરેલી છે. વીજળીનો સૌથી વધુ વપરાશ કરતા રેફ્રીઝરેટર અને અન્ય ઉપકરણો બાબતે બહુ ઓછા લોકો વિચારે છે.
ઘરમાં વીજળીની બચત કઈ રીતે કરી શકાય એ વિશેના મહત્ત્વના મુદ્દા આ રહ્યા.

ઘરનું સારું ઇન્સ્યુલેશન

ઇમેજ સ્રોત, Getty Images
આ દેખીતું લાગે છે, પરંતુ બારીઓ બરાબર બંધ કરવાથી અથવા સારા પડદાના ઉપયોગ વડે વીજળીના બિલમાં ઘણી બચત કરી શકાય છે.
સામાન્ય રીતે વીજળીના ખર્ચમાં સૌથી મોટો હિસ્સો એર કન્ડિશનર્સ (હીટિંગ + ઍર કન્ડિશનર્સ)નો હોય છે એ વાત સારી રીતે યાદ રાખવી.
સ્પેનના ગ્રાહકો તથા વપરાશકર્તાઓના સંગઠન (ઓસીયુ)ના એનરિક ગાર્સિયાએ બીબીસી મુન્ડોને આ વાત સમજાવતાં કહ્યું હતું કે સ્પેનમાં એક સરેરાશ ઘરમાં અને વિકાસના સંદર્ભમાં સમાન દેશોમાં કુલ પૈકીનો 45થી 47 ટકા વીજળીનો વપરાશ ઍર કન્ડિશનિંગ અને પ્રકાશ આપતાં ઉપકરણો માટે કરવામાં આવે છે. તેમાં પણ સૌથી વધુ વપરાશ ઍર કન્ડિશનિંગ માટે જ થાય છે.
ઈલેક્ટ્રિક વડે ચાલતા ઍર કન્ડિશનર માટે મહત્ત્વની વાત એ છે કે ઘરમાં ઇન્સ્યુલેશન સારું હોવું જોઈએ. સારા પડદા અને બારીઓ વડે ઘરને સારી રીતે ઈન્સ્યુલેટ કરી શકાય છે. તેથી વીજળીના વધુ કાર્યક્ષમ વપરાશ માટે ઘરનું સારું ઇન્સ્યુલેશન અનિવાર્ય છે.

થર્મોસ્ટેટ એડજસ્ટ કરો અને દરવાજા બંધ રાખો

ઇમેજ સ્રોત, Getty Images
સારા ઇન્સ્યુલેશનથી આગળ વધીએ અને ઘરની અંદર યોગ્ય ઉષ્ણતામાન જાળવવાની બીજી પાયાની વાત કરીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધગધગતા ઉનાળામાં ઘરની અંદર જેમ સ્વેટર પહેરવાનું મોંઘું પડે છે તેમ, શિયાળાની મધ્યમાં જેમ ટી-શર્ટ પહેરવું મોંઘું પડે છે. તેનાથી ઊર્જાનો વ્યય થાય છે. મૂળ મુદ્દો હીટિંગ અને ઍર કન્ડિશનિંગ થર્મોસ્ટેટ્સ એટલે કે તાપમાન નિયંત્રક ઉપકરણોના યોગ્ય વપરાશનો છે.
નિષ્ણાતો જણાવે છે કે શિયાળામાં આરામદાયક ઉષ્ણતામાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે ન હોવું જોઈએ. 21 અને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચેનું ઉષ્ણતામાન પૂરતું હોય છે. તેમાં પ્રત્યેક ડિગ્રી સેન્ટીગ્રેડના વધારાનો અર્થ વીજળીના વપરાશમાં સાતથી દસ ટકા વધારો એવો થાય છે.
રૂમના દરવાજા બંધ રાખવાથી પણ વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે. દાખલા તરીકે, મુખ્ય પરસાળ ભણી ઉઘડતો રૂમનો દરવાજો અને લિવિંગ રૂમનો દરવાજો બંધ હોય તો તે વિસ્તાર કામચલાઉ ઍર ચેમ્બર સ્વરૂપે ઇન્સ્યુલેશનનું કામ કરે છે.
ઍર કન્ડિશનિંગની વાત કરીએ તો બ્લાઈન્ડ્ઝ નીચી રાખવી જોઈએ અને બારીઓ બંધ રાખવી જોઈએ, જેથી ઘરમાં ઠંડક બની રહે. ઓસીયુની ભલામણ મુજબ, ઘર એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાને બદલે ઍર કન્ડિશનર વહેલું ચાલુ કરી દેવું જોઈએ.
બહારના ઉષ્ણતામાનથી આઠ ડિગ્રી સેલ્સીયસ ઓછા ઉષ્ણતામાન પર ઍર કન્ડિશનર સેટ કરવાની ભલામણ પણ તેઓ કરે છે. દાખલા તરીકે, બહારનું ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સીયસ હોય તો એસીનું ઉષ્ણતામાન 25 ડિગ્રી સેલ્સીયસ પર સેટ કરવું જોઈએ.
તેને 20ને બદલે 24 ડિગ્રી સેન્ટીગ્રેડના લેવલ પર ચલાવવાથી વીજળીની સારા એવા પ્રમાણમાં બચત થાય છે. તેનું કારણ એ છે કે થર્મોસ્ટેટ્સના નિયંત્રણમાં પ્રત્યેક ડિગ્રીનો વધારો કે ઘટાડો તેના વપરાશના ખર્ચમાં 10 ટકા વધારો કરતો હોય છે.

ઉપકરણોનો કાર્યક્ષમ ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
વિવિધ પ્રકારના અપ્લાયન્સીસ ચલાવવામાં વીજળીનો લગભગ 55 ટકા વપરાશ થતો હોય છે. તેથી વીજવપરાશના સંદર્ભમાં સર્વોત્તમ કાર્યક્ષમતા ધરાવતાં અપ્લાયન્સીસ ખરીદવાં જોઈએ.
ઘરમાં એ ગ્રેડનાં અપ્લાયન્સીસનો મહત્તમ વપરાશ કરવાથી પણ વીજળીની બચત કરી શકાય છે. તમારે નવાં ઉપકરણોની ખરીદી કરવી હોય તો A+, A++ અથવા A+++ જેવાં ઊર્જા કાર્યક્ષમતા લેબલ્સ ધરાવતાં ઉપકરણો ખરીદવાં જોઈએ. આવાં ઉપકરણો બહુ મોંઘાં હોય છે, પણ લાંબા ગાળે તે સસ્તાં સાબિત થાય છે.
આવાં ઉપકરણોમાં વીજળીનો સૌથી વધુ વપરાશ રેફ્રીઝરેટર કરતા હોય છે, કારણ કે તેની સ્વીચ ક્યારેય બંધ કરવામાં આવતી નથી. ઊર્જાના કાર્યક્ષમ વપરાશના સંદર્ભમાં રેફ્રીઝરેટર પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
રેફ્રીઝરેટરના કાર્યક્ષમ વપરાશ માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમાં વધુને વધુ બરફ એકઠો થતો અટકાવવો જોઈએ.
ફ્રીઝના પાછળના હિસ્સા અને દીવાલ વચ્ચે થોડી ખુલ્લી જગ્યા હોવી જોઈએ, જેથી તેમાંથી હવાની અવરજવર થઈ શકે.
રેફ્રીઝરેટરને ઓવન જેવા ગરમી પેદા કરતા ઉપકરણોથી દૂર રાખવું જોઈએ અને તેના પર સીધો સૂર્યપ્રકાશ ન પડે તે ધ્યાન રાખવું જોઈએ.
ગરમ ભોજન ફ્રીઝમાં મૂકવાથી અંદરનું ઉષ્ણતામાન વધે છે. તેથી એવું ન કરવું જોઈએ.
રેફ્રીઝરેટરમાં વાસણો મૂકો ત્યારે તેમની વચ્ચે જગ્યા રાખવી જોઈએ, જેથી ઠંડી હવાની અવરજવર થાય અને સામગ્રી ઠંડી થઈ શકે.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લી વાત મૂર્ખતાભરી લાગશે, પણ એ સૌથી મહત્ત્વની છે. રેફ્રીઝરેટરને વારંવાર ખોલબંધ કરવું જોઈએ નહીં.
60 ડિગ્રી સેલ્સિયલ ઉષ્ણતામાનના સ્તરે ગરમ પાણીને બદલે 40 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને ગરમ કરાયેલા પાણીનો વપરાશ કપડાં ધોવા માટે કરો તો પણ વીજળીની બચત કરી શકાય.
ડ્રાયર એક એવું ઉપકરણ છે, જે બહુ બધી વીજળી વાપરે છે. વળી કેટલાક પ્રદેશોમાં તો તે જરૂરી પણ નથી હોતું.
આજકાલ ડિશવોશરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ સારા એવા પ્રમાણમાં વીજળી વપરાય છે. તેથી ડિશવોશરમાં ધોવાની ડિશીઝ સારી રીતે ગોઠવવી જોઈએ અને ફૂલ લોડનો લાભ લેવો જોઈએ. આ રીતે કરવાથી વપરાશ અડધો થઈ જશે.
ભોજન રાંધવા માટે જરૂરી સમયથી થોડાક વહેલા ઈલેક્ટ્રિક પ્લેટ્સ કે ઓવન બંધ કરી દેવાની ભલામણ કરવામાં આવે છે.
ઈલેક્ટ્રિક પ્લેટ્સ કે ઓવનમાં બાકી રહેલી ગરમીનો લાભ બાકીનું ભોજન રાંધવા માટે લેવાથી વીજળીની બચતમાં મદદ મળે છે. કોઈ વાનગી પકાવવા માટે ઓવન એક કલાક ચાલુ રાખવું જરૂરી હોય તો તેને ચાલુ કરીને 50 મિનિટ બાદ બંધ કરી દેવાથી 15 ટકા ઓછી વીજળી વપરાય છે.
ગરમીને વેડફાતી રોકવા માટે યોગ્ય પ્રકારનાં વાસણો અને કૂકરનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરકીબ, જે વાસણમાં કશુંક રાંધવા મૂક્યું હોય તે વાસણને ઢાંકી રાખવાની છે. તેથી ગરમીનો બહેતર ઉપયોગ કરી શકાશે.

વિવેકપૂર્વક ઉપયોગ કરો

ઇમેજ સ્રોત, Getty Images
તમે પણ રીમોટ કન્ટ્રોલ વડે ટેલિવિઝન બંધ કરતા લોકો પૈકીના એક છો? તેનાથી સ્ક્રીન બંધ થઈ જાય છે, પરંતુ નાની લાલ લાઈટ ચાલુ રહે છે. તેમાં પળેપળે વીજળી વપરાતી રહે છે. જરૂર ન હોય ત્યારે સમૂળગી સ્વીચ જ બંધ કરી દેવા જેવા સામાન્ય કામથી વર્ષના અંતે વીજળીના પ્રમાણમાં મોટી બચત કરી શકાય છે.
આવું જ આપણા ઘરમાં ઈલેક્ટ્રિક નેટવર્ક સાથે કાયમ જોડાયેલા રહેતા કમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, સેલ ફોન ચાર્જર્સ, સ્ટીરિયોઝ, માઈક્રોવેવ અને રાઉટર્સ જેવાં ઉપકરણોની બાબતમાં થાય છે. તેને ફોલ્સ શટડાઉન કહે છે.
તમે જે ડિવાઈસનો ઉપયોગ ન કરવાના હો તેને સંપૂર્ણપણે બંધ કરી દો. તેને સ્ટેન્ડબાય મોડ પર રાખશો નહીં, કારણ તેમાં ભલે ઓછા પ્રમાણમાં પણ વીજળીનો વપરાશ તો થાય જ છે.
બીજી એક વાત પણ યાદ રાખો કે બહુ જૂનું ટેલિવિઝન વીજળીનો વધુ વપરાશ કરતું હોય છે.
ઉપરોક્ત બધી બાબતોમાં થતા વીજળીના બિનઉપયોગી વપરાશને લીધે ઘરના ઈલેક્ટ્રિક બિલમાં વાર્ષિક સાતથી દસ ટકા વધારો થતો હોય છે.

જૂના બલ્બ બદલાવો
પરંપરાગત લાઈટ બલ્બ્ઝ બહુ મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ કરે છે. તેથી તેમના સ્થાને વધારે કાર્યક્ષમ લાઈટ બલ્બ્ઝનો ઉપયોગ કરવો જોઈએ.
ઈન્કેન્ડેસેન્ટ હેલોજન બલ્બ્ઝ, કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લાઈટ્સ અને એલઈડી લાઈટ્સ વીજળીનો 25થી 80 ટકા ઓછો વપરાશ કરે છે અને પરંપરાગત લાઈટ બલ્બ્ઝ કરતાં ત્રણથી 25 ગણા વધુ સમય સુધી ચાલે છે. તે મોંઘા જરૂર હોય છે, પણ લાંબા ગાળે સસ્તા સાબિત થાય છે.

સૌથી મોટો સવાલઃ કુલ કેટલી બચત કરી શકાય?
આ બધું વાંચ્યા પછી તમારા મનમાં સવાલ થશે કે ઉપરોક્ત ભલામણોને અનુસર્યા પછી કુલ કેટલી બચત કરી શકાશે?
એનરિક ગાર્સિયાએ કહ્યું હતું કે "આ ભલામણોને અનુસરવાથી થતા ઉર્જાના કાર્યક્ષમ વપરાશને લીધે વીજળીના ખર્ચમાં ત્રીસેક ટકા સુધીની બચત થવાનો અમારો અંદાજ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













