જગતની માનવવસતિ આઠ અબજ થઈ : પૃથ્વી વધુ કેટલા લોકોનો ભાર સહન કરી શકશે?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, ઝારિયા ગોર્વેટ
- પદ, બીબીસી ફ્યૂચર
સંયુક્ત રાષ્ટ્ર સંઘે જણાવ્યું છે કે પૃથ્વી પરના મનુષ્યોની કુલ સંખ્યા 15 નવેમ્બરે આઠ અબજ થઈ ચૂકી છે અને સાત અબજથી આ સ્તરે પહોંચવામાં માત્ર 11 વર્ષ લાગ્યાં છે.
વસતિમાં આટલો જંગી વધારો મોટા વિભાજન સ્વરૂપે આવ્યો છે ત્યારે કેટલાક લોકો આ બાબતને સફળતાની અભૂતપૂર્વ કથા માની રહ્યા છે.
તેની સાથે એવો વિચાર પ્રબળ બની રહ્યો છે કે વાસ્તવમાં આપણને વધારે લોકોની જરૂર છે કે નહીં.
અબજોપતિ જેફ બેઝોસે 2018માં એવા ભવિષ્યની આગાહી કરી હતી કે જેમાં આપણી વસતિ એક નવા દશાંશ બિંદુ પર પહોંચશે અને એક ટ્રિલિયન લોકો સમગ્ર સૌરમંડળની ચારે તરફ પથરાયેલા હશે. આ લક્ષ્ય હાંસલ કરવા માટેની યોજના પોતે બનાવી રહ્યા હોવાની જાહેરાત તેમણે કરી હતી.
દરમિયાન, બ્રિટિશ બ્રોડકાસ્ટર અને નેચરલ હિસ્ટોરિયન ડેવિડ એટનબરોએ આ જંગી વસતિવધારાને ‘પૃથ્વીના પ્લેગ’ તરીકે ઓળખાવ્યો છે.
આ દૃષ્ટિથી જોઈએ તો હવામાનમાં પરિવર્તનથી માંડીને જૈવવૈવિધ્યના ઝડપી વિનાશ અને પાણીની તંગીથી માંડીને જમીન માટેના સંઘર્ષ સુધીની આજની આપણી તમામ સમસ્યાનું મૂળ છેલ્લી કેટલીક સદીમાં થયેલો બેફામ વસતિવધારો છે.
1994માં પૃથ્વીની કુલ વસતિ 5.5 અબજ લોકોની હતી ત્યારે કૅલિફોર્નિયાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એવી ગણતરી માંડી હતી કે આપણી પ્રજાતિનું આદર્શ કદ દોઢથી બે અબજ લોકો વચ્ચેનું હોવું જોઈએ.
આ સંદર્ભમાં વિચારીએ તો સવાલ થાય કે પૃથ્વી પર હોવી જોઈએ તેના કરતાં બહુ જ વધુ વસતિ છે? માનવજાતના વૈશ્વિક વર્ચસ્વનું ભવિષ્ય શું હશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એક પુરાતન ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈસવીસન પૂર્વે 375ની આસપાસ ફિલસૂફ પ્લેટોએ લખેલા ભવ્ય ગ્રંથ ધ રિપબ્લિકમાં બે કાલ્પનિક શહેરોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પૈકીનું એક સ્વસ્થ છે, જ્યારે બીજું ફેન્સી અને અસ્વસ્થ, અશાંત છે.
અસ્વસ્થ અને અશાંત શહેરના લોકો પ્રચુર પ્રમાણમાં ખર્ચ કરે છે અને બેહદ ઉપભોગ કરે છે. નૈતિક રીતે આ જર્જરિત શહેર આખરે પાડોશી દેશની જમીન કબજે કરવાના પ્રયાસ કરે છે, કારણ કે વધારાનાં સંસાધનો વિના તે પોતાની વિશાળ, લોભી વસતિને ટકાવી શકે તેમ નથી. પરિણામે યુદ્ધ થાય છે.
પ્લેટોએ જે ચર્ચા શરૂ કરી હતી એ આજે પણ જીવંત છે : સમસ્યા જંગી માનવવસતિ છે કે તે જે સંસાધનોનો ઉપયોગ કરે છે તે છે?
નિરાશાવાદી અંગ્રેજ પાદરી થોમસ માલ્થુસ લિખિત વસતિના સિદ્ધાંત વિષયક એક વિખ્યાત નિબંધનું પ્રકાશન 1798માં કરવામાં આવ્યું હતું. તેની શરૂઆતમાં થોમસ માલ્થુસે મહત્ત્વનાં બે નિરીક્ષણ નોંધ્યાં છે. પહેલું તે તમામ માનવની ભોજનની જરૂરિયાત અને બીજું તેમને ગમતી જાતીય સંભોગની પ્રવૃત્તિ.
પોતાના આ નિરીક્ષણ પાછળનો તર્ક સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે આ બે સરળ સત્ય માનવજાતની માગ પૃથ્વી પર ઉપલબ્ધ સંસાધનો કરતાં શા માટે વધી જશે તે સ્પષ્ટ કરે છે.
થોમસ માલ્થુસે લખ્યું હતું કે, “વસતિવધારા પર નિયંત્રણ ન રાખવામાં આવે ત્યારે તે ભૌમિતિક પ્રમાણમાં વધે છે, જ્યારે સંસાધનો આંકડાકીય પ્રમાણમાં વધે છે. અંકગણિતનું જરા સરખું જ્ઞાન હોય એ પણ સમજી શકે કે સંસાધનોની સરખામણીમાં વસતિનો પ્રભાવ હંમેશાં વધારે જ રહે.”
બીજા શબ્દોમાં કહીએ તો વસતિ વધારે હોય તો સંતાનો પણ વધારે પ્રમાણમાં પેદા થાય, પરંતુ અન્ન ઉત્પન્ન કરવાની આપણી ક્ષમતામાં એટલી ઝડપે વધારો ન થાય.

આ સાદા શબ્દોની અસર તત્કાળ થઈ હતી. તેનાથી કેટલાકમાં જોરદાર ભય અને કેટલાકમાં એટલો જ પ્રબળ ગુસ્સો સર્જાયો હતો, જેનાં કંપન દાયકાઓ સુધી સમાજમાં અનુભવાતાં રહ્યાં છે.
પ્રથમ પ્રકારનો વર્ગ એવું વિચારતો થયો હતો કે વસતિવધારાને અંકુશમાં લેવા માટે કંઈક કરવું જ પડશે. બીજો વર્ગ એવું માનતો રહ્યો કે લોકોની વસતિ ઘટાડવી એ તો વાહિયાત અથવા અનૈતિક બાબત છે. વાસ્તવમાં તો ખાદ્યાન્નનો પુરવઠો વધારવાના તમામ પ્રયાસ કરવા જોઈએ.
માલ્થુસનો નિબંધ પ્રકાશિત થયો ત્યારે પૃથ્વી પર 80 કરોડ લોકોની વસતિ હતી.
જોકે, સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પૉલ ઍહરલીચ અને તેમનાં પત્ની ઍની ઍહરલીચ લિખિત પુસ્તક ધ પૉપ્યુલેશન બૉમ્બ 1968માં પ્રકાશિત થયું ત્યાં સુધી વૈશ્વિક વસતિવધારા સંબંધે કોઈએ ચિંતા કરી ન હતી.
લેખક દંપતીને તે પુસ્તકની પ્રેરણા દિલ્હીમાં તેમને થયેલા અનુભવમાંથી મળી હતી. તેઓ એક રાતે હોટલમાં પાછાં ફરતાં હતાં ત્યારે તેમના ટૅક્સી ડ્રાઇવરે ઝૂંપડાંની વચ્ચે આવેલા માર્ગમાંથી ટૅક્સી ચલાવી હતી. લેખક દંપતી એ માર્ગ પરની પ્રચુર માનવપ્રવૃત્તિ જોઈને ચકિત થઈ ગયું હતું.
તેમણે તેમના અનુભવનું આલેખન જે રીતે કર્યું તેની આકરી ટીકા કરવામાં આવી હતી, કારણ કે એ સમયે લંડનની વસતિ દિલ્હી કરતાં બમણી હતી.
લેખક દંપતીને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં તથા અમેરિકા જેવા દેશોમાં સંભવિત ભાવિ દુકાળનો ડર હતો અને તેના અનુસંધાને તેમણે આ પુસ્તક લખ્યું હતું. એ દેશોમાં વધતી વસતિની પર્યાવરણ પરની માઠી અસરની નોંધ લેવાનું શરૂ થયું હતું.
વધારે પડતી વસતિસંબંધી આજની ચિંતા એ પુસ્તકને આભારી છે.

મિશ્ર દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, SIERRA CLUB/BALLANTINE BOOKS
અંદાજોમાં થોડોઘણો ભેદ છે, પરંતુ આપણે 2070 અને 2080 સુધીમાં વસતિના સર્વોચ્ચ તબક્કે પહોંચી જઈશું એવી ધારણા છે. એ સમય સુધીમાં પૃથ્વી પર 9.4 અબજથી 10.4 અબજ લોકો વસતા હશે.
એ પ્રક્રિયા કદાચ ધીમી હશે, પરંતુ યુએનને આશા છે કે પૃથ્વી પરની માનવવસતિ 10.4 અબજના સ્તરે પહોંચી જશે તો બે દાયકા સુધી એ આંકડા પર જ સ્થિર રહેશે. એ પછી વસતિમાં ઘટાડો થવાની આશા છે.
આ ધારણાથી આપણા ભવિષ્ય વિશે બે વિરોધાભાસી દૃષ્ટિકોણ સર્જાયાં છે. તેમાં એક છેડે એવા લોકો છે કે જેઓ કેટલાક પ્રદેશોમાંના ઓછો પ્રજનનદરને પૃથ્વી માટેની સમસ્યા ગણે છે.
એ વસતિશાસ્ત્રી બ્રિટનમાં ઘટી રહેલા જન્મદરથી એટલા ચિંતિત છે કે તેમણે સંતાનો ન હોય તેવા લોકો પર કર લાદવાનું સૂચન કર્યું છે.
બ્રિટનમાં 2019માં પ્રતિ મહિલા બાળકનો દર 1.65 હતો. જે 2,075ના રિપ્લેસમેન્ટ સ્તર (વસતિનું પ્રમાણ જાળવી રાખવા માટે જરૂરી બાળકોના જન્મનું પ્રમાણ) કરતાં ઓછો છે. અલબત્ત, ઇમિગ્રેશનને કારણે વસતિનું પ્રમાણ તો સતત વધતું જ રહ્યું છે.
બીજો દૃષ્ટિકોણ એવો છે કે પૃથ્વીનો વસતિવધારો ધીમો પાડવાનું કે તબક્કાવાર થંભાવી દેવાનું શક્ય કે ઇચ્છનીય નથી. તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીત વડે એટલે કે ગર્ભનિરોધકો પૂરા પાડીને અને મહિલાઓને શિક્ષિત કરીને હાંસલ કરી શકાય.
આ દલીલના સમર્થકો માને છે કે આ રીત અપનાવવાથી પૃથ્વીને લાભ થશે એટલું જ નહીં, પરંતુ વિશ્વના ગરીબ નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો થશે.
આ તર્કના વિરોધીઓ એવી દલીલ કરે છે કે પ્રત્યેક વ્યક્તિ જે સંસાધનોનો ઉપયોગ કરે છે તેનું પ્રમાણ મહત્ત્વનું છે. ઓછો જન્મદર ધરાવતા સમૃદ્ધ દેશોમાં ઉપભોગનું પ્રમાણ ઘણું વધારે છે.
આપણી વ્યક્તિગત જરૂરિયાત ઘટાડવાથી, ગરીબ દેશોમાં વૃદ્ધિ અટકાવ્યા વિના પૃથ્વી પરની માનવવસતિની માઠી અસરને ઘટાડી શકાય.
યુરોપ અને ઉત્તર અમેરિકામાં એકંદરે વધુ ગીચ વસતિ છે ત્યારે વિશ્વના ઓછા વિકસિત પ્રદેશોમાં વસતિ વૃદ્ધિ ઘટાડવાનું પશ્ચિમના દેશોનું વલણ વંશવાદી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવે છે.

પર્યાવરણ પર પ્રભાવ

ઇમેજ સ્રોત, ANI
આ બધી ચર્ચાથી આગળ પૃથ્વીને આપણે માઠી અસર કરી છે તેના આંકડા ચિંતાજનક છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી ફૉર ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર(એફએઓ)ના જણાવ્યા અનુસાર, પૃથ્વીની કુલ પૈકીની 38 ટકા એટલે કે પાંચ અબજ હેક્ટર જમીનનો ઉપયોગ માનવજાત માટે ખાદ્યસામગ્રી અને ઈંધણ જેવી અન્ય પેદાશોના ઉત્પાદન માટે કરવામાં આવે છે.
આપણા પૂર્વજો કદાવર પ્રાણી-પક્ષીઓનો શિકાર કરતા હતા, જ્યારે આજે પૃથ્વી પર આપણા જેવા કરોડરજ્જૂવાળા પ્રાણીઓનું પ્રભુત્વ છે. વજનની દૃષ્ટિએ કરોડરજ્જુવાળા સજીવોમાં માણસોનું પ્રમાણ 38 ટકા, પ્રાણીઓનું પ્રમાણ એક ટકા છે, જ્યારે બાકીનામાં ઢોરનો સમાવેશ થાય છે.
વર્લ્ડ વાઈલ્ડ ફંડના જણાવ્યા અનુસાર, જંગલી પ્રાણીઓની સંખ્યામાં 1970થી 2020 સુધીના 50 વર્ષમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ સમાન સમયગાળામાં પૃથ્વી પર માનવોની વસતિમાં બમણાથી વધુનો ઉમેરો થયો હતો.
વાસ્તવમાં પૃથ્વી પર આપણું પ્રભુત્વ વધ્યું છે, તેની સમાંતરે પર્યાવરણ સંબંધી અનેક ફેરફાર પણ થયા છે. આ સંબંધે, ચિમ્પાન્ઝી વિશેના અભ્યાસ માટે વિખ્યાત પ્રાઇમૅટોલોજિસ્ટ જેન ગૂડડેલથી માંડીને પ્રકૃતિવિદ તથા ટેલિવિઝન પ્રેઝન્ટર ક્રિસ પેકહમ સહિતના સંખ્યાબંધ પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે.
ડેવિડ ઍટનબરોએ રેડિયો ટાઇમ્સ સામયિકને 2013માં જણાવ્યું હતું કે, “પર્યાવરણસંબંધી આપણી તમામ સમસ્યાઓનું નિરાકરણ વસતિ ઓછી હશે તો આસાન બનશે અને વધારે હશે તો અશક્ય હશે.”
માનવજાતના પર્યાવરણ પરના માઠા પ્રભાવની નોંધ લઈને કેટલાક લોકોએ ઓછાં સંતાન કે સંતાન પેદા જ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં બ્રિટનના સસેક્સનાં ડ્યુક અને ડચેસનો પણ સમાવેશ થાય છે. હેરી અને મેગને 2019માં જાહેર કર્યું હતું કે તેઓ પૃથ્વીના ભલા માટે માત્ર બે સંતાનોને જન્મ આપશે.
અમેરિકન ગાયિકા મિલી સાયરસે એ જ વર્ષે જાહેર કર્યું હતું કે પૃથ્વી ક્રોધે ભરાઈ હોવાથી તે હમણાં કોઈ સંતાનને જન્મ આપશે નહીં.

બાળકને જન્મ આપવા વિરોધી ચળવળમાં વધુ મહિલાઓ જોડાઈ રહી છે અને હવામાનસંબંધી વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી સંતાનને જન્મ નહીં આપવાનો નિર્ણય તેમણે કર્યો છે.
2017માં બહાર આવેલા એક સંશોધનના તારણને પગલે આ ટ્રેન્ડને વેગ મળ્યો હતો. તે તારણમાં જણાવવામાં આવ્યું હતું કે વિકસિત દેશોમાં મહિલાઓ એક ઓછા બાળકને જન્મ આપે તો પૃથ્વી પરના પ્રતિ-વ્યક્તિ કાર્બન ઉત્સર્જનમાં 58.5 ટકા ઘટાડો કરી શકાય. આ પ્રમાણ કાર નહીં વાપરવાથી ઉત્સર્જનમાં થતા ઘટાડા કરતાં 24ગણું વધારે છે.
પૃથ્વીના અમર્યાદિત સંસાધનો પર માનવજાત અક્ષમ્ય દબાણ લાવી રહી હોવાનું આજે લગભગ બધા સ્વીકારતા થયા છે. તેના પરિણામે વર્લ્ડ ઓવરશૂટ ડેની કલ્પના આકાર પામી છે. 2010માં વર્લ્ડ ઓવરશૂટ ડે આઠમી ઓગસ્ટે અને આ વર્ષે 28 જુલાઈએ હતો.
સમસ્યા વધુ પડતી વસતિ હોય કે આપણી પાસેનાં સંસાધનો હોય અથવા બન્ને હોય, “બહેતર પર્યાવરણ માટે વધારે વસતિ શા માટે જરૂરી છે એ હું સમજી શકતી નથી,” એવું શિક્ષણશાસ્ત્રી અને એઈટ બિલિયન ઍન્ડ કાઉન્ટિંગ : હાઉ સેક્સ, ડેથ એન્ડ માઇગ્રેશન શેપ અવર વર્લ્ડ પુસ્તકનાં લેખિકા જેનિફર સ્ક્યુબાએ કહ્યું હતું.
જોકે, સ્ક્યુબાએ એમ પણ જણાવ્યું હતું કે વસતિવિસ્ફોટનો બૉમ્બ ફાટવાથી પૃથ્વીનો નાશ થવાનો વિચાર પુરાણો થઈ ગયો છે. સ્ક્યુબાએ કહ્યું હતું કે પૉપ્યુલેશન બૉમ્બની સંકલ્પના રજૂ કરવામાં આવી ત્યારે પૃથ્વીના 127 દેશો એવા હતા, જ્યાં મહિલાઓ સરેરાશ પાંચ કે તેથી વધુ બાળકોને જન્મ આપતી હતી. આજે એવા દેશોની સંખ્યા માત્ર આઠ છે. તેથી એ ટ્રેન્ડ બદલાઈ ગયો છે તે આપણે સમજવું જોઈએ.

ખુશખુશાલ ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
વસતિવધારાનો પ્રભાવ માત્ર પર્યાવરણ કે અર્થતંત્ર પર પડતો નથી. તે એક ગુપ્ત શસ્ત્ર છે, જે વિશ્વના લોકોની જીવનશૈલીની ગુણવત્તાના આકાર આપે છે.
ડ્રેક્સેલ યુનિવર્સિટીના વૈશ્વિક આરોગ્ય વિષયના પ્રોફેસર એલેક્સ એઝેહના જણાવ્યા મુજબ, દરેક દેશમાં લોકોની સંખ્યા એ સૌથી મહત્ત્વનું પરિબળ નથી. હકીકતમાં વસતિમાં થતો ઘટાડો જે તે દેશની ભાવિ સંભાવનાની ચાવી છે. તે એ સૂચવે છે કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ રહી છે.
આફ્રિકા ખંડનું ઉદાહરણ આપતાં એલેક્સ એઝેહે જણાવ્યું હતું કે તેના દેશોમાં વસતિ વૃદ્ધિદર ધરમૂળથી અલગ-અલગ છે. ખાસ કરીને દક્ષિણી આફ્રિકામાં પ્રજનન દરમાં મોટો ઘટાડો થયો છે અને ગર્ભનિરોધકોનો વપરાશ વધ્યો છે. ત્યાં વસતિમાં વધારાનો દર ધીમો પડી રહ્યો છે, જે એક રીતે સારી વાત છે.
બીજી તરફ ઊંચા પ્રજનનદર તથા લોકો લાંબું જીવતા હોવાને કારણે મધ્ય આફ્રિકાના કેટલાક દેશોમાં વસતિનો વૃદ્ધિદર હજુ પણ ઘણો ઊંચો છે. કેટલાક પ્રદેશોમાં તે વાર્ષિક અઢી ટકાથી વધારે છે. એ પ્રમાણ બહુ વધારે કહેવાય. અનેક દેશોમાં વસતિનું પ્રમાણ દર 20 વર્ષે બમણું થશે, એવું એલેક્સ એઝેહે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કદ અને સંખ્યા વિશેની ચર્ચા અસ્પષ્ટ હોય એવું મને લાગે છે. આફ્રિકાનાં અનેક શહેરોની માફક અનેક શહેરોની વસતિ દસ વર્ષમાં બમણી થઈ રહી છે તેનો વિચાર કરવો જોઈએ. એ વિચારવું જોઈએ કે વધારાની વસતિની જરૂરિયાતને પહોંચી વળવાનાં સંસાધનો છે કે નહીં.

વધતી વસતિ

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર પૃથ્વી પરની વસતિ કેટલા પ્રમાણમાં વધશે તે હજુ નક્કી નથી, પરંતુ કેટલીક મર્યાદા અત્યારથી જ નક્કી થઈ ગઈ છે. વસતિવધારાના કે તેને ઘટાડવાના પ્રયાસો નહીં કરવામાં આવે તો પણ માનવવસતિ તો વધતી જ રહેશે તે પાકું છે.
2014માં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જીવલેણ રોગચાળો કે વિશ્વ યુદ્ધ થાય કે પછી પૃથ્વી પરનો દરેક દેશ માત્ર એક સંતાનની અમાનવીય નીતિ અપનાવે, પૃથ્વી પરની માનવવસતિ 2100 સુધીમાં દસ અબજની થવાની જ છે.
આગામી વર્ષોમાં પૃથ્વી પર માનવજાતનો પ્રભાવ પ્રચંડ પ્રમાણમાં વધવાનો છે ત્યારે સાથે રહીને જીવવાનો તથા પર્યાવરણના રક્ષણનો સૌથી મોટો પડકાર આપણી સમક્ષ છે.














