ચંદ્રશેખર રાવે કરેલી વડા પ્રધાનની ટીકા આગામી લોકસભા ચૂંટણીમાં ત્રીજો મોરચો માંડવાનો સંકેત છે?

    • લેેખક, જી. એસ. રામમોહન
    • પદ, બીબીસી તેલુગુ

આજકાલ તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખરના વડા પ્રધાન મોદી અને ભાજપની ટીકા કરતા નિવેદનોની ઘણી ચર્ચા છે. મુંબઈમાં ખબરપત્રોમાં કેસીઆરની જાહેરાત અને તસવીરો છે, એ પણ મરાઠી ભાષામાં. ગુજરાતના મીડિયા અહેવાલો અનુસાર સુરતમાં પણ તેમના જન્મદિવસ (17 ફેબ્રુઆરી) પર વિશાળ બૅનરો જોવા મળ્યા હતા.

કેસીઆરે રવિવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે પણ તેમની મુલાકાત થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેસીઆરે રવિવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે પણ તેમની મુલાકાત થઈ હતી

કેસીઆરે રવિવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે પણ તેમની મુલાકાત થઈ હતી.

ઠાકરે સાથેની મુલાકાત બાદ રાવે કહ્યું કે, "દેશમાં આજે એક મોટા પરિવર્તનની જરૂર છે. જે રીતે દેશ ચાલી રહ્યો છે, તેમાં બદલાવ આવવો જોઈએ. 75 વર્ષની આઝાદી બાદ જે થવું જોઈતું હતું, તે થયું નથી. અમે એ વાત પર સહમત થયા કે દેશમાં પરિવર્તન આવવું જોઈએ. અમે પરિવર્તન માટે રાષ્ટ્રીય અને સ્થાનિક દળો સાથે પણ વાત કરીશું."

રાવે કહ્યું, "મહારાષ્ટ્રથી જે મોરચો નીકળે છે, તે સફળ થાય છે. શિવાજી મહારાજ અને બાલાસાહેબ ઠાકરે જેવા મરાઠા યોદ્ધાઓથી દેશને જે પ્રેરણા મળી છે, તેની સાથે અમે આગળ વધવા માગીએ છીએ."

તેમણે કહ્યું કે, "અમે ગુનાઓ વિરુદ્ધ લડવા માગીએ છે. અમે લોકતંત્ર માટે લડવા માગીએ છીએ. એક સારી શરૂઆત અને સારો સંદેશ આજે વર્ષા (મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના આવાસ)થી આવી રહ્યાં છ. ઉદ્ધવજી અને મારા વચ્ચે જે વાતચીત થઈ તેનું આવનારા દિવસોમાં સારું એવું પરિણામ જોવા મળશે."

કે. ચંદ્રશેખર રાવે ઉદ્ધવ ઠાકરેને તેલંગાણા આવવા નિમંત્રણ આપ્યું હતું.

કે. ચંદ્રશેખર રાવે ઉદ્ધવ ઠાકરેને તેલંગાણા આવવા નિમંત્રણ આપ્યું હતું.

ઇમેજ સ્રોત, SHIVSENA

ઇમેજ કૅપ્શન, કે. ચંદ્રશેખર રાવે ઉદ્ધવ ઠાકરેને તેલંગાણા આવવા નિમંત્રણ આપ્યું હતું.

પરંતુ કેસીઆર સાથે સંકળાયેલા સમાચારો અને વિશ્લેષણ માત્ર મહારાષ્ટ્રનાં અખબારોમાં જ જોવાં નથી મળતાં, બલકે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેસીઆરે કરેલી ટીકા સંદર્ભના સમાચારો દેશનાં બીજાં શહેરોમાં પણ પહોંચી રહ્યા છે.

એવી મોટી શક્યતા છે કે આગામી દિવસોમાં કેસીઆર કદાચ વધારે આક્રમક બનીને મોદીની ટીકા કરતાં જોવા મળે.

પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં અચાનક જ કેસીઆરની સક્રિયતાનું કારણ શું છે?

કેસીઆર ભારતના વડા પ્રધાનની ટીકા કરવામાં રાજ્ય સરકારના અધિકારોમાં દખલ, જીએસટી, વહીવટી સેવાઓમાં નિમણૂક જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે. પરંતુ સંભવ છે કે કેસીઆરની ટીકાઓનું પ્રાથમિક કારણ આ બધું ના હોય.

વડા પ્રધાનની ટીકા કરવા પાછળનાં વાસ્તવિક કારણોનું અનુમાન આ પાંચ બાબતોથી કરી શકાય એમ છે.

line

1. ત્રીજો દાવ

કેસીઆરે પણ નહીં વિચાર્યું હોય કે એમને ત્રીજો દાવ રમવાની તક મળશે

ઇમેજ સ્રોત, NOAH SEELAM/ CONTRIBUTOR

ઇમેજ કૅપ્શન, કેસીઆરે પણ નહીં વિચાર્યું હોય કે એમને ત્રીજો દાવ રમવાની તક મળશે

તમે પહેલા અને બીજા દાવ વિશે તો સાંભળ્યું હશે, આ ત્રીજો દાવ શું છે?

રાજકારણમાં કંઈ પણ શક્ય છે. કેસીઆરે પણ નહીં વિચાર્યું હોય કે એમને ત્રીજો દાવ રમવાની તક મળશે. અત્યારે, તાજેતરની પ્રેસ મીટિંગોમાં તેઓ કહે છે, "જ્યારે મારો જન્મ થયો હશે ત્યારે શું મારા પિતાએ વિચાર્યું હશે કે એક દિવસ હું મુખ્ય મંત્રી બનીશ? રાજકારણમાં કંઈ પણ શક્ય છે."

કેસીઆર સ્વર્ગસ્થ એન.ટી. રામારાવના એટલા મોટા પ્રશંસક છે કે એમણે પોતાના પુત્રનું નામ એમના જેવું જ રાખ્યું છે.

એમણે પોતાનું રાજકીય જીવન તેલુગુ દેશમ્ પાર્ટી સાથે શરૂ કર્યું હતું. તેઓ પાર્ટીમાં મિડલ લેવલના નેતા હતા અને થોડો સમય એમણે એ જ સ્થિતિમાં કામ કર્યું. એ એમના જીવનનો પ્રથમ દાવ હતો.

રાજકીય જીવનના બીજા દાવમાં એમણે પોતાની પાર્ટીને મજબૂત બનાવી અને છેલ્લા બે દાયકા દરમિયાન એમણે તમામ અડચણોને પાર કરીને પોતાની પાર્ટીને સ્થાપિત કરી. તેલંગણાના ગઠન (સંયોજન) સાથે તેઓ માત્ર તેલંગણાના મુખ્ય મંત્રી જ ન બન્યા, બલકે, કશા વિવાદ વગર રાજ્યના સૌથી મોટા નેતા બની ગયા.

હાલના સમયે એમણે પોતાના માટે એક લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. એમનું ધ્યાન દિલ્હી બાજુ છે. કહી શકાય કે આ એમનો ત્રીજો દાવ છે.

line

2. મોદી નવા દુશ્મન

કહેવાય છે કે રાજકારણમાં માત્ર વિરોધી હોય છે, કોઈ દુશ્મન નથી હોતા. પરંતુ કેસીઆરના રાજકારણમાં હંમેશાં એક દુશ્મન રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે રાજકારણમાં માત્ર વિરોધી હોય છે, કોઈ દુશ્મન નથી હોતા. પરંતુ કેસીઆરના રાજકારણમાં હંમેશાં એક દુશ્મન રહ્યા છે

કહેવાય છે કે રાજકારણમાં માત્ર વિરોધી હોય છે, કોઈ દુશ્મન નથી હોતા. પરંતુ કેસીઆરના રાજકારણમાં હંમેશાં એક દુશ્મન રહ્યા છે. ભાજપના રાજકારણની જેમ જ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના રાજકારણમાં ધ્રુવીકરણ એક પાસું રહ્યું છે.

કેસીઆરની વ્યૂહરચના પોતાને તેલંગાણાના હિમાયતી અને પોતાના વિરોધીઓને તેલંગાણાના દુશ્મન તરીકે રજૂ કરવાની રહી છે.

'આંધ્ર પ્રદેશના વિભાજનમાં સંસદીય પ્રક્રિયાનું સરખી રીતે પાલન નથી થયું' અને 'તેલંગાણાના સંયોજનનો પ્રસ્તાવ સંસદમાં બંધ બારણે અંધારામાં લેવાયો' જેવાં મોદીનાં બયાનોનો ઉપયોગ કરીને કેસીઆર એમને રાજ્યના દુશ્મનરૂપે પ્રસ્તુત કરે છે.

વરિષ્ઠ પત્રકાર જિનકા નાગારાજુએ જણાવ્યું કે, "2009માં વાય.એસ. રાજશેખર રેડ્ડીના નેતૃત્વવાળી કૉંગ્રેસ દુશ્મન હતી. 2014માં આંધ્ર પ્રદેશના નેતા દુશ્મન હતા. 2019માં ચંદ્રબાબુ નાયડુ દુશ્મન હતા. દરેક ચૂંટણીમાં મતદારોને ભાવનાત્મક રીતે જોડવા માટે તેઓ કોઈ ને કોઈ દુશ્મન બનાવતા રહ્યા છે. આજની તારીખે મોદી એમના નવા દુશ્મન છે."

line

3. બદલાતાં સમીકરણ અને ભાજપનું નવું લક્ષ્ય

અત્યાર સુધી ભાજપ તેલંગણામાં વિપક્ષમાં હતી પરંતુ ટીઆરએસની સાથે એમના સંબંધ સારા હતા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી ભાજપ તેલંગાણામાં વિપક્ષમાં હતી પરંતુ ટીઆરએસની સાથે એમના સંબંધ સારા હતા

અત્યાર સુધી ભાજપ તેલંગાણામાં વિપક્ષમાં હતી પરંતુ ટીઆરએસની સાથે એમના સંબંધ સારા હતા. સંસદમાં ભાજપ જે પ્રસ્તાવ રજૂ કરતો હતો, ટીઆરએસ એને ટેકો જાહેર કરતી હતી. જ્યાં સુધી તેલંગાણા ભાજપનું નેતૃત્વ કિશન રેડ્ડી પાસે હતું ત્યાં સુધી બંને પાર્ટી એક હદ સુધી જ એકબીજાની ટીકા કરતી હતી.

પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ઉત્તર ભારતમાં પોતાનું સામર્થ્ય વધારવા માટે ભાજપ પાસે હવે વધારે જગ્યા નથી, એ જોતાં પક્ષ એવાં રાજ્યો તરફ નજર દોડાવી રહ્યો છે જ્યાં તે પોતાનું સમર્થન વધારી શકે એમ છે. દક્ષિણ ભારતમાં પક્ષ પોતાનું વિસ્તરણ કરવા માગે છે અને તેલંગણા એ જ રણનીતિનો એક ભાગ છે. પશ્ચિમ બંગાળ પછી ભાજપે તેલંગાણાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.

તેલંગાણામાં ભાજપનું યુવા નેતૃત્વ હવે કેસીઆર પર દરરોજ હુમલા કરી રહ્યું છે.

હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અપેક્ષા કરતાં વધારે સારો દેખાવ અને પેટાચૂંટણીમાં વિધાનસભાની બે સીટની જીતે ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી દીધો છે.

જાતિગત સમીકરણોમાં પણ પરિવર્તન થયું છે. પૉલિટિકલ સાયન્સના નિવૃત્ત પ્રોફેસર કે. શ્રીનિવાસુલુએ જણાવ્યું કે, "ભૂતકાળમાં ભાજપની કમાન વેલમ્મા અને રેડ્ડી જાતિના નેતાઓના હાથમાં હતી. હવે ટીઆરએસની કમાન પણ વેલમ્મા નેતૃત્વના હાથમાં છે, એ જોતાં ભાજપ પછાત જાતિઓ પર ભરોસો રાખે છે. પછાત જાતિઓ ભાજપની મજબૂતીનું સૌથી મોટું કારણ છે અને એ ટીઆરએસ માટે જોખમી બની શકે છે."

હવે એવો સવાલ નથી રહ્યો કે તેલંગાણામાં ભાજપ અને કૉંગ્રેસ બેમાંથી કોણ મુખ્ય વિપક્ષ છે. મોદીની સતત ટીકાથી એવા સંકેત મળે છે કે ટીઆરએસ માટે મુખ્ય વિરોધ પક્ષ હવે ભાજપ છે અને આગામી દિવસોમાં બંને રાજકીય પક્ષો વચ્ચે ઘર્ષણ વધી શકે છે.

line

4. એક રણનીતિથી બે નિશાન

કેસીઆર માટે ચૂંટણીલક્ષી રાજકારણમાં મોદીને પડકારવાનો નિર્ણય ખૂબ મહત્ત્વનો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેસીઆર માટે ચૂંટણીલક્ષી રાજકારણમાં મોદીને પડકારવાનો નિર્ણય ખૂબ મહત્ત્વનો છે

કેસીઆર માટે ચૂંટણીલક્ષી રાજકારણમાં મોદીને પડકારવાનો નિર્ણય ખૂબ મહત્ત્વનો છે. તેઓ એક રણનીતિથી બે નિશાન સાધવા માગે છે.

જ્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે સર્જિકલ સ્ટ્રાઇક સંબંધી પુરાવા માગ્યા ત્યારે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વ સરમાએ રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો અને વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો. આસામના મુખ્ય મંત્રીના બયાનને આધાર બનાવીને કેસીઆરે મોદી પર નિશાન તાક્યું અને કહ્યું, "આવી અપમાનજનક ભાષાથી મારી આંખમાં આંસુ આવી ગયાં. તમે આવી ભાષાનો ઉપયોગ કરો છો? આ તમારી સંસ્કૃતિ છે? શું તમે એમને પાર્ટીમાંથી કાઢી મૂકશો?"

કેસીઆરની રણનીતિ એ જ રહી છે કે તેઓ જેમને પોતાના દુશ્મન જાહેર કરી દે, એમના પર હુમલા શરૂ કરી દે છે.

રાજ્યમાં કૉંગ્રેસ એમની વિરોધ પક્ષની પાર્ટી છે પરંતુ કૉંગ્રેસના નેતા તરફ સહાનુભૂતિ દર્શાવીને એમણે એવો સંકેત આપ્યો કે રાજ્યમાં કૉંગ્રેસથી એમને કશું જોખમ નથી. મહત્ત્વની વાત એ છે કે ચૂંટણી પછી ગઠબંધનની દિશામાં પણ એમણે પહેલ કરી.

રાજકીય વિશ્લેષકો અનુસાર, કૉંગ્રેસ પાર્ટી વગર કોઈ પણ ત્રીજા મોરચાનું આગળ વધી શકવું સંભવ નહીં બને. જિનકા નાગારાજુએ જણાવ્યું કે, "વાસ્તવમાં, આ પહેલની સાથે કેસીઆરે આગામી દિવસોમાં જરૂરિયાત ઊભી થવાના સંજોગોમાં કૉંગ્રેસની સાથે ગઠબંધનની શક્યતાનો માર્ગ ખોલી નાખ્યો છે."

ટીઆરએસ માટે કૉંગ્રેસ સાથેનું ગઠબંધન નવી વાત નથી. બંને પાર્ટીઓ પહેલાં પણ સાથે રહી ચૂકી છે. કૉંગ્રેસી નેતા ગુલામનબી આઝાદની સાથે કેસીઆર પ્રચાર કરી ચૂક્યા છે.

ભૂતકાળમાં ડોકિયું કરીએ તો, કેસીઆરે એટલે સુધી જાહેરાત કરી હતી કે જો તેલંગાણાને રાજ્યનો દરજ્જો મળી જાય તો તેઓ ટીઆરએસને કૉંગ્રેસમાં વિલીન કરી દેશે. તેલંગાણાનું ગઠન થયા પછી સોનિયા ગાંધી પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે તેઓ પોતાના આખા પરિવાર સાથે એમના ઘરે ગયા હતા.

જિનકા નાગારાજુ એ દિવસના સાક્ષી છે જે દિવસે સોનિયા ગાંધી સાથે કેસીઆરની મુલાકાત થઈ હતી.

નાગારાજુએ જણાવ્યું કે, "એ દિવસોમાં કેસીઆર ઘણા ઉત્સાહી હતા. એમણે કેટલાક કૉંગ્રેસી નેતાઓને ફોન કરીને પણ કહ્યું કે તેઓ સોનિયા ગાંધીના સલાહકાર બનવા જઈ રહ્યા છે અને સોનિયા ગાંધી એમને ઉત્તર પ્રદેશ મોકલી રહ્યાં છે. આ બધું એમણે મીડિયાની સામે કર્યું હતું."

line

5. ઝડપ બદલી છે, લક્ષ્ય નહીં

તેલંગણામાં બીજી વાર સરકાર બનાવ્યા બાદ અને 2019ની સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાં, એમણે એક મારચો બનાવવાની પૂરતી કોશિશ કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેલંગણામાં બીજી વાર સરકાર બનાવ્યા બાદ અને 2019ની સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાં, એમણે એક મારચો બનાવવાની પૂરતી કોશિશ કરી હતી

રાષ્ટ્રીય મીડિયામાં કેસીઆરને લગતાં સમાચારો અને વિશ્લેષણ લખાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં એમાં વધારો થશે. કેસીઆર કેન્દ્રમાં દેખાય છે એ ભલે નવું છે, પરંતુ એમની મહત્ત્વાકાંક્ષા જૂની છે. તેલંગણામાં બીજી વાર સરકાર બનાવ્યા બાદ અને 2019ની સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાં, એમણે એક મારચો બનાવવાની પૂરતી કોશિશ કરી હતી.

જ્યારે રાજકીય પાર્ટીઓ પોતપોતાનાં રાજ્યોમાં વ્યસ્ત હતી અને કૉંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ હતી, ત્યારે એમણે તક ઝડપી લેવાની કોશિશ કરી હતી. તેઓ મમતા બેનરજીને મળવા બંગાળ ગયા. એમણે પિનરઈ વિજયન, એમ.કે. સ્ટાલિન, નવીન પટનાયક સાથે પણ વાટાઘાટ કરી.

તેઓ દેવગૌડાને પણ મળ્યા હતા, જેઓ એવી મહત્ત્વાકાંક્ષા ધરાવતા કોઈ પણ નેતાને માટે આશાનું એક કિરણ છે.

જે રીતે ભૌતિક વિજ્ઞાનમાં લોકો રમનપ્રભાવની ચર્ચા કરે છે, એ જ રીતે ભારતીય રાજકારણમાં દેવગૌડા-પ્રભાવની ચર્ચા કરવામાં આવે છે. બધાને આશ્ચર્યમાં મૂકતાં તેઓ સંયુક્ત મોરચાની સરકારમાં વડા પ્રધાન બન્યા હતા.

નાની નાની રાજકીય પાર્ટીઓના નેતાઓ પર આ પ્રભાવની અસર રહે છે. પરંતુ ભૂતકાળમાં કેસીઆર માટે એ અસરકારક ન રહ્યું. એવું લાગ્યું કે જાણે ખોટા સમયે એમણે આશા રાખી હતી.

ભાજપ 2019માં બહુમત સાથે સરકાર બનાવવામાં સફળ થયો. હવે બે વર્ષ પછી લોકસભાની ચૂંટણી થવાની છે પરંતુ કેસીઆર એક વાર ફરી પોતાના પ્રયાસો શરૂ કરી ચૂક્યા છે. ત્રીજો મારચો બનાવવા માટે તેઓ પ્રાદેશિક પક્ષોના નેતાઓને મળી રહ્યા છે.

એમણે ચૂંટણી બ્યૂગલ વગાડી દીધું છે અને સંકેત આપી રહ્યા છે કે મોદીને પડકારનારા સંભવિત નેતાઓમાં તેઓ સૌથી આગળ છે. તેઓ રાજ્યના રાજકારણનું નેતૃત્વ પોતાના પુત્રને સોંપવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે અને નવી દિલ્હીને પોતાનું ઘર બનાવવા માગે છે.

હાલના સમયે તેલુગુભાષી ક્ષેત્રમાં કેસીઆર જેવી વાક્‌પટુતા અન્ય કોઈ નેતામાં નથી. રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ અન્યો કરતાં આગળ દેખાઈ રહ્યા છે.

અસ્ખલિત હિન્દી બોલવી એ એમની ખાસિયત છે. કેસીઆરને રાજકીય રીતે એવું લાગતું હશે કે અત્યારે ભારતીય રાજકારણ જે દોરમાંથી પસાર થઈ રહ્યું છે, એ સ્થિતિમાં આવનારાં બે વર્ષમાં કંઈ પણ શક્ય છે. એમણે એવું અનુમાન પણ કર્યું હશે કે લોકસભામાં તેલંગાણાની સીટ ઓછી છે, એ જોતાં નરેન્દ્ર મોદીને પડકારનારા નેતાઓમાં સૌથી આગળ રહેવું હોય તો એમણે મોદી પર હુમલા કરતાં રહેવું પડશે અને સતત સમાચારોમાં ચમકતાં રહેવું પડશે.

જોકે, તેલંગાણાના કેસીઆરને એવી ખાતરી થઈ ગઈ છે કે લોકો એમની આક્રમકતા પર ધ્યાન આપી રહ્યા છે અને તેઓ ચર્ચાના કેન્દ્રમાં છે, અર્થાત્, રેસ હજુ ચાલુ છે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો