ઑપરેશન લાલ ડોરા : ભારતીય મૂળના PMની સરકાર બચાવવા દૂર દેશમાં જ્યારે ઇન્ડિયન આર્મીએ મિશન હાથ ધર્યું
- લેેખક, જયદીપ વસંત
- પદ, નવી દિલ્હી
મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ આઠ-દિવસની ભારતયાત્રા પર આવ્યા. આ દરમિયાન મોરિશિયસમાં વસતા ભારતીય મૂળના લોકો તથા અહીંના ગિરમીટિયા મજૂરોએ વેરાન ટાપુને કેવી રીતે સમૃદ્ધ કર્યો, તેની વ્યાપક ચર્ચા પણ થઈ.
જોકે, એક બાબતની બહુ ઓછી ચર્ચા થઈ રહી છે કે લગભગ 40 વર્ષ પહેલાં ભારતની ઇંદિરા ગાંધી સરકાર મોરિશિયસમાં સેના મોકલવા માટે તૈયાર થઈ હતી, જેથી કરીને હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો જળવાઈ રહે.

ઇમેજ સ્રોત, Getty Images
આ અભિયાનને નામ આપવામાં આપવામાં આવ્યું હતું, 'ઑપરેશન લાલ ડોરા'. ઑપરેશનની અમલવારી અંગે ભારતનાં જ બે સશસ્ત્રબળો વચ્ચે મતભેદ હતા. ભારતના એક સૈન્યઅધિકારીએ આવું ઑપરેશન હાથ નહીં ધરવા તત્કાલીન સરકારને સલાહ આપી હતી, જેની પાછળથી તેમણે કિંમત પણ ચૂકવી હતી.
જોકે, અનિશ્ચિતતા અને અફરાતફરીના એ સમયમાં ભારતની ગુપ્તચર સંસ્થા 'રૉ'એ બીડું ઝડપ્યું અને તેને સાકાર પણ કરી દેખાડ્યું હતું.

સ્વતંત્રતા પછી સત્તાની સાંઠમારી

ઇમેજ સ્રોત, Getty Images
પહેલાં ડચ, પછી ફ્રૅન્ચ અને પછી અંગ્રેજોનું સંસ્થાન રહ્યા બાદ વર્ષ 1968માં મોરિશિયસને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી. એ પછી 'ચાચા રામગુલામ' તરીકે ઓળખાતા શિવસાગર રામગુલામ વડા પ્રધાન બન્યા.
મજૂરપક્ષના રામગુલામ અગાઉ મેયર અને મુખ્ય મંત્રીપદે રહી ચૂક્યા હતા. તેમને વહીવટનો સારો એવો અનુભવ હતો. નવો આઝાદ થયેલો દેશ પગભર થઈ રહ્યો હતો, ત્યાં 1982ની ચૂંટણીમાં મોરિશિયન મિલિટન્ટ મૂવમૅન્ટના અનિરુદ્ધ જગન્નાથ વડા પ્રધાન બન્યા.
રામગુલામનાં મૂળિયાં ભારતમાં હતાં. એમના સમયમાં બંને દેશોના સંબંધ સારા રહ્યા હતા. એવી જ રીતે અનિરુદ્ધનાં મૂળિયા પણ ભારતમાં જ હતાં એટલે નવી દિલ્હીમાં રહેલા સત્તાધીશો તથા સુરક્ષાતંત્રના નિષ્ણાતો પ્રમાણમાં નિશ્ચિંત હતા.
જોકે, ગણતરીના મહિનાઓમાંજ ત્યાંના ભારતીય મૂળના મંત્રીઓ અને વડા પ્રધાન વચ્ચે વિખવાદ થઈ ગયો. કથિત રીતે તેની પાછળ ફ્રૅન્ચ મૂળના સ્થાનિક રાજકારણીની ભૂમિકા હતી. આ સંજોગોમાં અનિરુદ્ધ જગન્નાથે જ ભારતની પાસેથી મદદ માગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેવિડ બ્રૂસ્ટરે ભારતીય સેના, નૌકાદળ, સનદી અધિકારીઓ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથેની વાતચીતના આધારે 'ઇન્ડિયાઝ ઑશન : ધ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ બિડ ફૉર રિજનલ લીડરશિપ' નામથી પુસ્તક લખ્યું છે, જેમાં આ ઘટનાક્રમ વિશે આ રીતે (પૃષ્ઠ ક્રમાંક 72-74) ઉલ્લેખ જોવા મળે છે :
ભારતીય વાયુદળ ત્યાં પહોંચીને સૈનિકોને ઉતારી શકે કે પોતે મિશનને અંજામ આપી શકે તેવી શક્યતા નહોતી. આથી આ મિશન નૌકાદળ અને ભારતીય સેનાએ મળીને પાર પાડવાનું હતું. ભારતીય સેનાની 54મી રેપિડ રિઍક્શન ડિવિઝનની બે બટાલિયનોને (લગભગ અઢીસો જવાનો) બૉમ્બેથી દરિયાઈ માર્ગે મોરિશિયસની રાજધાની પૉર્ટ લુઇસ મોકલવાનું નક્કી થયું.
તૈયારી માટે સૈનિકોને બે દિવસની જરૂર પડશે, તથા ત્યાં પહોંચતાં પાંચ દિવસનો સમય લાગશે તેવું અનુમાન મૂકવામાં આવ્યું હતું. આ અભિયાનને 'મિશન લાલ ડોરા' નામ આપવામાં આવ્યું હતું.
પરંતુ યોજના અને તેના અમલીકરણ વિશે નૌકાદળના તત્કાલીન વડા ઓએસ ડાઉસન તથા નાયબ સેનાધ્યક્ષ લેફટનન્ટ જનરલ એસકે સિંહા વચ્ચે મતભેદ હતા.
સિંહાને આશંકા હતી કે ભારતીય સેના આ પ્રકારના જળજમીન મિશનને માટે તાલીમબદ્ધ નથી. 1971ના યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશના મોરચે ભારતીય સૈનિકો દરિયાઈ ઉતરણસ્થળમાં રસ્તો ભૂલી ગયા હતા અને કેટલાક સામાનને કારણે કિનારા સુધી પહોંચી નહોતા શક્યા. વળી, જો પાસે જ રહેલા અમેરિકન બેઝ પરથી અમેરિકા દરમિયાનગીરી કરે તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે એમ હતું.
અંતે ઇંદિરા ગાંધીએ રૉ (રિસર્ચ ઍન્ડ એનાલિસિસ વિંગ)ના સ્થાપક આરએન કાઓની સલાહ પર રૉના વડા નૌશેરવાન ફરામજી સંતોકને મોરિશિયસ મોકલવાનું નક્કી કર્યું. આ ગુપ્તચર સંસ્થા સીધી જ વડા પ્રધાન કાર્યાલય હેઠળ કામ કરે છે.

મોરિશિયસમાં મિશન

ઇમેજ સ્રોત, Getty Images
સંતોક રૉના આરએન કાઓના હાથ નીચે તૈયાર થયા હતા. 1971ના યુદ્ધ સમયે તેઓ જૉઇન્ટ સેક્રેટરી હતા. સંતોકે પોતાની કારકિર્દી નૌકાદળમાં ઇમર્જન્સી ભરતીથી કરી હતી. એ પછી તેઓ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા અને ઇન્ડિયન ફ્રન્ટિયર ઍડમિનિસ્ટ્રેશન સર્વિસમાં જોડાયા હતા.
મોરારજી દેસાઈ, જનતા પાર્ટી સહિતના વિપક્ષને લાગતું હતું કે ઇંદિરા ગાંધીના કહેવાથી રૉ દ્વારા વિપક્ષના નેતાઓની ઉપર નજર રાખવામાં આવતી હતી અને સંસ્થા તેમની વિરુદ્ધ કાવતરાં ઘડવામાં સામેલ હતી.
આથી જ જ્યારે તેમની સરકાર બની ત્યારે સંગઠનને 'કદ પ્રમાણે વેતરવાનું' શરૂ થયું. પહેલાં આરએન કાવ અને પછી શંકર નાયરે પદ છોડવાં પડ્યાં. એ પછી સંતોક આ પદ પર આવ્યા. તેઓ પોતાની કુનેહથી આ પદ પર રહ્યા અને રૉનું અસ્તિત્વ અને મિશન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.
એનએફ સંતોક છ વર્ષ સુધી આ પદ પર રહ્યા, જે કાવ પછીનો બીજો સૌથી લાંબો કાર્યકાળ છે. તેમણે મોરારજી દેસાઈ, ચરણસિંહ તથા ઇંદિરા ગાંધી એમ ત્રણ વડા પ્રધાનના હાથ નીચે કામ કર્યું.
સંતોકે મોરિશિયસ જઈને અસંતુષ્ટ પ્રધાનો સાથે મુલાકાત કરી અને તેમની વચ્ચેના વિવાદ અને વિખવાદને ઉકેલવામાં મદદ કરી. અનિરુદ્ધ જગન્નાથે નવી પાર્ટીની સ્થાપના કરી. જેણે 1983ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવી અને તેઓ 1995 સુધી આ પદ પર રહ્યા.
રૉમાં કાર્યરત મેજર જનરલ દરજ્જાના અધિકારીને મોરિશિયસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમવામાં આવ્યા. સંતોકનું મિશન તો સફળ રહ્યું હતું પરંતુ લેફ્ટનન્ટ જનરલ સિંહાએ રાજકીય નેતૃત્વનું ધાર્યું નહીં કરી દેવાનું વલણ દાખવવાનું મોંઘું પડ્યું હતું.

ઇંદિરા ગાંધી વિ. લેફ્ટનન્ટ જનરલ સિંહા

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં ઇમર્જન્સી ભૂતકાળ થઈ ગયો હતો, જંગી બહુમતી સાથે ઇંદિરા ગાંધી સત્તા ઉપર પરત ફર્યાં હતાં. તેઓ ઇચ્છિત પરિણામ મેળવવામાં માનતાં હતાં, જેના કારણે તેમની સરમુખત્યાર જેવી આભા ઊભી થતી.
આ સંજોગોમાં લેફ્ટનન્ટ જનરલે 'ઑપરેશન લાલ ડોરા' ઉપરાંત વધુ એક મિશન માટે ઇંદિરા ગાંધીને ઇન્કાર કરી દીધો હતો. ઇંદિરા ગાંધી ઇચ્છતાં હતાં કે સેના દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરમાં છૂપાયેલા ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે સૈન્યઅભિયાન હાથ ધરવામાં આવે.
લેફ્ટનન્ટ જનરલ સિંહાને લાગતું હતું કે આમ કરવાથી સૈન્યપક્ષે ભારે ખુંવારી થશે. વળી, શીખોના પવિત્ર ધર્મસ્થાનને પણ નુકસાન થશે. જેના કારણે પંજાબ તથા બહાર રહેતા શીખોની ધાર્મિક લાગણી દુભાશે. આ સિવાય તેમને ભારતીય સેનામાં રહેલા શીખ સૈનિકોની પણ ચિંતા હતી.
ઇંદિરા ગાંધીને ઇન્કાર કરનાર લેફ્ટનન્ટ જનરલ એસકે સિંહા સેનાધ્યક્ષ બનવાના હતા, પરંતુ તેમના બદલે તેમનાથી જુનિયર એવા અરૂણ વૈદ્યને કમાન સોંપવામાં આવી.
આવું પહેલી વખત બન્યું હતું કે વરિષ્ઠતાને કોરાણે મૂકીને જુનિયરને કમાન સોંપવામાં આવી હોય. લેફ્ટનન્ટ જનરલ સિંહા નારાજ થયા અને રાજીનામું ધરી દીધું. તેમને મનાવવાના સરકાર તરફથી પ્રયાસ થયા, પરંતુ તેઓ અડગ રહ્યા.
કૉમોડોર ઉદય ભાસ્કરના મતે "સત્તાપક્ષેથી 'સૂત્રોના આધારે' એવા સમાચાર વહેતા થયા કે લેફ્ટનન્ટ જનરલ એસકે સિંહા રાજકીય મહત્ત્વકાંક્ષા ધરાવતા હતા. આ સિવાય 'બળવા'ની વાતો પણ વહેતી થઈ. આ સિવાય પણ કેટલીક વાતો વહેતી થઈ. છતાં તેમણે સેના અને સરકારની ગરિમા જાળવી રાખી અને વર્ષો સુધી મૌન સેવ્યું."
જનરલ અરૂણ વૈદ્યના નેતૃત્વમાં 'ઑપરેશન બ્લૂસ્ટાર' હાથ ધરવામાં આવ્યું, પરંતુ લેફ્ટનન્ટ જનરલ સિંહાના આકલન મુજબ જ પંજાબ લોહિયાળ બન્યું અને દાયકાઓ સુધી ઉગ્રવાદની અસરમાંથી બહાર ન નીકળી શક્યું.
1984ની સામાન્ય ચૂંટણી દરમિયાન તેમણે પટનાની બેઠક ઉપરથી વિપક્ષસમર્થિત અપક્ષ ઉમેદવાર બન્યા. જોકે, સહાનુભૂતિની લહેરમાં તેમનો પરાજય થયો. જોકે, પાછળનાં વર્ષોમાં તેમણે નેપાળ ખાતે ભારતના ઍમ્બેસેડર તથા આસામ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી.
'ધ ઑક્સફૉર્ડ હૅન્ડબુક ઑફ ઇન્ડિયન ફેરેન પૉલિસી' (વર્ષ 2015, પૃષ્ઠ ક્રમાંક-467) પ્રમાણે, આ મિશનમાં ભારતની ભૂમિકા પ્રમાણમાં સામાન્ય હતી અને બ્રિટિશ સમયમાં હિંદ મહાસાગરમાં ભારતનો ખાસ દબદબો નહોતો. ભારત તેના માટે પ્રયાસ કરી રહ્યું છે તથા અહીં તેને ચીન દ્વારા પડકાર મળી રહ્યો છે.
બદલાની કાર્યવાહીમાં ઇંદિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા હત્યા કરી દેવામાં આવી. જેના કારણે દેશભરમાં શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. રાજધાની દિલ્હીમાં સેંકડો શીખોની હત્યા કરી દેવામાં આવી. વર્ષો પછી પુનામાં નિવૃત્ત જીવન ગાળી રહેલા જનરલ અરૂણ વૈદ્યની હત્યા કરી દેવામાં આવી. બંનેના હત્યારાઓને અદાલતે ફાંસીએ લટાવ્યા.
થોડાં વર્ષો પહેલાં આરટીઆઈના આધારે આપવામાં આવેલી માહિતીમાં બહાર આવ્યું હતું કે 'ઑપેરશન બ્લૂસ્ટાર'ના લેખિત કે મૌખિક આદેશ કોના દ્વારા આપવામાં આવ્યા હતા, તે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કે સંરક્ષણ મંત્રાલય પાસે કોઈ માહિતી નથી.

અને પછી....

ઇમેજ સ્રોત, Getty Images
એ પછીનાં વર્ષો દરમિયાન એક અપવાદને બાદ કરતા ત્યાં ભારતીય મૂળના રાજનેતાઓ જ વડા પ્રધાન બન્યા. મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ અનિરુદ્ધ જગન્નાથના પુત્ર છે.
એ સમયે એવી વ્યવસ્થા નક્કી થઈ હતી કે મોરિશિયસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારતીય હોય. આ વ્યવસ્થા આજપર્યંત જળવાય રહી છે અને રૉનો કોઈ અધિકારી જ આ પદ સંભાળે છે. હાલ મોરિશિયસમાં ભારતના 'લિસનિંગ પૉઇન્ટ્સ' પણ છે.
શિવસાગર રામગુલામના પુત્ર નવીન પણ રાજકારણમાં છે અને તેઓ પણ વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા છે. બંને પરિવારો પણ સત્તાના દુરુપયોગ તથા ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા છે.
મૉરિશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રુપન ભારતીય મૂળના છે. અગાઉ ભારતીય મૂળના રાજકેશ્વર પ્રયાગ, રૌઉફ બંધને પણ આ પદ સંભાળ્યું છે. એવી જ રીતે ભારતીય મૂળના અંગિદી ચેટ્ટિયાર, અરિરંગા પિલ્લાઈ અને પરમશિવમ્ પિલ્લાઈ કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા છે.

વિદેશની ધરતી પર ભારતનાં ઑપરેશન્સ

ઇમેજ સ્રોત, Getty Images
શીતયુદ્ધના સમયમાં નહેરુના નેતૃત્વમાં ભારતે 'બિનજોડાણવાદી નીતિ' અખત્યાર કરી અને અન્ય દેશોની આંતરિક બાબતોમાં માથું નહીં મારવાનું વલણ અપનાવ્યું છે. છતાં જરૂર પડ્યે ભારતે પોતાનાં સામરિક હિતોની સુરક્ષા તથા તેને સાધવા માટે ગુપ્તચર કૈ સૈન્યમિશન પણ પાર પાડ્યાં છે. આવાં જ કેટલાંક મિશનો ઉપર નજર કરીએ તો :
બાંગ્લાદેશની સ્વતંત્રતા : 1960ના દાયકાના મધ્યભાગથી પૂર્વ પાકિસ્તાનમાં વસતા બાંગલા નાગરિકો પર ભાષા અને વંશના આધારે અત્યાચાર આચરવાના શરૂ કર્યા. ભારતે 'મુક્તિવાહિની'ના માધ્યમથી આ ચળવળકારોને હથિયાર અને તાલીમ આપ્યાં. જેણે પાકિસ્તાની સેનાને હંફાવી દીધી. ભારતે પણ પોતાની સેના મોકલી. અંતે 16મી ડિસેમ્બરે દુનિયાના નક્શા ઉપર બાંગ્લાદેશ નામનો નવો સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ અસ્તિત્વમાં આવ્યો.
ઑપરેશન મેઘદૂત (1984) : જેના દ્વારા 1971ના યુદ્ધ દરમિયાન સીમા નિર્ધારણમાં છૂટી ગયેલા સિયાચીન હિમખંડ પર ભારતે પ્રભુત્વ મેળવ્યું.
ઑપરેશન ફ્લાવર્સ આર બ્લૂમિંગ (1986) : હિંદ મહાસાગરમાં આવેલા નાનકડા એવા દેશ સેશૅલ્સમાં આંતરિક બળવો અટકાવવા તથા સ્થાનિક સરકારને ટકાવી રાખવા માટે ભારતે મદદ કરી.
ઑપરેશન કેકટસ (1988) : હિંદ મહાસાગરમાં આવેલા રમણીય માલદીવમાં શ્રીલાકાના તામિલ વિદ્રોહીઓએ સરકારને ઉથલાવી દેવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે ભારતે વાયુદળની મદદથી સૈનિકોને માલદીવ મોકલ્યા હતા અને બળવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
શ્રીલંકામાં મિશન : શ્રીલંકાની સરકાર તથા ભારતીય મૂળના તામિલો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષમાં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે સ્થાનિક સરકારને મદદ કરવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતીય સૈનિકો અને શ્રીલંકન મૂળના તામિલો સામે-સામે થઈ ગયા હતા.
નવો દેશ, અજાણ્યા વિસ્તાર, અપૂરતી માહિતી, અપૂરતી તૈયારી તથા અપૂરતા સરંજામના કારણે લગભગ 1300 સૈનિકો મૃત્યુ પામ્યાં અને છ હજારથી વધુ ઘાયલ થયા. આ મિશન ભારે નિષ્ફળ રહ્યું હતું. બીજી બાજુ, દેશમાં રાજીવ ગાંધી સરકારનું પતન થયું અને સેનાને પરત બોલાવી લેવામાં આવી.
એ પછી ભારતીય સેનાએ પ્રત્યક્ષ રીતે આવા કોઈ મોરચામાં ભાગ નથી લીધો. છતાં 'ઑપરેશન મદદ', 'ઑપરેશન ગંભીર', 'ઑપરેશન રાહત', 'ઑપરેશન મૈત્રી', 'ઑપરેશન ગંગા' જેવાં રાહત અને બચાવ કામગીરીનાં અભિયાનો હાથ ધર્યાં છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












