ભારત-ચીન સરહદે તણાવ છતાં બંને દેશ વચ્ચેનો વેપાર કઈ રીતે વધ્યો?

ભારતે ચીનમાંથી 58.7 અબજ ડૉલરનના સામાનની આયાત કરી હતી.

ઇમેજ સ્રોત, YURCHELLO108

ઇમેજ કૅપ્શન, ભારતે ચીનમાંથી 58.7 અબજ ડૉલરનના સામાનની આયાત કરી હતી.
    • લેેખક, ઝુબેર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

લદ્દાખની સીમાએ ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેના કારણે બંને દેશો વચ્ચે ગંભીર તણાવ ઊભો થઈ ગયો હતો. આમ છતાં ગત વર્ષે ચીન જ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું.

ગત નાણાંકીય વર્ષમાં પણ ચીન જ ભારતનું સૌથી મોટું ટ્રૅડિંગ પાર્ટનર હતું. અમેરિકા બીજા તથા સંયુક્ત આરબ અમિરાત ત્રીજાક્રમે રહ્યા હતા.

ભારતે ચીનમાંથી 58.7 અબજ ડૉલરનના સામાનની આયાત કરી હતી. જે અમેરિકા અને યુ.એ.ઈ.માંથી થયેલી સંયુક્ત આયાત કરતાં પણ વધુ હતી. આ ગાળામાં ભારતે પાડોશી દેશ ચીનને 19 અબજ ડૉલરનો સામાન વેંચ્યો હતો.

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ અગાઉ ચીને સ્વીકાર્યું હતું કે એ અથડામણમાં તેના ચાર સૈનિક મૃત્યુ પામ્યા હતા. ભારતનો દાવો છે કે એ અથડામણમાં ચીને જાહેર કરેલી સંખ્યા કરતાં વધુ સૈનિક મૃત્યુ પામ્યા હતા.

ગલવાનની ઘટના બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી વ્યાપાને થોડી અસર થઈ હતી, કોરોનાની મહામારીને કારણે તેમાં વધારો થયો, પરંતુ તે ખાસ વધારે ન હતો.

ભારત સરકારે ચીનના આર્થિક રોકાણ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. આ સિવાય ચાઇનિઝ કંપનીઓની 200થી વધુ મોબાઇલ ઍપ્લિકેશન્સ ઉપર સુરક્ષાનું કારણ આગળ ધરીને પ્રતિબંધ લાદી દીધો હતો. જેમાં ટિક ટૉક, વીબો તથા વીચૅટ જેવી ઍપ્સનો પણ સમાવેશ થાય છે.

line

આત્મનિર્ભરતા અભિયાનની અસરકારકતા

વર્ષ 2013થી 2020 દરમિયાન ચીને ભારતમાં 2.174 અબજ ડૉલરનું જ રોકાણ કર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2013થી 2020 દરમિયાન ચીને ભારતમાં 2.174 અબજ ડૉલરનું જ રોકાણ કર્યું છે.

ગત વર્ષે મે મહિનાથી ભારત સરકારે આત્મનિર્ભરતાનું અભિયાન હાથ ધર્યું હતું. જેનો હેતુ આયાત ઘટાડવાનો, નિકાસ વધારવાનો તથા દેશમાં ઉત્પાદનક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હતો.

જાણકારો માને છે કે ભારતનું આ અભિયાન ચીન ઉપરની મદાર ઘટાડવા ઉપર વધારે કેન્દ્રિત હતું, પરંતુ તાજેતરના વ્યાપારિક આંકડા ઉપર નજર કરીએ તો તમામ પગલાં છતાં ચીન ઉપર ભારતની નિર્ભરતા ઘટી નથી.

આંકડાઓ ઉપર નજર કરીએ તો ગતવર્ષે ભારત અને ચીન વચ્ચે 77.7 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. વાણિજ્ય મંત્રાલયના અનુમાનિત આંકડા મુજબ, તે ગત વર્ષના 85.5 અબજ ડૉલરના આંકડા કરતાં થોડો જ ઓછો છે.

બીજી બાજુ, ભારત સરકારે સ્પષ્ટતા કરી છેકે ચીની રોકાણને મંજૂરી આપવાના મીડિયા રિપૉર્ટ્સમાં કોઈ તથ્ય નથી. આમ પણ ચીન ભારતમાં મોટું રોકાણકાર નથી.

વર્ષ 2013થી 2020 દરમિયાન ચીને ભારતમાં 2.174 અબજ ડૉલરનું જ રોકાણ કર્યું છે. જે ભારતના કુલ વિદેશી રોકાણનો ખૂબ જ નાનો હિસ્સો છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર 2020ની વચ્ચે ભારતમાં 58 અબજ ડૉલરનું દેશી મૂડીરોકાણ થયું હતું.

હાલ ભારત ચીનમાંથી ભારે યંત્રસામગ્રી, કૉમ્યુનિકેશનના સાધનો તથા ઘરેલું વપરાશની ચીજો આયાત કરે છે.

ઇમેજ સ્રોત, RASI BHADRAMANI

ઇમેજ કૅપ્શન, હાલ ભારત ચીનમાંથી ભારે યંત્રસામગ્રી, કૉમ્યુનિકેશનના સાધનો તથા ઘરેલું વપરાશની ચીજો આયાત કરે છે.

દિલ્હીની ફૉર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીનની બાબતોના નિષ્ણાત ડૉ. ફૈસલ અહેમદ કહે છે કે આત્મનિર્ભરતાનો અર્થ એ નથી કે આયાત બંધ થઈ જાય અને વિદેશી મૂડીરોકાણ ન આવે. તેઓ કહે છે :

"આગામી સમયમાં પણ ચીન ઉપરની ભારતની આયાતનિર્ભરતા આમ જ રહેશે. આપણે આંતરરાષ્ટ્રીય વેપારને આપણા માટે લાભકારક બનાવવા વિશે વિચારવું જોઇએ. તેનાથી આપણાં આર્થિકહિત પણ જળવાશે અને આત્મનિર્ભરતાને પણ બળ મળશે."

ડૉ. ફૈસલ ઉમેરે છે, "ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આવશ્યક સાધન તરીકે વધુ સીધું વિદેશી મૂડીરોકાણ (એફ.ડી.આઈ.) મેળવવા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આપણે મૅન્યુફૅક્ચરિંગના ક્ષેત્રમાં ઉત્પાદનક્ષમતા વધારવા માગીએ છીએ. આપણે આપણાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.)ને આંતરરાષ્ટ્રીયસ્તરે લઈ જવામાં તેમની મદદ કરવી જોઈએ."

"જેથી કરીને ગ્લૉબલ વૅલ્યુ ચેન (જી.વી.સી.)માં ભાગીદાર બની સકે. આ માટે એફ.ડી.આઈ.ની જરૂર છે. જો ચીનમાંથી એફ.ડી.આઈ. આવે તો પણ તે આત્મનિર્ભરતાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી. કારણ કે, ભારત પણ ચીનમાં 11 ટકા સુધી નિકાસ વધારવા માટે સક્ષમ છે. અલગ-અલગ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ વધશે તો ભારતમાંથી થતી નિકાસ વધુ સ્પર્ધાત્મક બનશે."

હાલ ભારત દ્વારા ચીનમાંથી ભારે યંત્રસામગ્રી, કૉમ્યુનિકેશનના સાધનો તથા ઘરેલું વપરાશની ચીજોની મોટાપાયે આયાત કરવામાં આવે છે. ચીન સાથેના દ્વિપક્ષીય વેપારમાં લગભગ 40 અબજ ડૉલરનો વેપાર આ ચીજોનો જ થયો હતો. વેપારતુલામાં આટલું મોટું અસંતુલન અન્ય કોઈ દેશ સાથે નથી.

ડૉ. ફૈસલ અહમદ ઉમેરે છે, "જે રીતે નવી વૈશ્વિકવ્યવસ્થા આકાર લઈ રહી છે, તેમાં આપણે આર્થિક હિતને પણ ધ્યાને લેવા જોઈએ. વૈશ્વિક બાબતો, વિશેષ કરીને ઇન્ડો-પૅસિફિકમાં અમેરિકાએ પોતાની ભૂમિકાને વિસ્તારી છે. જેને ધ્યાને લેતા આપણી વ્યૂહરચના તથા ઝડપભેર આર્થિકહિતોને સાધવા માટે પ્રયાસ કરવાનો સમય છે."

line

ચીન થોડું સાવધાન

ચીન વિશ્વમાં બીજા ક્રમાંકની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીન વિશ્વમાં બીજા ક્રમાંકની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "અમે આને દ્વિપક્ષીયસંબંધને ફરી શરૂ કરાવવા માટે એક સારા સંકેત તરીકે જોઈએ છીએ. પરંતુ ખૂબ જ સાવધાની સાથે."

આગામી દિવસોમાં ચીન દ્વારા રોકાણ સંદર્ભે તેમનું કહેવું હતું, "રાજકારણ કેવી રીતે અર્થતંત્રને પ્રભાવિત કરી શકે છે, તેનો કડવો પાઠ ચીનના રોકાણકારો ભણ્યા છે. આથી વર્તમાન સમયમાં ચીનના રોકાણકાર વધુ સતર્ક રહેવાનું તથા જોખમ ન ઉઠાવવાનું વલણ ધરાવે છે."

"ચાઇનિઝ રોકાણકારો નવેસરથી ભારતીય બજારની સમીક્ષા કરી રહ્યા છે. હજુ અનેક તબક્કામાં ડિસઍગેજમેન્ટ પૂર્ણ થશે. આથી, આવનારા સંભવિત જોખમોને અવગણી ન શકાય."

ચીન વિશ્વમાં બીજા ક્રમાંકની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે મહામારી પહેલાં ભારત છઠ્ઠા ક્રમાંકે હતું. બે વર્ષ પૂર્વે ભારત-ચીન વચ્ચેનો વેપાર 90 અબજ ડૉલર કરતાં વધી ગયો હતો.

2019માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચીન સાથેની વેપારતુલામાં રહેલી અસમતુલાને ઓછી કરવા ઉપર ભાર મૂકી રહી છે. જેથી આત્મનિર્ભર ભારત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.ચીનમાં સિચુઆન યુનિવર્સિટી સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ઍસોસિયેટ ડીન પ્રો. હુઆંત યૂનસૉન્ગ ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર તથા ભારતમાં ચાઇનિઝ રોકાણ વધારવાની હિમાયત કરે છે, સાથે જ સાવચેતી રાખવાની સલાહ પણ આપે છે.

line

'ચીનને મૂકવું મુશ્કેલ'

નિકાસની સ્પર્ધામાં ટકી રહેવા માટે પડતર નીચી રહે તે જરૂરી છે.

ઇમેજ સ્રોત, VCG

ઇમેજ કૅપ્શન, નિકાસની સ્પર્ધામાં ટકી રહેવા માટે પડતર નીચી રહે તે જરૂરી છે.

અનેક જાણકારોનું માનવું છે કે તાત્કાલિક અસરથી ચીનને કોરાણે મૂકવું મુશ્કેલ છે. આગામી અનેક વર્ષ સુધી ચીન ઉપરની ભારતની નિર્ભરતા યથાવત્ રહેશે. ડૉ. ફૈસલ અહમદ કહે છેકે આ મુદ્દાને કોઈ ટાઇમ-ફ્રૅમમાં જોઈ ન શકાય.

તેઓ કહે છે, "મને લાગે છે કે આત્મનિર્ભરતા એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેની કોઈ સમયમર્યાદા ન હોય શકે. કારણ કે જો આપણે નિકાસકારોની શ્રેણીમાં ટોચ ઉપર આવવું હોય તો આપણે મોટાપાયે આયાતકાર પણ બનવું પડે."

તેઓ ઉમેરે છે, "અમેરિકા અને ચીન મોટાપાયે નિકાસ કરે છે તો આયાતકાર પણ છે. કારણ કે નિકાસની સ્પર્ધામાં ટકી રહેવા માટે પડતર નીચી રહે તે જરૂરી છે. જેના અનેક સૅક્ટરમાં કાચામાલ કે સ્પૅરપાર્ટ્સની આયાત કરવી પડે. આથી આત્મનિર્ભરતાએ વર્તમાન સમયમાં સંકૂચિત નીતિ નથી."

ચીન કોરોનાની મહામારીમાંથી મજબૂત રીતે બહાર નીકળી રહ્યું છે અને તેનું અર્થતંત્ર પણ નક્કર આધાર પર છે. જ્યારે ભારતનું અર્થતંત્ર મહામારીના ફટકામાંથી ધીમેધીમે બહાર નીકળી રહ્યું છે. જાણકારોનું માનવું છે કે બંને પાડોશી દેશ જો પરસ્પર સહયોગ વધારે તો તે બંનેના લાભમાં જ હશે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો