વિધાનસભા ચૂંટણી : તમિલનાડુ, કેરળ, પુડ્ડુચેરીમાં 6 એપ્રિલે મતદાન, પ. બંગાળમાં 8 તબક્કામાં મતદાન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ફાઇલ તસવીર
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પત્રકારપરિષદ સંબોધવામાં આવી હતી. પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવાઈ છે.

ચૂંટણીકાર્યક્રમની જાહેરાતની સાથે જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે અને તંત્ર પરની સત્તા સરકાર પાસેથી પંચ પાસે આવી જશે.

દરમિયાન ચૂંટણીની તારીખો આ મુજબ છે :

આસામ ચૂંટણીની તારીખો : ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં (47 બેઠક ઉપર 27મી માર્ચ), બીજા તબક્કામાં (39 બેઠક ઉપર પહેલી એપ્રિલ) અને ત્રીજા તબક્કામાં (40 બેઠક, છઠ્ઠી એપ્રિલે) ચૂંટણી યોજાશે.

તમિલનાડુ ચૂંટણીની તારીખો : 38 જિલ્લામાં એક તબક્કામાં છઠ્ઠી એપ્રિલે ચૂંટણી યોજાશે. કન્યાકુમારી સંસદીય બેઠક ઉપર છઠ્ઠી એપ્રિલે પેટાચૂંટણી યોજાશે.

કેરળ ચૂંટણીની તારીખો : એક તબક્કામાં તમામ 140 બેઠક ઉપર મતદાન યોજાશે. અહીં છઠ્ઠી એપ્રિલે મતદાન થશે.

પશ્ચિમ બંગાળ ચૂંટણીની તારીખો : પ. બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં મતદાન થશે, ગત વખતે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં (30 બેઠક ઉપર તા.27મી માર્ચ), બીજા તબક્કામાં (30 બેઠક ઉપર પહેલી એપ્રિલે) યોજાશે. ત્રીજા તબક્કામાં (31 બેઠક ઉપર છઠ્ઠી એપ્રિલે), ચોથા તબક્કામાં (44 બેઠક ઉપર, 10મી એપ્રિલે) અને પાંચમા તબક્કામાં (45 બેઠક ઉપર 17મી એપ્રિલે ) વૉટર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. છઠ્ઠા તબક્કામાં 43 બેઠક ઉપર 22મી એપ્રિલે, સાતમા તબક્કામાં 36 બેઠક ઉપર 26મી એપ્રિલે, આઠમા અને અંતિમ તબક્કામાં 35 બેઠક ઉપર 29મી એપ્રિલે મતદાન યોજાશે.

સંઘપ્રદેશ પુડ્ડુચેરી ચૂંટણીની તારીખો : બે જિલ્લામાં 30 બેઠક ઉપર એક તબક્કામાં તા. છઠ્ઠી એપ્રિલે મતદાન થશે.

તમામ રાજ્યની મત ગણતરી 2જી મેના રોજ થશે. આસામ વિધાનસભાની ટર્મ 31મી મેના પુર્ણ થાય છે. તામિલનાડુની (24મી મેના), પશ્ચિમ બંગાળ (30મી મેના), કેરળ (પહેલી જૂન) અને પડ્ડુચેરીની (આઠમી) જૂનના પૂર્ણ થાય છે.

હાલ માત્ર આસામમાં ભાજપની સરકાર છે એ સિવાયના ચાર રાજ્યોમાં વિપક્ષની સરકાર છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં (પૂર્વમાં) જીત માટે આશાવાદી છે અને તામિલનાડુમાં પગપેસારો કરવા માગે છે.

પુડ્ડુચેરીમાં નારાયણસામીના નેતૃત્વમાં કૉંગ્રેસ સરકારના પતન બાદ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ચાલુ સપ્તાહે વિશ્વાસમત પૂર્વે મુખ્ય મંત્રીએ રાજીનામું આપી દીધું છે.

ચૂંટણીલક્ષી તૈયારીઓ

ચૂંટણી અધિકારી સુનીલ અરોડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચૂંટણી અધિકારી સુનીલ અરોડા

દરમિયાન ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે પણ જણાવ્યું હતું . જે નીચે મુજબ છે.

- ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ તેના મહિનાઓ અગાઉથી જ ચાલી તૈયારીઓ.

- જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ચૂંટણીપંચના સભ્યોએ આસામ, તામિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ તથા પશ્ચિમ બંગાળની જાતમુલાકાત લીધી હતી.

- મતદાનની પ્રક્રિયા સારી રીતે પાર પડી શકે તે માટે ટપાલ વિભાગ સાથે સંકલન હાથ ધરવામાં આવ્યું હતું.

- કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની વ્યવસ્થિત રીતે હેરફેર થઈ શકે તે માટે રેલવે વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવ્યું હતું.

- કુલ 824 બેઠક ઉપર 18.68 મતદાર તેમના અધિકારનો ઉપયોગ કરશે.

- અગાઉ એક બૂથ ઉપર 1500 મતદાર મતદાન કરતા, પરંતુ કોવિડને કારણે આ સંખ્યા ઘટાડીને એક હજાર કરી દેવામાં આવી છે.

- તમામ પોલીગ સ્ટેશન ગ્રાઉન્ડ-ફ્લૉર ઉપર જ રાખવા નિર્દેશ.

- ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીને ફ્રન્ટલાઇન વર્કર તરીકે જાહેર કરવામાં આવ્યા, જેથી તેઓને વૅક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે.

- ચૂંટણીની ઉમેદવારી અને પ્રચાર દરમિયાન કોવિડ-19 સંબંધિત નિષેધાત્મક આદેશોનું પાલન કરવા નિર્દેશ. ઉમેદવારીની પ્રક્રિયા ઑફલાઇન ઉપરાંત ઑનલાઇન પણ થઈ શકશે.

- મતદાનનો સમય તમામસ્થળોએ એક કલાક વધારાશે. બિહારની વિધાનસભા ચૂંટણી સમયે પણ સમયમાં વધારો અપાયો હતો.

- કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તમામ પાંચ રાજ્યોના સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ મતદાનમથકોમાં કેન્દ્રીય અર્ધસુરક્ષા બળોની તહેનાતગી કરાશે.

line

પશ્ચિમ બંગાળ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પાંચ રાજ્યોમાંથી સૌથી વધુ 'હાઈ-વૉલ્ટેજ ડ્રામા' પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે. ગત બે વિધાનસભાથી અહીં મમતા બેનરજીના નેતૃત્વમાં ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસની સરકારનું ગઠન થયું છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપને 42માંથી 18 બેઠક મળી હતી, જ્યારે ટી.એમ.સી.ને 22 સીટ મળી હતી. જોકે બંને પક્ષની મતોની ટકાવારીમાં માત્ર ત્રણ ટકાનો તફાવત હોય ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી માટે આશાવાદી છે.

ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેની ગણતરીની કલાકો પહેલાં મમતા બેનરજીએ શ્રમિકોના વળતરમાં વધારાની જાહેરાત કરીને તેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગતવિધાનસભા બાદ મમતાએ સુભેન્દુ અધિકારી, મુકુલ રૉય અને દિનેશ ત્રિવેદી જેવા દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. જોકે, ભાજપે હજુસુધી કોઈપણ નેતાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે પ્રૉજેક્ટ નથી કર્યા. નિષ્ણાતો માને છે કે આંતરિક સાંઠમારીને ટાળવા માટે ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર પણ નહીં કરાય.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા તથા કેન્દ્રીય પ્રધાનોના વારંવારના પશ્ચિમ બંગાળના પ્રવાસથી સ્પષ્ટ છે કે ભાજપ કોઈ કચાશ નથી છોડવા માગતું.

બીજી બાજુ, મમતા બેનરજીએ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની મદદ લીધી છે, જેઓ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી તથા 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે હતા.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ન જાય તે માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ, ઇન્ડો-તિબેટિયન પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સની ટુકડીઓને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે.

294 બેઠકવાળી વિધાનસભામાં બેનરજીની પાર્ટીને 211 બેઠક મળી હતી. ગતચૂંટણીમાં ડાબેરી પક્ષો તથા કૉંગ્રેસ પાર્ટી મળીને લડી હતી, અને 70 જેટલી બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ તથા ગોરખા નેશનલ લિબ્રૅશન ફ્રન્ટની યુતિએ ત્રણ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

line

આસામ

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

2016માં આસામમાં પહેલી વખત ભાજપની સરકાર બની હતી. પાર્ટીએ સર્બાનંદ સોનોવાલને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. જોકે, મુખ્ય ભૂમિકા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હેમંત બિશ્વા શર્માએ ભજવી હોવાનો દાવો કરવામાં આવે છે.

126 બેઠકવાળી વિધાનસભામાં ભાજપનો સ્ટ્રાઇકરેટ બે-તૃતીયાંશ કરતાં વધુનો રહ્યો હતો. એ સમયે કૉંગ્રેસ તથા ઑલ ઇન્ડિયા યુનાઇડેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ અલગ-અલગ લડ્યા હતા.

ભાજપની સામે પૂર્વોત્તરના ગઢને બચાવી રાખવાનો પડકાર હશે. લગભગ 40 લાખ લોકોના નામ નાગરિક યાદીમાંથી ગાયબ છે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ભાજપ એન.આર.સી. લાગુ કરવા ઉપર અડગ છે, જે આગામી ચૂંટણીમાં નિર્ણાયક મુદ્દો બની શકે છે.

line

તામિલનાડુ

એમ. કરુણાનિધી અને જે. જયલલિતા
ઇમેજ કૅપ્શન, એમ. કરુણાનિધી અને જે. જયલલિતા

તામિલનાડુમાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રમુક કઝગમ્ (એ.આઈ.એ.ડી.એમ.કે.) તથા ડી.એમ.કે. (દ્રવિડ મુનેત્ર કઝગમ્) એમ મુખ્ય બે પ્રાદેશિકપક્ષો વચ્ચે સ્પર્ધા છે.

ત્રણેક દાયકાથી એક વખત ડી.એમ.કે.ની સરકાર બને તો બીજી વખત એ.આઈ.એ.ડી.એમ.કે.ની સરકાર બને તેવો ક્રમ જોવા મળી રહ્યો હતો. પરંતુ 2016માં પ્રથમ વખત શાસકપક્ષ ફરી સત્તા ઉપર આવ્યો હતો અને જે. જયલલિતાના નેતૃત્વમાં સળંગ બીજી વખત એ.આઈ.એ.ડી.એમ.કે.ની સરકાર બની હતી.

આ વખતે પહેલી વાર એ.આઈ.એ.ડી.એમ.કે. પાસે જયલલિતા, તો ડી.એમ.કે. પાસે કરુણાનિધિ નહીં હોય.

રાજ્ય સરકારે ચૂંટણીની જાહેરાત પૂર્વે સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વધારીને 60 વર્ષ કરી દીધી હતી, જેને ચૂંટણીમાં લાભ મેળવવાના પગલા તરીકે જોવામાં આવે છે.

શાસકપક્ષમાં પન્નિરસેલ્વમ્ અને પલ્લાનિસામી જેવા મુખ્ય જૂથ પ્રવર્તે છે. આ સિવાય એકસમયે જયલલિતાનાં સખી શશિકલા જેલમાંથી છૂટી ગયા છે. તેઓ ચૂંટણી નહીં લડી શકે, પરંતુ પાર્ટીના નેતાઓ ઉપર તેમની ખાસ્સી પકડ છે.

232 ધારાસભ્યોની વિધાનસભામાં એ.આઈ.એ.ડી.એમ.કે.એ 130થી વધુ બેઠક જીતી હતી. જ્યારે ડી.એમ.કે.ને 98 બેઠક મળી હતી. ભાજપને આશા છે કે તામિલનાડુમાં તે પગપેસારો કરી શકે તેમ છે. જોકે તે એ.આઈ.એ.ડી.એમ.નો 'જુનિયર પાર્ટનર' જ હશે.

તામિલનાડુમાં ક્ષેત્રવાર અનેક નાના-નાના પક્ષ હોય તે કોઈપણ મુખ્યપક્ષની ગણતરી બગાડી શકે છે.

line

કેરળ

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

હાલ કેરળમાં પેન્નિર વિજયનના નેતૃત્વમાં ડાબેરી પક્ષોની યુતિ સરકાર છે. જેને કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડૅમોક્રૅટિક ફ્રન્ટ તરફથી પડકાર મળી રહ્યો છે.

140 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ડાબેરી યુતિ પાસે 90 જેટલી, જ્યારે કૉંગ્રેસની યુતિ પાસે 40થી વધુ બેઠક છે. ડાબેરી પક્ષોના પશ્ચિમ બંગાળ તથા ત્રિપુરા જેવા પરંપરાગત કિલ્લા ધ્વસ્ત થઈ ગયા છે, ત્યારે કેરળના રુપમાં અંતિમ ગઢને બચાવી રાખવાનો તેમની સામે પડકાર હશે.

ભાજપને આશા છે કે લોકસભામાં મળેલા 13 ટકા મત તેને પ્રદર્શન સુધારવામાં મદદ કરશે. ગત ચૂંટણી વખતે પાર્ટીને પ્રથમ વખત એક બેઠક મળી હતી. ભાજપે તેના કુમાન્નન રાજશેખરનને રાજ્યપાલ બનાવ્યા હતા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે રાજીનામું આપીને ફરીથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.

ભાજપ સબરીમાલા, રામમંદિર તથા પદ્મનાભ મંદિર જેવા મુદ્દે ચૂંટણીની વૈતરણિ પાર કરવા ચાહે છે.

line

પુડ્ડુચેરી

પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી હાલમાં રાજીનામું આપ્યું છે.

ઇમેજ સ્રોત, @Vnarayanswamy

ઇમેજ કૅપ્શન, પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી હાલમાં રાજીનામું આપ્યું છે.

પુડ્ડુચેરીમાં કૉંગ્રેસ અને ડી.એમ.કે. (દ્રવિડ મુનેત્ર કઝગમ્)ની સંયુક્ત સરકાર હતી, જેના મુખ્ય મંત્રી વી. નારાયણસ્વામી હતા.

જોકે, છેલ્લા કેટલાક સમય દરમિયાન કૉંગ્રેસ તથા ડી.એમ.કે.ના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેના કારણે તેમની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. નારણસામીએ વિશ્વાસમત પૂર્વે રાજીનામું આપી દીધું હતું.

આ પહેલાં ત્યાંનાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને કેન્દ્ર સરકારે હઠાવી દીધાં હતાં અને તેલંગણાનાં ગવર્નર તામિલીસાંઈ સૌદર્યરાજનને અધિક પ્રભાર સોંપ્યો હતો. શુક્રવારે તેમના સલાહકારોની પણ નિમણૂક કરવામાં આવી હતી.

અહીંની વિધાનસભામાં 30 ધારાસભ્યો બેસે છે. ઉલ્લેખનીય છે કે પુડ્ડુચેરી અગાઉ પોંડિચરી તરીકે ઓળખાતું અને તે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.

line

કોરોનાનાને કારણે.....

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

નવેમ્બર-2020માં કોરોનાની અસરની વચ્ચે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. કોરોનાના અનુસંધાને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી, પ્રચાર, મતદાન અને મતગણતરી સંદર્ભે પ્રૉટોકોલ જાહેર કરવામાં આવ્યો હતો.

એ માર્ગદર્શિકાને આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ લાગુ કરાશે તથા બિહાર ચૂંટણીમાંથી મળેલા અનુભવોને આધારે તેમાં સુધારો કરવાનો પણ પ્રયાસ કરશે.

મતદાન મથક ઉપર વધુ ભીડ ન થાય તે માટે વધુ બૂથ ઊભા કરવામાં આવશે, જેથી વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન તથા વી.વી.પી.એ.ટી. (વૉટર વૅરિફાયેબલ પૅપર ઑડિટ ટ્રૅલ) મશીનની જરૂર પડશે.

આ સિવાય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પ્રમાણે VVPAT અને EVMના પરિણામોની સરખામણી કરવાની હોય અગાઉની જેમ ઝડપભેર ચૂંટણીપરિણામ નહીં મળે અને ચિત્ર સ્પષ્ટ થવામાં વાર લાગી શકેછે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો