મોહન ડેલકર : સ્વાતંત્ર્યસેનાનીના પુત્રથી સાત વાર સંસદસભ્ય બનનાર 'ફાયરબ્રાન્ડ નેતા' સુધી

ઇમેજ સ્રોત, Twitter/MohanDelkar
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી

- બૉમ્બે હાઇકોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ અપક્ષ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ અંગેની ફરિયાદ રદ કરી છે
- દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ ફેબ્રુઆરી 2021માં મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો
- આ ઘટના બાદ તેમના અપમૃત્યુ અંગે તેમના પુત્ર દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, આ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે હાલ દાદરા અને નગરહવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત નવ વ્યક્તિઓનો સમાવેશ કરાયો હતો

દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ ફેબ્રુઆરી 2021માં મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો, આ મામલે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને અન્યો સામે FIR કરવામાં આવી હતી.
હવે બૉમ્બે હાઇકોર્ટે આ બાબતે FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો.
મોહન ડેલકરના અપમૃત્યુ અંગે તેમના પુત્ર દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે હાલ દાદરા અને નગરહવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત નવ વ્યક્તિઓનો સમાવેશ કરાયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ફરિયાદને રદ કરવા માટે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અરજીને લઈને બૉમ્બે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
નોંધનીય છે કે 58 વર્ષીય મોહનભાઈ ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા.
તેઓ દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજમાં ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત આગેવાન હતા. સાથે જ તેઓ આદિવાસી વિકાસ સંગઠન, દાદરા અને નગર હવેલીના વર્ષ 1985થી પ્રમુખ હતા.
આદિવાસીઓના કલ્યાણાર્થે તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. સાથે જ તેઓ યુવાનો અને ગ્રામીણ અને ઔદ્યોગિક કામદારોના વિકાસ માટે પણ પ્રયત્નશીલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની રાજકીય કારકિર્દી વિશે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરી હતી.

સ્વાતંત્ર્યસેનાની પિતાના પુત્ર

ઇમેજ સ્રોત, Javed Khan
લગભગ બે સદી સુધી પોર્ટુગીઝોના શાસનમાં રહેલ દાદરા અને નગર હવેલીના સ્વાતંત્ર્યમાં મૃતક મોહનભાઈ ડેલકરના પિતા સાંજીભાઈ રૂપજીભાઈ ડેલકરે ભાગ ભજવ્યો હતો.
તેઓ વર્ષ 1961થી બે ટર્મ સુધી પ્રદેશના સાંસદ તરીકે લોકસભામાં રહ્યા હતા. તેઓ પ્રદેશના પ્રથમ લોકસભા સાંસદ બન્યા હતા. મોહનભાઈના પિતા સાંજીભાઈ ડેલકરે પણ સ્થાનિક આદિવાસીઓનો અવાજ સંસદમાં બુલંદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મોહનભાઈ ડેલકરની રાજકીય કારકિર્દીને ખૂબ જ નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર ધર્મેશભાઈ પંડ્યા જણાવે છે કે, “સાંજીભાઈ ડેલકરના રાજકીય સંન્યાસ બાદ તેમના પુત્ર મોહનભાઈએ વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી શિરે લીધી હતી.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “વર્ષ 1986-87માં સ્થાનિક લેબર યુનિયન બનાવી તેના પ્રમુખપદે રહી તેમણે પોતાના જાહેરજીવનની શરૂઆત કરી હતી.”

ઇમેજ સ્રોત, Mohan Delkar/Facebook
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મોહનભાઈ ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા.
તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. આમ તેઓ પ્રથમ વખત દાદરા અને નગર હવેલી ક્ષેત્રના સાંસદ બનીને લોકસભા પહોંચ્યા.
ત્યાર બાદ તેઓ સતત પાંચ વખત આ જ બેઠક પરથી સાંસદ રહ્યા. જેમાંથી દસમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ કૉંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઈ આવ્યા હતા.
ફરી પાછા અગિયારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને બારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે દાદરા અને નગર હવેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
ત્યાર બાદ તેમણે પોતાનો રાજકીય પક્ષ ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભામાં ફરીથી સાંસદ તરીકે સંસદભવન પહોંચ્યા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ત્યાર બાદ 2009 અને 2014ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ઊતર્યા પરંતુ તેમને ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ફરી પાછા તેઓ વર્ષ 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને સાતમી વખત લોકસભામાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા.
તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સંસદની વિવિધ સમિતિઓના સભ્ય તરીકે પણ સક્રિય કામગીરી બજાવી હતી.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં તેમણે સંસદમાં ભાજપના વડપણવાળા ગઠબંધન નૅશનલ ડેમૉક્રૅટિક અલાયન્સ (NDA)ને સમર્થન આપ્યું હતું.
જોકે, દાદરા અને નગર હવેલીની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું જે કારણે ભાજપને સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

‘લોકપ્રિય અને અજાતશત્રુ નેતા’

ઇમેજ સ્રોત, Javed Khan
સ્થાનિક વરિષ્ઠ પત્રકાર ધર્મેશભાઈ પંડ્યા મોહનભાઈ ડેલકરની રાજકીય છબિ વિશે વધુ જણાવતાં કહે છે કે, “વારંવાર ચૂંટણીમાં તેમની જીત પરથી જ વિસ્તારના લોકોનાં મનમાં તેમની લોકપ્રિયતાનો ખ્યાલ આવી જાય છે. તેઓ સતત છ વખત સુધી પ્રદેશના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. લોકો પક્ષથી ઉપર તેમને રાખી તેમના નામ પર મત આપતા હતા.”
ધર્મેશભાઈ વધુમાં જણાવે છે કે, “તેમના રાજકીય પ્રતિદ્વંદ્વીઓ પણ તેમને હંમેશાં સન્માનની નજરથી જોતા હતા. તેમનું કોઈ દુશ્મન નહોતું. લોકપ્રિય નેતા તરીકેની તેમની છબિની સાથે તેઓ અજાતશત્રુ નેતા પણ હતા. તેમના રાજકીય પ્રતિદ્વંદ્વીઓએ પણ તેમના માટે હંમેશાં માનની લાગણી જાળવી રાખી છે.”

સ્થાનિક આદિવાસીઓના વિકાસ અને શિક્ષણક્ષેત્રે ફાળો

ઇમેજ સ્રોત, Javed Khan
ધર્મેશભાઈ પંડ્યા મોહનભાઈને દાદરા અને નગર હવેલીના સ્થાનિક આદિવાસીઓનાં જીવનમાં પરિવર્તન આણનાર ગણાવે છે.
તેઓ કહે છે કે, “તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગ્રામીણ આદિવાસીઓના ઉત્થાન માટે ખૂબ જ કામ કર્યું છે. તેઓ ગ્રામીણ આદિવાસીઓની જરૂરિયાતોને હંમેશાં પ્રાથમિકતા આપતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે છેવાડાનાં ગામો સુધી રસ્તા, વિજળી અને અન્ય જીવનજરૂરી સગવડો પહોંચે તે સુનિશ્ચિત કરાવ્યું હતું.”
તેઓ શિક્ષણક્ષેત્રે તેમના ફાળાને યાદ કરતાં કહે છે કે, “તેઓ શિક્ષણપ્રેમી નેતા હતા. તેમણે સ્થાનિકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે અસંખ્ય શાળાઓની સ્થાપના કરાવી હતી. તેમજ બાળકોને ભણાવવા માટે પ્રદેશમાં અભિયાન ચલાવ્યું હતું. જે કારણે ભૂતકાળની સરખામણીમાં પ્રદેશમાં શિક્ષણનું સ્તર ઘણું સુધર્યું હતું.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
શિક્ષણક્ષેત્રે મોહનભાઈ ડેલકરની કામગીરીને બિરદાવતાં અન્ય એક વરિષ્ઠ પત્રકાર સંજીવ દેસાઈ કહે છે કે, “તેમના પિતાજીના નામથી તેઓ એક ટ્રસ્ટનું સંચાલન કરતા હતા. આ ટ્રસ્ટ દ્વારા દાદરા અને નગર હવેલી વિસ્તારમાં આઠ કૉલેજોનું સંચાલન કરાય છે.”
”જેમાં કુલ ચાર હજાર જેટલાં બાળકો અભ્યાસ કરે છે. તેઓ સ્થાનિક આદિવાસી પ્રજાના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા. આ ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય છે.”
રમતગમતક્ષેત્રે દાદરા અને નગર હવેલીના યુવાનોને વધુ તકો મળે તે માટે પણ તેમણે પ્રયત્નો કર્યા હોવાનું ધર્મેશભાઈ જણાવે છે.
તેઓ કહે છે કે, “તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની સાંસદનિધિમાંથી સેલવાસ ખાતેના ક્રિકેટ સ્ટેડિયમનું વિકાસકામ પૂરું કરાવડાવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની સ્પર્ધાઓમાં સ્થાનિક યુવક-યુવતીઓને તક મળે તે માટે તેમણે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાણ કર્યુ હતું.”

‘પ્રદેશની પ્રજાએ ગુમાવ્યા પોતાના ફાયરબ્રાન્ડ નેતા’

ઇમેજ સ્રોત, Mohan Delkar/Facebook
વરિષ્ઠ પત્રકાર ધર્મેશભાઈ પંડ્યા મોહનભાઈ ડેલકરની કામગીરીને બિરદાવતાં કહે છે કે, “તેઓ પક્ષ માટે નહીં પરંતુ પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે જ કામ કરતા હતા. જો સ્થાનિક તંત્ર દ્વારા સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓ અંગે ક્યારેય ધ્યાન ન આપવામાં આવે તો તેવા કિસ્સામાં તેઓ પ્રશાસકોની સામે પડવામાં પણ કાંઈ બાકી રાખતા નહોતા.“
“પોતાના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે હંમેશા સ્થાનિક મુદ્દાઓ સંસદમાં ગજવ્યા છે. જેના કારણે અમારા નાનકડા ક્ષેત્રની સમસ્યાઓ તરફ દેશનું ધ્યાન દોરવામાં મદદ મળી શકી છે.”
તેમના અકાળ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કરતાં ધર્મેશભાઈ કહે છે કે, “મોહનભાઈના આકસ્મિક અવસાનને કારણે તેમના સ્વરૂપમાં પ્રદેશની જનતાએ સંસદમાં પોતાની સમસ્યાઓ ગૂંજતો કરનાર અવાજ ગુમાવ્યો છે. પ્રદેશની જનતાને હંમેશાં તેમની ખોટ સાલશે.”
વરિષ્ઠ પત્રકાર સંજીવ દેસાઈ પણ તેમના મૃત્યુને સ્થાનિક પ્રજા માટે આંચકો ગણાવતાં કહે છે કે, “અત્યારે હાલ તેમના અકાળ મૃત્યુના કારણે પ્રદેશની પ્રજા સ્તબ્ધ છે. તેઓ હંમેશાં લડાયક વૃત્તિની વ્યક્તિ તરીકે રહ્યા. તેઓ આવી રીતે પોતાની પ્રજાને છોડીને ચાલ્યા જશે એવું કોઈએ વિચાર્યું નહોતું.“
“પ્રદેશના લોકો હંમેશાં તેમને એક ફાયરબ્રાન્ડ અને પ્રદેશની પ્રજાના વિકાસ માટે વરેલા નેતા તરીકે યાદ રાખશે. તેમના પ્રયત્નોથી જે પ્રદેશના જે આદિવાસીઓ સ્વમાનભેર જીવવાનું શીખ્યા હતા તેઓ તેમના મૃત્યુથી અપાર દુ:ખમાં હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.”
(આ અહેવાલ મૂળે ફેબ્રુઆરી 2021માં મોહન ડેલકરના મૃત્યુ વખતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3













