મોહન ડેલકર : આપઘાત કેસમાં રહસ્ય ઘેરું કેમ બની રહ્યું છે અને કોણ છે પ્રફુલ ખોડા પટેલ?

મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી અપક્ષ સંસદસભ્ય મોહન ડેલકરના મૃત્યુ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં આ મુદ્દે જાહેરાત કરી હતી. વિપક્ષનો આરોપ છે કે સચીન વાઝેના મામલા ઉપરથી ધ્યાન ખસેડવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.
મોહન ડેલકરનાં પુત્ર અભિવન તથા પત્નીએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા ગૃહમંત્રી સાથે મુલાકાત કરીને ન્યાય તથા સુરક્ષાની માગ કરી હતી.
પુત્રનો આરોપ છે કે દાદરાનગર હવેલીના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલના ત્રાસને કારણે ડેલકર આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા. તેઓ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્ય સરકારના પ્રધાન હતા.
ઉલ્લેખનીય છે કે 22મી ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ તેમણે આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો

મનસુખ વિ. મોહન કેસ?

મંગળવારે ગૃહની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષ ભાજપ દ્વારા મનસુખ હિરેનના સંદિગ્ધ મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સચીન વાઝેની ધરપકડની માગ કરી હતી.
ગૃહમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. જે ચાર મહિના સુધી વાઝેના કબજામાં હતી. તા. પાંચમી માર્ચે થાણેની ખાડીમાંથી હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાર મનસુખ હિરેનની માલિકીની હતી. મહારાષ્ટ્ર સરકારે ઍન્ટિટૅરરિસ્ટ સ્ક્વૉડને મનસુખ હિરેનના મૃત્યુ કેસની તપાસ સોંપી છે.
જેની સામે મહારાષ્ટ્રના પરિવહનમંત્રી અનિલ પરબે મોહન ડેલકરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું, "વિપક્ષ હિરેનના મૃત્યુ કેસમાં ન્યાયની માગણી કરી રહ્યો છે, તે સારી બાબત છે, ત્યારે સંસદસભ્ય મુંબઈ આવ્યા અને અહીં આત્મહત્યા કરી, તે કેસમાં પણ તપાસ થવી જોઈએ."
આને કારણે ગૃહમાં હોબાળો થયો હતો અને 10 મિનિટ માટે ગૃહને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના ગઠનની જાહેરાત કરતાં વિધાનસભામાં જણાવ્યું : "ડેલકરે તેમની સ્યૂસાઇડ નોટમાં દાદરાનગર હવેલીના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલનું નામ જણાવ્યું છે. અમુક અધિકારીઓ તેમની કનડગત કરતા હતા. તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરી નાખવાના પ્રયાસ થઈ રહ્યા હતા, એટલે તેમણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે."
જોકે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની અધ્યક્ષતા કોણ કરશે અને તેમાં કોણ-કોણ હશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ફડણવીસે ડેલકર મૃત્યુ કેસમાં પણ તપાસની માગ કરી છે.

ઇમેજ સ્રોત, Twitter
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે પત્રકારો સાથે વાત કરતાં મોહન ડેલકરના પુત્ર અભિનવે કહ્યું :
"સાત-ટર્મથી સાંસદ હોય તે વ્યક્તિ આત્મહત્યા કરે એટલે કેટલી હદે તેમની સતામણી થઈ હશે અને અપમાનિત કરવામાં આવ્યા હશે, તેની કલ્પના કરી શકો છો. મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઈ પોલીસે તત્કાળ પગલાં લેવાં જોઈએ."
"અમે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી અને તેમને જણાવ્યું કે દાદરા નગર હવેલીના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલને કારણે મારા પિતા આવું પગલું લેવા માટે મજબૂર બન્યા હતા. છેલ્લા 16-18 મહિનાથી તેમને કેવી કનડગત થઈ રહી હતી, તેના વિશે અમે તેમને માહિતી આપી હતી."
આ પહેલાં સોમવારે પત્રકારો સાથે વાત કરતાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું : "ડેલકર કેસ ગંભીર છે. કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા કોણ છે, તેના વિશે આપ જાણો છો. જેમનાં-જેમનાં નામ સ્યૂસાઇડ નોટમાં છે, તેમની તપાસ કરવામાં આવશે."

કોણ છે પ્રફુલ્લ ખોડા પટેલ?

ઇમેજ સ્રોત, Twitter@PrafulPatel
મોહન ડેલકરે મૃત્યુ પહેલાં કથિત રીતે 15-પાનાંની સ્યૂસાઇડ નોટ ગુજરાતીમાં લખી હતી. જેમાં તેમણે અનેક વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા ભાજપના નેતાઓનાં નામ લખ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબઆ નામોમાં દાદરાનગર હવેલી, દમણ-દીવના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલનું નામ મુખ્ય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૉંગ્રેસ નેતાઓએ મોહન ડેલકર કેસમાં ભાજપની સંડોવણી હોવાની વાત પણ કરી હતી.
2016માં તેમને દાદરા નગર હવેલીના વહીવટકર્તા બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી-2020માં જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવને ભેળવી દેવામાં આવ્યા, ત્યારે તેઓ પ્રથમ શાસક બન્યા હતા.
2010થી 2012 દરમિયાન તેઓ ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી રહી ચૂક્યા છે.
મોદી તેમની ઉપર કેટલો વિશ્વાસ કરતા હશે, તે વાતનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ઍન્કાઉન્ટર કેસમાં અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના આદેશ અપાયા હતા, ત્યારે 2010થી 2012 દરમિયાન તેઓ રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.
તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસના હેવીવૅઇટ ઉમેદવાર સી. કે. પટેલને પરાજય આપ્યો હતો.
ભાજપનાં વર્તુળોમાં તેમની ઓળખ 'પાવરફુલ પટેલ' તરીકે થાય છે, જે 'ડાર્ક હૉર્સ' છે.

કોણ હતા મોહન ડેલકર?

ઇમેજ સ્રોત, Twitter@MohanDelkar
મોહનભાઈ ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા.
તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. (મોહન ડેલકર વિશે વિસ્તારથી અહીં વાંચો )
આમ તેઓ પ્રથમ વખત દાદરા અને નગર હવેલી ક્ષેત્રના સાંસદ બનીને લોકસભા પહોંચ્યા. ત્યાર બાદ તેઓ સતત પાંચ વખત આ જ બેઠક પરથી સાંસદ રહ્યા. જેમાંથી દસમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ કૉંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઈ આવ્યા હતા.
ફરી પાછા અગિયારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને બારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે દાદરા અને નગર હવેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
ત્યાર બાદ તેમણે પોતાનો રાજકીય પક્ષ ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભામાં ફરીથી સાંસદ તરીકે સંસદભવન પહોંચ્યા.
ત્યાર બાદ 2009 અને 2014ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ઊતર્યા પરંતુ તેમને ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ફરી પાછા તેઓ વર્ષ 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને સાતમી વખત લોકસભામાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા.
તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સંસદની વિવિધ સમિતિઓના સભ્ય તરીકે પણ સક્રિય કામગીરી બજાવી હતી.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં તેમણે સંસદમાં ભાજપના વડપણવાળા ગઠબંધન નૅશનલ ડેમૉક્રૅટિક અલાયન્સ (NDA)ને સમર્થન આપ્યું હતું.
જોકે, દાદરા અને નગર હવેલીની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું જે કારણે ભાજપને સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













