હિજાબ વિવાદ : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જજે પૂછ્યું - તો પછી કપડાં ઉતારવાં પણ મૌલિક અધિકાર?

કર્ણાટક હિજાબ પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન
  • કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • કોર્ટે કહ્યું, 'જો કપડાં પહેરવાં મૌલિક અધિકાર તો કપડાં ન પહેરવાં પણ મૌલિક અધિકાર.'
  • સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચ કરી રહી છે સુનાવણી
લાઇન

"જો બંધારણના અનુચ્છેદ 19 અંતર્ગત કપડાં પહેરવાં પૂર્ણ મૌલિક અધિકાર છે તો પછી કપડાં ન પહેરવાં પણ આ અનુચ્છેદ અંતર્ગત અધિકાર બની જાય છે."

કર્ણાટકની શાળા-કૉલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ યથાવત્ રાખવાના હાઇકોર્ટના આદેશ વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આકરા પ્રશ્નો અને ટિપ્પણીઓ કરી.

આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે એમ પણ કહ્યું કે કર્ણાટક હિજાબ બૅન મામલે પ્રશ્ન માત્ર સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધનો છે કારણ કે અન્ય ક્યાંય હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ્યારે ભારતનાં ઘણાં રાજ્યોમાં હાડ થીજવી નાખે તેવી ઠંડી હતી, ત્યારે કર્ણાટકમાં છેડાયેલા હિજાબ વિવાદે સમગ્ર દેશમાં ગરમાવો ઊભો કર્યો હતો. ત્યારથી આ વિવાદ ચાલુ છે.

માર્ચ મહિનામાં સરકારી શૈક્ષણિક સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધને પડકારતી અરજીઓ રદ કરતાં કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પણ સુનાવણી ચાલુ રહેશે.

line

સુપ્રીમ કોર્ટે શું-શું કહ્યું?

કર્ણાટક હિજાબ પ્રતિબંધ

ઇમેજ સ્રોત, ANI

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એક અરજદાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે બેન્ચને અનુરોધ કર્યો હતો કે આ મામલાને પાંચ જજોની બેન્ચ પાસે મોકલવામાં આવે.

તેમણે દલીલ કરી કે જો કોઈ મહિલા બંધારણના અનુચ્છેદ 19, 21 કે 25 અંતર્ગત પોતાના અધિકારોનો ઉપયોગ કરીને હિજાબ પહેરવાનો નિર્ણય લે છે તો શું સરકાર તેના પર એવો પ્રતિબંધ લગાવી શકે છે જે તેના અધિકારોનું ઉલ્લંઘન કરે?

આ પ્રશ્નના જવાબમાં જસ્ટિસ ગુપ્તાએ કહ્યું "આપણે આ મુદ્દા પર દલીલને અતાર્કિક અંત સુધી લઈ જઈ શકીએ નહીં. જો આપ કહેતા હો કે કપડાં પહેરવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે તો કપડાં ન પહેરવાં પણ મૌલિક અધિકાર બની જાય છે."

આ વિશે વકીલ દેવદત્ત કામતે કહ્યું કે સ્કૂલમાં કોઈ પણ કપડાં ઉતારી રહ્યું નથી.

કામત તરફથી ક્રૉસ, રૂદ્રાક્ષ અને જનોઈ ધારણ કરવાનાં ઉદાહરણોના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બધું કપડાંની ઉપર પહેરવામાં આવતું નથી. આ કોઈને દેખાતાં નથી. કોર્ટે તર્ક આપ્યો કે કોઈ પણ વિદ્યાર્થીના યુનિફોર્મ ઉતારીને એ તપાસ કરવામાં આવતી નથી કે તેમણે ક્યાં ધાર્મિક પ્રતીકચિહ્ન પહેર્યાં છે.

બેન્ચે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું, "સવાલ એ છે કે કોઈ પણ તમને હિજાબ પહેરવાથી રોકી રહ્યું નથી. તમને જ્યાં ઇચ્છા થાય ત્યાં પહેરી શકો છો. પ્રતિબંધ માત્ર સ્કૂલમાં છે. અમારી ચિંતા તેને લઈને છે."

line

'દક્ષિણ આફ્રિકા વિશે ભૂલો, ભારત પાછા આવો'

કર્ણાટક હિજાબ પ્રતિબંધ

ઇમેજ સ્રોત, ANI

દલીલ દરમિયાન કામતે દક્ષિણ ભારતની એક હિંદુ વિદ્યાર્થિનીના કેસમાં દક્ષિણ આફ્રિકાની કોર્ટે આપેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ મહિલા સ્કૂલમાં નોઝ-પિન પહેરવા માગતી હતી.

વેબસાઇટ લાઇવ લૉ અનુસાર, આ વિદ્યાર્થિની સ્કૂલ કોડ અંતર્ગત નોઝ-પિનને થોડા સમય માટે ઉતારવા માટે તૈયાર થઈ ગઈ હતી. તે સમયે દક્ષિણ આફ્રિકાની કોર્ટે માન્યું હતું કે વિદ્યાર્થિનીને થોડા સમય માટે નોઝ-પિન કાઢવાનું કહેવાથી એવો સંદેશ જશે કે તેનું અને તેના ધર્મનું સ્વાગત કરાતું નથી.

આ વિશે જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે નોઝ-પિન એ ધાર્મિક પ્રતીક નથી. જસ્ટિસ ગુપ્તાએ તર્ક આપ્યો કે સમગ્ર વિશ્વમાં મહિલાઓ બૂટિયાં પહેરે છે, પરંતુ તે કોઈ ધાર્મિક પ્રથા નથી. જોકે, વકીલે સ્પષ્ટપણે કહ્યું કે કેટલીક ધાર્મિક વિધિઓ દરમિયાન ચાંલ્લો અને નોઝ-પિન ધારણ કરવાનું ધાર્મિક મહત્ત્વ છે.

જસ્ટિસ ગુપ્તાએ આગળ જણાવ્યું કે આ નિર્ણય દક્ષિણ આફ્રિકાના સંદર્ભમાં છે, જ્યાંની વસતી ભારતની જેમ વિવિધતાભરી નથી. તેમણે વધુમાં કહ્યું, "બાકી તમામ દેશોમાં પોતાના નાગરિકો માટે એક સમાન કાયદા છે. દક્ષિણ આફ્રિકાને ભૂલી જાઓ, ભારત આવો."

લાઇવ લૉ અનુસાર જસ્ટિસ હેમંત ગુપ્તાએ આ મામલે અગાઉની સુનાવણીમાં મૌખિક ટિપ્પણી કરી હતી કે એક પાઘડી અને હિજાબ એકસરખાં નથી અને બંનેની સરખામણી ન કરી શકાય.

જ્યારે કામતે અમેરિકાના નિર્ણયોને ટાંક્યા તો બેન્ચે કહ્યું, "અમે આપણા દેશ સાથે અમેરિકા અને કૅનેડાની સરખામણી કેવી રીતે કરી શકીએ."

બૅન્ચે કહ્યું, "આપણે ઘણા રૂઢિવાદી છીએ... તેમની કોર્ટોએ તેમના સમાજને અનુલક્ષીને ચુકાદા આપ્યા હતા."

કર્ણાટક હાઇકોર્ટના 15 માર્ચના એ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે હિજાબ પહેરવું એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી.

line

કર્ણાટક હાઇકોર્ટે શું કહ્યું?

કર્ણાટક હિજાબ પ્રતિબંધ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કર્ણાટક હાઇકોર્ટ

કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે હિજાબ ઇસ્લામ અનુસાર અનિવાર્ય નથી.

હાઇકોર્ટની ફુલ બેન્ચે પોતાનાં 129 પાનાંનાં ચુકાદામાં કુરાનની આયાતો સહિત ઘણા ઇસ્લામિક ગ્રંથોનો હવાલો આપ્યો હતો. કોર્ટે 11 દિવસની સુનાવણી બાદ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું, "ઇસ્લામિક ધાર્મિક ગ્રંથો અનુસાર કહી શકાય છે કે હિજાબ પહેરવું વધુથી વધુ એક સૂચન હોઈ શકે છે. જે વસ્તુ ધાર્મિક આધાર પર અનિવાર્ય નથી, તેને વિરોધ પ્રદર્શનો કે કોર્ટમાં ભાવનાત્મક દલીલોથી ધર્મનો ભાગ ન બનાવી શકાય."

મુંબઈ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના એક જૂના ચુકાદાનો હવાલો આપીને કર્ણાટક હાઇકોર્ટે કહ્યું, "એ માનવું ઠીક નહીં હોય કે કોઈ પણ સ્કૂલમાં હિજાબ પહેરવાથી મનાઈ કરવામાં આવે તો તે ઇસ્લામની માન્યતાઓમાં હસ્તક્ષેપ કરવા બરાબર છે."

તે સમયે સુપ્રીમ કોર્ટે તર્ક આપ્યો હતો કે એમ ન કહી શકાય કે હિજાબ પહેરવાના ચલણને ન માનવા પર વ્યક્તિ પાપનો ભાગીદાર બનશે.

એક અરજદારની દલીલ હતી કે કેન્દ્રીય વિદ્યાલયમાં હિજાબ પહેરવાની અનુમતિ છે તો પછી આ મામલે કેમ નહીં? આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે, "જો આ દલીલને માની લેવામાં આવે તો સ્કૂલના યુનિફોર્મ યુનિફોર્મ રહેશે જ નહીં. વિદ્યાર્થિનીઓની બે શ્રેણીઓ બની જશે. એકમાં હિજાબવાળા યુનિફોર્મ ધરાવતી વિદ્યાર્થિનીઓ અને બીજામાં હિજાબ વગરના યુનિફોર્મ ધરાવતી વિદ્યાર્થિનીઓ. આમ થવાથી સામાજિક અલગતાનો માહોલ ઊભો થશે. આ સિવાય યુનિફોર્મનો એકરૂપતા સાબિત કરવાનો ઉદ્દેશ પૂરો થશે નહીં."

line

કેવી રીતે વધ્યો હતો વિવાદ?

કર્ણાટક હિજાબ પ્રતિબંધ

ઇમેજ સ્રોત, ANI

આ વિવાદની શરૂઆત કર્ણાટકના ઉડુપીથી થઈ હતી. ત્યાં એક કૉલેજમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેર્યો હોવાથી વિવાદ થયો હતો અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા હતા. જેમાં કેસરિયા ખેસ અને ઝંડા સાથે હિજાબનો વિરોધ કરી રહેલા લોકો દેખાડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ હિંદુ અને મુસ્લિમ બંને તરફથી વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર પોતપોતાનાં ધાર્મિક ચિહ્નો બતાવવાની હોડ લાગી ગઈ હતી. તેના કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ અને કેટલાંક સ્થળોએ હિંસાની ઘટના પણ સામે આવી હતી.

હિજાબ પહેરવાથી રોકવામાં આવતા કેટલીક વિદ્યાર્થિનીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે હિજાબ પહેરવો એ તેમનો મૌલિક અધિકાર છે. જેથી તેમને રોકી શકાય નહીં.

પહેલા આ મામલે હાઇકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી હાથ ધરી પરંતુ બાદમાં કેસને ત્રણ સભ્યોની બેન્ચ પાસે મોકલવામાં આવ્યો હતો.

આ વચ્ચે હિજાબ વિવાદનો મામલો ઉડુપીથી નીકળીને અન્ય સ્કૂલો સુધી પણ પહોંચી ગયો હતો. ત્યાં પણ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કૉલેજ આવવા લાગી હતી.

દેશમાં ઘણી જગ્યાઓ પર સ્કૂલો-કૉલેજોમાં હિજાબ પહેરવાનાં સમર્થન અને વિરોધમાં પ્રદર્શન થવા લાગ્યાં. કર્ણાટકમાં પથ્થરમારો અને તોડફોડની પણ ઘટનાઓ બની હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન