ગાય સાથેના અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાઈ માટે રાહુલે પોતાની સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી

રાહુલ વણઝારા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, રાહુલ વણઝારા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • રાહુલ અને હસમુખ રોજ સવારે ઘરેથી ટિફિન લઇને કામ કરવા નીકળી પડતા હતા
  • ઑર્ડર પ્રમાણે ખેડાની જુદી જુદી બાંધકામ સાઈટ પર રેતી અને કપચી પહોંચાડતા હતા અને દિવસના 500-700 રૂપિયા કમાઈ લેતા હતા
  • ગ્રાહક માટે ચા લઈને આવતા રખડતા ઢોર સાથે બાઇક અથડાયું અને પાછળ બેઠેલા હસમુખનું મૃત્યું થયું
  • પોતાની જાતને દોષી માનતા રાહુલે પોલીસ મથકે જઈને પોતાની જાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
લાઇન

"હું અને મારો ભાઈ અમે જેમને રેતી અને કપચી પહોંચાડવાનું કામ કરતા હતા તે બાંધકામ સાઈટ પર ગ્રાહક માટે ચા લેવા ગયા અને પાછા આવતા હતા તો અચાનક ગાય આડે આવી અને મેં બાઇક પર કાબુ ગુમાવ્યો. એ અકસ્માતમાં મારા ભાઈનો જીવ ગયો. હું ગુનેગાર છું એટલે મેં મારી જાત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે."

આ શબ્દો છે ખેડામાં રેતી અને કપચી સપ્લાય કરી ગુજરાન ચલાવતા રાહુલ વણઝારાના.

રાહુલ વણઝારા એમના ફોઈના દીકરા હસમુખ સાથે મળીને બાંધકામ સાઈટ પર રેતી અને કપચી પહોંચાડવાનું મજૂરીકામ કરતા હતા.

રાહુલ વણઝારાએ જણાવેલી વિગતો અનુસાર, રાહુલ અને હસમુખ રોજ સવારે ઘરેથી ટિફિન લઇને કામ કરવા નીકળી પડતા હતા. ઑર્ડર પ્રમાણે ખેડાની જુદી જુદી બાંધકામ સાઈટ પર રેતી અને કપચી પહોંચાડતા હતા અને દિવસના 500-700 રૂપિયા કમાઈ લેતા હતા.

રાહુલ કહે છે, "સવારે આઠ વાગ્યે એક ગ્રાહક માટે બાઇક લઇને નજીકમાં ચા લેવા ગયા હતા. કોઈ કામ નહોતું એટલે હસમુખ પણ મારી સાથે આવ્યો. ચા ઠંડી ન થઈ જાય એટલે બાઇક ઝડપથી ચલાવી રહ્યા હતા. અમારા રેતીના ઢગલા નજીકના એક વળાંક પર અચાનક એક ગાય દોડતી આવી અને મારા બાઇક સાથે અથડાઈ. મેં બાઇક પરથી કાબૂ ગુમાવી દીધો અને બાઇક સ્લીપ થયું હું ઘસડાઈને રોડની નીચે ઝાડીમાં જઈ પડ્યો. હસમુખ રોડની બીજી બાજુ પર પડ્યો એમના માથાના ભાગે ઈજા થતા સ્થળ પર જ મૃત્યુ થયું."

રાહુલ ઉમેરે છે, "અમે મામા ફોઈના દીકરા હતા, પરંતુ સગાં ભાઈથી પણ વિશેષ હતા. મને સતત લાગ્યા કરતું હતું કે મારા ભાઈના મોત માટે હું જવાબદાર છું, એટલે મેં મારી જાત વિરુદ્ધ પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે."

line

ઢોર અથડાતા મૃત્યુમાં વળતર કેટલું?

મૃતક હસમુખ વણઝારા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મૃતક હસમુખ વણઝારા

આ કેસ ની તપાસ કરી રહેલા ખેડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંદ્રેશ ભોઈ બીબીસી સાથે વાત કરતા કહે છે, અમારા પોલીસ સ્ટેશનમાં ભાઈના મોત માટે બીજો ભાઈ જવાબદાર હોય એવી ફરિયાદ ભાગ્યે જ નોંધાય છે. અમે જોખમીરૂપે રસ્તામાં ગાય ને છૂટી મુકવા બદલ ગાયનાં માલિકને પણ શોધી રહ્યા છીએ. તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે."

આ અંગે કાનૂની સહાય મળવા પાત્ર હોવાની વાત કરતા ગુજરાત હાઈ કોર્ટના વકીલ આશિષ શુક્લ બીબીસી સાથે વાત કરતા કહે છે, "ગુજરાત સરકાર સામે રખડતા ઢોર અંગે ગુજરાત હાઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પ્રાથમિક સુનાવણીમાં રખડતા ઢોર અથડાવાને કારણે કોઈનું અવસાન થાય તો સરકાર બે લાખ રૂપિયા વળતર આપે છે એ વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની વાત મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કરી છે."

તેમણે વધુમાં કહ્યું કે, "અલબત્ત એની વધુ સુનાવણી ૧૫ નવેમ્બરે છે ત્યારબાદ વળતરની રકમ નક્કી થશે. આ ઉપરાંત જો બાઇકનો વીમો હોય અને વાહન ચાલક લાઈસન્સ ધારક હોય તો વીમા કંપની પાસેથી પણ વળતર મળે છે. આ કેસમાં ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો અને ત્યારબાદ વીમા કંપનીનું વળતર મળવાપાત્ર છે."

વીડિયો કૅપ્શન, એ વિકલાંગ મહિલા જે મિસ વ્હીલચૅર વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન