રાજકોટ : 'તમારી ગાડીમાં દારૂ છે', નકલી પોલીસ ત્રાટકી અને મિનિટોમાં દોઢ ટન ઘરેણાં લૂંટી લેવાયાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજકોટની ન્યૂઝ ઍર સર્વિસ નામની કુરિયર કંપનીમાં ડ્રાઇવર તરીકે છેલ્લાં આઠ વર્ષથી નોકરી કરતા અમિત કહાર અને તેમના સાથી ત્રિવેણી રાબેતા મુજબ 17 ફેબ્રુઆરીની સાંજે રાજકોટથી કુરિયરનો સામાન લઈને અમદાવાદ ઍરપોર્ટ પહોંચાડવા માટે નીકળ્યા, પરંતુ તેઓ અમદાવાદ પહોંચી ન શક્યા. અને તેમની કંપનીને તથા એમની કંપની મારફતે કુરિયરનો સામાન મોકલનારા વેપારીઓને કુલ મળીને 3 કરોડ 93 લાખ 61 હજાર 318 રૂપિયાનો ફટકો પડ્યો.
આ નુકસાન પાછળનું કારણ હતું રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા નજીક મોડર્ન હાઇસ્કૂલ પાસે ડ્રાઇવર અમિત કહાર અને ક્લિનર ત્રિવેણીને રોકીને મારીને તેમની બંધ બૉડીની એસયુવીમાંથી કરવામાં આવેલી 992 કિલોગ્રામ ચાંદી અને 704 કિલોગ્રામ ઇમિટેશન જ્વેલરીની લૂંટ.
ઘટનાને વર્ણવતા અમિત કહારે બીબીસી ગુજરાતીને ફોન પર વાતચીત કરતા કહ્યું, "અચાનક અમારી ગાડી ત્રણ બાજુથી ઘેરી અને અમે દારૂની હેરાફેરી કરીએ છીએ એમ કહીને માર માર્યો અને આંખે પાટા બાંધીને તેમની ગાડીમાં બેસાડી દીધા. માંડમાંડ જ્યારે આંખેથી પાટો હઠાવ્યો તો દૂરદૂર સુધી ક્યાંય રસ્તો દેખાતો ન હતો અને મારી સાથે જે ક્લિનર હતો એ પણ ક્યાંય દેખાતો ન હતો."
રાજકોટની ન્યૂઝ ઍર સર્વિસ કુરિયર કંપનીની કારમાંથી કરોડો રૂપિયાની ચોરીની ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ કારના ડ્રાઇવર અમિત કહારે રાજકોટસ્થિત તેમની ઑફિસમાંથી આ વાત કહી હતી.

- 17 ફેબ્રુઆરીએ રાજકોટની ન્યૂઝ ઍર સર્વિસ કુરિયર કંપનીના ડ્રાઇવર અમિત કહાર લગભગ ચાર કરોડ રૂપિયાનો સામાન લઈને અમદાવાદ ઍરપૉર્ટ જવા નીકળ્યા, પરંતુ પહોંચી ન શક્યા
- રસ્તામાં જ સુરેન્દ્રનગરના સાયલા પાસે તેમની એસયુવીને ત્રણ કારે આંતરી લીધી
- એક કારમાંથી નીકળેલા છ ફૂટના હટ્ટાકટ્ટા પુરુષે અમિત કહારને ગાડીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી તેમના માથામાં લોખંડની પાઇપ મારી
- ત્યારબાદ તેમની આંખે પાટા બાંધી તેમના હાથપગ બાંધીને એક કારમાં તેમને દૂર લઈ જવામાં આવ્યા
- જ્યારે તેમને કારમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા ત્યારે તેમની એસયુવી અને કરોડો રૂપિયાનો સામાન લૂંટાઈ ચૂક્યો હતો

કુરિયર કંપનીના મૅનેજરના જણાવ્યા પ્રમાણે તેમની બંધ બૉડીની બોલેરો એસયુવીમાં કુલ 704 કિલોગ્રામની ઇમિટેશન જ્વૅલરીના 30 અને કુલ 993 કિલો ચાંદીના 64 પાર્સલ હતા. જેનું મૂલ્ય પોલીસ ફરિયાદમાં અનુક્રમે રૂપિયા પાંચ લાખ 12 હજાર 996 અને 3 કરોડ 88 લાખ 43 હજાર 351 જણાવવામાં આવ્યું છે. ડ્રાઇવર અને ક્લિનરના ફોન અને બોલેરો એસયુવીની કુલ કિંમત મળીને આ લૂંટમાં 3 કરોડ 93 લાખ 61 હજાર 318 રૂપિયાનું નુકસાન નોંધાવવામાં આવ્યું છે.
રાત્રીના સમયે સાયલા પાસે અચાનક ત્રણ કાર આવી હતી તેમને ત્રણ બાજુથી બ્લૉક કરી દીધા હતા.
બાદમાં અમિત અને ત્રિવેણીની આંખે પાટા બાંધીને તેમને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા અને જ્યારે આંખ પરના પાટા ખુલ્યા તો તેમની કારમાંથી કરોડો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે સુરેન્દ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે લૂંટનો ભોગ બનેલી બંને વ્યક્તિના ફોનની લોકેશન મેળવવાથી લઈને હાઈવે પરના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને લૂંટારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'હું કંઈ કહું એ પહેલાં જ માથે દંડો માર્યો'

ઇમેજ સ્રોત, Vipul Dave
પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરતા અમિત કહાર કહે છે, "રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અમે જ્યારે જઈ રહ્યા હતા. ત્યારે એક કારે અમને ઓવરટેક કર્યા અને અમારી આગળ આવીને કાર રોકી દીધી. અમે કંઈ સમજીએ એ પહેલાં જ બીજી એક કાર અમારી બાજુમાં આવી અને ત્રીજી કાર બરાબર પાછળ આવીને ઊભી રહી."
તેમના જણાવ્યા પ્રમાણે આ ત્રણ પૈકી એક કારમાંથી પોલીસના સ્વાંગમાં અંદાજે છ ફૂટની એક વ્યક્તિ બહાર આવી અને તેણે અમિતને, "તમારી કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. કાર જપ્ત કરીને તમને પોલીસસ્ટેશન લઈ જવા પડશે."
અમિત આગળ કહે છે, "હું કંઈ કહું એ પહેલાં જ તેણે મારા માથામાં લોખંડનો પાઇપ માર્યો અને અમને બંનેને કારમાંથી નીચે ઉતારીને તેની કારમાં બેસાડ્યા."
કારમાં બેસાડ્યા બાદ બંનેના આંખે પાટા બાંધી દેવામાં આવ્યા હતા અને તેમના હાથપગ પણ બાંધી દેવાયા હતા. આ હાલતમાં તેમને લગભગ અડધો કલાક ગાડીમાં ફેરવવામાં આવ્યા.
અમિત કહારનો આરોપ છે કે એ સમય દરમિયાન તેમને માર મારવામાં આવ્યો હતો.

'દૂરદૂર સુધી રસ્તો ન દેખાયો'

ઇમેજ સ્રોત, Vipul Dave
અમિત આગળ કહે છે, "અડધો કલાક પછી અચાનક ગાડી રોકાઈ અને મને ધક્કો મારીને ફેંકી દેવામાં આવ્યો. ગાડી જતી રહેવાનો અવાજ સંભળાયા બાદ મેં માંડમાંડ મારી આંખેથી પાટો હઠાવ્યો અને આસપાસ નજર ફેરવી તો દૂરદૂર સુધી રસ્તો ન દેખાયો. જેમતેમ કરીને મેં મારા હાથપગ ખોલ્યા અને ચાલવા લાગ્યો."
ખાસ્સો સમય ચાલ્યા બાદ તેમને હાઇવે દેખાયો. જેને જોઈને અમિતને હાશકારો થયો. હાઇવે પર પહોંચ્યા બાદ તેમણે ત્યાંથી પસાર થતા વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી.
અંતે એક કાર ઊભી રહી અને તેના ચાલકે તેમની મદદ કરી.
આ વિશે વાત કરતા તેઓ કહે છે, "એ કારના ચાલકે મને ફોન આપ્યો. જેના પરથી મેં મારા શેઠ પિન્ટુભાઈને ફોન કર્યો. એ ભાઈ મને કારિયાણી ગામના બસસ્ટેન્ડ સુધી મૂકી ગયા. બે કલાકમાં મારા શેઠ પિન્ટુભાઈ પોલીસને લઈને આવ્યા. બાદમાં અમે ફરિયાદ નોંધાવી."
જોકે, આ ઘટનાક્રમ બનતા સુધી અમિત કહારના સાથીદાર ત્રિવેણીની કોઈ ભાળ ન હતી.

સાયલાની આસપાસમાં છેલ્લા બે વર્ષમાં થયેલી લૂંટની ઘટનાઓ

- સાયલા હાઇવે પર અરવિંદ કાંતિલાલ આંગડિયાના કર્મચારીને માર મારીને 80-82 લાખની લૂંટ કરવામાં આવી હતી.
- સમાતપુર ગામ પાસે હાઇવે પર 95 લાખનો સામાન લઈને જઈ રહેલા આંગડિયાકર્મીને લૂંટવામાં આવ્યો હતો.
- પૅટ્રોલ ભરાવીને ચા પીવા ઊભા રહેલા આંગડિયાના કર્મચારીઓની કારનું છાપરું ચીરીને ત્રણ લાખનો સામાન ચોરી કરવામાં આવ્યો હતો.
- બગથના ગામ પાસે ટ્રકની તાડપત્રી ચીરીને 1.62 લાખની લૂંટ થઈ હતી.
- સાયલા હાઇવે પર આવેલા ચાર એટીએમ લૂંટવાનો પ્રયાસ થયો હતો.

'50 વેપારીઓની દોઢ ટનથી વધુની જ્વેલરીની હતી'

ઇમેજ સ્રોત, Vipul Dave
કુરિયર કંપનીના કામકાજ વિશે વાત કરતાં ન્યૂઝ ઍર સર્વિસના મૅનેજર બિંદુ સિંહ જણાવે છે, "અમારી કંપની ઍરકાર્ગો મારફતે છેલ્લા નવ વર્ષથી ભારતભરમાં સામાન મોકલે છે."
તેમણે આગળ કહ્યું, "અમે રોજ રાજકોટથી અમદાવાદ ઍરપૉર્ટ ગાડી મોકલીએ છીએ. એ દિવસે પણ રાબેતા મુજબ ગાડી નીકળી હતી."
એસયુવીમાં રહેલા સામાન વિશે વાત કરતા તેઓ કહે છે, "તેમાં કુલ 704 કિલોગ્રામની ઇમિટેશન જ્વૅલરીના 30 અને કુલ 993 કિલો ચાંદીના 64 પાર્સલ હતા."
આ જ્વૅલરી ક્યાં મોકલવાની હતી? આ પ્રશ્નના જવાબમાં બિંદુ સિંહ જણાવે છે, "આ સામાન હૈદરાબાદ, કોઇમ્બતુર અને પટનાના 50 જેટલા વેપારીઓનો હતો. જે બધો જ ચોરાઈ ગયો છે."
તેઓ અંતે કહે છે, "રાત્રે અમને ડ્રાઇવરનો ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરી હતી. ત્રિવેણી તે સમયે ક્યાંય મળતો ન હતો પણ બીજા દિવસે સવારે તે મળી ગયો હતો."

એક જ ટોળકી કે પછી કૉપીકેટ?

ઇમેજ સ્રોત, VIPUL DAVE
લૂંટનો આ મામલો સામે આવ્યા બાદ સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જિલ્લા એસપી હરેશ દુધાતે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે લૂંટારાઓને પકડવા માટે માત્ર તેમની પોલીસ જ નહીં. રાજકોટ અને મોરબી જિલ્લાની લોકલ ક્રાઇમબ્રાન્ચ પણ તપાસ કરી રહી છે.
તેઓ કહે છે, "આ જ મોડસ ઑપરેન્ડીથી મુંબઈ-આગરા હાઇવે પર કેટલીક લૂંટ થઈ છે. આ ઉપરાંત આ ટોળકીના સભ્યો ગુજરાતીમાં વાત કરતા હતા. જેથી અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે શું તેઓ એ જ આંતરરાજ્ય ટોળકીના સભ્યો છે કે પછી કૉપીકેટ છે?"
એસપી હરેશ દુધાત પોલીસ તપાસ અંગે જણાવે છે કે ત્રણ જિલ્લાની લોકલ ક્રાઇમબ્રાન્ચે કુલ 15 ટીમ બનાવી છે અને તેઓ આસપાસના 30 કિલોમિટરના વિસ્તારની હૉટલો અને ટોલપ્લાઝા પરના સીસીટીવી ફૂટેજો તપાસી રહી છે.
તેમણે આગળ કહ્યું, "જે રીતે આ લૂંટ કરવામાં આવી છે તે જોતા એમ લાગી રહ્યું છે કે લૂંટારુઓએ પહેલાં કુરિયર ઑફિસની રેકી કરી હશે. જેથી અમે ઑફિસના અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છીએ."
આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર તેમજ ક્લિનરના ચોરી થયેલા ફોનની અંતિમ લોકેશન અને શંકાસ્પદ વાહનોની હ્યુમન અને ટૅક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહી છે.
આ મામલે એસપી દુધાત જણાવે છે કે તેમને અત્યાર સુધીમાં થોડીઘણી સફળતા મળી પણ ગઈ છે અને ટૂંક સમયમાં લૂંટારાઓને પકડી પાડવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













