બળાત્કારી પુત્રને બચાવવા પિતાએ નકલી ચિતાને આગ ચાંપી, કેવી રીતે ભાંડો ફૂટ્યો?

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારમાં ગત વર્ષે એક મહિલાને જણાવવામાં આવ્યું હતું કે તેમની દીકરી પર બળાત્કાર કર્યો હતો તે પુરુષનું મૃત્યુ થયું છે. એ પછી બળાત્કારનો કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો.

એ મહિલાએ આરોપીના મૃત્યુના દાવા બાબતે શંકા વ્યક્ત કરી હતી અને હકીકતનો ઘટસ્ફોટ કર્યો હતો. એ મહિલાના પ્રયાસને કારણે કેસની તપાસ ફરી શરૂ કરાઈ હતી અને આખરે તે મહિલા તેમની દીકરીને ન્યાય અપાવવામાં સફળ થયાં હતાં.

આ ઘટના ગયા ફેબ્રુઆરીની છે. એક સવારે બે લોકો દેશની સૌથી પવિત્ર ગંગા નદીના કિનારા પરના સ્મશાન ઘાટ પર પહોંચ્યા હતા.

તેઓ એક વ્યક્તિના અંતિમસંસ્કાર કરવા આવ્યા હતા. તેઓ મૃતદેહને અગ્નિદાહ આપવા માટે લાકડાં એકઠા કરવા લાગ્યા હતા.

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, ચિતા પર 'મૃત' વ્યક્તિ

આશ્ચર્યની વાત એ હતી કે તેઓ કોઈ લાશને લઈને આવ્યા ન હતા. તેઓ ગંગા કિનારે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિએ ગજબનો પલટો લીધો હતો.

બન્ને પુરુષે જમીન પર એક ચિતા સજાવી હતી. એ પછી બે પૈકીનો એક પુરુષ ચિતા પર સૂઈ ગયો હતો અને પોતાના શરીરને સફેદ વસ્ત્ર વડે ઢાંકી લીધું હતું, પણ પોતાની આંખો ખુલ્લી રાખી હતી.

તેના સાથીદારે ચિતા પર થોડાં વધુ લાકડાં, પેલા પુરુષનું મોં દેખાય તેવી રીતે ગોઠવ્યાં હતાં. એ પછી ચિતા પર રાખવામાં આવેલા મૃતદેહના બે ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યા હતા.

ચિતા પરની લાશના એ ફોટોગ્રાફ્સ કોણે ક્લિક કર્યા હતા અને એ સમયે ત્યાં બીજું કોઈ હાજર હતું કે કેમ તેની સ્પષ્ટતા મળી નથી.

line

પિતાએ દીકરાની નકલી ચિતા સજાવી

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, 'મૃતક' નીરજ મોદી સાથે તેના પિતા રાજારામ મોદી

ચિતા પર સૂઈ ગયેલો પુરુષ 39 વર્ષનો સરકારી શિક્ષક નીરજ મોદી હતો. એ સમયે ગંગા કિનારે હાજર બીજી વ્યક્તિ 60 વર્ષના દુબળા-પાતળા ખેડૂત રાજારામ મોદી હતા. રાજારામ નિરજના પિતા હતા.

રાજારામ મોદી ગંગા ઘાટ પરથી સીધા 100 કિલોમીટર દૂર આવેલી એક કોર્ટમાં પહોંચ્યા હતા. એમની સાથે એક વકીલ પણ હતા. અદાલતમાં રાજારામે એક સોગંદનામું રજૂ કરીને જણાવ્યું હતું કે તેમના પુત્ર નીરજ મોદીનું તેમના ગામમાંના પૈતૃક ઘરમાં 27 ફેબ્રુઆરીએ મૃત્યુ થયું છે.

રાજારામે સોગંદનામાની સાથે, પુરાવા તરીકે તેમના દીકરાની ચિતાના બે ફોટોગ્રાફ્સ તથા શબને અગ્નિદાહ આપવા માટે ખરીદેલાં લાકડાની રસીદ પણ અદાલતમાં રજૂ કરી હતી.

હજુ છ દિવસ પહેલાં પોલીસે નીરજ મોદી સામે બળાત્કારના ગુના બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. નીરજ મોદી પર ઑક્ટોબર, 2018માં 12 વર્ષની વયની તેની એક વિદ્યાર્થિની પર બળાત્કારનો આરોપ હતો.

એ છોકરી શેરડીના ખેતરમાં એકલી કામ કરી રહી હતી ત્યારે નીરજે તેના પર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ નીરજે એ છોકરીને એવું કહીને ચૂપ કરી દીધી હતી કે તેણે તેના ફોટોગ્રાફ્સ ઝડપ્યા છે અને તે આ ઘટના બાબતે કોઈને કંઈ કહેશે તો તે એ ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર પોસ્ટ કરી દેશે.

ગત વર્ષે નીરજના 'મોત' પછી ઘટનાઓ ઝડપભેર બની હતી. નીરજના પિતાએ અદાલતને નીરજના મોતના સમાચાર આપ્યાના બે મહિનામાં સ્થાનિક અધિકારીઓએ નીરજના મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપી દીધું હતું. અદાલતે કેસની કાર્યવાહી બંધ કરી દીધી હતી, કારણ કે આ કેસનો એકમાત્ર આરોપી મૃત્યુ પામ્યો હતો.

line

'મને ખાતરી હતી કે તે જીવતો છે'

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, ઘટના બાદ પીડિતાનું શાળાએ જવાનું બંધ થઈ ગયું હતું

આરોપી શિક્ષકે પોતાના મૃત્યુનું નાટક કર્યું છે અને સજાથી બચવા માટે ક્યાંક જઈને છૂપાઈ ગયો છે તેની ખાતરી એક વ્યક્તિને હતી. એ વ્યક્તિ પીડિતાનાં માતા હતાં. એ દુબળા-પાતળાં મહિલા નીરજના ગામમાં જ ઝૂંપડામાં રહેતાં હતાં.

હું તાજેતરમાં જ પીડિતાનાં માતાને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે "નીરજ મોદીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે જ હું જાણી ગઈ હતી કે આ બધું જૂઠ છે. મને ખાતરી હતી કે તે જીવતો છે."

ભારતમાં દરેક 10માંથી સાત મૃત્યુ દેશના લગભગ સાત લાખ ગામોમાં થાય છે અને શહેરોની સરખામણીએ ગામમાં મોટાભાગના લોકો તેમના ઘરમાં જ મૃત્યુ પામતા હોય છે.

54 વર્ષ જૂના એક કાયદા મુજબ, દેશમાં દરેક નાગરિકના જન્મ તથા મૃત્યુની નોંધ સરકારી ચોપડે કરાવવાની હોય છે. અલબત, તેમાં મૃત્યુનું કારણ જણાવવું જરૂરી નથી હોતું.

line

મોતનું ખોટું પ્રમાણપત્ર કેવી રીતે બનાવ્યું?

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, મૃત્યુનું પ્રમાણપત્ર જેને અધિકારીઓને ખોટું ઠેરવીને કૅન્સલ કરી દીધું છે

બિહારમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના પરિવારના એક સભ્યે તેનો વિશિષ્ટ બાયોમેટ્રિક નંબર નોંધાવવો પડે છે. મોતની ખાતરી માટે ગામના જ પાંચ લોકોની સહી કે અંગૂઠાની છાપ સાક્ષી તરીકે લેવી પડે છે.

એ પછી તે સોગંદનામું સ્થાનિક ગ્રામ પંચાયતમાં આપવાનું હોય છે. પંચાયતના સભ્ય અને સ્થાનિક રજિસ્ટ્રાર એ દસ્તાવેજોની ચકાસણી કરે છે. બધું યોગ્ય હોય તો એક સપ્તાહમાં મોતનું પ્રમાણપત્ર કે ડેથ સર્ટિફિકેટ આપી દે છે.

પીડિતાના વકીલ જય કરણ ગુપ્તાએ કહ્યું હતું કે "અમારા ગામમાં લોકો એકમેકની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને ઓળખતી હોય છે. તેથી ગામમાં કોઈના મોતની બીજાને ખબર ન હોય એ અશક્ય હોય છે."

રાજારામ મોદીએ તેમના દીકરાના મૃત્યુની ખાતરી માટે ગામના પાંચ લોકોની સહી અને તેનો બાયોમેટ્રિક ઓળખ નંબર ગ્રામ પંચાયતને જણાવ્યો હતો અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું,

પરંતુ દસ્તાવેજમાં નીરજના મૃત્યુનું કારણ લખ્યું ન હતું.

સ્મશાન ઘાટ પરની જે દુકાનેથી લાકડાં ખરીદવામાં આવ્યાં હતાં તેમાં લખ્યુ હતું કે 'બીમારીને કારણે' નીરજનું મૃત્યુ થયું હતું.

ગત વર્ષે મેમાં પીડિતાનાં માતાને એક વકીલ મારફત ખબર પડી હતી કે નીરજ મોદીનું મૃત્યુ થયું હોવાથી તેના વિરુદ્ધનો કેસ બંધ કરવામાં આવ્યો છે.

પીડિતાનાં માતાએ સવાલ કર્યો હતો કે "એ મરી ગયો અને તેના મૃત્યુની કોઈને ખબર પણ નથી એવું કેવી રીતે બને? મર્યા પછી તેની દસમા-બારમા કે વરસીની કોઈ વિધિ કેમ નથી થઈ? તેના મૃત્યુ બાબતે કોઈ ચર્ચા પણ કેમ નથી થઈ?"

પીડિતાનાં માતાએ મે મહિનાના મધ્યમાં એક વરિષ્ઠ સ્થાનિક અધિકારીને અરજી આપીને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતે નીરજ મોદીનું જે ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કર્યું છે તે બનાવટી દસ્તાવેજના આધારે આપવામાં આવ્યું છે અને તેની તપાસ થવી જોઈએ.

line

...ને પછી શરૂ થઈ તપાસ

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, બિહારમાં પીડિતાનું ગામ

એ વરિષ્ઠ અધિકારીએ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો અને ગ્રામ પંચાયતને તેની જાણ કરી હતી. પંચાયતના અન્ય સભ્યોએ પણ નીરજના મૃત્યુના વધુ દસ્તાવેજ રાજારામ મોદી પાસે માગ્યા હતા.

રાજારામને તેમના દીકરાના મોત પછીના ફોટોગ્રાફ્સ, અંતિમ સંસ્કારના પુરાવા, સળગતી ચિતાના ફોટોગ્રાફ્સ અને પાંચ સાક્ષીના નિવેદન આપવાનું જણાવવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતના સભ્યો લગભગ 250 ઘરની વસ્તી ધરાવતા ગામના નિવાસીઓને મળ્યા હતા. તેમને જાણવા મળ્યું હતું કે કોઈને નીરજના મૃત્યુની જાણકારી ન હતી.

કોઈ હિન્દુનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારજનો સામાન્ય રીતે મુંડન કરાવતા હોય છે, પરંતુ મોદી પરિવારની કોઈ વ્યક્તિએ મુંડન કરાવ્યું ન હતું.

આ ઘટનાના તપાસ અધિકારી રોહિત કુમાર પાસવાને કહ્યું હતું કે "નીરજના નજીકના સગાંઓને પણ તેના મૃત્યુના સમાચાર ન હતા. નીરજ ક્યાં છે એ પણ તેઓ જાણતા ન હતા. તેઓ એમ જ કહેતા હતા કે નીરજનું મૃત્યુ થયું હોય તો તેના અંતિમ સંસ્કાર ઘરે જ થયા હોવા જોઈએ."

ગ્રામ પંચાયતના સભ્યોએ રાજારામ મોદીને ફરી પૂછપરછ કરી હતી. એ વખતે તેઓ તેમના દીકરાના મૃત્યુના કોઈ પુરાવા આપી શક્યા ન હતા. ગ્રામ પંચાયતના સચિવ ધર્મેન્દ્રકુમારે કહ્યુ હતું કે "અમે તેમને ઘણા સવાલ પૂછ્યા હતા, પણ તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા."

આખરે તપાસનું તારણ નીકળ્યું કે નીરજ મોદીએ પોતાના મૃત્યુનું નાટક રચ્યું હતું અને મૃત્યુના પ્રમાણપત્ર માટે બાપ-દીકરાએ મળીને બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નીરજ મોદીએ તેમનાં પાંચ વિદ્યાર્થીઓનાં માતા-પિતાના બાયોમેટ્રિક ઓળખપત્ર લઈને તેની મદદથી પોતાના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા સોગંદનામું બનાવ્યું હતું.

નીરજે પોતાના વિદ્યાર્થીઓનાં માતા-પિતાને જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓની સ્કૉલરશિપની વ્યવસ્થા કરવા માટે તેમના બાયોમેટ્રિક્સ નંબર જરૂરી છે.

line

બળાત્કારનો કેસ ફરી શરૂ થયો

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, પીડિતાના વકીલ જય કરણ ગુપ્તા

અધિકારીઓએ નીરજના મૃત્યુનું પ્રમાણપત્ર 23 મેના રોજ રદ્દ કર્યું હતું. પોલીસે બનાવટી દસ્તાવેજો બનાવવાના આરોપસર નીરજના પિતા રાજારામ મોદીની ધરપકડ કરી હતી.

રોહિત કુમાર પાસવાને કહ્યું હતું કે "મેં મારી કારકિર્દીમાં આ પ્રકારના કોઈ કેસની તપાસ કરી ન હતી. આખું ષડયંત્ર એકદમ વાસ્તવિક લાગતું હતું. વાસ્તવમાં તે જૂઠ હતું."

અદાલતે બળાત્કારનો કેસ ફરી શરૂ કરવાનો આદેશ જુલાઈમાં આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે "આરોપીઓ સજામાંથી બચી શકે એટલા માટે છેતરપિંડી કરવામાં આવી છે."

પીડિતાનાં માતાએ આરોપી શિક્ષકની શોધ સતત ચાલુ રાખી હતી. તેમણે આરોપીની ધરપકડ માટે અદાલતને વિનંતી કરી હતી.

જેણે ખુદને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો તે નીરજ મોદીએ 'મોતના' નવ મહિના પછી એટલે કે ઑક્ટોબરમાં જાતે અદાલતમાં આત્મસમર્પણ કર્યું હતું.

line

14 વર્ષના કારાવાસની સજા

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, THE NEWS POST

ઇમેજ કૅપ્શન, નીરજ મોદીને બળાત્કારના ગુનામાં 14 વર્ષની કેદ થઈ છે

કેસની સુનાવણી દરમિયાન નીરજે તેના પરના બળાત્કારના આરોપનો ઇનકાર કરીને ખુદના બચાવનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હાથકડીમાં ઝકડાઈને નત મસ્તકે કોર્ટની બહાર નીકળ્યો હતો.

અદાલતે ગયા મહિને નીરજને છોકરી પર બળાત્કાર બદલ દોષી ઠરાવ્યો હતો અને તેને 14 વર્ષના કારાવાસની સજા ફરમાવી હતી. એ ઉપરાંત પીડિતાને વળતર પેટે રૂ. ત્રણ લાખ ચૂકવવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો.

નીરજના પિતા રાજારામ મોદી પણ જેલમાં છે. તેમના પર છેતરપિંડી અને બેઈમાનીનો આરોપ છે. એ માટે તેમને મહત્તમ સાત વર્ષની સજા થઈ શકે છે. બાપ-દીકરા બન્ને પર મોતનું બનાવટી પ્રમાણપત્ર બનાવવાનો આરોપ પણ છે.

પીડિતાનાં માતાએ કહ્યું હતું કે "મારી દીકરીના બળાત્કારીને સજા થાય એ માટે હું ત્રણથી વધુ વર્ષ સુધી અદાલતના ચક્કર લગાવતી રહી હતી અને એક દિવસ તેના વકીલે મને કહ્યું હતું કે એ તો મરી ગયો છે."

તેમણે ઉમેર્યું હતું કે "કોઈ વ્યક્તિ આ રીતે અચાનક ગાયબ કઈ રીતે થઈ શકે? વકીલે મને કહ્યું હતું કે તેના મૃત્યુના સમાચાર ખોટા છે એ જણાવવા માટે હવે બીજો કેસ લડવો પડશે અને એમાં ઘણા પૈસા ખર્ચવા પડશે. બીજા લોકોએ મને એમ કહીને ડરાવી હતી કે આરોપી જેલમાંથી બહાર આવીને મારી સામે બદલો લેવાનો પ્રયાસ કરશે."

"તેમ છતાં હું ડરી નહીં. મેં વકીલને કહ્યું હતું કે પૈસાની વ્યવસ્થા હું કરી લઈશ. હું કોઈથી ડરતી નથી. મેં ન્યાયમૂર્તિ અને અધિકારીઓને પણ જણાવ્યું હતું કે તમે સત્ય શોધી કાઢો."

અમે ખાડાવાળા, ઉઘાડી ગટરવાળા, નબળા ઝૂંપડાવાળા, સરસવના પીળાં ફૂલ તથા ઈંટોના ભઠ્ઠામાંથી ધૂમાડો નીકળતો હોય તેવા રસ્તા પર કલાકો સુધી પ્રવાસ કરીને પીડિતાના નાનકડા ગામમાં પહોંચ્યા હતા. એ ગામ દેશના સૌથી ગરીબ રાજ્યો પૈકીના એક બિહારના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે.

line

મુશ્કેલીભર્યું જીવન

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, SWASTIK PAL

ઇમેજ કૅપ્શન, પીડિતાની માતાનું કહેવું છે કે આ ઘટના બાદ તેમની પુત્રીનું જીવન ખતમ થઈ ગયું છે

ગામમાં કાચા-પાકાં મકાનો પર સૅટેલાઇટ ડિશ દેખાતી હતી. એ મકાનોની વચ્ચેની એક સાંકડી ગલીમાંથી પસાર થઈને અમે પીડિતાના ઘરે પહોંચ્યા હતા. પીડિતાનાં માતા બીજાં બે બાળકો અને દીકરી સાથે ઈંટના એક એવા મકાનમાં રહે છે કે જેમાં કોઈ બારી નથી. તેમની સૌથી મોટી દીકરીનાં લગ્ન થઈ ગયાં છે. તે સાસરે રહે છે.

ઘરની છત ટિન તથા નળિયાની બનેલી છે. અંધારિયા ઘરમાં બહુ મુશ્કેલીથી બે-ચાર ચીજો જોવા મળી હતી. લાકડાનો એક ખાટલો હતો, અનાજ રાખવા માટેની સ્ટીલની એક કોઠી હતી. જમીન પર માટીનો ચૂલો હતો અને દોરી પર કેટલાંક ગંદા કપડાં સૂકાતાં હતાં. એ ગરીબ પરિવાર પાસે રહેવા માટે પોતાની કોઈ જમીન નથી.

ગામમાં પીવાનું પાણી પાઇપ મારફત આવે છે. વીજળીનું કનેક્શન છે, પણ રોજગારનું કોઈ સાધન નથી. તેથી પીડિતાના પિતા કામની શોધમાં દક્ષિણ ભારતના એક રાજ્યમાં ગયા છે. એ સ્થળ તેમના ઘરથી લગભગ 1,700 કિલોમીટર દૂર આવેલું છે. તેઓ ત્યાં લોડર તરીકે કામ કરે છે અને ત્યાંથી પરિવાર માટે પૈસા મોકલે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં જાહેરાત કરી હતી કે તેમની સરકારના વ્યાપક સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલયનું મોટા પ્રમાણમાં નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના 100 ટકા ગામ જાહેરમાં ટૉઇલેટની ચિંતામાંથી મુક્ત થયાં છે.

જોકે, પીડિતાના ગામમાંના અનેક ઘરમાં શૌચાલય નથી અને એમાં પીડિતાના ઘરનો પણ સમાવેશ થાય છે. આ જ પીડિતા પર બળાત્કારનું કારણ છે. ઘટના બની એ દિવસે પીડિતા બાજુમાં આવેલા શેરડીના ખેતરમાં શૌચક્રિયા કરવા ગઈ ત્યારે આરોપી નીરજ તેનો પીછો કરતાં-કરતાં ખેતરમાં પહોંચ્યો હતો.

line

ડિસ્ટ્રિક્ટ જજે શું કહ્યું?

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, DAVID TALUKDAR

જિલ્લા ન્યાયમૂર્તિ લવકુશ કુમારે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે નીરજ મોદીએ ખેતરમાં છોકરીનું મોં દબાવીને બળાત્કાર કર્યો હતો. આરોપીએ તે બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. તેણે છોકરીને ચૂપ રહેવાની ધમકી આપતાં કહ્યું હતું કે તે આ ઘટના બાબતે કોઈને કશું કહેશે તો પોતે (નીરજ) આ વીડિયો ઑનલાઇન વાયરલ કરી દેશે.

ગભરાયેલી છોકરીએ બળાત્કારના દસ દિવસ પછી પોતાનાં માતાને આ ઘટના બાબતે જણાવ્યું હતું. માતા દીકરીની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને ગયાં હતાં. તેમની દીકરીએ બીજા જ દિવસે ઘટનાના પુરાવા પોલીસને આપ્યા હતા. તેણે પોલીસને કહ્યું હતું કે "નીરજ મોદી મને સ્કૂલમાં વારંવાર મારતા હતા."

નીરજ મોદીની ધરપકડ પછી છોકરીએ ફરી સ્કૂલે જવાનું શરૂ કર્યું હતું, પરંતુ નીરજ જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો ત્યારથી છોકરીનો અભ્યાસ ફરી અટકી ગયો હતો. એ ઘટનાને ચાર વર્ષ થઈ ગયાં છે અને છોકરી ચાર વર્ષથી સ્કૂલે જઈ શકી નથી. તેનાં પાઠ્યપુસ્તકો રદ્દીમાં વેચી નાખવામાં આવ્યાં છે.

નિસ્તેજ, સૂકાયેલા ચહેરાવાળી એ છોકરી તેનો મોટાભાગનો સમય હવે અંધારિયા ઓરડામાં જ પસાર કરે છે.

પીડિતાનાં માતાએ કહ્યું હતું કે "વિદ્યાર્થિની તરીકેની તેની જિંદગી પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. તેને બહાર મોકલવામાં મને બહુ ડર લાગે છે. કોઈક રીતે તેનાં લગ્ન કરી શકીએ એટલી જ પ્રાર્થના હું ઇશ્વરને કરું છું."

ઘણા સવાલના જવાબ હજુ પણ મળ્યા નથી. જેમ કે ગ્રામ પંચાયતે નીરજના કાગળિયાની પૂરતી તપાસ કર્યા વિના તેને ડેથ સર્ટિફિકેટ કઈ રીતે આપી દીધું? પીડિતાનાં માતાએ કહ્યું હતું કે "મેં ફરી અરજી કરી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે તેમની ભૂલ થઈ છે."

line

'મિલિયન ડેથ સ્ટડી' શું કહે છે?

બિહાર મહિલા દિકરી બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સમય પહેલાં મોત વિશેના અભ્યાસો પૈકીનો એક અભ્યાસ ટૉરન્ટો યુનિવર્સિટીના પ્રોફેસર પ્રભાત ઝાએ પણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે નીરજ મોદીના 'મોત'નો મામલો બહુ અસામાન્ય અને દુર્લભ હતો.

પ્રભાત ઝાએ પોતાના મહત્ત્વકાંક્ષી 'મિલિયન ડેથ સ્ટડી'નો હવાલો આપતાં કહ્યું હતું કે "અમારા અભ્યાસ દરમિયાન આવો એકેય કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો નથી. આવી હેરાફેરી બહુ દુર્લભ હોય છે. મોતનું પ્રમાણપત્ર આપતા પહેલાં કડક તપાસ અને પ્રતિબંધોની વ્યવસ્થા સરકારે કરવી પડશે, અન્યથા આવા કિસ્સાને લીધે રજિસ્ટ્રેશન વધારે મુશ્કેલ બની જશે."

તેનું કારણ એ છે કે "ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ અને શ્રીમંતોની સરખામણીએ ગરીબોનાં મૃત્યુ મેડિકલ રજિસ્ટ્રેશનના દાયરામાંથી બહાર રહી જાય છે. તેથી મિલકતના ભાગલા અને તે આગલી પેઢીને સોંપવા જેવા પ્રયાસ વધારે મુશ્કેલ બની જાય છે. આ કારણસર લોકો ગરીબીના જાળમાં સપડાયેલા રહે છે. "

બીજી તરફ ગામની પરિસ્થિતિ જોતાં લાગે છે કે પીડિતાનાં માતાએ જિંદગીનું દરેક પાસું જોઈ લીધું છે. એક તરફ દીકરીને ન્યાય અપાવવાનો આનંદ છે તો બીજી તરફ અન્ય ચિંતા પણ અકળાવી રહી છે.

પીડિતાનાં માતાએ કહ્યું હતું કે "મેં ગામના લોકો તથા અધિકારીઓને સત્ય શોધવાની વિનંતી કરી હતી. મને આનંદ છે કે જે માણસે મારી દીકરીની ઇજ્જત લૂંટી હતી, તેના ચારિત્ર્ય પર લાંછન લગાડ્યું હતું એ માણસ આજે જેલમાં છે, પરંતુ મારી દીકરીની જિંદગી ખતમ થઈ ગઈ. હવે તેનું શું થશે?"

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન