રાજકોટ પ્રેમપ્રકરણ : ભાઈએ જે બહેન માટે ભણવાનું છોડી મજૂરી કરી, એની હત્યા કેમ કરી?

ઇમેજ સ્રોત, Ravi Sandaniya
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“ભલે એ મારી સાવકી બહેન હતી, પણ અમે બંને સહોદર હતાં, એની દરેક જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે મેં ભણતર મૂકીને મજૂરી કરી. એ મને પ્રિય હતી. હું એને પાઠ ભણાવવા ગયો પરંતુ એ મરી ગઈ.”, રાજકોટના ધોરાજી પોલીસ સામે બહેનની હત્યા કર્યાની 19 વર્ષના ‘પશ્ચાત્તપ્ત’ ફિરોઝે કંઈક આ રીતે કબૂલાત કરી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર ગુજરાતના રાજકોટ જિલ્લામાં 22 નવેમ્બર, મંગળવારે સાંજે ભાઈએ સાવકી બહેનની હત્યા કરવાનો બનાવ બન્યો હતો.
મળી રહેલ માહિતી અનુસાર આરોપી ભાઈને શંકા હતી કે તેમની બહેનનો એક ‘અયોગ્ય યુવક’ સાથે પ્રેમસંબંધ છે.
પરંતુ આખરે બચપણથી એક સાથે રહીને મોટાં થયેલાં, એકમેક પ્રત્યે ‘લાગણી ધરાવતી આ ભાઈ-બહેન’ જોડી વચ્ચે હત્યાના દિવસે અને એ અગાઉ શું થયું હતું કે ‘પોતાની બહેનને લાડ લડાવનાર’ ભાઈએ જ તેમની બહેનની હત્યા કરી દીધી.
આ સમગ્ર બનાવ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ઘટનાથી વાકેફ કેટલાક પક્ષકારો સાથે વાત કરી હતી.

- રાજકોટના ધોરાજીમાં યુવકે પ્રેમસંબંધની શંકામાં સાવકી બહેનની કથિત હત્યા કરી
- કથિત હત્યા બાદ ‘પશ્ચાત્તપ્ત’ ભાઈએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું
- હત્યાના આરોપી ભાઈ પોતાનાં બહેનની ખૂબ સારસંભાળ રાખતા, પરંતુ અચાનક જ વાત આટલી બધી કેમ વણસી ગઈ?

‘ફિરોઝ બહેનનું ઘણું ધ્યાન રાખતો’

ઇમેજ સ્રોત, Ravi Sandaniya
ફિરોઝના મામા શિરાઝભાઈ પેઇન્ટરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ફિરોઝ અને તેમની બહેન વચ્ચેના ‘વહાલના સંબંધ’ વિશે વાત કરતાં કહ્યું હતું :
“ફિરોઝનાં માતા રેહાનાએ બીજાં લગ્ન કર્યાં તે બાદ યાસ્મીનનો જન્મ થયો હતો. ફિરોઝ તેની બહેનને ઘણો પ્રેમ કરતો. એણે પાંચ ધોરણ ભણીને જ સ્કૂલ મૂકી દીધી, 12 વર્ષની વયથી પોતાની બહેનની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે રાજકોટ જઈ મજૂરી કરતો. એ પોતાના માટે બે વસ્તુ ભલે ઓછી લાવે, પરંતુ કપડાં, મૅકઅપનો સામાન જેવી યાસ્મીનની બધી જરૂરિયાતો તે પૂરી કરતો.”
ફિરોઝનાં માતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ફિરોઝના પિતા અને મારા પહેલાં પતિ સાથે મારા તલાક થઈ ચૂક્યા હતા. તે બાદ મેં અમારા ઘરની નજીક રહેતા રઝાક સાથે બીજાં લગ્ન કર્યાં, તેમને અગાઉથી જ બે બાળકો હતાં. તેમની સાથે લગ્ન બાદ યાસ્મીનનો જન્મ થયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું, "ઘરમાં આર્થિક મુશ્કેલીને લીધે ફિરોઝે ભણવાનું છોડી મજૂરી શરૂ કરી. એની નાની બહેન યાસ્મીન ઘણી વાર નવાં કપડાં અને મૅકઅપનો સામાન માગતી પણ અમારી સ્થિતિ સારી નહીં હોવાથી અમે એને લાવી આપતા ન હતા. પણ ફિરોઝને એની નાની બહેન યાસ્મીન ખૂબ વહાલી હતી એટલે એ એના મજૂરીના પૈસામાંથી પોતાના માટે વસ્તુ ખરીદવાને બદલે એની નાની બહેન યાસ્મીનની બધી જ જરૂરિયાતો પૂરી કરતો હતો.”

કેવી રીતે બની ઘટના?

ઇમેજ સ્રોત, Ravi Sandaniya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિરોઝનાં માતાએ આપેલી જાણકારી અનુસાર તેને યાસ્મીનનો તેમની પાડોશમાં રહેતા ફૈઝલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હતી.
બંને ભાઈ બહેનના આ વાતે વારંવાર ઝઘડા પણ થતા. તેઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ ફિરોઝને બંને વચ્ચેના પ્રેમસંબંધ અંગેની ‘સાચી-ખોટી’ વાતો સાંભળવા મળતી.
ફિરોઝનાં માતા આગળ વાત કરતાં કહે છે કે, “ફિરોઝ યાસ્મીનને ફૈઝલ સાથે સંબંધ ન રાખવા ધમકાવતો, તેણે આવું ન કરવા માટે વચન પણ લીધું હતું.”
તેઓ ઘટનાના દિવસે બનેલ પ્રસંગોને યાદ કરતાં કહે છે કે, “ફિરોઝ રાજકોટ મજૂરી કરવા ગયો હતો અને અચાનક તે સાંજે ઘરે આવ્યો. તે યાસ્મીન માટે કંઈક લઈને આવ્યો હતો. એ સમયે હું ઘરના આગળના ભાગમાં શાક સમારી રહી હતી અને યાસ્મીન રસોઈ કરી રહી હતી.”
“અચાનક બંને ફૈઝલની વાતને લઈને એકમેક સાથે ઝઘડી પડ્યાં. યાસ્મીને સામો જવાબ આપ્યો તો ફૈઝલે ગુસ્સે ભરાઈને તેને એક થપ્પડ મારી. હું તેમને છોડાવા જઉં, એટલામાં તો તેણે મારી નજર સામે જ બહેનના પેટમાં ચપ્પુ મારી દીધું. તે રસોડામાં જ ફસડાઈ પડી. મેં તેને પકડવા પ્રયત્ન કર્યો પણ તે ભાગી ગયો.”
રેહાના આગળ જણાવે છે કે, “અચાનક થયેલા આ શોરબકોરને કારણે પાડોશી અને મારા ભાઈ આવી ગયા. અમે યાસ્મીનને બચાવવા માટે તેને રિક્ષામાં સરકારી હૉસ્પિટલે લઈ ગયા પણ ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. મારી તો ઘડપણની લાકડી ગઈ. એક તરફ દીકરી મૃત્યુ પામી હવે દીકરો પણ જેલ ગયો. હું તો નોધારી થઈ ગઈ.”

‘ફિરોઝે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું’
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “એ રાત્રે પોલીસ સ્ટેશનમાં ફિરોઝ સામેથી આવ્યો અને કહ્યું કે એણે એની બહેન પર હુમલો કર્યો છે અને એ પોલીસ સમક્ષ હાજર થયો છે, એણે લોહીવાળી છરી પણ આપી. અમે જયારે એના ઘરે તપાસ કરી તો એની બહેનનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું. એને જયારે ખબર પડી કે એની બહેનનું મોત થયું છે ત્યારથી એ ઘણો પસ્તાવો કરી રહ્યો છે.”
ક્રિમિનલ સાઇકૉલૉજીના નિષ્ણાત અને મનોચિકિત્સક ડૉ. જે. એમ. ગુપ્તાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઘટના સમયે અને એ પહેલાંની ફિરોઝની મન:સ્થિતિ અંગે વાત કરી.
તેમણે કહ્યું કે, “ઘણા લોકો જીવનમાં કોઈ એક નજીકનાં સગાં માટે ઓવર-પઝેસિવ હોય છે, પછી ભલે તે સાવકી બહેન જ કેમ ન હોય. ફિરોઝ જોડે પણ કંઈક આવું જ બન્યું. આ ઉપરાંત ઓછું ભણેલા લોકો એવું માનતા હોય છે કે છોકરી પ્રેમ કરે ત્યારે સમાજમાં એમની આબરૂ જાય છે."
તેમણે વધુમાં કહ્યું, "આવા લોકો જેને વધુ પ્રેમ કરતા હોય અને જેના માટે ઓવર-પઝેસિવ હોય તેવી વ્યક્તિ એની વાત ના માને તો આવેગમાં આવી જાય છે, અને આ આવેગ ઇમ્પલ્સિવ ડિકંટ્રોલમાં પરિણમે છે, એટલે કે ઈમ્પલસિવ ડિકંટ્રોલના કારણે ક્ષણિક આવેગમાં આવી એ પોતાની વાત નહીં માનનાર પોતાનાં સગાંને સબક શીખવવા હુમલો કરી બેસે છે, એ સમયે એના મનમાં એવી ભાવના હોય છે કે હું તારા સારા માટે બધું કરું અને તારા સારા માટે જ સલાહ આપું છું પણ માનતી નથી એટલે ઘાતક હુમલા કરી બેસે છે.”














