શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઇંગ્લૅન્ડમાં થયેલી હત્યા, જ્યાં દીકરી માતા-પિતા પાસે કદી પરત ન આવ્યાં

ઇમેજ સ્રોત, facebook
- લેેખક, લોરેન્સ કૉવલી અને ઝોયી ઓબ્રાયન
- પદ, બીબીસી સંવાદદાતા
જૅક સિપલ અને ઍશલી વડ્સવર્થ ઘણાં વર્ષોથી સોશિયલ મીડિયા પર મિત્રો હતાં. તેમની વચ્ચેનું 7,242 કિલોમિટરનું અંતર ઇન્ટરનેટે ઘટાડી દીધું હતું.
19 વર્ષીય ઍશલી તેમના વતન કેનેડા છોડીને જૅક સાથે રહેવા યુકે આવી ગયા. પરંતુ થોડા જ સમયમાં જૅકે ઍશલીની હત્યા કરી નાખી. એવું તે શું થયું હતું? આવો જોઈએ.
"તેની છેલ્લી સ્થિતિ વિશે વિચારીને મને દુઃખ થાય છે. તે કેટલી ડરી ગઈ હશે, તેના છેલ્લા શબ્દો શું હશે? શું તેના મોઢે અમારૂં નામ હશે? એ હું ક્યારેય જાણી શકીશ નહીં."
ઉપરના શબ્દો છે ઍશલીનાં માતા ક્રિસ્ટી ગેન્ડ્રોનના.
તેઓ કહે છે, "એક દુનિયા છોડી ગઈ છે, બીજો જીવતો છે પણ તેના મોઢેથી કદાચ ક્યારેય સત્ય નહીં નીકળે."
ઍશલી ગયા નવેમ્બરમાં કેનેડાના વર્નોનથી યુકે આવ્યાં હતાં. તે 23 વર્ષીય સિપલ સાથે તેના એક બેડરૂમના ફ્લેટમાં રહેતાં હતાં.
પોલીસને આ વર્ષે 1 ફેબ્રુઆરીએ ઍશલીનો મૃતદેહ મળ્યો હતો. ઍશલીનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું અને તેમને છાતીમાં છરીના ઘણા ઘા મારવામાં આવ્યાં હતાં. સિપલ તેના મૃતદેહની બાજુમાં બેઠો હતો.
તેણે ઍશલીની હત્યાની કબૂલાત કરી હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. તેને ઓછામાં ઓછા 23 વર્ષ અને 6 મહિનાનો જેલવાસ ભોગવવો પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍશલીના વ્યક્તિત્વનું વર્ણન કરતાં તેમનાં માતા કહે છે કે તે ભારે ઉત્સાહી છોકરી હતી. "તે બહાદુર હતી, તેને સ્પોર્ટસ બહું પસંદ હતું, તે હંમેશાં ઘર બહાર જ જોવા મળતી હતી."
બાળપણમાં, ઍશલી ઘોડેસવારી, સ્કીઇંગ અને બોટિંગમાં રસ લેતાં હતાં.
પછી, 12 વર્ષની વયે તે જૅક સિપલને ઓનલાઈન મળી.
બંને સાત વર્ષ સુધી ફેસબુક પર ચેટ કરતાં રહ્યાં.
ક્રિસ્ટી કહે છે, "તેઓ ગર્લફ્રેન્ડ બૉયફ્રેન્ડ નહોતા. તેઓ ક્યારેક-ક્યારેક ચેટ કરતા હતા. મોટા થતા તેમણે અન્ય છોકરીઓને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી તેઓએ વાત કરવાનું બંધ કરી દીધું."
જોકે ઍશલી અને સિપલ ક્યારેય એકબીજાને મળ્યા ન હતા, પરંતુ તેમના પરિવારને તેમની હરકતોની ખબર હતી. બંને અવારનવાર વિડિયો કોલ પર એકબીજા સાથે વાત કરતા હતા. ક્યારેક તો પરિવારજનો પણ વાત કરી લેતા હતા.
ઍશલીએ 18 વર્ષની ઉંમરે મોર્મન પંથનો સ્વીકાર કર્યો અને સિપલ સાથે યુકેમાં રહેવાનું નક્કી કર્યું.
તેમની માતા તેના આ નિર્ણયથી ચિંતિત હતાં. પરંતુ તેમના માટે ઍશલીને રોકવાનું અશક્ય હતું.
તેની માતા કહે છે, "તે જે પણ છોકરાને મળી હોત તેની સરખામણી તેણે જૅક સાથે કરી હોત. મેં વિચાર્યું કે શું થવાનું છે? ભલે તે ત્યાં જતી, છોકરો તેને ગમશે નહીં અને તે પાછો આવી જશે."
"તે ક્યારેય પાછી નહીં આવે તેની તો મેં કલ્પનાય નહોતી કરી."
ઍશલી યુકે ગઈ તેના થોડા મહિના પછી જ તેમના અને સિપલના વર્તન અંગે મતભેદો સામે આવ્યા. ઍશલીએ ઘરે અને ચર્ચમાં પણ સિપલના વર્તન સામે વાંધો ઉઠાવ્યો.
ઍશલી ઘરે પરત ફરવાની હતી, પરંતુ સિપલે તેની પ્લેનની ટિકિટની તારીખના બે દિવસ પહેલાં જ તેની હત્યા કરી હતી.

'ઍશલી ગઈ, જૅકે તેની હત્યા કરી નાખી'

ઍશલીના પિતા કેન વડ્સવર્થ કહે છે, "હું 1 ફેબ્રુઆરી (2022)ની સવારે જાગ્યો ત્યારે મારી પુત્રી હેલી ફોન પર કહી રહી હતી કે 'મારી બહેનને મારી નાખી. ઍશલી જતી રહી, જૅકે તેને મારી નાખી છે.'
પછી અમે કેનેડિયન પોલીસને ફોન કર્યો અને કહ્યું કે મારી પુત્રી ઈંગ્લૅન્ડમાં છે અને અમને શંકા છે કે તેની કરવામાં આવી છે.
"મારું હૃદય તૂટી ગયું. હું ડૉક્ટર પાસે ગયો અને કહ્યું કે મને મારી છાતીમાં ખૂબ દુખાવો છે. તેઓએ કહ્યું કે તે એટલા માટે છે કારણ કે તમે ખૂબ ઉદાસ છો."
તેમણે કહ્યું, "તમારી નાની દીકરી અચાનક જતી રહે ત્યારે પીડાને વર્ણવવા માટે શબ્દો પર્યાપ્ત નથી. તે બબલગમ કેન્ડી જેવી હતી. તે ઉત્સાહથી થનગનતી હતી. તે નિર્ભિક રીત પોતાના મનની વાત કરી દેતી હતી. અમે તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપી અને તેણે તેનો ઉપયોગ કર્યો."
ઍશલીનાં માતા-પિતા તેનાં મૃતદેહનો કબજો મેળવવા યુકે આવ્યાં હતાં.



‘સિપલના ભૂતકાળ વિશે અમે કંઈ નથી જાણતા’

ઇમેજ સ્રોત, ESSEX POLICE
તેઓ કહે છે, "તે મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. અમે તેના ભૂતકાળ વિશે કશું જાણતા ન હતા."
સિપલ કહે છે કે તેણે ઍશલીની હત્યા કરી કારણ કે તે કેનેડા પાછી જવા માંગતી હતી અને તેનાથી તેને ગુસ્સો ચડ્યો હતો.
1 ફેબ્રુઆરીએ, સવારે 8 વાગ્યાની આસપાસ પડોશીઓએ ઍશલીની ચીસો સાંભળી. તેણે ત્યાં રહેતી એક મહિલાનો દરવાજો જોરથી ખખડાવ્યો. જ્યારે તેઓએ દરવાજો ખોલ્યો, ત્યારે ઍશલી ગભરાયેલાં જોવા મળ્યાં હતાં.
તેમણે કહ્યું કે સિપલે તેમને મારી અને તેમની પાલતુ બિલાડીને જોરથી દિવાલ પર ફેંકી દીધી.
ઍશલીએ કહ્યું કે જ્યારે સિપલે તેમને જોયાં ત્યારે નગ્ન મહિલાઓની તસવીરો જોઈ રહ્યાં હતાં. તેણે તેનો ફોન તોડી નાખ્યો, તેને લેસ્બિયન કહી અને પછી તેને મારી.
પડોશી મહિલાએ એમ પણ કહ્યું કે તેને ડર હતો કે સિપલ તેમને મારી નાખશે.
જ્યારે આ પાડોશી મહિલા ઍશલી સાથે સિપલ સાથે વાત કરવા ગઈ ત્યારે તે ચુપચાપ બેઠેલો જોવા મળ્યો હતો. તેણે ઍશલીની માફી માંગી અને પછી તે મહિલા તેના કામ પર નીકળી ગઈ.
બપોરે, ઍશલીએ તેમના ચર્ચનાં મિત્રોને ઘણા સંદેશા મોકલ્યા. તેમણે કહ્યું કે વિકટ સ્થિતિમાં ફસાઈ છું, મદદની જરૂર છે.
થોડા કલાકો પછી, ફરી તેમનો સંદેશ આવ્યો કે બધું બરાબર છે. આ સંદેશ સિપલ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
ખરેખર શું થઈ રહ્યું છે તેની ચિંતામાં ચર્ચના ઍશલીનાં મિત્રો જૅમી ઍશવર્થ અને ટાયલર બોર્ડન, સિપલ અને ઍશલી જ્યાં રહેતા હતા તે ઘરે ગયાં. તેઓએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતા તેમણે પોલીસને બોલાવી.
પોલીસને ઍશલીની લાશ તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. સિપલે ઍશલીનું ગળું દબાવીને અને છાતીમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. ત્યારબાદ તે તેની બાજુમાં બેસી ગયો અને તેની બહેન નાદિયાને વીડિયો કોલ કર્યો.
જ્યારે પોલીસ સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરમાં દાખલ થઈ ત્યારે તેમને તે તેમની સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો.

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT
સિપલ ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો. 2014થી તેની સામે ઓનલાઈન છેતરપિંડી અને મારપીટ જેવા અનેક ગુના દાખલ કરવામાં આવ્યા છે.
તેની અગાઉની ગર્લફ્રેન્ડ્સે પણ તેની સામે વારંવાર તેને ઘરમાં પુરી રાખવાની, માર મારવાની, ધાર્યું કરવા દબાણ કરવાની ફરિયાદ કરી હતી.
પરંતુ જ્યારે કેસ કોર્ટમાં આવ્યો ત્યારે તેમનામાંથી કોઈ સુનાવણીમાં હાજર રહ્યાં ન હતાં, તેથી ફરિયાદી કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
સિપલને જેલ પડવાને બદલે ફક્ત તેના ભૂતપૂર્વ જીવનસાથીથી દૂર રહેવા અને કોઈપણ રીતે તેનો સંપર્ક ન કરવા સૂચના આપવામાં આવી હતી.
ઍશલીના પિતા કહે છે, "અમે તેના ભૂતકાળ વિશે કંઈ જાણતા ન હતા. હવે મને લાગે છે કે તેને વરુના હાથમાં સોંપી દેવામાં આવી હતી."
પરંતુ હવે ઍશલીના માતા-પિતા ઈચ્છે છે કે અન્ય લોકો તેમના ઉદાહરણથી શીખે.
ક્રિસ્ટી કહે છે, "જો ખોટું થઈ રહ્યું હોય તો કોઈનું સાંભળશો નહીં, ભલે તેઓ તમને કહે કે બધું સારું છે."
"જો તમને ખબર હોય કે તમારી પુત્રી, ગર્લફ્રેન્ડ, કાકી, માસી, માતા અથવા તમારી પુત્રી આ પ્રકારનાં ઉત્પીડનનો સામનો કરી રહી છે, તો તરત જ પોલીસને જાણ કરો. કાર્યવાહી કરો, બેસી રહો નહીં."
ક્રિસ્ટી ઉમેરે છે, "તમે જે વ્યક્તિને ડેટ કરવા જઈ રહ્યા છો તેની સંપૂર્ણ માહિતી મેળવો. સાવચેત રહો, સાવધાન રહો."

'જાણે કે અમારૂં અંગ વિખૂટું પડી ગયું'

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT
ઍશલીનો તેની મોટી બહેન હેલી અને તેની ભત્રીજી પેસલી પ્રત્યે ભારે લગાવ હતો તેની માતા ક્રિસ્ટી કહે છે, "તે બંને તેના માટે સર્વસ્વ હતા."
"તે અમારા ચારેયની કરોડરજ્જુ હતી. સૌથી મજબૂત, બહાદુર અને સૌથી વધુ મહેનતુ હતી. તે અમને એકસૂત્રે બાંધી રાખતી. ઍશલીના જતા રહેવાથી એવું લાગે છે કે કોઈએ અમારૂં અંગ કાપી નાખ્યું છે."
જ્યારે તેમને સમાચાર અપાયા કે ઍશલી મૃત્યુ પામી છે ત્યારે તેમને કોઈ વાતચીત યાદ નથી. તેમને એટલું જ યાદ છે કે તેઓ તેમના ફોનને પકડીને જમીન પર ફસડાઈ પડ્યાં હતાં.
ઍશલીનાં માતા કહે છે, "મને લાગ્યું કે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે."
તેઓ એટલા આઘાતમાં હતાં કે તેઓ જાણતા ન હતા કે તેમની આસપાસ શું થઈ રહ્યું છે.
ઍશલીનાં મૃત્યુને પગલે હું ખૂબ જ પરેશાન હતો, હું મારા દુઃખમાંથી બહાર આવી શક્યો નહીં. જ્યારે તેમના અંતિમ સંસ્કારમાં પહેરવા માટે કપડાં પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે હું મુર્છિત થઈ ગયો.
સિપલને સજા સંભળાવવા સમયે ઍશલીનાં માતા-પિતા યુકે ગયાં હતાં.
ક્રિસ્ટી કહે છે, "તે સારી વાત છે કે તેને સજા મળી રહી છે. પરંતુ કેનેડાની જેમ યુકેમાં તેને આજીવન 25 વર્ષની જ સજા મળી છે. તે ફક્ત 25 વર્ષ જેલમાં રહેશે."
ક્રિસ્ટી કહે છે કે હેલી અને તેઓ હવે ઍશલીના વીડિયો જુએ છે. તેમણે આનંદની ક્ષણોના ઘણા વીડિયો બનાવ્યા હતા.
"અમે હસીએ છીએ અને રડીએ છીએ. તે સરળ નથી, પરંતુ હવે અમારી પાસે ઍશલીની યાદો છે. બીજું કંઈ નથી."














