ગિફ્ટ સ્કૅન્ડલમાં ફસાયેલ બોલીવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીસનો આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બોલીવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીસને જામીન આપી દીધા છે.
37 વર્ષીય અભિનેત્રી વિરુદ્ધ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે. આ એજન્સી નાણાકીય ગુનાઓની તપાસ કરે છે.
જૅકલીન પર નાણાકીય અનિયમિતતાનો આરોપ છે અને એજન્સીએ કોર્ટ પાસે તેમની કસ્ટડી માગી હતી.
ફર્નાન્ડીસના વકીલ પ્રશાંત પાટીલે તેમના અસીલ સામેના આરોપોને નકારી કાઢતા કહ્યું કે તેમની સામેના કેસનો કોઈ કાનૂની આધાર નથી.

કોણ છે જૅકલીન ફર્નાન્ડીસ?
આ કેસ એટલા માટે ચર્ચામાં છે કે જૅકલીન બોલીવૂડનાં જાણીતાં અભિનેત્રી છે.
જૅકલીન શ્રીલંકામાં બ્યૂટી કૉન્ટેસ્ટનાં વિજેતા રહી ચૂક્યાં છે. પછી તેઓ સફળ મૉડલ બન્યાં અને વર્ષ 2009માં તેમણે બોલીવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરી.
સિનેમાના જાણકારો ઘણી વખત તેમની અભિનયક્ષમતાને નકારતા રહ્યા છતાં, જૅકલીને સૈફ અલી ખાન, અક્ષયકુમાર, સલમાન ખાન જેવા મોટા બોલીવૂડ સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.
તેમણે ભારત અને વિદેશમાં શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા સાથે ઘણા સ્ટેજ શો કર્યા છે. તેઓ એક ડાન્સ રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૅકલિન અનેક મોટી બ્રાન્ડ્સ માટે જાહેરાત પણ કરે છે.
પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ દિલ્હીના ચક્કર લગાવી રહ્યાં છે. તેમના પર કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટો લેવાનો અને મની લૉન્ડરિંગનો આરોપ છે.
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ તેમને ઘણી વખત તપાસ માટે બોલાવ્યાં છે.
હવે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને એજન્સી તેમની ધરપકડ કરવા માગે છે.
પરંતુ દિલ્હીની એક કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી તે જૅકલીનની જામીન અરજી પર સુનાવણી નહીં કરે ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાશે નહીં.

જૅકલીન સામે શું આરોપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જૅકલીન વિરુદ્ધ એજન્સીનો કેસ 32 વર્ષીય કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરની આસપાસ ફરે છે. ચંદ્રશેખર પર ઘણા લોકો પાસેથી જબરજસ્તી વસૂલી કર્યાનો આરોપ છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર વર્ષ 2018થી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર પર એક બિઝનેસમૅન પાસેથી 200 કરોડની વસૂલી કરવાનો આરોપ છે.
સુકેશના વકીલ અશોકકુમાર સિંહ આ તમામ આરોપોને નકારતા કહે છે કે તેમના અસીલને નકલી કેસમાં ફસાવવામાં આવ્યા છે.
આ કેસની તપાસ કરી રહેલી એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ઑગસ્ટ વચ્ચે ચંદ્રશેખરે ફર્નાન્ડીસને ઘણી ભેટ આપી હતી.
આ ભેટોની કિંમત સાત કરોડથી વધુ હતી. તેમાં ડિઝાઇનર હૅન્ડબૅગ્સ, મોંઘાં કપડાં, જ્વેલરી, એક ઘોડો, પ્રૉપર્ટી, રોકડ અને ફર્નાન્ડીસના પરિવારને આપવામાં આવેલી કારનો સમાવેશ થાય છે.
ફર્નાન્ડિસી ભેટ લીધી હોવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ તેમના વકીલ પ્રશાંત પાટીલ કહે છે કે તે પણ એક મોટા ગુનાનો ભોગ બની છે.

જૅકલીનના સુકેશ સાથે કેવા છે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોર્ટમાં જમા કરાયેલા દસ્તાવેજો અનુસાર સુકેશ ચંદ્રશેખરે પહેલી વાર ડિસેમ્બર 2020માં ફર્નાન્ડીસનો સંપર્ક કર્યો હતો.
આ સંપર્ક પિંકી ઈરાની મારફતે થયો હતો. પિંકી ઈરાનીની સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધ હોવાના આરોપ હેઠળ એક વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન મળી ગયા હતા.
જ્યારે પ્રથમ સંપર્ક વખતે જૅકલીને સુકેશ સાથે વાત કરવામાં કોઈ વિશેષ રસ દાખવ્યો ન હતો.
જાન્યુઆરી 2021માં પ્રથમ વખત જૅકલીને ચંદ્રશેખર સાથે વાત કરી હતી.
વાસ્તવમાં જૅકલીનના સ્ટાફનો ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે સુકેશ ચંદ્રશેખર સાથે વાત કરો. સુકેશને ભારતના ગૃહ મંત્રાલયના મોટા અધિકારી ગણાવાયા હતા.
તપાસકર્તાઓનું કહેવું છે કે આ એક ફૅક કૉલ હતો જેમાં સુકેશ ચંદ્રશેખરનો નંબર ભારતના ગૃહ મંત્રાલયનો નંબર દર્શાવવામાં આવ્યો હતો.
જૅકલીન કહે છે કે સુકેશે તેમને કહ્યું કે તે દક્ષિણ ભારતના એક મોટા રાજકીય પરિવારના વારસદાર છે અને દક્ષિણ ભારતની એક જાણીતી ટીવી ચેનલના માલિક છે.
સુકેશે કહ્યું કે તે એક જ્વેલરી ફર્મના પણ માલિક છે. તેમણે જૅકલીનને કહ્યું કે તે તેમની સાથે સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોજેક્ટ કરવા માગે છે.

ભેટમાં ઘોડા, હીરા અને પ્રૉપર્ટી

ઇમેજ સ્રોત, Getty Images
બંનેની મુલાકાત ચેન્નાઈમાં થઈ હતી. સુકેશ ચંદ્રશેખર તે સમયે કાકાના અંતિમસંસ્કાર માટે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા.
પ્રશાંત પાટીલનો દાવો છે કે જૅકલીનને સુકેશના જેલમાં હોવાનો ખ્યાલ નહોતો, કારણ કે તેઓ વારંવાર વીડિયો કોલ કરતા હતા અને જેલમાંથી આવું કરવું શક્ય નથી.
સુકેશ તેમને તેમની પ્રાઇવેટ જેટની સફરના વીડિયો પણ મોકલતા હતા.
પાટીલે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે જૅકલીન સુકેશને ડેટ કરી રહ્યા હતા.
તેઓ કહે છે, “આ ડેટ પહેલાંનો તબક્કો હતો. તેઓ જૅકલીન અને તેમના પરિવારને ભેટ આપતા હતા. તેઓ તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા."
કોર્ટના દસ્તાવેજો અનુસાર, સુકેશે જૅકલીનને પ્રખ્યાત બ્રાન્ડ ટિફનીની હીરાની વીંટી આપી હતી જેમાં તેમના બંનેનાં નામો કોતરેલાં હતાં.
જાન્યુઆરીમાં બંનેની ઘણી અંગત તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. ત્યાર પછી જૅકલીને તેમના ચાહકો અને મીડિયાને તેમના અંગત જીવનમાં હસ્તક્ષેપ ન કરવા વિનંતી કરી હતી.

શું કહે છે તપાસકર્તાઓ?

ઇમેજ સ્રોત, ANI
તપાસ અધિકારીઓનો દાવો છે કે જૅકલીન સુકેશ વિશે સારી રીતે વાકેફ હતાં.
ગયા વર્ષે 12 ફેબ્રુઆરીના દિવસે અભિનેત્રીના સ્ટાફે તેમને સુકેશ વિશેના ઘણા લેખો આપ્યા હતા.
પરંતુ અભિનેત્રીનું કહેવું છે કે તેમણે પિંકી ઈરાનીના નિવેદન પર વિશ્વાસ કર્યો કે તે સુકેશને ઓળખે છે.
પિંકી ઈરાનીએ કહ્યું હતું કે સુકેશ સારા પરિવારમાંથી આવે છે અને તેમના રાજકીય હરીફોએ તેમના વિશે ફૅક ન્યૂઝ ફેલાવ્યા છે.
જૅકલીન કહે છે કે તેમણે સુકેશ સાથે ઑગસ્ટ 2021માં સંબંધો તોડી નાખ્યા, કારણ કે તેમણે સુકેશની જેલમાં જ ફરીથી ધરપકડના સમાચાર વાંચ્યા હતા.
પરંતુ અધિકારીઓ કહે છે કે જૅકલીને "સુકેશના ગુનાહિત ભૂતકાળને હાથે કરીને નજરઅંદાજ કર્યો અને તેની પાસેથી ભેટો મેળવવાનું ચાલુ રાખ્યું." અને કથિત ઠગ પાસેથી ભેટ મેળવવી એ ગુનામાંથી એકત્ર કરાયેલાં નાણાં સ્વીકારવા સમાન છે. તેથી આ ગુનો છે.
તપાસ એજન્સીઓએ જૅકલીન પર માહિતી છુપાવવાનો, ગેરમાર્ગે દોરવાનો અને તેના ફોનમાંથી મૅસેજ ડિલીટ કરવાનો આરોપ લગાવ્યો છે.

જૅકલીન બચાવમાં શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જૅકલીનના વકીલ પ્રશાંત પાટીલનું કહેવું છે કે સુકેશના મૅસેજ ડિલીટ કરવાનું કારણ એ હતું કે જ્યારે જૅકલીનને તેનાં કારનામાંની ખબર પડી ત્યારે તે આઘાતમાંથી પસાર થઈ રહી હતી.
પ્રશાંત પાટીલ કહે છે, "આ એક સેલિબ્રિટીના ગોપનીય મૅસેજ હતા. એવી કેટલીક તસવીરો પણ હતી જે લોકો જુએ એમ તે નહોતી ઇચ્છતી. તમે તેની ખાનગી તસવીરો પાછળ ન પડી શકો. તમારે એક મહિલાના સન્માનની રક્ષા કરવી જોઈએ."
પાટીલ કહે છે કે બાકીના લોકોની જેમ જૅકલીન પણ સુકેશનાં જુઠ્ઠાણાંનો શિકાર બની છે.
તેમને ખાતરી છે કે જૅકલીન સામેના મની લોન્ડરિંગ અને ગુનાની આવક સ્વીકારવાના આરોપો કોર્ટમાં ટકી શકશે નહીં.
તેમની દલીલ છે, “સુપ્રીમ કોર્ટ કહે છે કે ગુનાની જાણ એ મુખ્ય છે. પરંતુ જૅકલીનને ખ્યાલ નહોતો કે સુકેશ ચંદ્રશેખર કોઈ ગુનામાં સામેલ છે. કદાચ તમે કહી શકો કે જૅકલીન નૈતિક રીતે યોગ્ય નહોતી, પરંતુ શું તે કાયદાકીય રીતે ખોટું હતું?"
અંતે પ્રશાંત પાટીલ કહે છે, “આ કેસમાં કોઈ દમ નથી. મને લાગે છે કે તેમને કોર્ટ પાસેથી ન્યાય મળવો જોઈએ."














