13 મહિનાનાં બાળકને ફૂટ પંપથી જિવાડવાનો પ્રયાસ કરતા પરિવારની હૃદયસ્પર્શી કહાણી

13 મહિનાના બાળકને ફૂટ પંપ દ્વારા શ્વાસ આપવાનો પ્રયાસ કરતી તેમની માતા

ઇમેજ સ્રોત, SOMESH PATEL/BBC

ઇમેજ કૅપ્શન, 13 મહિનાના બાળકને ફૂટ પંપ દ્વારા શ્વાસ આપવાનો પ્રયાસ કરતી તેમની માતા
    • લેેખક, સોમેશ પટેલ
    • પદ, રાયપુરથી, બીબીસી હિન્દી માટે

છત્તીસગઢની રાજધાની રાયપુરના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ‘AIIMS’ ની બહાર 13 મહિનાના બાળકને ફૂટ પંપ દ્વારા શ્વાસ આપવાનો પ્રયત્ન કરતી માતાનો વીડિયો ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પરંતુ રાયપુરના એઈમ્સના ગેટની બહાર ફૂટપાથ પર છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થિતિ ઊભી થઈ રહી છે.

છત્તીસગઢના કવર્ધાનો દહરે પરિવાર મજબૂરીમાં અહીં રહે છે. પરિવારના પ્રયત્ન બસ એટલા જ છે કે કોઈ પણ રીતે બાળકનો જીવ બચાવી શકાય.

રાયપુરના એઈમ્સમાં બાળકોની સારવાર મફતમાં થઈ રહી છે. પરંતુ પરિવાર ફૂટપાથ પર જ રહેવા મજબૂર છે.

13 મહિનાના બાળકને બ્રેઈન ટ્યૂમર અને કેન્સર બન્ને છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. ફૂટપાથ પર માતા ફૂટ પંપ દ્વારા બાળકના ગળામાંથી કફ સાફ કરે છે અને શ્વાસ આપવાનો પ્રયાસ કરે છે.

બાળકના પિતા બાલકદાસ દહરે જણાવે છે કે, “અમે છેલ્લા પાંચ મહિનાથી એઈમ્સની બહાર ફૂટપાથ પર જીવન ગુજારી રહ્યા છીએ. શરૂઆતમાં બધુ જ બરાબર હતું, પરંતુ જેમ-જેમ બાળકના શરીરનો વિકાસ થવા લાગ્યો, મૂશ્કેલીઓ વધવા લાગી. તેના શરીરનો અડધો ભાગ કામ કરતો બંધ થઈ ચૂક્યો છે. તેને જોવામાં પણ તકલીફ થઈ રહી છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.”

તેમનો દાવો છે કે, “ખાનગી હૉસ્પિટલોમાં પણ સારવાર કરાવી છે. મોંઘી સારવાર અને આર્થિક તંગીના કારણે ફૂટપાથ પર આવી ગયા છીએ. હું મારા બાળકની સારવાર માટે મારી કિડની વેચવા પણ તૈયાર છું કારણ કે દવાઓ ઘણી મોંઘી છે. પરંતુ મારે મારા બાળકનો જીવ બચાવવો છે. હું લોકોને અપીલ કરવા માગું છું કે મારા બાળકનો જીવ બચાવી લો.”

ગ્રે લાઈન

ઘર-જમીન વેચવા પડ્યા

બાળકના પિતા બાલકદાસ દહરે

ઇમેજ સ્રોત, SOMESH PATEL/BBC

ઇમેજ કૅપ્શન, બાળકના પિતા બાલકદાસ દહરે

બાલકદાસે જણાવ્યું કે, “કવર્ધા જિલ્લાના ઠકુરાઇન ટોલા ગામમાં તેમનું ઘર અને ખેતર હતું. બાળકની સારવાર માટે આ બધુ વેચવું પડ્યું. થોડા પૈસા હતા તો ભાડાનું મકાન લઈને ખાનગી હૉસ્પિટલમાં બાળકની સારવાર કરાવી, એ પૈસા પણ હવે પુરા થઈ ગયા છે.”

રેડલાઈન
રેડલાઈન

પિતાએ ચાની લારી શરૂ કરી

ચાની લારી ચલાવવા થયા મજબૂર

ઇમેજ સ્રોત, SOMESH PATEL/BBC

ઇમેજ કૅપ્શન, ચાની લારી ચલાવવા થયા મજબૂર

શું કોઈએ રાયપુર એઈમ્સમાં આવીને બાળકની સારવાર કરાવવાની સલાહ આપી હતી? તેના જવાબમાં તેઓ કહે છે કે, એઈમ્સમાં બાળકની સારવાર તો મફતમાં થઈ રહી છે, પરંતુ તેની દવાઓ માટે પૈસા અને રહેવા માટે જગ્યા નથી. બાલકદાસને સરકાર અને સમાજના લોકો પાસેથી મદદની આશા છે.

બાલકદાસ અને તેમનાં પત્નીને નજીકના ગુરુદ્વારામાંથી લંગર મળી જાય છે, પરંતુ કોઈ દિવસ બાળકના કારણે પહોંચવામાં મોડું થઈ જાય તો ભૂખ્યા પેટે જ સૂઈ જવું પડે છે.

હૉસ્પિટલની બહાર પાનનો ગલ્લો લગાવનાર સુશીલાબાઈ યોગીએ બાલકદાસની મદદ કરી છે. તેઓએ બાલકદાસને એક ભાડે ગલ્લો અપાવ્યો જેમાં બાળકના પિતા ચા બનાવીને ગુજરાન ચલાવે છે.

ગ્રે લાઈન

એઈમ્સ મફત સારવાર કરી રહ્યું છે

એઈમ્સ હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, SOMESH PATEL/BBC

ઇમેજ કૅપ્શન, એઈમ્સ હૉસ્પિટલ

સુશીલાએ જણાવ્યું કે, “આ લોકોને ઘણી જરૂર છે, શરૂઆતમાં જ્યારે અહીં આવ્યા તો જિંદગીથી ઘણાં નિરાશ હતા. મરવાની વાતો કરતાં હતાં, મેં કહ્યું કે મરીને પોતાના શરીરનું જ નુકસાન કરશો, મેં સમજાવ્યા અને ભાડે ગલ્લો અપાવ્યો.”

બાલકદાસ કહે છે કે, “જો તેઓ એઈમ્સના ગેટની બહાર આ રીતે કામ નહીં કરે તો બાળક બચે નહીં. તેઓ કહે છે કે, મારા પત્ની રોજ હૉસ્પિટલની પાછળ જઈને કીમોથેરાપી કરાવે છે જેથી બાળકને બચાવી શકાય.”

ડૉક્ટર દિવાકર સાહૂ એઈમ્સના ડેપ્યૂટી મેડિકલ ઓફિસર છે. તેઓ કહે છે કે, “બાલકદાસના પુત્રની બ્રેઈનની સર્જરી થઈ હતી. બ્રેઈન ટ્યૂમરથી બાળક પીડિત હતું. બ્રેઈન ટ્યૂમરનું ઑપરેશન થઈ ચૂક્યું છે.”

“ઑપરેશન થયા બાદ કીમોથેરાપી ચાલી રહી છે. અમે અમારી હૉસ્પિટલમાં તેની મફત સારવાર કરી રહ્યા છીએ.”

બાળરોગ નિષ્ણાત ડૉક્ટર રંજના ગાયકવાડ

ઇમેજ સ્રોત, SOMESH PATEL/BBC

ઇમેજ કૅપ્શન, બાળરોગ નિષ્ણાત ડૉક્ટર રંજના ગાયકવાડ

છત્તીસગઢના સ્વાસ્થ્ય વિભાગનાં બાળરોગ નિષ્ણાત ડૉક્ટર રંજના ગાયકવાડનું કહેવું છે કે, “સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ સ્વાસ્થ્ય વિભાગને મોકલવામાં આવ્યો છે. હવે તેઓ કહે છે કે, સ્વાસ્થ્ય વિભાગની ટીમ પરિવારના રહેવાની વ્યવસ્થા કરી રહી છે.”

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવે ફોન પર વાતચીતમાં જણાવ્યું હતું કે, “સમગ્ર મામલો મારી જાણકારીમાં છે. મેં સ્વાસ્થ્ય વિભાગની એક ટીમ ત્યાં તપાસ કરવા માટે મોકલી છે અને મારાથી જે પણ મદદ થશે, હું તે પરિવાર માટે કરીશ.”

રેડલાઈન
રેડલાઈન