એ બીમારી જેના કારણે 'મોતનો કારોબાર' કહેવાતા ખંભાતના અકીકઉદ્યોગમાં કામદારો મરી રહ્યા છે

સારાંશ
  • ખંભાતમાં આટઆટલા કામદારોનો જીવ લેનાર સિલકોસિસને ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO)‘વ્યવસાયિક રોગ’ ગણે છે.
  • ILO પ્રમાણે દુનિયામાં દર વર્ષે હજારો લોકો સિલિકોસિસથી મોતને ભેટે છે અને લાખો નવા કેસ નોંધાય છે.
  • ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ ICMRના વર્ષ 1999ના એક અંદાજ પ્રમાણે ભારતમાં 30 લાખ કામદારોના માથે સિલિકોસિસનું જોખમ રહેલું છે.
    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી સંવાદદાતા
તાહીરાબીબી, મેતપુર ખંભાત
ઇમેજ કૅપ્શન, તાહીરાબીબીના આખા પરિવારને સિલિકોસિસ નામની બીમારી ભરખી ગઈ

‘તમારી પાસે કામ ન હોય તો ભૂખે બેસી રહેજો, પણ અકીકનું કામ ન કરશો’, આ શબ્દો ખંભાતને અડીને આવેલા મેતપુરમાં રહેતાં તાહીરાબીબી દીવાનના છે. તાહીરાબીબીનો આખેઆખો પરિવાર અકીક ઘસવાથી થતી સિલિકોસિસ નામની બીમારીથી વિખેરાઈ ગયો.

તાહીરાબીબી યાદ કરતાં કહે છે કે, “મારાં લગ્ન થયાં, ત્યારે મને ખબર હતી કે સાસરીમાં બધા અકીકઉદ્યોગમાં કામ કરે છે, ત્યાં સુધી બધું બરાબર હતું પણ પછી એક-એક કરીને મારા પરિવારના 14 લોકોનાં મોત થયાં.”

“પછી મને ખબર પડી કે અકીક ઘસવાનું કામ કરનારાઓને એવી બીમારી થાય છે, જેનો કોઈ ઇલાજ નથી, એ બીમારીમાં જ મેં સાસરિયાઓને ગુમાવ્યા.”

ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલા ખંભાતમાં અમે પ્રવેશ્યા તો રસ્તાની બંને તરફ ઐતિહાસિક ઇમારતો હતી. કેટલીક ઇમારતો જળવાયેલી હતી, તો કેટલીક એટલી જીર્ણ હતી કે જાણે એ ઇમારતો હવે વૃદ્ધ થઈ ગઈ હોય.

આ ઇમારતો આ નગર હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠું હોવાનો સંકેત આપતી હતી.

બજારમાં પ્રવેશીએ તો ખંભાતની ઓળખ ગણાતી મીઠાઈઓ સૂતરફેણી અને હલવાસનની દુકાનો જ્યાં જુઓ ત્યાં દેખાય, આ સિવાય પણ ખંભાતની એક વૈશ્વિક ઓળખ છે અને એ છે અકીક.

bbc gujarati line

અકીકનો ઉદ્યોગ કે ‘મોતનો કારોબાર’?

ખંભાતનો અકીકઉદ્યોગ
ઇમેજ કૅપ્શન, ખંભાતના અકીકઉદ્યોગની ચમકદાર દુનિયાની બીજી બાજુ પણ છે અને એ છે સિલિકોસિસ

ખંભાતમાં અકીક પૉલિશ કરવાનું કામ સદીઓથી થાય છે, તેમાંથી બનેલી ચીજોની ભારતમાં જ નહીં, દેશવિદેશમાં પણ ઊંચી માગ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને જે અકીકનો બાઉલ ભેટમાં આપ્યો હતો, તે પણ ખંભાતમાં જ તૈયાર થયો હતો.

જોકે અકીકની આ ચમકદાર દુનિયાની બીજી બાજુ પણ છે અને એ છે સિલિકોસિસ, એક એવો રોગ જેની ચપેટમાં દર વર્ષે અકીકઉદ્યોગમાં કામ કરતા અનેક કામદારો આવે છે.

સિલોકોસિસ જીવલેણ બીમારી છે અને તેમાં સપડાયેલી મોટાભાગની વ્યક્તિ ધીમે-ધીમે મોતને ભેટે છે.

અમે આ બીમારીની ભયાનકતા તપાસવા માટે ખંભાત નગર વટાવીને મેતપુર ગામમાં પહોંચ્યા.

bbc gujarati line
bbc gujarati line
bbc gujarati line

14 લોકોના આખા પરિવારને ભરખી ગયો સિલિકોસિસ

તાહીરાબીબી
ઇમેજ કૅપ્શન, તાહીરાબીબી માત્ર એક ઓરડાના ઘરના ઉંબરે બેસીને અકીકના પથ્થરનાં તોરણ બનાવતાં હતાં.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખંભાતમાંથી પસાર થઈને અમે મેતપુર પહોંચ્યા, ગામના છેડે આવેલી સૈકાઓ જૂની વાવ પાસે ક્રિકેટ રમી રહેલાં ટાબરિયાઓને અમે સરનામું પૂછ્યું.

તેમણે આંગળી ચીંધીને ટેકરા પરનું પતરાવાળું મકાન બતાવ્યું, આ તાહીરાબીબી દીવાનનું ઘર હતું.

અહીં તાહીરાબીબી દીકરા અને પુત્રવધૂ સાથે રહે છે. અમે પહોંચ્યા તો તાહીરાબીબી માત્ર એક ઓરડાના ઘરના ઉંબરે બેસીને અકીકના પથ્થરનાં તોરણ બનાવતાં હતાં.

ઓરડામાં અંધારું હતું, ચાર દીવાલો વચ્ચે ઘરવખરી કહી શકાય એવો એકમાત્ર ખાટલો હતો, એક ખૂણામાં ગડી વાળેલાં થોડાં કપડાં હતાં અને બીજા ખૂણે એક ઉપર એક મૂકેલી ગોદડીઓ.

બહાર આંગણામાં તેમનાં પુત્રવધૂ લાકડાં સળગાવી ચૂલા પર રોટલા કરતાં હતાં, આ આંગણું જ તેમનું રસોડું હતું, અહીંથી થોડાં પગલાં દૂર સરકારી યોજનાની સહાયમાંથી બનેલું શૌચાલય હતું.

તોરણ ગૂંથતાં-ગૂંથતાં જ તાહીરાબીબીએ સિલિકોસિસ રોગથી ગુમાવેલા પરિવારજનો વિશે પણ વાત કરવાની શરૂ કરી, “હું પરણીને આવી ત્યારે આ ઘરમાં 18 લોકો રહેતા અને એમાંથી 14ને અકીક ઘસવાથી થતી બીમારી ભરખી ગઈ.”

“હવે આ ઘરમાં હું એકલી જ છું અને સાથે મારો દીકરો અને પુત્રવધૂ રહે છે.”

“સારવાર માટે કેટલાંય દવાખાનાંમાં ફર્યાં, ઘરેણાં તો શું ઘરનાં વાસણ પણ વેચી નાખ્યાં પણ એકેય માણસ ન બચ્યો.”

તાહીરાબીબીએ પણ સાત વર્ષ સુધી અકીક પૉલિશ કરવાનું કામ કર્યું હતું, આખા પરિવારને ગુમાવ્યા બાદ તેમણે આ કામ છોડી દીધું.

તાહીરાબીબીએ પતિના મૃત્યુ બાદ બે દીકરીઓ અને એક દીકરાને મોટાં કરવા માટે મજૂરીકામ કર્યું અને સાથે જ લોકોનાં ઘરે જઈને વાસણ પણ માંજતાં હતાં.

હવે અકીકનાં તોરણ બનાવવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે.

માત્ર તાહીરાબીબી જ નહીં આ ટેકરા પર વસેલા મોટાભાગના પરિવારોની કહાણી આવી જ છે.

તાહીરાબીબીએ આંગણામાં આવીને અમને અડોશપડોશનાં કાચાં-પાકાં મકાનો બતાવ્યાં અને કહ્યું કે, “આ એકેએક ઘરમાં કોઈને કોઈ આ બીમારીથી મર્યું છે, આ ટેકરાનાં કેટલાંય ઘર અમારા ઘરની જેમ જ ખાલી થઈ ગયાં છે.”

તાહીરાબીબીના ઘર સુધી અકીક ઘસવાનો ઘુઘવાટો સંભળાતો હતો, અવાજની દિશામાં 200-300 મીટર ચાલ્યા તો ઝાડીઝાંખરામાં પાટિયા પર અકીક ઘસવાનું કામ ચાલી રહ્યું હતું.

અહીં કામ કરી રહેલા એક પણ શ્રમિકે ન તો માસ્ક પહેર્યા હતા, ન તો મોઢે રૂમાલ બાંધ્યા હતા.

ગ્રે લાઇન

સિલિકોસિસમાં માતા, પિતા અને ભાઈને ગુમાવ્યાં, હવે પોતે સપડાયા

મુકેશ ડાભી
ઇમેજ કૅપ્શન, મુકેશ ડાભી દોઢ-બે વર્ષથી સિલિકોસિસ બીમારીથી પીડાઈ રહ્યા છે.

તાહીરાબીબી સાથેની મુલાકાત બાદ અમે અમારી મોટર ખંભાતના અખાત તરફ હંકારી, જેમ-જેમ અમે નગરની વાટ છોડતા ગયા તેમ-તેમ અમને કારખાનાંનાં ઊંચાં-ઊંચાં ધુમાડિયાં દેખાવા લાગ્યાં.

આ જગ્યાને અહીંના લોકો રાધારી રોડ પરની ડ્રમનગરી કહે છે, કેમ કે અહીં અકીક પથ્થર પૉલિશ કરવાનાં ડ્રમ ચાલે છે.

સાવ ઘસાઈ ગયેલા રસ્તા પરથી અમારી મોટરકાર એક નાના કારખાના પાસે જઈ પહોંચી. નાના કારખાનામાં પ્રવેશ્યા તો અહીં કારખાનાની સાથે નાનકડું છતાં સુસજ્જ રાખેલું ઘર પણ હતું.

બહાર પતરા નીચે અકીક પૉલિશ કરવાનાં ત્રણ ડ્રમ ચરખાની માફક ફરી રહ્યાં હતાં. ડ્રમની મોટર અને પથ્થર ફરવાના અવાજે અખાતકાંઠાના શાંતિભર્યા માહોલને ઘોંઘાટથી ડહોળી દીધો હતો.

આવાં જ બે ડ્રમ વચ્ચે ઊભા હતા 40 વર્ષના મુકેશભાઈ ભીલ, તેમનું શરીર જાણે કે હાડકાનું ખોખું હોય, એટલી હદે સુકાઈ ગયું હતું અને આંખો ખોપરીમાં અંદર ઊતરી ગઈ હોય એવી લાગતી હતી.

મુકેશ ભાઈ દોઢ-બે વર્ષથી સિલિકોસિસમાં સપડાયા છે અને હજી પણ તેઓ અકીક પૉલિશ કરવાનું જ કામ કરે છે.

મુકેશભાઈ પરથી નજર ઊઠી તો પાછળ કાચી ભીંત પર તેમના પિતાની તસવીર ટિંગાયેલી હતી, જેની પર પ્લાસ્ટિકનાં ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને અકીક ઘસવાથી ઊડેલી ધૂળ બાજી ગઈ હતી.

પૂછ્યું તો ખબર પડી કે મુકેશભાઈના પિતા કાળીદાસ ભીલ પણ આ જ કામ કરતાં હતાં અને તેમનું સિલિકોસિસના કારણે જ મૃત્યુ થયું હતું.

મુકેશભાઈનાં માતાને પણ આ બીમારી ભરખી ગઈ અને નાના ભાઈ જયેન્દ્રનું પણ આ જ બીમારીથી બે વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.

ગ્રે લાઇન

‘દોઢથી બે લાખનો ખર્ચ થયો પણ બીમારી ન ગઈ’

મુકેશભાઈ હવે તેમનાં પત્ની અને બે બાળક સાથે અહીં રહે છે. તેઓ કહે છે કે, “હું મોટાભાગે પથારીવશ જ રહું છું, ક્યારેક થોડું હરીફરી શકું છું અને વધારે કામ કરું તો દમ ઊપડે છે.”

આટલી વાત કહેતા તો મુકેશભાઈને ઊંડા શ્વાસ લેવા પડ્યા, પછી તેમણે વાત આગળ વધારી અને કહ્યું કે “મારી સારવારમાં અત્યાર સુધીમાં દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો.”

મુકેશભાઈ કહે છે કે “હવે મારામાં બીજું કોઈ કામ કરવાની કે મજૂરી કરવાની તાકાત બચી નથી, કરું તો પણ દિવસના 200 રૂપિયાથી વધારે ન મળે.”

“મારી સારવારનો ખર્ચ કાઢવા અને પરિવારને ખવડાવી શકું એ માટે આ કામ ચાલુ રાખ્યું છે, મજબૂરી છે નહીં તો જીવના જોખમે આ કામ કેમ કરું?”

મુકેશભાઈ અમને દવાઓ બતાવી તેની કિંમત ગણાવવા લાગ્યા, તેમને જલદી જ સાજા થવાની શુભેચ્છા આપીને અમે ફરી ખંભાત નગર તરફ આગળ વધ્યા.

ગ્રે લાઇન

‘જેટલા પૈસા કમાવ્યા, એનાથી વધારે ઇલાજમાં ગયા’

મહેમૂદાબાનો
ઇમેજ કૅપ્શન, મહેમૂદાબાનોના પતિ રઈસભાઈ શેખનું સિલિકોસિના કારણે જ મૃત્યુ થયું હતું.

અમે ખંભાતનાં બજારોમાંથી પસાર થઈને અકબરપુર પહોંચ્યા, અહીં શાહનવાઝભાઈ શેખ માતા મહેમૂદાબાનો સાથે રહે છે. શાહનવાઝના પિતા રઈસભાઈ પણ સિલિકોસિસનો ભોગ બન્યા હતા.

તાહીરાબીબીની જેમ જ મહેમૂદાબાનો દીકરા સાથે 12x18ની એક નાની ઓરડીમાં રહે છે, આ ઓરડીના જ એક ખૂણામાં રસોડું છે, અને એની બરાબર સામે શૌચાલય છે.

શાહનવાઝભાઈ કહે છે કે “પિતાએ 17 વર્ષની ઉંમરે ઘરની પરિસ્થિતિને જોતાં અકીક ઘસવાનું કામ શરૂ કર્યું હતું અને 45 વર્ષના થયા, ત્યાં સુધી તેઓ આ કામ કરતા હતા.”

વર્ષ 2014માં રઈસભાઈને ખબર પડી કે તેઓ સિલિકોસિસથી પીડાઈ રહ્યા છે, શાહનવાઝ અને મહેમૂદાબાનો કહે છે કે રઈસભાઈને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ તેમણે કર્યા હતા.

રઈસભાઈની સ્થિતિ એટલી ખરાબ હતી કે છેલ્લાં પાંચ વર્ષ માટે તેમને સતત ઓક્સિજન સપોર્ટ પર રાખવા પડ્યા હતા.

શાહનવાઝભાઈએ કહ્યું કે, “જે પૈસાની બચત કરી હતી, એ બધી ખર્ચાઈ ગઈ. મેં મારું બાઇક લીધું હતું, એ વેચી દીધું. ઘરમાં જે સોનું-ચાંદી હતું, એ પણ વેચી દીધું.”

“આખી જિંદગી અકીક ઘસીને તેમણે જેટલા પૈસા કમાયા હતા, એના કરતાં વધારે પૈસા તેમના ઇલાજ પાછળ ખર્ચાઈ ગયા.”

આટલી વાત કરતા શાહનવાઝભાઈની આંખ ભરાઈ આવી હતી, તેઓ સહેજ અટક્યા અને બોલ્યા, “આટઆટલા પૈસા ખર્ચ્યા પણ અમે તેમને બચાવી ન શક્યા આ વર્ષે જ પહેલી જાન્યુઆરીએ તેમનું અવસાન થઈ ગયું.”

શાહનવાઝે અમને મોબાઇલફોનમાં રઈસભાઈનો ફોટો બતાવ્યો, ત્યારે રસોડાના પ્લૅટફૉર્મના ટેકે ભોંય પર બેઠેલાં મહેમૂદાબાનો આંસુ રોકી ન શક્યાં. અમારું ધ્યાન ન જાય એ માટે તેમણે તરત વાત બદલી કાઢી.

તેઓ બોલ્યાં કે “આ ઘર પણ મરમ્મત માગે છે, પણ પૈસા વગર શું કરીએ. ઘર પડું-પડું થઈ રહ્યું છે. આવાસ યોજનામાં ચાર વર્ષથી નામ લખાવ્યું છે પણ સહાય મળી નથી.”

રઈસભાઈના મૃત્યુ બાદ પરિવારને એક લાખ રૂપિયાની સહાય મળી છે. જોકે શાહનવાઝભાઈનો આરોપ છે કે આ માટે તેમણે પાંચ-છ મહિના સુધી સતત ધક્કા ખાવા પડ્યા હતા.

મહેમૂદાબાનો બોલ્યાં કે “જીવતા માણસના ઇલાજ માટે પૈસા ન મળ્યા પણ લાશને મળ્યા!”

ગ્રે લાઇન

ગુજરાત અને ભારતમાં સિલિકોસિસ

મુકેશ ડાભી
ઇમેજ કૅપ્શન, મુકેશભાઈને સિલિકોસિસ હોવા છતાં તેઓ અકીકઉદ્યોગમાં કામ કરે છે.

ખંભાતમાં આટઆટલા કામદારોનો જીવ લેનાર સિલકોસિસને ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO) ‘વ્યવસાયિક રોગ’ ગણે છે.

એટલે કે એક એવો રોગ જે કોઈ વ્યવસાય કરવાને કારણે થતો હોય, જેના કેસ દુનિયાભરમાં મળી આવે છે. મુખ્યત્વે સિલિકોસિસ શ્વાસમાં સિલિકા જવાથી થાય છે.

 ILO પ્રમાણે દુનિયામાં દર વર્ષે હજારો લોકો સિલિકોસિસથી મોતને ભેટે છે અને લાખો નવા કેસ નોંધાય છે.

ભારતમાં સિલિકોસિસના નોંધાયેલા કેસનો પહેલો ઉલ્લેખ વર્ષ 1934માં મળે છે. સી. ક્રિષ્નાસ્વામી રાવ ‘ધ ઇન્સિડન્ટ ઑફ સિલિકોસિસ ઇન કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ, મૈસૂર’માં (પૃ. 283-84, કરન્ટ સાયન્સ, અંક – ફેબ્રુઆરી 1934) લખે છે કે “એવું મનાતું હતું કે કોલાર ગોલ્ડ માઇન્સના કામદારોમાં સિલિકોસિસના કેસો નથી.”

તેમણે નોંધ્યું છે કે 1931માં આ માટે એક કમિટી રચાઈ હતી, જેણે અભ્યાસ પછી તારણ આપ્યું કે કોલાર ગોલ્ડ માઇન્સમાં સિલિકોસિસના કેસ છે.

ખાણસુરક્ષા મહાનિદેશાલય નોંધે છે કે એ પછી 1940થી 1946 દરમિયાન કોલાર ગોલ્ડ માઇન્સમાં થયેલા સરવેમાં બહાર આવ્યું હતું કે ‘7653 કામદારોમાંથી 3402ને સિલિકોસિસ હતો.’

ભારતમાં સોનું, ઝિંક, મૅન્ગેનીઝ, યુરેનિયમ, પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારોમાં સિલિકોસિસના કેસ મળી આવ્યા છે.

આ સિવાય ભારતમાં સ્લેટ પેન્સિલ, સિરામિક, અકીકઉદ્યોગ તથા અલગ-અલગ પ્રકારના પથ્થર તોડવાના ઉદ્યોગના કામદારોમાં સિલિકોસિસના કેસ નોંધાયા છે.

NHRC તેમના રિપોર્ટમાં નોંધે છે કે મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, પંચમહાલ અને ગોધરા જિલ્લામાં આવતી ખાણોના કામદારોમાં સિલિકોસિસના કેસ મળ્યા હતા.

આ સિવાય સિલિકેટ રસાયણોનું ઉત્પાદન, કાચનું ઉત્પાદન, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં સિલિકોસિસના કેસો મળી આવે છે.

સાથે જ અલગ-અલગ પથ્થરની ખાણોમાં, માઇનિંગ ફેકટરીઓમાં, સિમેન્ટની ફેકટરીઓમાં, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા કામદારોમાં સિલિકોસિસના કેસ મળી આવ્યા છે.

ગ્રે લાઇન

સિલિકોસિસ : લક્ષણો અને કારણો

  • ભારત સરકારના નેશનલ હેલ્થ પોર્ટલ પ્રમાણે શ્વાસ લેવામાં તકલીફ, કફ અને તાવ એ સિલિકોસિસનાં મુખ્ય લક્ષણો છે.
  • સિલિકોસિસના પ્રારંભિક તબક્કામાં ગળું સુકાય છે અને સાથે જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
  • સિલિકોસિસના કારણે કેટલાક લોકોના નખ ભૂરા પડી જતા હોય છે.
  • લાંબા સમયથી સિલિકોસિસ હોય એવા લોકોને ઊંઘતી વખતે છાતીમાં દુખાવો થાય છે, દમ ચડે છે અને ભૂખ પણ મરી જાય છે.
  • સિલિકોસિસથી પીડાતા લોકોને ટ્યૂબરક્યુલોસિસ થવાનું જોખમ પણ રહેલું હોય છે.
ગ્રે લાઇન

‘ના તો આંકડા છે, ના તો અંદાજ’

જગદીશ પટેલ
ઇમેજ કૅપ્શન, જગદીશ પટેલ સિલિકોસિસ જેવા વ્યવસાયિક રોગો અંગે જાગૃતિ ફેલાવાનું કામ કરતી સંસ્થા PTRCના નિયામક છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સિલિકોસિસ અને એના જેવા વ્યવસાયિક રોગો અંગે જાગૃતિ ફેલાવાનું કામ કરતી સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટર (PTRC)ના નિયામક જગદીશ પટેલ કહે છે કે, “ગુજરાતમાં સિલિકોસિસનો રોગ અતિવ્યાપક હોવા છતાં કેટલા કામદારો તેનાથી મૃત્યુ પામે છે અને કેટલા કામદારો તેની ચપેટમાં આવે છે, તે અંગેના કોઈ આંકડા પ્રાપ્ત નથી.”

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ ICMRના વર્ષ 1999ના એક અંદાજ પ્રમાણે ભારતમાં 30 લાખ કામદારોના માથે સિલિકોસિસનું જોખમ રહેલું છે.

આ 30 લાખ કામદારોમાં બાંધકામ મજૂરો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોનો સમાવશે કરાયો નથી.

આ અંગે જગદીશ પટેલ કહે છે કે, “આ અંદાજ 1999નો છે પણ આજની સ્થિતિ પ્રમાણે જો કદાચ અંદાજ કાઢવામાં આવે તો આંકડો એક કરોડને આંબી જાય.”

જગદીશ પટેલ કહે છે કે તેમની સંસ્થા PTRCએ ખંભાતમાં અકીક ઘસવાનું કામ કરતા લોકો માટે ખંભાતમાં દસ વર્ષ સુધી OPD ચલાવ્યું, તો તેમને 10 વર્ષમાં 450 જેટલા કેસ મળ્યા હતા.

આ સંસ્થા અત્યારે મોરબી, રાજકોટ અને થાનમાં કામ કરી રહી છે. ત્યાં તેમની પાસે OPDની વ્યવસ્થા નથી, પણ તેઓ અત્યાર સુધીમાં 150 સિલિકોસિસના કેસ નોંધી શક્યા છે.

આ સંદર્ભે જ નયનજિત ચૌધરી, અજય ફાટક, રાજીવ પાલીવાલ અને ચંદ્રા રાયચૌધરીનો એક લેખ મળી આવે છે, જે ખંભાતના શકરપુરમાં અકીકઉદ્યોગમાં કામ કરતા કામદારોના ડેટા આધારે લખવામાં આવ્યો છે.

આ લેખ પ્રમાણે જૂનથી ડિસેમ્બર 2007 દરમિયાન શકરપુરના ક્લિનિકમાં આવેલા 160 દરદીઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે લોકો સિલિકોસિસ જેવાં લક્ષણો ધરાવતાં હતાં. જેમાંથી 132 લોકોને સિલિકોસિસ હોવાનું તારણ તબીબોએ આપ્યું હતું, ઍક્સ-રે અને તપાસ બાદ તેમાંથી 85 લોકોને સિલોકસિસ હોવાનું પ્રમાણિત થયું હતું.

આ પૈકી 77 ટકા લોકો 15થી 35 વર્ષની વયજૂથના હતા.

NHRC તેમના એક રિપોર્ટમાં વર્ષ 2007-08માં મળેલી એક ફરિયાદ સંદર્ભે લખે છે કે એક એનજીઓએ ગોધરા અને પંચમહાલની 12 ફેકટરીઓની યાદી આપી હતી, જેમાં કામ કરતા 489 કામદારો પૈકી 164નાં મોત થયાં હતાં અને 325 કામદારોને સિલિકોસિસ હોવાનું બહાર આવ્યું હતું.

21 ઑગસ્ટ 2007નો સંદર્ભ આપતા આ રિપોર્ટમાં લખાયું છે કે ગોધરામાં કામ કરતા 96 કામદારોનાં સિલિકોસિસથી મૃત્યુ થયાં હતાં.

એ બાદ 14 ફેબ્રુઆરી 2010ના રોજ ગુજરાતના પંચમહાલ તથા ગોધરા અને મધ્ય પ્રદેશના જાબુઆ તથા અલીરાજપુરના જિલ્લાતંત્રે સોંપેલા રિપોર્ટમાં નોંધ્યું હતું કે 259 લોકોના સિલિકોસિસથી મૃત્યુ થયાં હતાં, જે મધ્ય ગુજરાતમાં કામ કરતા હતા.

આ સંદર્ભે ગુજરાત સરકારના શ્રમવિભાગે વર્ષ 2013માં જાહેર કરેલા વ્યવસાયિક રોગોના કેસોના આંકડા મળી આવે છે. એ પ્રમાણે ગુજરાતમાંથી સિલિકોસિસના 41,219 કેસ મળી આવ્યા હતા.

જગદીશ પટેલ કહે છે કે, “સિલિકોસિસ રોગ ખંભાત પૂરતો સીમિત નથી, રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત અનેક જિલ્લામાં તેના કેસ મળી આવે છે.”

“ચાનું ઉત્પાદન કરતા ઉદ્યોગ, ઘંટીઉદ્યોગ, સેન્ડ બ્લાસલ્ટિંગ, કાચ બનાવતા ઉદ્યોગ, થર્મલ પાવરસ્ટેશન, સિરામિકઉદ્યોગ, સિમેન્ટઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગમાં સિલિકોસિસના કેસ મળ્યા છે.”

સાથે જ તેઓ કહે છે કે “નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ભલામણ હોવા છતાં સરકાર મૃતકોને ચાર લાખ રૂપિયાના બદલે માત્ર એક લાખ રૂપિયા જ વળતર ચૂકવે છે.”

ગ્રે લાઇન

આ અંગે સરકાર શું કહે છે?

આ અંગે સરકારનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ આણંદ જિલ્લાની શ્રમ કચેરી અને આણંદની ઇન્ડસ્ટ્રિયલ સૅફ્ટી અને હેલ્થ ઑફિસનો સંપર્ક સાધ્યો હતો.

આણંદની ઇન્ડસ્ટ્રિયલ સૅફ્ટી અને હેલ્થ ઑફિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર રિમાબહેન રાઠવા પાસે માહિતી માગવામાં આવી હતી કે “આણંદ જિલ્લામાં છેલ્લાં 10 વર્ષમાં સિલિકોસિસના કેટલા કેસ નોંધાયા છે અને કેટલા લોકોનાં તેનાથી મૃત્યુ થયાં છે?”

સિલિકોસિસના મૃતકોને ચૂકવાતી આર્થિક સહાયની અરજી પણ આ કચેરીમાં જ આવે છે, તેથી તેમની પાસે આવતી અરજીઓની સંખ્યા અને કેટલા અરજીકર્તાઓને વળતર ચૂકવાયું તે અંગે પણ માહિતી માગવામાં આવી હતી.

આ અંગે વિભાગના ગુજરાત રાજ્યના નિદેશકને પણ ઈમેઇલ કરવામાં આવ્યો છે.

રિમાબહેન રાઠવાએ કહ્યું હતું કે, “આ અંગેની માહિતી અમે આપી ન શકીએ.”

સાથે જ તેમણે કહ્યું હતું કે, “સરકાર દ્વારા સિલિકોસિસને રોકવા પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે, અમારા વિભાગ દ્વારા કામદારોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને સાથે જ અમે જાગૃતિ માટે કાર્યક્રમો પણ યોજીએ છીએ.”

સિલિકોસિસનો મુદ્દો વર્ષ 2009માં અહીંના ધારાસભ્ય શિરીષભાઈ શુક્લાએ ધારાસભામાં ઉપાડ્યો હતો.

આ વિશે અહીંના વર્તમાન ધારાસભ્ય મયૂર રાવલ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

મયૂર રાવલનું કહેવું છે કે, “હવે અકીકઉદ્યોગમાં પથ્થર કાપવા, પૉલિશ કરવા સહિતના મોટા ભાગનાં કામો મશીન દ્વારા જ થાય છે.”

તેમણે કહ્યું કે, “ગુજરાત સરકારનો શ્રમ અને રોજગાર વિભાગ આ દિશામાં કાર્ય કરી રહ્યો છે, સિલિકોસિસ ધરાવતા કામદારોને સરકાર દ્વારા કાર્ડ આપવામાં આવે છે અને જેમનું મૃત્યુ થાય તેમને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.”

જોકે આ દાવાથી વિપરીત તાહીરાબીબી અને શાહનવાઝભાઈ જેવા ઘણા લોકો છે, જેમણે પોતાના સ્વજનોને સિલિકોસિસથી બચાવવા માટે પોતાની જીવનપૂંજી ખર્ચી નાખી હોય.

પિતાના મૃત્યુ બાદ શાહનવાઝે અકીકઉદ્યોગમાં ન જવાની નેમ લીધી છે; મુકેશભાઈ ભીલ સિલિકોસિસ હોવા છતાં મજબૂરીમાં આ કામ કરી રહ્યા છે અને બીમારી સામે જંગ લડી રહ્યા છે; અને તાહીરાબીબી હવે સિલિકોસિસ અંગે જાગૃતિ ફેલાવાનું કામ કરે છે તથા સિલિકોસિસના દરદીઓને યોગ્ય સારવાર અને વળતર મળી રહે એ માટે તેમને મદદ કરે છે.

bbc gujarati line
bbc gujarati line