ઘરકામ કરવા રાખેલી બાળકીઓ સાથે ભારતમાં થતો અમાનવીય અત્યાચાર કેમ અટકતો નથી?

ભારતમાં ઘરઘાટીઓ સુરક્ષિત નથી

ઇમેજ સ્રોત, DEEPIKA NARAYAN BHARADWAJ

ઇમેજ કૅપ્શન, આ કોઈ વૃદ્ધના હાથ નથી, આ હાથ 14 વર્ષીય ઇજાગ્રસ્ત સગીરાના છે
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યુઝ, દિલ્હી

પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓએ ગયા અઠવાડિયે દિલ્હી એનસીઆરના એક ઘરમાંથી માર મારેલી અને ઇજાગ્રસ્ત 14 વર્ષીય બાળકીને બચાવી હતી.

આ બાળકી જે ઘરમાંથી મળી આવી હતી, ત્યાં જ ઘરેલુ સહાયક એટલે કે ઘરઘાટી તરીકે કામ કરતી હતી.

નિષ્ણાતો કહે છે કે આવા કામદારો સુરક્ષા માટેની ઇચ્છાશક્તિ અને કાયદાકીય સુરક્ષાના અભાવને કારણે શોષણનો ભોગ બનતા રહે છે.

ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં લાવવામાં આવનારી સગીરાએ પોલીસને કહ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી માલિકો દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હતો.

પત્રકાર અને ડૉક્યુમૅન્ટરી ફિલ્મમેકર દીપિકા નારાયણ ભારદ્વાજને એક મિત્ર પાસેથી આ સગીરા વિશે જાણ થઈ હતી. તેઓ કહે છે, "તે (સગીરા) અત્યંત દયનીય હાલતમાં હતી."

લાઇન
  • પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓએ ગયા અઠવાડિયે દિલ્હી એનસીઆરના એક ઘરમાંથી માર મારેલી અને ઇજાગ્રસ્ત 14 વર્ષીય બાળકીને બચાવી હતી.
  • આ બાળકી જે ઘરમાંથી મળી આવી હતી, ત્યાં જ ઘરેલુ સહાયક એટલે કે ઘરઘાટી તરીકે કામ કરતી હતી.
  • પોલીસે આ સગીરાને કામ પર રાખનાર મનીષ ખટ્ટર અને તેની પત્ની કમલજીત કૌરની ધરપકડ કરી છે.
  • નિષ્ણાતો કહે છે કે આવા કામદારો સુરક્ષા માટેની ઇચ્છાશક્તિ અને કાયદાકીય સુરક્ષાના અભાવને કારણે શોષણનો ભોગ બનતા રહે છે.
  • ભારતમાં ઘરઘાટીઓની સંખ્યા આઠ કરોડ જેટલી છે, પરંતુ તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તેવી વ્યવસ્થાનો અભાવ છે.
  • જો શોષણના કેસ સાબિત પણ થાય તો સજાની જોગવાઈ ચાર વર્ષની જેલ અને એક હજાર રૂપિયાનો દંડ છે.
લાઇન

તેમણે આગળ કહ્યું, "મને એક મિત્રએ ફોન કરીને કહ્યું કે ગુડગાંવ (દિલ્હી એનસીઆર)માં સંબંધીની મુલાકાત દરમિયાન તેમણે આ સગીરાને જોઈ હતી. તેનો ચહેરો લોહીથી લથપથ અને ઉઝરડાથી ઢંકાયેલો હતો."

જ્યારે દીપિકા ભારદ્વાજ આ સગીરાને હૉસ્પિટલમાં રૂબરૂમાં મળ્યા ત્યારે તેણીના મોઢે જ આપવીતી સાંભળી હતી.

તેઓ કહે છે, "જો સગીરા સમયસર કામ પૂરું ન કરે તો તેને મારવામાં આવતી હતી. દિવસમાં એક વખત નહીં પણ અનેક વખત મારવામાં આવતો હતો."

પોલીસે આ સગીરાને કામ પર રાખનાર મનીષ ખટ્ટર અને તેની પત્ની કમલજીત કૌરની ધરપકડ કરી છે અને તેમની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

line

'કામ કરતી વખતે કપડાં ઉતારવા મજબૂર કરાતી'

ભારતમાં ઘરઘાટીઓ સુરક્ષિત નથી

ઇમેજ સ્રોત, DEEPIKA NARAYAN BHARADWAJ

ઇમેજ કૅપ્શન, આરોપી મનીષ ખટ્ટર અને તેની પત્ની

પોલીસનો દાવો છે કે સગીરાને તેના પર ગુજારવામાં આવેલા ત્રાસને કારણે ઈજાઓ પહોંચી છે.

એક પોલીસ અધિકારીએ 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ને જણાવ્યું કે "યોગ્ય રીતે કામ ન કરવા બદલ દંપતિએ સગીરાને નિર્દયતાથી માર માર્યો હતો. તેના શરીરમાં ઘણા ઘા અને દાઝવાના નિશાન હતા. આ ઈજાઓ બ્લેડ અથવા તો ગરમ ચીપિયા વડે પહોંચાડવામાં આવી હોવાની શંકા છે."

તેમણે આગળ કહ્યું, "સગીરાના ચહેરા, હાથ અને પગ પર ઈજાઓ હતી. તેના એક હાથ પરની ચામડી બળી ગઈ હતી. સગીરાની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે."

બીબીસી પાસે આ સગીરાને પહોંચેલી ઈજાની તસવીરો છે, પણ તે એટલી દુઃખદાયક છે કે તેને રજૂ કરી શકાય તેમ નથી.

પોલીસને આપેલા નિવેદનમાં સગીરાએ આરોપ મૂક્યો છે કે માલિકો તેને "કપડા ધોતી વખતે અને અન્ય કામ કરતી વખતે કપડાં ઉતારવા દબાણ કરતા હતા અને કપડા વગર જમીન પર સૂઈ જવા મજબૂર કરતા હતા."

આ કારણથી દંપતી વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પૉક્સો) ઍક્ટ અંતર્ગત જાતીય સતામણીનો આરોપ આરોપ મૂકવામાં આવ્યો છે.

દંપતી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને હજી સુધી આરોપો અંગે કોઈ ટિપ્પણી કરી નથી. બીબીસીએ તેમના વકીલનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્રતિસાદ મળ્યો ન હતો.

પોલીસે જણાવ્યું હતું કે મનીષ ખટ્ટર એક અગ્રણી જીવન વીમા કંપનીમાં ડેપ્યુટી મૅનેજર તરીકે કામ કરતા હતા અને તેમના પત્ની એક જનસંપર્ક કંપનીમાં કામ કરતા હતા.

આ ઘટના બાદ બંનેને તેમની કંપનીઓ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે.

line

ભારતનાં સૌથી ગરીબ રાજ્યોમાંથી છોકરીઓને ઘરકામ માટે લાવવામાં આવે છે

ભારતમાં ઘરઘાટીઓ સુરક્ષિત નથી

ઇમેજ સ્રોત, DEEPIKA NARAYAN BHARADWAJ

ઇમેજ કૅપ્શન, મારને કારણે સગીરાના પગમાં સોજો આવી ગયો હતો

ઍન્ટી-ટ્રાફિકિંગ એનજીઓ શક્તિ વાહિનીના ડાયરૅક્ટર નિશી કાન્ત હાલ આ સગીરા માટે કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, "દંપતી તેની સાથે ગુલામ જેવું વર્તન કરે છે. તેને પૂરતું ભોજન પણ અપાતું ન હતું અને કચરાપેટીમાંથી ખાવા માટે મજબૂર કરવામાં આવતી હતી."

તેમણે આગળ કહ્યું, "અમે એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેને ગુડગાંવ લાવ્યું કોણ હતું, તેને નોકરી પર કોણે લગાવી હતી અને તેને મળવાપાત્ર પગારનું શું થયું? કારણ કે તેને ક્યારેય પગાર મળ્યો નહોતો."

2013માં દિલ્હી પોલીસે એક 15 વર્ષીય ઘરઘાટી પર હુમલો કરવા અને તેના પર ત્રાસ ગુજારવા બદલ 50 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. તે સગીરાનાં માથાના ભાગે ગંભીર ઈજાઓ હતી અને શરીર પર બચકાં ભરાયાં હોવાનાં નિશાન હતાં.

ગત વર્ષે એક ડૉક્ટર દંપતી તેમના ઘરે કામ કરતી 13 વર્ષીય નોકરને ઘરમાં પૂરીને ફરવા માટે થાઇલૅન્ડ ગયું હતું. બાલ્કનીમાંથી એ છોકરીના રડવાનો અવાજ અને મદદ માટેની ચીસો સાંભળીને પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. બાદમાં એ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણેય કેસમાં એક વાત સામાન્ય હતી કે પીડિતા ઝારખંડની હતી, જે ભારતના અત્યંત ગરીબ રાજ્યોમાંનું એક છે.

શક્તિ વાહિનીના પ્રવક્તા ઋષિ કાન્ત કહે છે, "અત્યંત ગરીબીને કારણે સગીરાઓ તરુણાવસ્થામાં જ ભણવાનું છોડી દે છે. પછી તેમને નોકરી આપવાનું કામ કરતી એવી સંદિગ્ધ એમ્પ્લોયમૅન્ટ એજન્સીઓ દ્વારા દિલ્હી અને અન્ય શહેરોમાં નોકરીઓની લાલચે લાવવામાં આવે છે, આવી એજન્સીઓની ક્યાંય નોંધણી થયેલી નથી હોતી."

તેઓ આગળ કહે છે, "શહેરમાં તેમને એવા લોકોના ઘરે કામ કરવા મોકલાય છે જ્યાં ઘણી વખત તેમને શોષણનો સામનો કરવો પડે છે અને અવારનવાર તેમના પર હુમલા થતા રહે છે. ત્યાં તેમની સ્વતંત્રતા છીનવી લેવામાં આવતી હોય છે."

line

ભારતમાં ઘરઘાટીઓની સંખ્યા આઠ કરોડ જેટલી છે

ભારતમાં ઘરઘાટીઓ સુરક્ષિત નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સત્તાવાર આંકડા પ્રમાણે ભારતમાં માત્ર 40 લાખ જેટલા ઘરઘાટીઓ છે પણ સાચો આંકડો તેનાથી ઘણો ઊંચો હોઈ શકે છે

સત્તાવાર આંકડા અનુસાર, ભારતમાં 30થી 40 લાખ જેટલા ઘરઘાટીઓ છે. જોકે, ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનનો અંદાજ છે કે સાચો આંકડો બેથી આઠ કરોડની વચ્ચે છે.

આ પાછળનું કારણ એ છે કે પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં ઘરકામમાં ઘણું વધારે કામ હોય છે.

ભારતમાં ઘણા ઓછા ઘરો ડીશવૉશર, વૅક્યુમ ક્લિનર્સ અથવા તો વૉશિંગ મશીનોથી સજ્જ હોવાથી લગભગ તમામ મધ્યમ અને સમૃદ્ધ પરિવારના લોકો ઘરઘાટીઓને કામે રાખતા હોય છે.

કાયદા અનુસાર 14 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને આ કામ માટે રાખી શકાય છે. કારણ કે ઘરકામ જોખમી માનવામાં આવતું નથી.

આ વ્યવસ્થા એ લોકો માટે આજીવિકાનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે જેઓ ઓછું ભણ્યા હોય. પરંતુ લોકોને ઘરઘાટીઓ સાથે જોડવા માટે ઓનલાઇન પોર્ટલ 'હેલ્પર4યુ' ચલાવતા મીનાક્ષી ગુપ્તા જૈન કહે છે કે તેના કારણે શોષણના કિસ્સા પણ વધે છે.

તેઓ કહે છે, "ઘરઘાટીઓને શોષણ માટે એ વસ્તુ વધુ સંવેદનશીલ બનાવે છે કે તેમની પાસે કોઈ કાયદાકીય કરાર હોતો નથી, કોઈ લઘુત્તમ વેતનની ગૅરન્ટી હોતી નથી અને કામની જગ્યાએ મહિલાઓ માટે જે 'જાતીય સતામણી અધિનિયમ' છે તે તેઓને લાગુ પડતો નથી. તેઓ પોતાના ઘરેથી ઘણા દૂર હોય છે, જેથી તેમને મદદ કરનારા પણ ઘણા ઓછા લોકો હોય છે."

તેઓ આગળ કહે છે, "જ્યાં સુધી શોષણ અને હુમલો કરનારા લોકો વિરુદ્ધ આકરા પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ પ્રકારની ઘટના બનતી રહેશે."

મીનાક્ષી જૈન આગળ કહે છે, "આ પ્રકારના કામમાં બાળકો જ સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને જો સરકાર કહેતી હોય કે બાળકો ઘરકામ કરી શકે કારણ કે તે જોખમી નથી તો એ વાત પણ સત્ય છે કે બંધ દરવાજા પાછળ ઘર સૌથી જોખમી કાર્યસ્થળ પણ બની શકે છે."

line

દોષી ઠેરવવામાં ચાર વર્ષ અને માત્ર એક હજારનો દંડ

ભારતમાં ઘરઘાટીઓ સુરક્ષિત નથી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં ઘરઘાટીઓની દુર્દશા વિશે આ પ્રકારનો કોઈ કિસ્સો બને તે સિવાય ભાગ્યે જ વાત કરવામાં આવે છે.

મીનાક્ષી જૈન જણાવે છે કે લોકોને જણાવવા માટે સાર્વજનિક સંદેશા હોવા જોઈએ કે તેમની સાથે સારો વ્યવહાર કરવો મહત્ત્વપૂર્ણ છે.

તેઓ આગળ કહે છે, "અમે તમામ પ્રકારની વસ્તુઓ વિશે જાગૃતિ પ્રસરાવી રહ્યા છીએ."

ઋષિ કાન્ત કહે છે કે જો આ મુદ્દા પર ધ્યાન આપવું હોય તો વર્ષોથી સંસદમાં પૅન્ડિંગ રહેલા 'ઍન્ટીટ્રાફિકિંગ બિલ'ને પસાર કરવું આવશ્યક છે અને જે લોકો સગીરોને લાવે છે અને શોષણની સ્થિતિમાં મૂકે છે તેમને શોધવાની અને સજા કરવાની જરૂર છે.

તેમના કહેવા પ્રમાણે, વર્તમાન કાયદા અંતર્ગત ઘરઘાટી પર હુમલો કરવાના આરોપી દંપતિને સજા કરવી સરળ નથી. તેઓ જણાવે છે, "આ પ્રકારના કિસ્સા અઢળક બને છે પણ તેનો અંત આવતો નથી. ઘણી વખત પીડિતાના પરિવારજનો કોર્ટ બહાર જ પૈસા લઈને સમાધાન કરી લે છે."

2013માં બનેલા એક કેસને ટાંકીને તેઓ કહે છે, "50 વર્ષીય મહિલાને એક મહિના પછી જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટેને તેણીને દોષિત ઠેરવતા ચાર વર્ષ લાગ્યા અને અંતે માત્ર એક હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દેવાયા હતા."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન