એ રશિયન યુવતી જેને ઇન્ટાગ્રામ પોસ્ટ બદલ 10 વર્ષની જેલ થઈ શકે છે

- લેેખક, સ્ટીવ રોઝેનબર્ગ
- પદ, બીબીસી રશિયાના તંત્રી

- 20 વર્ષીય કૉલેજિયન યુવતી ઓલેસા નજરકેદમાં છે
- ઓલેસાની સોશિયલ મીડિયા પર યુદ્ધ-વિરોધી પોસ્ટ લખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે
- એક પોસ્ટમાં તેમણે રશિયાને ક્રિમિયા દ્વીપકલ્પ સાથે જોડતા એક પુલ પર ગત ઑક્ટોબરમાં થયેલા વિસ્ફોટનો ઉલ્લેખ કર્યો હતો
- આ પુલ રશિયાએ 2014માં કબજે કર્યો હતો
- ઓલેસા પર ત્રાસવાદને ન્યાયોચિત ઠરાવવાનો અને રશિયાનાં સશસ્ત્રદળોને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
- અરખાનગેલસ્કની નૉર્ધન ફેડરલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ઓલેસાનો સમાવેશ હવે રશિયાના આતંકવાદીઓ તથા ઉગ્રવાદીઓની યાદીમાં કરવામાં આવ્યો છે

ઓલેસા ક્રિવત્સોવા નામની રશિયાની એક કૉલેજિયન યુવતીને તેના કૉલેજ-ક્લાસની હમણાં બહુ યાદ આવે છે.
તેનું કારણ એ છે કે 20 વર્ષીય ઓલેસા નજરકેદમાં છે. તેમના પગમાં ટ્રેકર છે અને પોલીસ તેમની દરેક હિલચાલ પર નજર રાખી શકે છે.
તેમનો કથિત ગુનો શું છે? ઓલેસાની સોશિયલ મીડિયા પર યુદ્ધ-વિરોધી પોસ્ટ લખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
એક પોસ્ટમાં તેમણે રશિયાને ક્રિમિયા દ્વીપકલ્પ સાથે જોડતા એક પુલ પર ગત ઑક્ટોબરમાં થયેલા વિસ્ફોટનો ઉલ્લેખ કર્યો હતો. આ પુલ રશિયાએ 2014માં કબજે કર્યો હતો.
ઓલેસાએ બીબીસીને કહ્યું હતું કે “મેં પુલ વિશે અને જે થયું એનાથી યુક્રેનવાસીઓ કેટલા ખુશ છે તેના વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી. મેં મારા એક મિત્રની યુદ્ધ વિશેની પોસ્ટ પણ શૅર કરી હતી.”
આખા નાટકની શરૂઆત ત્યાંથી થઈ હતી.

‘આતંકવાદી’ ઓલેસા

ઘટનાક્રમને યાદ કરતાં ઓલેસાએ કહ્યું હતું કે “હું મારાં મમ્મી સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે મુખ્ય દરવાજો ઊઘડવાનો અવાજ સાંભળ્યો હતો. ઘણા બધા પોલીસ અંદર ધસી આવ્યા હતા. તેમણે મારો ફોન આંચકી લીધો અને બરાડીને મને જમીન પર બેસી જવા કહ્યું હતું.”
ઓલેસા પર ત્રાસવાદને ન્યાયોચિત ઠરાવવાનો અને રશિયાનાં સશસ્ત્રદળોને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમને 10 વર્ષના કારાવાસની સજા થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓલેસાએ કહ્યું હતું કે “ઇન્ટરનેટ પર કશુંક પોસ્ટ કરવા બદલ કોઈને આટલા લાંબા કારાવાસની સજા થઈ શકે છે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. મેં રશિયામાં ઘણા તરંગી ચુકાદાના અહેવાલો જોયા હતા, પરંતુ તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું.”
અરખાનગેલસ્કની નૉર્ધન ફેડરલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ઓલેસાનો સમાવેશ હવે રશિયાના આતંકવાદીઓ તથા ઉગ્રવાદીઓની યાદીમાં કરવામાં આવ્યો છે.
ઓલેકાના કહેવા મુજબ, “મારો સમાવેશ શાળાઓમાં અનેક લોકોની હત્યા કરનારા લોકો અને ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપની યાદીમાં કરવામાં આવ્યો છે એવું જાણ્યું ત્યારે મેં વિચાર્યું હતું કે આ તો પાગલપણું છે.”
નજરકેદના નિયમ મુજબ, ઓલેસા કોઈની સાથે ફોન પર વાત કરી શકતાં નથી અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકતાં નથી.
ઓલેસાના જમણા પગ પર એક આકર્ષક ટેટૂ છે. તે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો કરોળિયા સ્વરૂપે ચિત્રિત કરવામાં આવેલો ચહેરો છે. સાથે લેખક જ્યૉર્જ ઓર્વેલની એક પંક્તિ લખી છેઃ ‘તમારા પર બિગ બ્રધરની નજર છે.’
ઓલેસાના કેસમાં બિગ બ્રધરની નહીં, પરંતુ તેમના સહપાઠીઓની નજર તેમના પર હતી, એવું લાગે છે.

‘દેશપ્રેમી’ની ફરજ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓલેસાએ કહ્યું હતું કે “મારા એક દોસ્તે એક ચૅટમાં મારી વિશેની એક પોસ્ટ દેખાડી હતી. એ પોસ્ટ હું ‘ખાસ લશ્કરી કામગીરી’ની વિરોધી કેમ છું એના વિશેની હતી. એ ચૅટ ગ્રૂપમાંના મોટા ભાગના લોકો ઇતિહાસના વિદ્યાર્થીઓ હતા. મારી પોસ્ટ બાબતે સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ કે કેમ એ વિશે તેઓ ચર્ચા કરતા હતા.”
બીબીસીએ તે ગ્રૂપ ચૅટના અંશો જોયા છે.
એ વિદ્યાર્થીઓએ કૉમેન્ટમાં ઓલેસા પર “એક પરાજયવાદ અને ઉગ્રવાદને પ્રોત્સાહિત કરતી પોસ્ટ લખવાનો આક્ષેપ કર્યો હતો. યુદ્ધના સમયમાં આ અસ્વીકાર્ય છે. આ પોસ્ટની જોરદાર ઝાટકણી કાઢવી જોઈએ.”
બીજા વિદ્યાર્થીએ લખ્યું હતું કે “પહેલાં આપણે ઓલેસાને બદનામ કરવાના પ્રયાસ કરીશું. તેમાં સફળ નહીં થઈએ તો ઓલેસા સામે સલામતી-સેવા પગલાં લેશે. ફરિયાદ કરવી એ દેશભક્તનું કર્તવ્ય છે.”
બાદમાં કોર્ટમાં સાક્ષીઓનાં નામ બોલવામાં આવ્યાં ત્યારે ઓલેસા ચૅટ ગ્રૂપમાંના સભ્યોને ઓળખી ગઈ હતી.
યુક્રેનમાં ક્રેમલિને ‘ખાસ લશ્કરી કામગીરી’ શરૂ કરી તેને એક વર્ષ થઈ ગયું છે. રશિયા આ શબ્દોનો ઉપયોગ તેના પાડોશી દેશ પરના મોટા આક્રમણ માટે કરે છે.
આ આક્રમણ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન રશિયાના નાગરિકોને ‘સાચા દેશભક્ત અને ગદ્દારો વચ્ચેના ભેદને ઓળખી કાઢવાનું’ આવાહન કરી રહ્યા છે.
એ પછી સમગ્ર રશિયામાં યુદ્ધના આલોચકો સોવિયેત શૈલીની ઝાટકણી કાઢી રહ્યા છે. તેમાં વિદ્યાર્થીઓ અને કામદારોનો સમાવેશ થાય છે.
રશિયાના યુક્રેન પરના આક્રમણની સાર્વજનિક આલોચના કરવી ખતરનાક કામ બની ગયું છે. તેમાં અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ટીકાના પુનઃપ્રકાશનનો પણ સમાવેશ થાય છે.
રશિયાના અધિકારીઓ દેશના નાગરિકો પાસેથી સંપૂર્ણ તથા અતૂટ સમર્થનની આશા રાખે છે. તેઓ સમર્થન ન કરી શકે તો તેઓ ચૂપ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
જે લોકો ચૂપ નથી રહી શકતા એમના માટે અનેક દમનકારી કાયદાઓ છે. તેમાં સશસ્ત્રદળો વિશે ‘ખોટી માહિતી’ ફેલાવવા સામેના અને સૈન્યની ‘બદનામી’ સામેના કાયદાઓનો સમાવેશ થાય છે.
અરખાનગેલસ્ક શહેરમાં નવ માળની એક ઇમારત પર યુક્રેનમાં માર્યા ગયેલા એક રશિયન સૈનિકનું વિશાળ પોસ્ટર મૂકવામાં આવ્યું છે. તેના પર લખ્યું છે કે “એક યોદ્ધા હોવાનો અર્થ અમર થવું એવો હોય છે.”

પોતાના ‘યોદ્ધાઓની’ તરફેણ કરતું શહેર

દેશભક્તિનો સંદેશ પ્રેરક છે. યુદ્ધ-વિરોધી ટિપ્પણી બદલ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહેલા રશિયનો પ્રત્યે સહાનુભૂતિ હોય તેવા બહુ ઓછા લોકો અરખાનગેલસ્કની શેરીઓમાં જોવા મળે છે.
કોન્સ્ટેંટિને મને કહ્યું હતું કે “અમારા સૈન્યને બદનામ કરતા અને ખોટી વાતો ફેલાવતા લોકો માનસિક રીતે બીમાર છે. તેમને તોપ વડે ફૂંકી મારવા જોઈએ.”
એકેટેરિનાએ મને કહ્યું હતું કે “વિશેષ લશ્કરી કામગીરીની ટીકા કરતા લોકો મને પસંદ નથી.”
પરંતુ ઑનલાઇન કશુંક પોસ્ટ કરવા બદલ લાંબા કારાવાસની સજા વધારે પડતી નથી? એવું મેં પૂછ્યું ત્યારે એકેટેરિનાએ કહ્યું હતું કે લોકોએ તેમના દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. તેઓ આ દેશમાં રહેતા હોય, આ દેશ દ્વારા આપવામાં આવતા બધા લાભ મેળવતા હોય તો તેમણે કાયદાનું પાલન કરવું જોઈએ.
એ દિવસે મોડેથી ઓલેસાને તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાની પરવાનગી માત્ર કોર્ટની સુનાવણીમાં હાજર રહેવા માટે આપવામાં આવી હતી.
ઓલેસાની હિલચાલ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા તેમના વકીલો ન્યાયમૂર્તિને સમજાવી રહ્યા છે.

ઓલેસાએ પહેરેલા ટી-શર્ટ પર એક પોલીસ વાનનું ચિત્ર છે, જેમાં લખ્યું છે ‘સ્કૂલ બસ.’
રશિયાના યુવાઓને સત્તાવાળાઓની ટીકા કરવા બદલ કેવી શિક્ષા કરવામાં આવે છે, તેનું એ પ્રતીક છે.
ન્યાયમૂર્તિએ ઓલેસાને નજરકેદમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
એ પછી ઓલેસાએ કહ્યું હતું કે “સરકાર પાસે ચર્ચા, લોકશાહી અથવા સ્વાતંત્ર્ય સંબંધી હિંમત નથી, પરંતુ તેઓ બધાને કેદ કરી શકે તેમ નથી. એક તબક્કે જેલની કોટડીઓ ખૂટી પડશે.”














