સિદ્ધાર્થ ત્રિવેદી : અમર્યાદિત પ્રતિભાનો માલિક, અનેક ટીમ માટે ઉપયોગી બૉલર

ઇમેજ સ્રોત, Getty Images
2001ના ફેબ્રુઆરીમાં ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડમાં આઇસીસી અંડર-19 વનડે વર્લ્ડ કપ રમવા જવાની તૈયારીમાં હતી ત્યારે અમદાવાદના બે ખેલાડીઓ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા. જેમાં કેપ્ટન પાર્થિવની સાથે તેના જેવો જ એક યુવાન ખેલાડી હતો સિદ્ધાર્થ ત્રિવેદી.
એ વખતે પત્રકારોના જવાબ કેવી રીતે આપવા તે પણ આ બે છોકરડાઓને સમજાતું ન હતું અને કેટલાક સિનિયર પત્રકારો તેમને સવાલ પૂછે ત્યારે તેમના જેવા અન્ય ખેલાડીના ઉદાહરણ આપીને સમજાવતા હતા કે તું જેવી બૉલિંગ કરે છે તેવા પ્રકારની બૉલિંગ તારી ટીમમાં અન્ય કોણ કોણ કરી શકે છે.
આ તો એક ઉદાહરણ થયું પણ આવા જ સવાલોના જવાબો આપતા આપતા એ બંને ખેલાડી એકાદ બે સિઝનમાં તો એવા માહિર બની ગયા કે તેઓ દુનિયાભરના મીડિયા સમક્ષ આસાનીથી મુલાકાતો આપવા લાગ્યા.
ક્રિકેટના મેદાનની માફક મીડિયા સામે કેવી રીતે વર્તન કરવું તે પણ આ ખેલાડીઓ શીખી ગયા અને તેમાંય પાર્થિવ પટેલનો ઇન્ટરનેશનલ ક્રિકેટના અનુભવ સાથે પાવરધો બની ગયો તો સિદ્ધાર્થ પણ તેનાથી જરાય ઓછો ઊતરે તેવો ન હતો.
કેમ કે આ જ બે ખેલાડી આગામી એકાદ બે દાયકા સુધી ગુજરાતના ક્રિકેટને આગળ ધપાવવાની જવાબદારી અદા કરવાના હતા અને તેમણે આ જવાબદારી બખૂબી નિભાવી હતી.

- કિશોર ત્રિવેદી સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમતા અને ત્યાર બાદ તેમણે અમદાવાદમાં ક્રિકેટર્સને કોચિંગ આપ્યું હતું જેમાંથી કેટલાક તો રણજી ટ્રૉફીમાં રમ્યા હતા તો તેમનો પુત્ર સિદ્ધાર્થ તેમાંથી કેવી રીતે બાકાત રહી જાય?
- સિદ્ધાર્થ ત્રિવેદી મૂળ તો ઝડપી બૉલર પણ ક્યારેક ક્યારેક નીચેના ક્રમે આવીને ટીમની જરૂરિયાત મુજબ ઉપયોગી બેટિંગ પણ કરી લેતો હતો.
- સિદ્ધાર્થે 1997-98માં જુનિયર ક્રિકેટ રમવાની શરૂઆત કરી, પરંતુ 2001માં ભારતીય અંડર 19 ટીમ ભારતમાં જ મુંબઈ ખાતે ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડમાં જુનિયર વર્લ્ડ કપ રમ્યા બાદ તેની કારકિર્દીએ વેગ પકડી લીધો
- ગુજરાત માટે રણજી ટ્રોફી, વેસ્ટ ઝોન અને એલાઇટ ટીમ માટે દુલીપ ટ્રોફી તથા રાજસ્થાન રોયલ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તેણે ધૂમ મચાવી હતી.
- જોકે વચ્ચે એકાદ વિવાદ પણ આવી ગયો. સિદ્ધાર્થના દાવા મુજબ તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો અને આઇપીએલમાં તેનું નામ ખોટી રીતે ચગ્યું હતું.

બીસીસીઆઈના સર્વોચ્ચ લેવલના કોચ

ઇમેજ સ્રોત, Collection of Siddharth Trivedi
ક્રિકેટ તો સિદ્ધાર્થના લોહીમાં વસેલું છે. 1982ના સપ્ટેમ્બરમાં સિદ્ધાર્થનો જન્મ થયો તેના એક દાયકા અગાઉ તેના પિતા કિશોર ત્રિવેદી સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમતા હતા અને ત્યાર બાદ તેમણે અમદાવાદમાં ઘણા ક્રિકેટર્સને કોચિંગ આપ્યું હતું જેમાંના કેટલાક તો રણજી ટ્રૉફીમાં રમ્યા હતા તો તેમનો પુત્ર તેમાંથી કેવી રીતે બાકાત રહી જાય.
સિદ્ધાર્થ ત્રિવેદી મૂળ તો ઝડપી બૉલર પણ ક્યારેક ક્યારેક નીચેના ક્રમે આવીને ટીમની જરૂરિયાત મુજબ ઉપયોગી બેટિંગ પણ કરી લેતો હતો.
આમ તો સિદ્ધાર્થે 1997-98માં જુનિયર ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી પરંતુ 2001માં ભારતીય અંડર 19 ટીમ ભારતમાં જ મુંબઈ ખાતે ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે રમી અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડમાં જુનિયર વર્લ્ડ કપ સાથે તેની કારકિર્દીએ વેગ પકડી લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંથી તેણે પાછું વળીને જોયું ન હતું. આ દરમિયાન ગુજરાત માટે રણજી ટ્રોફી, વેસ્ટ ઝોન અને એલાઇટ ટીમ માટે દુલીપ ટ્રોફી તથા રાજસ્થાન રોયલ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તેણે ધૂમ મચાવી હતી.
જોકે વચ્ચે એકાદ વિવાદ પણ આવી ગયો. સિદ્ધાર્થના દાવા મુજબ તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો અને આઇપીએલમાં તેનું નામ ખોટી રીતે ચગ્યું હતું.
જોકે તેમાંથી પણ તેને આખરે તો નિર્દોષ જાહેર કરાયો અને ત્યાર બાદ પણ તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની કારકિર્દી જારી રહી.
આજે તો સિદ્ધાર્થ બીસીસીઆઈના સર્વોચ્ચ લેવલ એટલે કે લેવલ-3નો કોચ પણ બની ગયો છે અને આ માટેની તમામ લાયકાત તેણે પાસ કરી લીધી છે. હવે સિદ્ધાર્થ ભારતીય ડોમેસ્ટિક કે કોઇ પણ કક્ષાની ટીમને કોચિંગ આપવા માટે સક્ષમ બની ગયો છે.

ભાગ્યે જ વિકેટ પડવાની રાહ જોવી પડતી

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધાર્થે ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણી મહેનત કરી અને એ મહેનતના ફળસ્વરૂપે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 269 વિકેટ ખેરવી ચૂક્યો છે.
માત્ર ગુજરાત માટે જ તેના પ્રદર્શન પર નજર કરીએ તો ગુજરાતની રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ ખેરવનારા બૉલરોની યાદીમાં તે ચોથા ક્રમે છે.
જોકે અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે સિદ્ધાર્થની ગુજરાત માટેની 172 વિકેટથી વધારે વિકેટ લેનારા બીજા ને ત્રીજા ક્રમના બૉલરની વિકેટનો આંક 173-173 છે તો મોખરે રહેલા અશોક જોષી 227 વિકેટ ધરાવે છે.
આમ મોખરાના ક્રમના બૉલર બાદના ત્રણ બૉલરની વિકેટોમાં માત્ર એક જ વિકેટનો તફાવત છે. આમ સિદ્ધાર્થને ગુજરાતનો મોખરાનો બૉલર કહી શકાય.
જોકે તેની દુલીપ ટ્રૉફી તથા ભારત-એ માટે લીધેલી વિકેટને ઉમેરીએ તો તે ક્યાંય આગળ નીકળી જાય કેમકે જ્યારે ગુજરાતના બૉલર કે બૅટ્સમૅનને દુલીપ ટ્રૉફીમાં પણ મર્યાદિત તક સાંપડતી હોય તેવામાં ઍર ઇન્ડિયાના આ કર્મચારીએ દુલીપ ટ્રૉફીમાં જ 49 વિકેટ ઝડપેલી છે.
વિવાદ શમી ગયા બાદ પણ તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાની તક મળી હતી. અને, નાસીપાસ થયા વિના સિદ્ધાર્થે તેની એ જ સ્વિંગ અને વેધક બૉલિંગ જારી રાખીને રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના એક ઉપયોગી બૉલર તરીકે 35 વિકેટ ખેરવી દીધી હતી.
અંડર-19 વર્લ્ડ કપ રમીને પરત આવ્યા બાદ એક તરફ પાર્થિવ પટેલને ભારતીય ટેસ્ટ ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું થયું તો સિદ્ધાર્થને ગુજરાતની રણજી ટ્રોફીની ટીમમાં પસંદ કરાયો હતો.
સુરત ખાતે ઉત્તર પ્રદેશ સામેની તેની પહેલી જ મૅચમાં સિદ્ધાર્થે પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો.
એ જ મેચમાં ગુજરાતને જરૂર હતી ત્યારે તેણે 11મા ક્રમે રમવા આવીને દોઢ કલાક સુધી બેટિંગ કરીને ભાવિન મહેતાને સપોર્ટ કર્યો.
બંનેએ છેલ્લી વિકેટ માટે 72 રન ઉમેરીને ગુજરાતને મહત્ત્વની સરસાઈ અપાવી તથા એક પોઇન્ટ પણ અપાવ્યો હતો. અહીંથી તેના પ્રદર્શનમાં સાતત્ય આવતું ગયું.
તે પાછળના ક્રમે આવીને ટીમની જરૂરિયાત મુજબ રન તો કરતો જ રહ્યો પરંતુ એવું ભાગ્યે જ બન્યું હતું કે સિદ્ધાર્થ બૉલિંગ કરતો હોય અને ગુજરાતને વિકેટ માટે રાહ જોવી પડી હોય.

'ધ મૅન ઑફ મિક્સ બૅગ ઑફ ટ્રિક્સ'

ઇમેજ સ્રોત, Getty Images
તેની કારકિર્દી દરમિયાન ભાગ્યે જ કોઈ હરીફ ટીમની ઓપનિંગ જોડી પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી શકતી હતી. કેમ કે પ્રારંભમાં જ એકાદ વિકેટ ખેરવવી તે કદાચ સિદ્ધાર્થ ત્રિવેદીને આદત પડી ગઈ હતી.
આ આદતનો લાભ એ થયો કે 2008માં પહેલી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું આયોજન થયું ત્યારે ગુજરાતની ટીમ નહીં હોવાને કારણે ગુજરાતના ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સ માટે રમવા મળે તેવી આયોજકોની જોગવાઈ હતી અને શેન વોર્નની ટીમમાં સિદ્ધાર્થ ત્રિવેદીને સ્થાન મળી ગયું.
અહીંથી સિદ્ધાર્થ ત્રિવેદીની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો અને સાથે સાથે તેમાં થોડો વિવાદ પણ આવ્યો.
શૅન વોર્નની ટીમે સૌપ્રથમ આઇપીએલ જીતી લીધી તેમાં શૅન વૉટ્સન અન રાહુલ દ્રવિડ કે યુસુફ પઠાણ જેટલું જ યોગદાન સિદ્ધાર્થ ત્રિવેદીનું પણ રહ્યું હતું.
શૅન વૉર્ન તો એટલે સુધી કહેતો હતો કે આઇપીએલમાં સિદ્ધાર્થ પાસે ઘણી બધી ટ્રિક છે, ધ મૅન ઑફ મિક્સ બૅગ ઑફ ટ્રિક્સ....એવું જ કાંઈક.
આઇપીએલમાં તે બે વખત મૅન ઑફ ધ મૅચ પણ બન્યો હતો તો રાહુલ દ્રવિડ કે શૅન વૉર્ન અને શૅન વૉટ્સન જેવા ખ્યાતનામ અને ખમતીધર ખેલાડીઓ સાથે રમવા ઉપરાંત તે ગૌતમ ગંભીર કે વિરાટ કોહલી, કુમાર સંગાકરા અને જેક્સ કાલિસ જેવા ખેલાડીઓની વિરુદ્ધમાં પણ રમ્યો અને તેમને પેવેલિયન ભેગાં પણ કર્યા હતા.
આવી જ રીતે રણજી ટ્રૉફીમાં તેણે સચિન તેંડુલકર જેવા બૅટ્સમૅનની વિકેટ ખેરવી છે તો અલગ અલગ પ્રકારના ક્રિકેટમાં જૅક્સ કાલિસ, સંગાકરા, ઍડમ ગિલક્રિસ્ટ જેવા ધુરંધરો પણ તેનો શિકાર થવામાંથી બચી શક્યા નથી.
આ યાદીને આગળ ધપાવીએ તો ટી20ના ખતરનાક બૅટ્સમૅન મનાતા સનથ જયસૂર્યા, ડેવિડ હસ્સી (ચાર વખત), સાક્ષાત સચિન તેંડુલકર, રોહિત શર્મા (ચાર વખત), સૌરવ ગાંગુલી, યુવરાજસિંઘ, મહેન્દ્રસિંહ ધોની જેવા બૅટ્સમૅનને પણ સિદ્ધાર્થે આઉટ કરેલા છે.
સિદ્ધાર્થ ખરા અર્થમાં સ્વિંગ અને ઝડપી બૉલિંગનો મહારથી હતો અને તે તેના એક જ આંક પરથી પુરવાર થઈ જાય છે કે સમગ્ર કારકિર્દીમાં (ફર્સ્ટક્લાસ, વન-ડે અને ટી20)માં તેણે 102 વખત બૅટ્સમૅનને બોલ્ડ અને 110 વખત વિકેટકીપરના હાથમાં ઝડપાવીને વિકેટ ઝડપી છે તો તેમાં 56 લેગ બિફોર ઉમેરીએ તો આ આંક વધારે સ્પષ્ટ થઈ જશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














