અંડર 19 વર્લ્ડ કપ : એ શફાલી વર્મા જેમને ક્રિકેટ રમવા છોકરીમાંથી છોકરો બનવું પડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૉમમાં રવિવારે રમાયેલી ફાઇનલ મૅચમાં ભારતીય અંડર-19 ટીમનો ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામે ભવ્ય વિજય થયો હતો.
આ જીત સાથે ભારતીય U19 મહિલા ટીમે ઇતિહાસ રચી દીધો છે.
ભારતનાં કૅપ્ટન શફાલી વર્મા આ જીત બાદ ભાવુક થઈ ગયાં હતાં.
શેફાલી વર્મા ભારતીય મહિલા ક્રિકેટજગતમાં એક જાણીતાં ખેલાડી છે. તેમની ક્રિકેટમાં શરૂઆત અને સંઘર્ષની કહાણી પણ રસપ્રદ છે.
"છોકરી થઈને તું ક્રિકેટ શું રમવાની, જા બહાર જઈને તાળીઓ વગાડ. હું ક્રિકેટ રમવા જતી ત્યારે છોકરાઓ આવું કહેતા. એ વખતે મારા વાળ પણ લાંબા હતા. બહુ અજીબ લાગતું હતું. મેં પણ નક્કી કરી લીધું હતું કે વાળ કપાવી નાખીશ. હું વાળ કપાવીને ગઈ ત્યારે છોકરાઓને ખબર પડી નહીં. મારે છોકરીમાંથી છોકરો બનવું પડ્યું હતું."
આજે કોઈ શહેર કે નાના ગામમાં એક છોકરીએ મેદાનમાં રમવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ જણાવવા માટે 16 વર્ષની વયનાં ક્રિકેટર શફાલી વર્માની આ વાત પૂરતી છે. અલબત્ત, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં આ યુવા ખેલાડી હિંમત અને મજબૂત મનોબળનું ઉત્તમ ઉદાહરણ છે.
શફાલીએ 2019માં 15 વર્ષની વયે ભારતની ટી-20 ક્રિકેટ ટીમમાં પદાર્પણ કર્યું હતું.

શફાલી સચિન તેંડુલકરનાં ફેન છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અર્ધી સદી ફટકારનારાં સૌથી નાનાં વયનાં ભારતીય ખેલાડી બનીને શફાલીએ તેમના હીરો સચિનનો 30 વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો હતો. શફાલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે 49 બોલમાં 73 રન ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરિણાના રોહતક જિલ્લાના રહેવાસી શફાલીના પિતા ક્રિકેટના શોખીન છે. તેમને પરિવાર તરફથી ખાસ ટેકો મળ્યો ન હતો, પણ તેમણે તેમની દીકરીને એ ખોટ અનુભવવા દીધી ન હતી.
ગયા વર્ષે બીબીસી સાથેની વાતચીતમાં શફાલીએ કહ્યું હતું, "મેં ક્રિકેટ શા માટે પસંદ કર્યું એ મારી સખીઓ વારંવાર પૂછતી હતી.
એ સમયે હું હરમનપ્રીત કૌર અને મિતાલી રાજના ફોટા તેમને દેખાડતી અને કહેતી કે આમણે ભારતીય ક્રિકેટ ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. એ સાંભળીને બધાનું મોં બંધ થઈ જતું હતું."
સચિન તેંડુલકર 2013માં રણજી ટ્રૉફીની મૅચ માટે હરિયાણાના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા. શફાલી તેમને રમતા જોવા ત્યાં જતાં હતાં.
એ સમયે નાનકડાં શેફાલીએ નક્કી કરી લીધું હતું કે તેમણે ટેનિસ છોડીને ક્રિકેટ રમવું છે. એ જીદ શફાલીને ક્રિકેટ વર્લ્ડ કપ સુધી લાવી છે.
શફાલીની કારકિર્દી શરૂ થયાને હજુ પાંચ મહિના જ થયા છે અને તેમની બેટિંગને અત્યારથી ભારતીય ટીમની મજબૂતી ગણવામાં આવી રહી છે.
વર્લ્ડ કપમાં શફાલી પર બધાની નજર રહેશે. શફાલી અત્યાર સુધીમાં 14 ટી-20 મૅચોમાં 324 રન ફટકારી ચૂક્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












