જ્યૉર્જ સોરોસ : જયશંકરે જેમને 'વૃદ્ધ, ધર્માંધ અને ખતરનાક' ગણાવ્યા, એ અબજોપતિ કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ રિપોર્ટને લઈને કરાયેલી ટિપ્પણી પર ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે જ્યૉર્જ સોરોસની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
શનિવારે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રાયસીના ડાયલૉગના ઉદ્ઘાટન સત્ર દરમિયાન જયશંકરે અમેરિકન અબજપતિ જ્યૉર્જ સોરોસને "વૃદ્ધ, અમીર, ધર્માંધ અને ખતરનાક" ગણાવ્યા હતા.
જયશંકરે કહ્યું કે સોરોસની ટિપ્પણી સામાન્ય 'યુરો ઍટલાન્ટિક દૃષ્ટિકોણ' ધરાવતી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જયશંકરે કહ્યું, "સોરોસ એક 'વૃદ્ધ, અમીર, ધર્માંધ અને ખતરનાક' વ્યક્તિ છે જે ન્યૂયૉર્કમાં બેસીને વિચારે છે કે તેમના વિચારોથી સમગ્ર વિશ્વની ગતિ નક્કી થવી જોઈએ. જો હું યોગ્ય રીતે કહું તો તેઓ વૃદ્ધ, અમીર, ધર્માંધ અને ખતરનાક છે."
તેમણે આગળ કહ્યું કે ભારતમાં મતદાતાઓએ નક્કી કર્યું છે કે દેશ કેવી રીતે ચાલવો જોઈએ.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર જયશંકરે કહ્યું, "આ અમને ચિંતિત કરે છે. અમે એક એવો દેશ છીએ જે ઉપનિવેશકકાળમાંથી પસાર થઈ ચૂક્યો છે. અમે એ ખતરાથી સંપૂર્ણપણે વાકેફ છીએ કે જ્યારે કોઈ બહારનો હસ્તક્ષેપ થાય તો શું થાય છે."
તેમણે કહ્યું, "જો તમે આ પ્રકારે જ અફવાબાજી કરશો તો અલગ-અલગ દેશોમાં વધુ જટિલતાઓ ઉદ્ભવશે."
તેમણે આગળ કહ્યું, "તેમના જેવા લોકો પોતાની પસંદના લોકોના જીતવા પર ચૂંટણીને સારી ગણાવે છે અને અણગમતો નિર્ણય આવે તો કહે છે કે લોકતંત્રમાં ખામીઓ છે અને મજેદાર વાત એ છે કે તે બધું જ ખુલ્લા સમાજને સમર્થન કરવાનો દેખાડો કરીને કરવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું કહ્યું હતું સોરોસે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યૉર્જ સોરોસે જર્મનીના મ્યુનિખમાં સંરક્ષણ સંમેલનમાં કહ્યું હતું કે ભારત એક પ્રજાસત્તાક દેશ છે પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક નથી તથા મોદીના ઝડપથી મોટા નેતા બનવાનું મુખ્ય કારણ ભારતીય મુસલમાનો વિરુદ્ધ કરાયેલી હિંસા છે.
તેમણે ઉમેર્યું હતું કે ગૌતમ અદાણી મામલે મોદી હાલમાં ચૂપ છે, પણ વિદેશી રોકાણકારો અને સંસદના પ્રશ્નોનો એમણે જવાબ આપવો પડશે. આનાથી સરકાર પર એમની પકડ ઢીલી પડશે. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આનાથી ભારતમાં પ્રજાસત્તાક પ્રક્રિયાનું 'પુનરુત્થાન' થશે.
આ પહેલાં જાન્યુઆરી 2020માં દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં સોરોસે કહ્યું હતું કે ભારતને હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવવામાં આવી રહ્યો છે.
'મોદી હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે'
જ્યૉર્જ સોરોસે એ વખતે કહ્યું હતું કે ભારત માટે સૌથી મોટો અને ભયાનક ઝટકો એ છે કે પ્રજાસત્તાક રીતે ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ભારતને એક હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે.
એમણે એવું પણ કહ્યું હતું કે મોદી કાશ્મીર પર પ્રતિબંધ લગાવીને ત્યાંના લોકોને સજા આપી રહ્યા છે અને નાગરિકતા કાયદા (સીએએ) થકી લાખો મુસલમાનોનું નાગરિકત્વ લઈ લેવાની ધમકી આપી રહ્યા છે.

સોરોસના વિરુદ્ધમાં પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, ANI
ભારતીય જનતા પક્ષે અમેરિકન બિઝનેસમૅ જ્યૉર્જ સોરોસ પર ભારે હુમલા કર્યા. શુક્રવારે સોરોસ પર પ્રહાર કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વિદેશની ધરતી પરથી ભારતના પ્રજાસત્તાક માળખાને કમજોર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
તેમણે આને ભારતની આંતરિક બાબતમાં દખલઅંદાજી પણ ગણાવી. ઈરાનીએ તમામ ભારતીયોને આનો જડબાતોડ જવાબ આપવા પણ કહ્યું છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કે આવા લાકો હકીકતમાં લોકમાનસ ઘડવામાં સંસાધનો લગાડતા હોય છે. સોરાસ ન્યૂયૉર્કમાં બેઠેલી એક વૃદ્ધ, દુરાગ્રહી વ્યક્તિ છે, જે હજુ પણ એવું માને છે કે તેમનો મત લઈને સમગ્ર વિશ્વે વર્તવું જોઈએ.

કોણ છે જ્યૉર્જ સોરોસ?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યૉર્જ સોરોસ એક અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ છે. બ્રિટનમાં એમની ગણના એક એવી વ્યક્તિ તરીકે કરવામાં આવે છે જેમણે 1992માં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડને બરબાદ કરી નાખી હતી.
એમનો જન્મ હંગેરીમાં એક યહૂદી પરિવારમાં થયો હતો. હિટલરના નાઝી જર્મનીમાં જ્યારે યહૂદીઓને મારવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ ગમે તેમ કરીને સુરક્ષિત બચી ગયા હતા.
બાદમાં તે સામ્યવાદી દેશમાંથી નીકળીને પશ્ચિમના દેશમાં આવી ગયા. શૅરમાર્કેટમાં પૈસા લગાવનારા સોરોસ લગભગ 44 અબજ ડૉલર કમાયા. આ પૈસા થકી તેમણે હજારો શાળાઓ, હૉસ્પિટલો બનાવી અને લોકશાહી તથા માનવાધિકાર માટે લડતાં સંગઠનોને મદદ કરી.
1979માં તેમણે 'ઓફન સોસાયટી ફાઉન્ડેશન'ની સ્થાપના કરી જે હવે લગભગ 120 દેશોમાં કામ કરે છે. એમના આ કામને લીધે તેઓ હંમેશાં દક્ષિણપંથીઓના નિશાન પર રહે છે.
તેમણે 2003માં ઇરાક યુદ્ધની ટીકા કરી હતી અને અમેરિકાની ડેમૉક્રેટિક પાર્ટીને લાખો ડૉલરનું દાન આપ્યું હતું. એ બાદ તેમના પર અમેરિકાના દક્ષિણપંથીઓના હુમલાઓ વધી ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે સોરોસ પરના હુમલાઓ એક નવા સ્તરે પહોંચી ગયા હતા. એટલું જ નહીં, ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે પણ સોરોસ પર કેટલાય પ્રહારો કર્યા હતા.
વર્ષ 2019માં ટ્રમ્પે એક વીડિયોને રિટ્વીટ કરતાં દાવો કર્યો હતો કે હોન્ડુરાસમાંથી હજાર શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશવા માટે સોરોસે પૈસા આપ્યા છે.
બાદમાં જાણવા મળ્યું હતું કે સોરોસે કોઈને પૈસા નહોતા આપ્યા અને ટ્રમ્પે જે વીડિયો શૅર કર્યો હતો એ પણ ફેક હતો.

સોરોસના વિરુદ્ધમાં કેટલાંય રાષ્ટ્રો

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર 2018માં એક અમેરિકન શ્વેત શ્રેષ્ઠાવાદી (વ્હાઇટ સુપરેમિસ્ટ)એ સિનાગૉગમાં ગોળીબાર કરીને 11 યહૂદીઓને મારી નાખ્યા હતા.
ગોળીબાર કરનારા રૉબર્ટ બોવર્સની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી ઘણી વાતો જાણવા મળી હતી. એ માનતો હતો કે તેના જેવી વિચારધારા ધરાવતા શ્વેત શ્રેષ્ઠાવાદીના નરસંહાર માટેનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. એને લાગતું હતું કે આ પાછલ જ્યૉર્જ સોરોસ છે.
આ રીતે માત્ર અમેરિકા જ નહીં, સોરોસ વિરુદ્ધ આર્મેનિયા, ઑસ્ટ્રેલિયા, રશિયા, ફિલિપાઇન્સમાં પણ અભિયાન ચલાવવામાં આવે છે.
તુર્કીના રાષ્ટ્રપતિ તૈય્યપ અર્દોઆને ત્યાં સુધી કહ્યું હતું કે સોરોસ એ યહૂદી ષડ્યંત્રના કેન્દ્રમાં છે, તુર્કીને અંદરોઅંદર વહેંચીને બરબાદ કરવા માગે છે.
બ્રિટનની બ્રેક્સિટ પાર્ટીના નાઇજલ ફરાજનો દાવો છે કે સોરોસ શરણાર્થીઓને સમગ્ર યુરોપમાં ફેલાઈ જવા માટે માટે પ્રોત્સાહિત કરે છે. તેમના મતે સોરોસ સમગ્ર પશ્ચિમ જગત માટે સૌથી મોટું જોખમ છે.
સોરોસના જન્મસ્થાન હંગેરીની સરકાર પણ એમને દુશ્મન ગણે છે. 2018માં ચૂંટણીપ્રચાર દરમિયાન હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઑર્બને સોરોસ પર ભારે પ્રહારો કર્યા હતા. ચૂંટણીમાં ઑર્બનનો વિજય થયો અને સોરોસ સમર્થિત સંસ્થાઓ પર સરકારી હુમલાઓ એટલા વધી ગયા કે એમને હંગેરીમાં કરવાનું બંધ કરી દેવું પડ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














