ભારતમાં વધી રહ્યા છે મહિલાઓ વિરુદ્ધ ગુના, પાંચ ચાર્ટમાં સમજો કેવી છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ભારતના 75માં સ્વતંત્રતાદિવસના અવસરે ગત મહિને રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ પ્રત્યે 'માનસિકતા બદલવા' આહ્વાન કર્યું હતું અને મહિલાઓ પ્રત્યે થતાં દુર્વ્યવ્હાર સામે લડવા કહ્યું હતું.
તેમણે સલાહ આપતાં કહ્યું હતું, "આપણા આચરણમાં વિકૃતિ આવી ગઈ છે અને આપણે મહિલાઓનું અપમાન કરતા થઈ ગયા છીએ. શું આપણે એવો સંકલ્પ ના લઈ શકીએ કે આપણને આ પ્રકારના વ્યવ્હારથી છુટકારો મળે."
તેમણે લોકોને રોજિંદા જીવનમાં મહિલાઓને અપમાનિત કરતી દરેક વસ્તુથી છૂટકારો મેળવવાનો સંકલ્પ લેવા કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૈંગિક સમાનતા અને મહિલાઓના સન્માનની વાત કરી હોય એવું કંઈ આ પહેલીવાર નથી બન્યું.
2014માં સ્વતંત્રતાદિવસના અવસર પર પોતાની પહેલી સ્પીચમાં તેમણે ભારતમાં થતાં બળાત્કારોની નિંદા કરી હતી અને કહ્યું હતું "જ્યારે આપણે આવા બળાત્કારો વિશે સાંભળીએ છીએ, આપણાં માથાં શરમથી ઝૂકી જાય છે."
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદ સંભાળ્યું તેને આઠ વર્ષ થઈ ગયાં છે અને આંકડા પ્રમાણે હજુ પણ મહિલાવિરોધી ગુના અવિરત થઈ રહ્યા છે.
આંકડા પ્રમાણે આ ગુનામાં વર્ષ 2020ને છોડી દઈએ, તો તેમાં પ્રતિવર્ષ વધારો થઈ રહ્યો છે. કેમ કે 2020માં ભારત કોરોના મહામારીની ઝપેટમાં હતું અને તેના કારણે લદાયેલા લૉકડાઉનમાં દેશ મહિનાઓ સુધી બંધ રહ્યો હતો. નિષ્ણાતો પ્રમાણે તેનાથી ડેટા કલેક્શનને પણ અસર પહોંચી છે.
વર્ષ 2021ના ગુનાના આંકડા સરકારે ગયા અઠવાડિયે રજૂ કર્યા હતા. તેમાં જોવા મળ્યું કે 2021માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાર સુધી સૌથી વધારે ગુના નોંધવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્મશીલો કહે છે કે જે ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે પરંતુ અધિકારીઓ કહે છે કે આ આંકડો મોટો એટલે છે, કેમ કે હવે ગુના વધુ સારી રીતે નોંધાઈ રહ્યા છે અને વધુ લોકો પોલીસ સ્ટેશન જઈને પોતાના કેસ નોંધાવી રહ્યા છે.
અમે નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોના છેલ્લાં છ વર્ષના ડેટાની તપાસ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે મહિલાઓ વિરુદ્ધ કેટલા ગુના થયા છે. અમને જે જાણવા મળ્યું તે અહીં પાંચ આલેખોમાં સમજાવવામાં આવ્યું છે.

સંક્ષિપ્તમાં: ભારતમાં મહિલાઓ ભયમાં જીવી રહી છે?

- વર્ષ 2021ના ગુનાના આંકડા સરકારે ગયા અઠવાડિયે રજૂ કર્યા, 2021માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાર સુધી સૌથી વધારે ગુના નોંધવામાં આવ્યા
- ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી પોલીસે 60 લાખ જેટલા ગુના નોંધ્યા, જેમાંથી 4,28,278 કેસ મહિલાવિરોધી ગુના સાથે સંકળાયેલા, છ વર્ષમાં આ આંકડો 26.35 ટકા વધ્યો
- ભારતમાં 24 કરોડની વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 56 હજાર કરતાં વધારે કેસો નોંધાયા, રાજ્ય મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાઓની યાદીમાં ટોચ પર
- ગત વર્ષે પોલીસે 31,878 કેસો બળાત્કારના નોંધ્યા.
- નવા ડેટા પ્રમાણે ગયા વર્ષે મહિલાઓના અપહરણના 76,263 કેસો નોંધાયા, જે 2016ની સરખામણીએ 14 ટકા વધારે છે.
- 2021માં પોલીસને 1,37,956 મહિલાઓ પાસેથી ફરિયાદ મળી એટલે કે દર 4 મિનિટે એક મહિલા સાથે ઘરેલુ હિંસા થઈ. આ આંકડો 2016ની સરખામણીએ 27 ટકા વધારે


ઊંચે જઈ રહેલો ગ્રાફ

ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી પોલીસે 60 લાખ જેટલા ગુના નોંધ્યા હતા, જેમાંથી 4,28,278 કેસ મહિલાવિરોધી ગુના સાથે સંકળાયેલા હતા.
છ વર્ષમાં આ આંકડો 26.35 ટકા વધ્યો છે. વર્ષ 2016માં આ આંકડો 3,38,954 પર હતો.
રિપોર્ટ પ્રમાણે 2021માં મોટા ભાગના કેસો અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ સાથે સંકળાયેલા હતા.
107 મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા થયા હતા. 1580 મહિલાઓનું ટ્રાફિકીંગ થયું હતું, 15 છોકરીઓને વેચી દેવાઈ હતી અને 2,668 મહિલાઓ સાઇબર ક્રાઇમનો શિકાર બની હતી.
ભારતમાં 24 કરોડની વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 56 હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા અને તે મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાઓની યાદીમાં ટોચ પર હતું.
ઉત્તર પ્રદેશ બાદ બીજા ક્રમે રાજસ્થાન આવે છે, જ્યાં 40,738 કેસો નોંધાયા હતા અને પછીના ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર છે જ્યાં 39,526 કેસો નોંધાયા હતા.

બળાત્કારમાં પહેલા નંબરે

ગત વર્ષે પોલીસે 31,878 કેસો બળાત્કારના નોંધ્યા હતા. આ સંખ્યા અગાઉના વર્ષની (28,153) સરખામણીએ વધારે છે. જોકે 2016ની સરખામણીએ 18 ટકા ઓછી છે. 2016માં બળાત્કારના કેસનો આંકડો 39,068 પર હતો.
ભારતમાં દર વર્ષે બળાત્કારના હજારો કેસો નોંધાય છે જેના પગલે ભારતને 'દુનિયાનું રેપ કેપિટલ' પણ કહેવામાં આવી રહ્યું છે.
આ નામ એ માટે નથી મળ્યું કે અહીં વધારે બળાત્કાર થાય છે.
ઘણા દેશોમાં ભારત જેટલા જ અથવા તો તેના કરતાં પણ વધારે બળાત્કારના કેસો નોંધાય છે. પરંતુ ટીકાકારો કહે છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રને ખરાબ નામ મળ્યું છે કેમ કે બળાત્કારના પીડિતો સાથે અહીં સારો વ્યવ્હાર થતો નથી. તેમને સમાજમાં કલંક રૂપે જોવામાં આવે છે અને ઘણી વખત તો તેમને લઈને પોલીસ અને કાયદો પણ શરમનો અનુભવ કરાવે છે.
હાલ જ મુસ્લિમ મહિલા બિલકીસબાનોએ જ્યારે તેમના આરોપીએને જેલમુક્ત કરવામાં આવ્યા ત્યારે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
2002નાં ગુજરાત રમખાણો દરમિયાન તેમના પર પહેલાં સામૂહિક બળાત્કાર થયો અને પછી હિંદુ પાડોશીઓ દ્વારા તેમના પરિવારના 14 સભ્યોની હત્યા કરી દેવામાં આવી.
બિલકીસબાનો સાથે જે અયોગ્ય વર્તન થયું તેને વિશ્વના સમાચારોમાં પણ સ્થાન મળ્યું હતું અને ભારતને એવા દૃષ્ટિકોણથી જોવામાં આવ્યો હતો કે આ દેશ ઘણી વખત મહિલા પ્રત્યે નિર્દયતા પૂર્વક વર્તે છે.

અપહરણ કરી લેવાયું

નવા ડેટા પ્રમાણે ગયા વર્ષે મહિલાઓના અપહરણના 76,263 કેસો નોંધાયા હતા જે વર્ષ 2016ની સરખામણીએ 14 ટકા વધારે છે. 2016માં આ કેસોની સંખ્યા 66,544 હતી.
કેટલાક ગુના હત્યાઓ, ખંડણી સાથે જોડાયેલા હતા તો કેટલાકમાં મહિલાઓની તસ્કરી દેહવેપાર અથવા ઘરકામ માટે થઈ હતી. પરંતુ 28,222 જેટલી મહિલાઓ વિશે કહેવામાં આવ્યું કે તેમને લગ્ન માટે "રાજી કરવા માટે ઉઠાવી લઈ જવાઈ હતી."
નિષ્ણાતોના મતે આ કેસો મોટા ભાગે ખોટા હોય છે અને છોકરીઓના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવે છે જે પોતાના પ્રેમી સાથે માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ ભાગી જાય છે.

ઘરમાં જ દુશ્મન

ઘરમાં થતી હિંસાને કાયદાકીય શબ્દ 'પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રુરતા' હેઠળ નોંધવામાં આવે છે. આ એવો ગુનો છે જે ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે.
વર્ષ 2021માં પોલીસને 1,37,956 મહિલાઓ પાસેથી ફરિયાદ મળી હતી જેનો મતલબ છે કે દર 4 મિનિટે એક મહિલા સાથે ઘરેલુ હિંસા થાય છે. આ આંકડો 2016ની સરખામણીએ 27 ટકા વધારે છે જે 2016માં 1,10,434 પર હતો.
આ પ્રકારની હિંસા ભારતમાં કંઈ નવીન નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે દુનિયામાં ત્રણમાંથી એક મહિલા લૈંગિક હિંસાનો શિકાર બને છે અને ભારત માટે પણ સંખ્યા આટલી જ છે.
ભારત માટે અલગ તે એ રીતે છે કે તેના વિરુદ્ધ મૌન જાળવી લેવામાં આવે છે.
સરકારના હાલના એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે 40 ટકા મહિલાઓ અને 38 ટકા પુરુષોએ કહ્યું છે કે જો કોઈ મહિલા પોતાના સાસરે કોઈને માનસન્માન ન આપે, ઘર કે બાળકોની પરવા ન કરે, પતિને કહ્યા વગર બહાર જતી રહે, શારીરિક સંબંધની ના પાડે અથવા તો યોગ્ય રીતે રસોઈ ન કરે તો પુરુષ તેને મારી શકે છે અને તેમાં કોઈ વાંધો નથી.

લગ્ન બાદ ખુશી નહીં

વર્ષ 1961માં ભારતે દહેજપ્રથાને ગેરકાયદેસર ગણાવી હતી છતાં લગ્નમાં યુવતીનો પરિવાર યુવકના પરિવારને રોકડ રકમ, સોનું અને બીજી મોંઘી વસ્તુઓ આપે એવી આ સદીઓ જૂની પરંપરા યથાવત્ છે.
વર્લ્ડ બૅન્કના એક સંશોધન પ્રમાણે, ગ્રામીણ ભારતમાં 95 ટકા લગ્નોમાં દહેજ આપવામાં આવે છે.
આના વિરુદ્ધ અભિયાન ચલાવતા કર્મશીલો કહે છે કે નવવધૂનું ઘણી વખત શોષણ કરવામાં આવે છે કેમ કે તે પૂરતા પ્રમાણમાં દહેજ લાવતી નથી અને દર વર્ષે પતિ કે સાસરિયા પક્ષ દ્વારા હજારો મહિલાઓની હત્યાઓ થાય છે.
ઘણી મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે રસોડામાં અકસ્માત થયો હતો.
વર્ષ 1983માં ભારતે કડક કાયદો બનાવ્યો હતો જે હતો કલમ 498A.
આ કાયદો દહેજના કારણે થતી હત્યાઓ પર રોક લગાવવા માટે લવાયો હતો પરંતુ હજુ પણ દર વર્ષે દહેજના કારણે હજારો મહિલાઓ મૃત્યુ પામે છે.
ગયા વર્ષે પોલીસે 6,795 દહેજ હત્યાઓ નોંધી હતી, જે સરેરાશ દર મિનિટે 77 હત્યાની સંખ્યા દર્શાવે છે. આ સંખ્યા વર્ષ 2016ની સરખામણીએ 10.92 ટકા ઓછી છે અને ત્યારે 7,628 દહેજ હત્યાના કેસ નોંધાયા હતા.
- ડેટા અને ગ્રાફિક્સ બીબીસીના શાદાબ નઝમી દ્વારા બનાવવામાં આવ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













