ઝારખંડ: 'તેણે મારી દીકરીને પેટ્રોલ છાંટીને મારી નાખી, તેને ફાંસી આપો'

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી હિન્દી માટે, રાંચીથી

- 23 ઑગસ્ટે ઝારખંડના દુમકા શહેરના જરુવાડીહ વિસ્તારનાં રહેવાસી અંકિતાસિંહને તેમના જ વિસ્તારમાં રહેતા શાહરુખ હુસૈન નામના યુવકે એકતરફી પ્રેમમાં સળગાવી દીધાં હતાં
- શાહરુખે વહેલી સવારે બારી પાસે સૂતેલા અંકિતા પર પેટ્રોલ છાંટીને સળગતી દીવાસળી ફેંકી દીધી
- અંકિતાએ હૉસ્પિટલમાં સ્થાનિક મીડિયા અને વહીવટીતંત્રના અધિકારી (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ)ને આપેલા તેમના નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
- 40 ટકા દાઝેલા અંકિતાનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું
- હાઈકોર્ટે સુવિધા વગરની આ હૉસ્પિટલને કેમ ન બંધ કરી દેવી તેવો સવાલ કર્યો છે
- દરમિયાન મુખ્ય મંત્રી હેમંત સોરેને અંકિતાના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે
- શાહરૂખ હુસૈનની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે એફઆઈઆર દાખલ કરી દેવાઈ છે
- વિપક્ષી નેતા બાબુલાલ મરાંડીએ દુમકામાં તૈનાત એક ડીએસપી પર પણ સાંપ્રદાયિક અને આદિવાસી વિરોધી હોવાનો આરોપ લગાવ્યો અને તેમને આ કેસમાંથી બહાર રાખવાની માંગ કરી

"તે (શાહરુખ) છેલ્લા કેટલાક દિવસોથી મારી પુત્રી અંકિતાને હેરાન કરતો હતો. 10-12 દિવસ પહેલા તેણે અંકિતાની એક બહેનપણી પાસેથી તેનો ફોન નંબર લઈ લીધો અને તેને વારંવાર ફોન કરીને હેરાન કરવા લાગ્યો હતો. મારી પુત્રીએ આ વાતો મને કહી તો પહેલા તો મેં વાતની અવગણના કરી હતી. પરંતુ, 22મી ઑગસ્ટની સાંજે તેણે અંકિતાને ફોન કરીને કહ્યું હતું કે જો તે તેને નહીં મળે તો તે તેને મારી નાખશે."
"અંકિતાએ મને આ વાત પણ કરી હતી. ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે શાહરૂખ અને તેના પરિવારના સભ્યો સાથે આ મુદ્દે સવારે વાતચીત કરીશ. દરમિયાન, 23 ઑગસ્ટની સવારે તેણે બારી પાસે સૂતેલી મારી દીકરી પર પેટ્રોલ છાંટીને સળગતી દીવાસળી ફેંકી દીધી. તેમાં અંકિતા ખરાબ રીતે દાઝી ગઈ અને અંતે અમે તેને બચાવી ન શક્યા. મારી માસૂમ દીકરી મરી ગઈ અને અમે રડી રહ્યા છીએ."
આ નિવેદન છે ઝારખંડના દુમકા શહેરના જરુવાડીહ વિસ્તારના રહેવાસી સંજીવસિંહનું. તે અંકિતાસિંહ ઉર્ફે છોટીના પિતા છે, જેને તેના જ વિસ્તારમાં રહેતા શાહરુખ હુસૈન નામના યુવકે એકતરફી પ્રેમમાં સળગાવી દીધાં હતાં.
દુમકા અને રાંચીની હૉસ્પિટલમાં જીવન સાથે સંઘર્ષ કરી રહેલા અંકિતાનું 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિએ રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (આરઆઈએમએસ)માં અવસાન થયું હતું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 29 ઑગસ્ટના રોજ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ઝારખંડ પોલીસે કેસ દાખલ કરીને મુખ્ય આરોપી શાહરુખ અને તેના એક સહયોગીની ધરપકડ કરી છે.
દુમકાના એસપી અંબર લકડાએ બીબીસીને જણાવ્યું, "આ ઘટના પછી તરત જ અમે શાહરૂખ હુસૈનની ધરપકડ કરી અને તેની સામે એફઆઈઆર દાખલ કરી દીધી હતી. પ્રાથમિક તપાસ બાદ તેના એક સહયોગી મિત્ર છોટુ ખાનની પણ પોલીસે ધરપકડ કરી છે. આ એકતરફી પ્રેમનો મામલો છે. છોકરો અને છોકરી બંને બે અલગ ધર્મના હોવાથી પોલીસ-પ્રશાસન ખાસ સતર્ક છે. પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસ આ મામલે કોઈને પણ છોડશે નહીં અને મૃતકના સગાઓને ન્યાય અપાવશે. આ કેસમાં અગાઉ આઈપીસીની કલમ 320, 307 અને 506 જેવી કલમો દાખલ કરવામાં આવી હતી. હવે અમે કોર્ટમાં આમાં હત્યાની કલમ 302 ઉમેરવાની અપીલ કરી રહ્યા છીએ."

મૃત્યુ પહેલાં અંકિતાનું નિવેદન

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
અંકિતાએ તેમના મૃત્યુ પહેલાં 23 ઑગસ્ટની સવારે દુમકાની ફૂલો ઝાનો મેડિકલ કૉલેજમાં સ્થાનિક મીડિયા અને વહીવટીતંત્રના અધિકારી (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) સાથે વાત કરી હતી.
તેમના નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ અંકિતાને સારી સારવાર માટે રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (આરઆઈએમએસ)માં મોકલવામાં આવ્યાં હતાં.
આ વીડિયોમાં અંકિતા સિંહ કહે છે, "તેનું નામ શાહરુખ છે. તે મને 10-15 દિવસથી હેરાન કરતો હતો. જ્યારે હું સ્કૂલે જતી હતી ત્યારે તે આગળ-પાછળ કરતો હતો. કોઈની પાસેથી મારો નંબર લઈ લીધો હતો. કહેતો હતો કે વાત નહીં કરે તો આમ કરીશ, તેમ કરીશ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વાત નહીં કરે તો તને મારીશ, બધાને મારીશ. તે ઘણી છોકરીઓ સાથે વાત કરે છે. છોકરીઓને ફેરવે છે. મને રાતે 8.30 વાગ્યે ધમકી આપી હતી. મેં પપ્પાને વાત કરી હતી. ત્યાં તો સવારના ચાર વાગ્યે આમ કરીને (આગ લગાવીને) તે ચાલ્યો ગયો."

વહીવટીતંત્ર સારવાર કરાવી રહ્યું હતું

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
અંકિતાના દાઝી ગયાના કલાકો બાદ દુમકાના ડેપ્યુટી કમિશનર (ડીસી) રવિશંકર શુક્લાએ તેના દાદા અનિલસિંહને 1 લાખ રૂપિયાનો ચેક મોકલ્યો હતો. ત્યારે ડીસીએ કહ્યું હતું કે વહીવટીતંત્ર તેના પરિવાર સાથે છે અને અંકિતાને યોગ્ય સારવાર કરાવવામાં આવશે. રિમ્સમાં તેની સારવાર કરનાર ડૉક્ટરે બીબીસીને જણાવ્યું કે તે માત્ર 45 ટકા જ દાઝી હતી. તેનો ચહેરો બરાબર હતો પરંતુ શરીર ખરાબ રીતે દાઝી ગયું હતું. જોકે, તેમને બચાવી ન શક્યા.
અંકિતાના પિતા સંજીવસિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
તેમણે બીબીસીને કહ્યું, "ભાજપના લોકોએ સારવારમાં ઘણી મદદ કરી. હૉસ્પિટલમાં કોઈ સમસ્યા ન હતી. અમે મહિને માત્ર 10 હજાર કમાઈએ છીએ. અમારો આટલો મોટો પરિવાર છે. જો મદદ ન મળી હોત તો સારવાર કરાવવામાં તકલીફ પડત. ડૉક્ટરો તેની સારી સારવાર કરી રહ્યા હતા. ભોજન-નાસ્તો સમયસર મળતો હતો પણ હવે મારી દીકરી બચી નથી. એટલા માટે મારી માંગ છે કે શાહરુખને ફાંસીની સજા આપવામાં આવે. ત્યારે જ તેમના આત્માને શાંતિ મળશે. તે તડપી-તડપીને મરી છે. તેના હત્યારાને પણ એ જ મૃત્યુ મળવું જોઈએ."

સરકાર વળતર આપશે

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
દુમકાના ધારાસભ્ય અને મુખ્ય મંત્રી હેમંત સોરેનના ભાઈ બસંત સોરેને બીબીસીને જણાવ્યું કે તેઓ પહેલાથી જ આ મામલા પર નજર રાખી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પ્રશાસને તેના પરિવારજનોને સારવાર માટે તે જ દિવસે એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. અમે તેની સારવારમાં કોઈ કચાશ રાખી ન હતી. ડૉકટરો પાસેથી તેની સ્થિતિની ખબર લેતા હતા. આ દરમિયાન તેનું મોત થયું હતું તે માટે હું દિલગીર છું.
બસંત સોરેને કહ્યું, "મેં ત્યાંના ડીસી અને એસપી સાથે વાત કરી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તેની સુનાવણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તેનું પુનરાવર્તન ન થાય અને દોષિતોને જલ્દીથી સખત સજા મળે તેની અમારી સરકાર ખાતરી આપે છે. આ અંગે રાજકારણ રમવું યોગ્ય નથી. મારી વિનંતી પર, સરકારે તેમના પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું છે. ચેક આજે અથવા કાલે તેમને મોકલી આપવામાં આવશે."

મૃત્યુ પર રાજકારણ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સભ્યતા રદ કરવાની અટકળોને કારણે ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે મુખ્ય વિપક્ષ ભાજપને એક મુદ્દો મળી ગયો છે. ભાજપ વિધાયક દળના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી બાબુલાલ મરાંડી સોમવારે સાંજે અંકિતાના પરિવારજનોને મળવા દુમકા જવાના છે. તેમના પ્રતિનિધિ પિન્ટુ અગ્રવાલે મીડિયાને આ માહિતી આપી છે.
બાબુલાલ મરાંડીએ ટ્વીટ કર્યું, "જે હૉસ્પિટલના ગેરવહીવટને લઈને માનનીય હાઈકોર્ટે ત્યાં સુધી કહી દીધું છે કે તેને શા માટે બંધ ન કરી દેવી જોઈએ. જ્યાં પેરાસિટામોલ અને સિરિંજ સુદ્ધા નથી ત્યાં ગંભીર રીતે દાઝી ગયેલી બાળકી માટે કેટલી સારી સારવારની અપેક્ષા રાખી શકાય. અને આરોગ્ય મંત્રી બેશરમ થઈને કહે છે કે સારવારમાં કોઈ કમી રાખવામાં આવી નહોતી."
તેણે દુમકામાં તૈનાત એક ડીએસપી પર પણ સાંપ્રદાયિક અને આદિવાસી વિરોધી હોવાનો આરોપ લગાવ્યો અને તેમને આ કેસમાંથી બહાર રાખવાની માંગ કરી.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે અંકિતાના પરિવારના સભ્યો માટે 1 કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે. જો કે, તેમણે અંકિતાના પરિવારની તેમને દુમકા આવવાની વિનંતીનો એમ કહીને અસ્વીકાર કર્યો હતો કે તેમની તબિયત ખરાબ છે અને તેથી તેઓ 2-3 દિવસ બાદ દુમકા આવી શકશે. ભાજપના એક કાર્યકર્તાએ રઘુબર દાસની અંકિતાના દાદા અનિલસિંહ સાથે ફોન પર વાત કરાવી હતી.

મુખ્ય મંત્રી હેમંત સોરેનનું નિવેદન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
દરમિયાન મુખ્ય મંત્રી હેમંત સોરેને અંકિતાના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું, "બેટી અંકિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ. અંકિતાના પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાની સહાય સાથે આ ઘૃણાસ્પદ ઘટનાને ફાસ્ટ ટ્રૅક કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશકને પણ એડીજી દ્વારા વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે."
હેમંત સોરેને અંકિતા મામલે મીડિયાને જણાવ્યું હતું કે, "સમાજમાં દુષ્ટતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના હૃદયદ્રાવક છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વહેલી તકે સજા આપવામાં આવે એવો અમારો પ્રયાસ રહેશે."
"આવા લોકોને માફ ન કરવા જોઈએ. તેમને સખત સજા થવી જોઈએ. આવી ઘટનાઓ માટે હાલના કાયદાઓને વધુ કડક બનાવવા માટે કાયદો લાવવો જોઈએ."

દુમકા બંધ, કલમ 144 લાગુ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજ્યપાલ રમેશ બૈસે આ મામલે મુખ્ય સચિવ અને ડીજીપીને રાજભવન બોલાવ્યા છે.
દરમિયાન રવિવારથી દુમકામાં મોટાભાગની દુકાનો બંધ છે. ભાજપ, બજરંગ દળ અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનોએ રવિવારે રેલી કાઢીને દુકાનો બંધ કરાવી હતી. પ્રદર્શનકારીઓ આ કેસના મુખ્ય આરોપી શાહરૂખ હુસૈનને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર 'જસ્ટિસ ફોર અંકિતા' અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે કેટલાક લોકો તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે સ્થિતિ કાબૂમાં છે. દરમિયાન, દુમકામાં પ્રતિબંધિત આદેશો (કલમ-144) લાગુ કરવામાં આવ્યા છે. જેમાં એક જગ્યાએ પાંચ કે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કોણ હતી અંકિતા અને કોણ છે શાહરૂખ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC
પોલીસના જણાવ્યા અનુસાર, અંકિતા કુમારીસિંહ અને શાહરુખ હુસૈન બંનેનો પરિવાર નિમ્ન મધ્યમ વર્ગીય છે. અંકિતાના પિતા સંજીવસિંહ કરિયાણાની દુકાનમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની અને અંકિતાનાં માતાનું લગભગ દોઢ વર્ષ પહેલાં કૅન્સરને કારણે અવસાન થયું હતું. અંકિતા તેના ત્રણ ભાઈ-બહેનોમાં બીજા નંબરે હતાં અને તેમણે દસમાની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી હતી. તેઓ તેમના પિતા, દાદા, દાદી અને નાના ભાઈ સાથે રહેતાં હતાં. તેમનાં મોટા બહેન પરિણીત છે.
જેમના પર અંકિતાની હત્યાનો આરોપ છે તે શાહરુખનો પરિવાર પણ તે જ વિસ્તારમાં એક માટીના મકાનમાં રહે છે. તેમના પિતા ચિત્રકાર હતા, જેમનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. તે નાનું-મોટું કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતો હતો. શાહરુખના ઘરના લોકો અત્યારે મૌન છે અને આ મુદ્દે કંઈ કહેવા માગતા નથી. શાહરુખનો પરિવાર દુમકા જિલ્લાના શિકારીપાડા બ્લોકનો વતની છે, પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી દુમકામાં કાચું ઘર બનાવીને રહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















