ગુજરાત હાઈકોર્ટે વહીવટી તંત્રને કેમ કહ્યું, 'માત્ર આંસુ સારવાથી કામ નહીં થાય, પગલાં લો'

રાજ્યમાં 'રખડતાં ઢોર' મુદ્દે પાછલા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્યમાં 'રખડતાં ઢોર' મુદ્દે પાછલા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
લાઇન
  • ગુજરાતમાં 'રખડતાં ઢોરો' મુદ્દે હાઇકોર્ટ સરકારની ઝાટકણી કાઢી.
  • રાજ્યમાં 'રખડતાં ઢોર' મુદ્દે પાછલા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે.
  • ઢોરનિયંત્રણ મામલે લવાયેલો 'કડક કાયદો' પસાર તો કરાયો પરંતુ તેનું અમલીકરણ મુલતવી.
લાઇન

ગુજરાત હાઈકોર્ટે ફરી એક વાર તંત્રને રખડતાં ઢોર મામલે અસરકારક પગલાં લેવા મામલે ઝાટકણી કાઢી છે.

ગુજરાત હાઇકોર્ટે સોમવારની કાર્યવાહી દરમિયાન કહ્યું હતું કે, "માત્ર આંસુ સારવાથી કામ નહીં થાય. ઢોરનિયંત્રણ મામલે લેવાયેલ પગલાંનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરો."

નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ પાછલા કેટલાક સમયથી ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની રખડતાં ઢોરના ત્રાસથી છુટકારો મેળવવા માટેનાં પગલાંની કડક શબ્દોમાં ટીકા કરી રહી છે.

સોમવારે પણ આ મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, "ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા ઑથૉરિટી દ્વારા અમદાવાદની સડક પર જોવા મળેલ રખડતાં ઢોરની સમસ્યા અને તંત્ર દ્વારા તેમના સોગંદનામામાં લેવાયેલ પગલાં અંગેની વિગતોમાં ભારે વિસંગતતા છે. આ મામલે હજુ ઘણું કરવાની જરૂર છે."

તેઓ કહે છે કે, "આ સમગ્ર મામલે આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને 156 મ્યુનિસિપલ કૉર્પોરેશન પર દેખરેખ રાખતા સ્થાનિક કમિશનરોએ લેવાયેલ પગલાંનો વિસ્તૃત અહેવાલ સમયસર રજૂ કરવો."

નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી હાઇકોર્ટનાં સૂચનોને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. જે અંતર્ગત તેઓ રખડતાં ઢોરના ત્રાસને નિવારવા માટે ટીમો બનાવી સેંકડો રસ્તે રખડતાં ઢોરને પકડીને તેમના માલિકો સામે કાનૂની કાર્યવાહી કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. તેમ છતાં રસ્તે રઝળતાં ઢોરની સમસ્યા યથાવત્ જણાતાં ન્યાયતંત્રની ટીકા ચાલુ રહેવા પામી છે.

આ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં 'રખડતાં ઢોરો'ની સમસ્યાને લઈને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અમદાવાદમાં રખડતાં ઢોરોની સમસ્યાની તીવ્રતા ચકાસવા માટેનું કામ લીગલ સર્વિસ ઑથૉરિટીને સોંપ્યું હતું. જેના રિપોર્ટમાં ઑથૉરિટીએ જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદમાં જ કોઈ એવો રસ્તો બાકી નથી, જ્યાં ઢોર રખડતાં ન મળી આવ્યાં હોય.

ઑથૉરિટીનો આ રિપોર્ટ રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા કેટલી વિકરાળ બની ગઈ છે તે જણાવે છે. પાછલા કેટલાક સમયથી આ સમસ્યા છાપાંની હેડલાઇનોમાં પણ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જેમાં રખડતાં ઢોરોએ જાહેરસ્થળોએ નાગરિકોને અડફેટે લીધા હોય, જેમાં કેટલાક કિસ્સાઓમાં ભારે ઈજા અને જાનહાનિ થવાના પણ સમાચાર મળ્યા છે.

તાજેતરમાં જ 13મી ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ખાતે રાજ્યના પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલને 'રખડતાં ઢોરે' ઢીંક મારી હતી, જેના કારણે તેમને સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા. તે સમયે પણ 'રખડતાં ઢોર'નો મુદ્દો ખૂબ ચર્ચાયો હતો.

13મી ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ખાતે રાજ્યના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી અને નાણામંત્રી નીતિન પટેલને 'રખડતાં ઢોરે' ઢીંક મારી હતી જેની કારણે તેમને સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા. તે સમયે પણ 'રખડતાં ઢોર'નો મુદ્દો ખૂબ ચર્ચાયો હતો

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, 13મી ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ખાતે રાજ્યના પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલને 'રખડતાં ઢોરે' ઢીંક મારી હતી, તે બાદ 'રખડતાં ઢોર'નો મુદ્દો ખૂબ ચર્ચામાં છે.

અહીં પ્રશ્ન એ છે કે કોર્ટ, સરકાર અને સમાજના વારંવારના પ્રયાસો છતાં કેમ 'રખડતાં ઢોર'ની સમસ્યા પર અંકુશ લાદી શકાતો નથી?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ આ ક્ષેત્રમાં કાર્યરત્ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

line

'કડક કાયદો અને આત્મશિસ્તનો અભાવ'

માલધારી સમાજે ઢોરનિયંત્રણ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને સુરત, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ તેની વિરુદ્ધ આવેદનપત્ર આપ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માલધારી સમાજે ઢોરનિયંત્રણ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને સુરત, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ તેની વિરુદ્ધ આવેદનપત્ર આપ્યા હતા

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સમાજકલ્યાણ વિભાગના વડા ડૉ. જકરાણી 'રખડતાં ઢોર'ની સમસ્યા માટે પશુપાલકોમાં આત્મશિસ્ત અને કડક કાયદાના અભાવને મૂળ કારણો પૈકી એક ગણાવે છે.

તેઓ કહે છે કે, "શહેરી વિસ્તારોમાં ઢોરનિયંત્રણની કામગીરી થાય છે, પરંતુ અહીં પ્રશ્ન એવો છે કે મોટા ભાગના પશુપાલકો પાસે પોતાની પાસેનાં ઢોર રાખવા માટે પૂરતી જગ્યા નથી અને જો જગ્યા હોય તો કોઈક કારણોસર તેમની પાસે તે ઢોર રાખવા માટે પરમિટ નથી હોતી."

"આના કારણે વધારાનાં ઢોર રસ્તે ફરતાં જોવા મળે છે."

ડૉ. જકરાણી આગળ કહે છે કે, "આ સિવાય ઢોર પકડ્યા બાદ તેને નિભાવવાં એ પણ એક પડકાર છે. તેમજ ગોશાળામાં જગ્યાના અભાવે વધુ પશુઓને પકડીને ત્યાં મોકલી શકાતાં નથી. આ કારણે સમસ્યા યથાવત્ રહે છે."

તેઓ આગળ કહે છે કે, "ગુજરાતમાં આપણી પશુપાલકો માટે પોતાનાં ઢોરનું ટૅગિંગ કરાવવું ફરજિયાત હોવા છતાં, કડક કાયદાના અભાવે ઘણા એવું કરાવતા નથી. જેથી જવાબદાર પશુપાલકો સામે પગલાં ભરવાનું મુશ્કેલ થઈ પડે છે."

ડૉ. જકરાણી આ મુદ્દે વધુ વાત કરતાં જણાવે છે કે, "હાલમાં લવાયેલ નવા ઢોરનિયંત્રણ કાયદાનો અમલ મુલતવી રખાયો છે, જે કારણે આપણી પાસે અત્યાર આ સમસ્યાના અંકુશ માટે કોઈ કડક કાયદો નથી. જેના કારણે સમસ્યા યથાવત્ રહે છે."

તેઓ આગળ કહે છે કે, "રખડતાં ઢોરની સમસ્યા માટે ઘણી વખત જાહેર જનતાની જીવદયાની ભાવના પણ કારણભૂત બને છે, કારણ કે આપણે ત્યાં જીવદયાને બીજાં બધાં માપદંડો કરતાં ઉપર રાખવામાં આવે છે અને રખડતાં ઢોરની સમસ્યા વણઉકેલી રહી જાય છે."

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રસ્તે 'રઝળતાં ઢોરો' મામલે સરકારની ઝાટકણી કાઢતાં તેની પ્રતિક્રિયારૂપે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વાઘાણીએ રાજ્ય સરકાર 'રખડતાં ઢોરો'ની સમસ્યાના નિકાલ માટે પ્રતિબદ્ધ હોવાની વાત કરી હતી, જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં લેવાનારાં પગલાં અંગે જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "રાજ્ય સરકારે પાંજરાપોળમાં પશુપાલકો પોતાનાં ઢોરોને રાખી શકે તે માટે મંજૂરી આપી છે. આ સિવાય વધુ પાંજરાપોળ પણ બાંધવામાં આવશે. જેના માટે સરકારે દસ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરાઈ છે."

વાઘાણીએ પોતાની જાહેરાતમાં આગળ કહ્યું હતું કે, "રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા ઢોરનિયંત્રણના પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવશે. આ સિવાય સરકાર તમામ પાંજરાપોળમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ ઉઠાવશે. આ સિવાય જો પશુપાલકો પાંજરાપોળ સુધી પશુને લઈ જવા માટે ટ્રાન્સપૉર્ટની માગણી કરે તો તે પણ પૂરી પાડવામાં આવશે."

line

'સરકાર પણ જવાબદાર'

વાંક કોનો પશુપાલકોનો કે સરકારનો?

ઇમેજ સ્રોત, YAWAR NAZIR

ઇમેજ કૅપ્શન, વાંક કોનો પશુપાલકોનો કે સરકારનો?

રાજકોટના ભરવાડ સમાજના આગેવાન અને પશુપાલક મુધવાભાઈ આ સમગ્ર બાબત અંગે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "ગોમાતા અને ગોવંશ રસ્તે રઝળે છે, તેના માટે માત્ર અને માત્ર સરકાર જવાબદાર છે. કારણ કે આપણે ત્યાં ઉદ્યોગકારોને જેટલું મહત્ત્વ અપાય છે, તેટલું પશુપાલકોને નથી અપાતું."

તેઓ આગળ કહે છે કે, "જો સરકાર ખરેખર આ બાબતનો ઉકેલ લાવવા માગતી હોય તો નાણાંની ફાળવણી કરીને તેમણે એનિમલ હૉસ્ટેલ બનાવવી જોઈએ."

"જેનાથી પશુપાલકોને વાજબી દરે પોતાનાં પશુ રાખવાની અને તેમના નિભાવ માટેની વ્યવસ્થા મળી શકે. પરંતુ વિડંબના તો એ છે કે જો અત્યારે કોઈ ઉદ્યોગને ફાળવણી કરવાની વાત આવે તો સરકાર તરત તે કરી દેશે પરંતુ પશુપાલકો માટે અને ગોમાતાની જાળવણી માટે તે આવું કરતી નથી."

તેઓ પશુપાલકો દ્વારા ઇરાદાપૂર્વક ઢોર રસ્તે ફરતાં મુકાતાં હોવાની વાત અંગે અસંમતિ વ્યક્ત કરતાં કહે છે કે, "એવું બિલકુલ નથી થતું. ગુજરાતમાં ગોચરની જમીન નહિવત્ છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. તો આખો દિવસ ઢોર વાડામાં પુરાયેલ ન રહી શકે."

"તેને ફરવા માટે મોકળાશની જરૂર હોય છે અને તે આપમેળે રસ્તે નીકળે છે. પશુપાલકો દ્વારા નિભાવખર્ચમાં ઘટાડા માટે તેમને રસ્તે રઝળતાં મૂકવાની વાત તદ્દન પાયાવિહોણી છે."

મુધવાભાઈ આગળ કહે છે કે, "મોટા ભાગે ચોમાસામાં આ સમસ્યા રહે છે. કારણ કે આ સમયે ઢોરને માખી-મચ્છર વધુ પજવતાં હોય છે. અને રસ્તે વાહનના ધુમાડાના કારણે આ સમસ્યા તેમને થતી નથી. તે કારણે ઢોર આપમેળે રસ્તે રહેવાનું પસંદ કરે છે ના કે જે-તે પશુપાલકને ત્યાં."

line

કાયદો પસાર કરાયો પરંતુ અમલ મુલતવી

માર્ચ 2022માં ગુજરાત વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાતના શહેરી વિકાસમંત્રી વિનોદભાઈ મોરડિયાએ વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું.

તે સમયે મોરડિયાએ કહ્યું હતું કે, 'શહેરી વિસ્તારોમાં ગાય, બળદ, સાંઢ, ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતાં જોવા મળે છે. જેના કારણે રસ્તાઓ અને જાહેરસ્થળો પર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે, જેને નાથવા આ બિલ રજૂ કરવામાં આવે છે.'

બિલની કેટલીક જોગવાઈઓ પ્રમાણે :

  • કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે.
  • લાઇસન્સ બધાને દેખાય તેમ રાખવું પડશે તથા જવાબદાર અધિકારી ગમાણનું નિરીક્ષણ કરી શકશે.
  • દરેક પશુનું ફરજિયાત ટૅગિંગ કરાવવાનું રહેશે.
  • ટૅગિંગ ન હોય તેવાં ઢોરને જપ્ત કરાશે તથા રૂ. 50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે.
  • પશુ રસ્તા કે જાહેરસ્થળોએ રઝળે નહીં, તે જોવાની જવાબદારી માલિકની રહેશે.
  • ટૅગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા દસ હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ.
  • ઢોર પકડવા માટેની ટુકડી ઉપર હુમલો કરનારને અથવા તો તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ તથા રૂ. 50 હજારના દંડની જોગવાઈ.
  • પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે માલિકને રૂ. પાંચ હજારનો દંડ, બીજી વખત પકડાય એટલે રૂ. દસ હજારનો દંડ તથા ત્રીજી વખત રૂ. 15 હજારનો દંડ તથા એફઆઈઆર.
  • મૃત પશુનો જાહેર આરોગ્યને અસર ન થાય તેવી રીતે નિકાલ કરવો.

આ સિવાય રોગચાળાના સંજોગોમાં પશુઓને ખસેડવાની જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. જોકે, અન્ય કાયદાઓ હેઠળ આ પ્રકારની જોગવાઈઓ હતી જ.

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર એમ આઠ મહાનગપાલિકા ઉપરાંત 156 નગરપાલિકાના હદવિસ્તારમાં આ કાયદાની જોગવાઈઓ લાગુ થવાની હતી.

બિલ ઉપર ચર્ચા કરતી વેળાએ ગુજરાતના જે-તે વખતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે દંડની રકમને ખૂબ જ વધુ ગણાવી હતી અને તેને ઘટાડવાનો આગ્રહ કર્યો હતો. ભાજપના દિગ્ગજ ધારાસભ્યની આ રજૂઆતને વિપક્ષ કૉંગ્રેસના ધારાસભ્યોએ વધાવી લીધી હતી.

જોકે સમગ્ર ગુજરાતમાં આ કાયદાને પશુપાલકો દ્વારા 'કાળો કાયદો' ગણાવી તેની સામે વિરોધ કરાયો હતો. ઠેર-ઠેર પ્રદર્શનો અને રજૂઆતો બાદ આ કાયદાનું અમલીકરણ હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકાયો નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ