'ટુ-પીસ સ્વિમસૂટ પહેરેલા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા તો રાજીનામું માગ્યું' મહિલા પ્રોફેસરની આપવીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગીતા પાંડે દ્વારા
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

- ફોટોગ્રાફ્સમાં યુવતીએ ટુ-પીસ સ્વિમસ્યુટ પહેર્યો હતો અને તેમના રૂમમાં લેવામાં આવેલી સેલ્ફી હતી.
- યુવતી અનુસાર "તેઓએ મને કહ્યું કે હું યુનિવર્સિટીની બદનામી થઈ છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે."
- યુવતી કહે છે કે તેમણે તેને "સ્ટોરી" તરીકે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એટલે કે તે 24 કલાક પછી ગાયબ થઈ ગઈ હતી.
- યુવતીએ બદનક્ષીનો આરોપ લગાવીને વળતરમાં 99 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
- યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગૌરવ બેનરજી દ્વારા પશ્ચિમ બંગાળ રાજ્યના શિક્ષણમંત્રીને સંબોધીને શરૂ કરવામાં આવેલી change.org પિટિશનને 25,000થી વધુ સહીઓ મળી છે.

કોલકાતાની એક અગ્રણી ખાનગી યુનિવર્સિટી તાજેતરના મહિનાઓમાં એક વિવાદમાં ફસાઈ છે.
સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસરે બીબીસીને જણાવ્યું હતું કે બિકીનીમાં તેના ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા બદલ તેમને નોકરી છોડવાની ફરજ પડી હતી. જોકે આ આરોપ યુનિવર્સિટીએ નકારી કાઢ્યો છે.
31 વર્ષીય યુવતીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે તેણે યુનિવર્સિટીના અધિકારીઓ પર "જાતીય સતામણી" નો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમને "ધમકાવવામાં આવી હતી, અપમાનિત કરવામાં આવી હતી અને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવ્યાં હતાં".
યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને યુનિવર્સિટીને કાનૂની નોટિસ મોકલી છે. યુવતીએ બદનક્ષીનો આરોપ લગાવીને વળતરમાં 99 કરોડ રૂપિયાની માગણી કરી છે.

'મને ઇન્ટરોગેશન રૂમમાં લઈ જવાઈ'
આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોને અંગ્રેજી શીખવવા માટે નવ ઑગસ્ટ 2021ના રોજ ફેકલ્ટીમાં જોડાયાં હતાં.
બે મહિના પછી, તેમને વાઇસ ચાન્સેલરની ઑફિસમાં બોલાવવામાં આવ્યાં હતાં.
તેમના કહેવા પ્રમાણે તેમને ઇન્ટરોગેશન રૂમમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં વાઇસ ચાન્સેલર ફેલિક્સ રાજ, રજિસ્ટ્રાર આશિષ મિત્રા અને પાંચ મહિલાઓની બનેલી સમિતિ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
તેમને જાણ કરવામાં આવી હતી કે સ્નાતકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીના પિતા તરફથી તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વાઇસ ચાન્સેલરે કહ્યું કે આ માતા-પિતાએ તેમના પુત્રને ઇન્સ્ટાગ્રામ પર તમારા ફોટોગ્રાફ્સ જોતા જોયા હતા, જે ફોટામાં તમે માત્ર અન્ડરગાર્મેન્ટ્સ પહેર્યા હતા. તેમણે કહ્યું કે તે કામોત્તેજક હતા અને વિદ્યાર્થીના પિતાએ યુનિવર્સિટીને વિનંતી કરી કે તેઓ તેમના પુત્રને આવી અશ્લીલતાથી બચાવે."
બોર્ડના સભ્યોએ યુવતીને એ "પાંચ-છ ફોટોગ્રાફ્સ"ની પ્રિન્ટ આપી હતી અને તેમને ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું કે આ ફોટા તેમનાં જ છેને.

'મને લાગ્યું કે મારો ભૂક્કો બોલાવાઈ રહ્યો છે'

ઇમેજ સ્રોત, Getty Images
ફોટોગ્રાફ્સમાં યુવતીએ ટુ-પીસ સ્વિમસૂટ પહેર્યો હતો અને તેમના રૂમમાં લેવામાં આવેલી સેલ્ફી હતી. યુવતી કહે છે કે તેમણે તેને "સ્ટોરી" તરીકે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એટલે કે તે 24 કલાક પછી ગાયબ થઈ ગઈ હતી.
પરંતુ પૅનલે તેમનો એ ખુલાસો નકારી કાઢ્યો હતો કે ફોટા તે યુનિવર્સિટીમાં જોડાઈ તેના લગભગ બે મહિના પહેલાં અને તેમણે વિદ્યાર્થીઓની કોઈપણ વિનંતીઓ સ્વીકારી હતી તે પહેલાં 13 જૂન 2021ના રોજ પોસ્ટ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું "ત્યારે મને લાગ્યું કે મારા અંગત ફોટોગ્રાફ્સ મારી સંમતિ વિના શેર કરવામાં આવી રહ્યા છે એ જોઈને મને આઘાત લાગ્યો હતો. મને પૅનિક એટેક આવ્યો."
"તત્કાલ તો મારાથી મારા પોતાના ફોટોગ્રાફ્સ જોવાનું સહન થયું નહીં, જે રીતે તેઓ મને રજૂ કરી રહ્યા હતા અને તેમની વાતનો ને કારણે તેઓ મને સસ્તા લાગતા હતા. મને લાગ્યું કે મારો ભૂક્કો બોલાવાઈ રહ્યો છે, હું તૂટી રહી છું."

'તમારાં માતા-પિતાએ તમારા ફોટા જોયા છે?'
"મને પૂછવામાં આવ્યું કે તમે આવું કેમ કર્યું? એક મહિલા તરીકે તમને તે વાંધાજનક નથી લાગતું? એક પ્રોફેસર તરીકે, શું સમાજ પ્રત્યે તમારી ફરજ નથી કે તમારું આચરણ યોગ્ય હોય? શું તમે નથી જાણતા કે મહિલાઓ માટે ડ્રેસ કોડ હોય છે?"
"તેઓએ મને કહ્યું કે હું યુનિવર્સિટીની બદનામી થઈ છે અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે. મને પૂછવામાં આવ્યું કે શું મારાં માતા-પિતા ઇન્સ્ટાગ્રામ પર હતાં અને તેઓએ ફોટા જોયા? મને ચિતરી ચડી અને આઘાત લાગ્યો હતો."
યુવતીને બીજા દિવસે લેખિત ખુલાસા સાથે આવવાનું કહેવામાં આવ્યું હતું.

માફી અને 'બળજબરીથી રાજીનામું'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર યુવતી બીજા દિવસે વાઇસ ચાન્સેલરની ઑફિસમાં ગયા અને માફીપત્ર આપ્યું.
"જેન્ડર સેલના વડા સહિત કેટલાક ફેકલ્ટી સભ્યોની સલાહને આધારે માફીનામું લખ્યું હતું." ભૂતપૂર્વ સહાધ્યાયી અને યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર પણ પૅનલના સભ્ય હતા અને તેમણે પણ પૂછપરછ કરી હતી.
પ્રોફેસર યુવતીએ માફીપત્રમાં લખ્યું કે "જો મારા ફોટોનું એવું અર્થઘટન થતું હોય કે તેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે, તો મને માફ કરશો."
યુવતીએ કહ્યું કે તે "બહુ જ ખરાબ અનુભવ" હતો, પરંતુ તેમણે એમ માનીને મન વાળ્યું હતું કે મામલો પતી જશે.
"પરંતુ વાઇસ ચાન્સેલરે મને કહ્યું કે બોર્ડે સર્વાનુમતે મારી બરતરફીની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે તમારા ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે, મોટાભાગના વિદ્યાર્થીઓએ તે જોયા છે અને તેઓ તમને ગંભીરતાથી લેશે નહીં અને વાલીઓ ફરિયાદ કરશે. તેમણે કહ્યું કે હું સ્વેચ્છાએ રાજીનામું આપી દઉ તો વધુ સારૂં."
અને જો તેમ ન કર્યું તો તેમણે "જેલમાં જવું પડશે કારણ કે માતા-પિતા પોલીસ ફરિયાદ નોંધાવવા માગે છે અને મારી ધરપકડ કરવામાં આવશે".
યુવતી કહે છે, "હું એકલી પડી ગઈ અને મેં રાજીનામું આપી દીધું."
યુવતીએ જણાવ્યું, "સાથે મને ખૂબ ગુસ્સો પણ આવ્યો અને મેં કાનૂની સલાહ લીધી. કારણ કે મારા ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા, સ્ક્રીનશૉટ લેવામાં આવ્યા હતા અને મારી સંમતિ વિના શેર કરવામાં આવ્યા હતા. મારા વકીલે મને સાયબર-ક્રાઇમ પોલીસમાં જાતીય સતામણીની ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું."

'અમે તેમને નોકરી છોડવા કહ્યું નથી'
સમિતિએ પ્રોફેસર યુવતીને બરતરફ કરવાની ભલામણ કરી હતી કે કેમ તે અંગે ફાધર ફેલિક્સ રાજે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ફાધરે યુનિવર્સિટી અને પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
ફાધરે કહ્યું, "અમે શિક્ષણ અને જ્ઞાનની પવિત્ર સંસ્થા ચલાવીએ છીએ. વડીલ અને યુનિવર્સિટીના વડા તરીકે મેં તેમને કહ્યું હતું કે તેમણે આવા ફોટા મુકવા ન જોઈએ."
ત્યારબાદ ફાધરે કહ્યું, તેમણે યુવતીને રાજીનામું આપવા દબાણ કર્યું ન હતું અને યુવતૂએ પોતાની મરજીથી નોકરી છોડી દીધી હતી.
"તેમણે આઠ ઑક્ટોબર [2021]ના રોજ માફીપત્ર આપ્યું. અમે તે સ્વીકાર્યું હતું. મને લાગ્યું કે તે એક સારો સંકેત હતો. પરંતુ પછી અમે પૂજા તહેવારના વિરામ પછી કૉલેજ ફરીથી ખોલી ત્યારે તેમણે 25 ઑક્ટોબરના રોજ પોતાનું રાજીનામું મોકલ્યું."
"મને આશા હતી કે તે રજાઓ પછી નોકરી પર પરત ફરશે. મને ખબર નથી કે એ બે અઠવાડિયામાં શું થઈ ગયું. અમારે તેમની પ્રત્યે કોઈ દ્વેષ નથી અને અમે તેમની સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નથી."
ફાધરને પૂછવામાં પૂછવામાં આવ્યું કે યુવતી યુનિવર્સિટીમાં જોડાયા પછી તેમના કોઈ ફોટા ઇન્સ્ટાગ્રામ ફીડ પર ઉપલબ્ધ નહોતા અને તેમણે ફૅકલ્ટી સભ્ય દ્વારા પ્રતાડિત કરવામાં આવી હોવાના તેણીના આક્ષેપ વિશે ફાધર ફેલિક્સ રાજે કહ્યું કે તે "ટેકનૉલૉજીના નિષ્ણાત નથી".

'મોરલ પોલીસિંગનું ક્રૂર સ્વરૂપ'
શિક્ષક સામેની કાર્યવાહીને ઘણા વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા "બદલાની ભાવના સાથેની" ગણાવવામાં આવી છે.
યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગૌરવ બેનરજી દ્વારા પશ્ચિમ બંગાળ રાજ્યના શિક્ષણમંત્રીને સંબોધીને શરૂ કરવામાં આવેલી change.org પિટિશનને 25,000થી વધુ સહીઓ મળી છે.
ગૌરવ બેનરજીએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે યુનિવર્સિટી પ્રોફેસરની માફી માંગે અને તેઓ સરકારને કડક હાથે સમિતિ સામે શિસ્તભંગના પગલાં લેવાનું કહી રહ્યા છે.
તેમણે કહ્યું, "મારી જેમ ઘણા લોકોને એવો ડર લાગે છે કે યુનિવર્સિટી આવું કંઈક કરી શકે છે."
તાજેતરમાં, યુનિવર્સિટીના ડઝનેક વિદ્યાર્થીઓ કાળા પોશાક પહેરીને પ્રોફેસર માટે સમર્થન બતાવવા માટે યુનિવર્સિટી કૅન્ટીનની બહાર મૌન વિરોધ કર્યો હતો.
એક સહભાગીએ કહ્યું, "અમને અમારા એક પ્રોફેસરને ટારગેટ કરાયેલા મોરલ પોલીસિંગના આ ક્રૂર સ્વરૂપનો પરિચય થયો છે."
તેમણે કહ્યું, "આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. હું મારી પ્રાઇવેટ સ્પેસમાં શું કરી રહી છું તે અંગે કોઈને કેમ ચિંતા થવી જોઈએ? આપણી પર્સનલ સ્પેસ અભેદ્ય હોવી જોઈએ."
તેમણે ઉમેર્યું, "ભયાનક વાત એ છે કે જે સમિતિના સભ્યોમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે, તેઓએ ન વિચાર્યું કે આ મોરલ પોલીસિંગ છે?"

'મને કદાચ જીત ન મળે...'
વિવાદના કેન્દ્રમાં રહેલાં પ્રોફેસર યુવતીએ કહ્યું કે તે જેમણે તેમને ટેકો આપ્યો તે "તમામ સમર્થનથી અભિભૂત અને આભારી છે."
"મહિનાઓ સુધી ક્ષોભની લાગણી અનુભવ્યા પછી મને લાગે છે કે લોકો જોઈ રહ્યા છે કે તે કેટલી હાસ્યાસ્પદ બાબત છે."
તેઓ કહે છે કે ગોપનીયતા અને સ્વ-અભિવ્યક્તિનો અધિકાર અભેદ્ય છે અને ભારતના બંધારણ દ્વારા આપણને આપવામાં આવ્યો છે અને આ "નિરીક્ષણ" કાર્યસ્થળની બહાર વિસ્તર્યું છે.
યુવતી પૂછે છે, "સંસ્થામાં જોડાતાં પહેલાં મારું વર્તન તેમના સોશિયલ મીડિયા પ્રોટોકોલ અથવા માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કેવી રીતે ગણાય?"
તેઓ કહે છે, "મારો દ્રઢ વિશ્વાસ છે કે મેં કંઈ ખોટું કર્યું નથી. મને કદાચ જીત ન પણ મળે, પરંતુ મારા માટે આ એક મહત્ત્વપૂર્ણ લડાઈ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
















