PM મોદીની ભૂજ મુલાકાત પૂર્વે યુવાનની હત્યાને પગલે વિસ્તારમાં સર્જાયો કોમી તંગદિલીનો માહોલ


- ગુજરાતમાં ભૂજ રબારી સમાજના યુવકની હત્યા બાદ કોમી તંગદિલીનો માહોલ સર્જાયો
- PM નરેન્દ્ર મોદી મંગળવારે ભૂજ ખાતે સ્મૃતિવન અને અન્ય પ્રોજેક્ટોના લોકાર્પણ માટે મુલાકાત લેવાના છે
- અંગત અદાવતમાં થયેલ જીવલેણ હુમલામાં યુવાનના મૃત્યુ બાદ અમુક સ્થળોએ પથ્થરમારાની ઘટના બની હતી

શુક્રવારે ભૂજ તાલુકાના માધાપર ગામમાં દૂધની ફેરી કરતાં રબારી સમાજના યુવકની સુલેમાન સના નામના યુવકે હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, માધાપર ભૂકંપપીડિતોની સ્મૃતિ માટે બનાવાયેલ 'સ્મૃતિવન' સ્મારકથી માત્ર ચાર કિલોમિટર દૂર છે, જેનું ઉદઘાટન 28 ઑગસ્ટ, રવિવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
વર્ષ 2001ના ભૂકંપમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકોનાં પણ મૃત્યુ થયાં હતાં. જેની સ્મૃતિમાં 'સ્મૃતિવન' બનાવાયું છે.
વડા પ્રધાન મોદી શનિવારે અને રવિવારે ગુજરાતની મુલાકાતે છે, જે દરમિયાન તેઓ કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક લોકોપયોગી પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવાના છે.
હત્યાની ઘટનાની વિગતો અનુસાર, દૂધની ફેરી કરતાં રબારી સમાજના યુવકની માધાપરના લોહાણા સમાજવાડી પાસે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
ભૂજના પરા સમાન માધાપર નવાવાસ ગામે શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં યુવકની થયેલી હત્યા અંગત અદાવતમાં ઘટી હોવાની મૃતકના મોટાભાઈએ ફરિયાદ નોંધાવી છે.
મૃતક 20 વર્ષીય પરેશ રાણાભાઈ રબારી ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. પરિવાર પશુપાલન અને દૂધની ફેરી કરે છે.
પરેશે તેમના મોટાભાઈને શુક્રવારે એક વાગ્યાના અરસામાં ફોન કરીને સુલેમાન સમા નામની વ્યક્તિએ તેમને છરી મારી હોવાનું અને પોતે લોહાણા મહાજનવાડી બહાર આવેલા પાનના ગલ્લા પાસે ઊભા હોવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદ અનુસાર, દૂધની ફેરી કરીને પરત ફરી રહેલા કમલેશ બાઇક લઈ સીધા ઘટનાસ્થળે રવાના થયા હતા. દરમિયાન, અન્ય પરિચિતો પરેશને રિક્ષામાં સારવાર માટે સ્થાનિક જી. કે. જનરલ હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં અડધા કલાકની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પરેશને છાતીમાં જમણા ભાગે વાગેલો છરીનો ઘા જીવલેણ સાબિત થયો હતો.
મૃતક પરેશે તેમના ભાઈને જણાવ્યું હતું કે કોટકનગરમાં રહેતા સુલેમાન જોડે અગાઉ તેમને ઝઘડો થયો હતો અને તે અદાવતમાં તેમણે હુમલો કર્યો હતો.
રાત્રે સાડા આઠ વાગ્યે મૃતક યુવકની અંતિમક્રિયા બાદ ઉશ્કેરાયેલા યુવાનોના ટોળાએ માધાપર સ્મશાનથી અંદર રેલવે ફાટક તરફ જવાના રસ્તે આવેલા ધાર્મિક સ્થળમાં પ્રવેશીને તોડફોડ કરી હતી. માધાપરના વીરાંગના સર્કલ સામે આવેલા એક સ્ટોરમાં તોડફોડ કરવામાં આવી હતી.
ત્યાર બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આગળ જઈને માધાપર નવાવાસના બસ સ્ટેન્ડ પાછળ ઊભી રહેતા લારીવાળા સાથે મારકૂટ કરી અહીં આવેલા ધાર્મિક સ્થાનમાં છૂટક પથરાવ કર્યો હતો અને બાદમાં ટોળું નાસી છૂટ્યું હતું.
સૂત્રો અનુસાર, 100 અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પરિસ્થિતિ વણસે તે પૂર્વે એસપી, ડીવાયએસપી સાથે પોલીસના કાફલાએ સ્થળ પર ધસી જઈ પરિસ્થિતિ અંકુશમાં લઈ લીધી હતી.
બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાએ પોલીસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે વડા પ્રધાનની મુલાકાતના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું કહી વાત કરવાની અસમર્થતા બતાવી હતી.
બીબીસીના સહયોગીના જણાવ્યાનુસાર હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
ધ ક્વિન્ટ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, 26 ઑગસ્ટની સાંજે આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવને પગલે ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ શહેર નજીકના માધાપર ગામમાં પોલીસની મોટી ટુકડી તહેનાત કરવામાં આવી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













