ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા

- ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણી દરમિયાન મહિલા મતદારોની સંખ્યા વધી
- 2019માં પહેલી વખત ભાજપ સૌથી વધુ મહિલાઓના મત મેળવનારો પક્ષ બન્યો
- ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ ભાજપે મહિલા મતદારોને આકર્ષવાના પ્રયાસ કર્યા હતા
- વિશેષજ્ઞ પ્રમાણે, મહિલાઓ ભાજપથી નહીં પણ નરેન્દ્ર મોદીથી વધુ પ્રભાવિત છે
- મહિલાઓને આકર્ષવાના પ્રયાસો તો થાય છે પરંતુ તેમને ટિકિટ અપાતી નથી

"બનાસકાંઠાની મહિલાઓ સંતાનો કરતાં પણ વધારે લાગણીથી તેમનાં પશુઓને સાચવે છે. મહિલાઓ લગ્ન છોડી દે પરંતુ પશુઓને છોડીને એકલાં ન જાય. આ ત્યાગ અને તપસ્યા છે, જેને હું નમન કરું છું."
આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. ગત એપ્રિલમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના નવા સંકુલના લોકાર્પણ બાદ વડા પ્રધાને આ વાત કહી હતી.
"ગુજરાતનું સદભાગ્ય છે કે પંચાયત વ્યવસ્થામાં પુરુષો કરતાં મહિલા પ્રતિનિધિત્વ વધુ છે."
આ વાત પણ વડા પ્રધાને માર્ચ મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં કહી હતી.
જૂન મહિનામાં વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં 21,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતાં પીએમ મોદીએ કહ્યું, "આમાંની મોટા ભાગની યોજના મહિલા કેન્દ્રિત છે. મહિલાઓના આરોગ્ય, પોષણ અને સશક્તીકરણ માટેની છે. આજે અહીં લાખોની સંખ્યામાં માતાબહેનો અમને આશીર્વાદ દેવા આવ્યાં છે."
આ રીતે છેલ્લા કેટલાક સમયમાં એવા ઘણા કાર્યક્રમો કે સભાઓ યોજવામાં આવ્યાં જેના કેન્દ્રમાં મહિલાઓ હતી.
આ કાર્યક્રમોમાં મહિલાઓની સંખ્યા પણ ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાર બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ વડા પ્રધાન મોદી મહિલા મતદારોને આકર્ષવા માટે આ પ્રકારનાં કાર્યક્રમો યોજી રહ્યા છે.
અમદાવાદમાં રહેતા વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈનું કહેવું છે, "હા, એ વાતમાં તથ્ય છે કે ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં મહિલા મતદારોને રીઝવવા માટે સતત મહિલા મતદારો પર ફોક્સ કરવામાં આવી રહ્યું હોય. મહિલાઓ કુટુંબનું કેન્દ્ર હોય છે. મહિલા પ્રભાવિત થાય તો પરિવાર પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી આ વાત સ્વાભાવિક હોય તેમ લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

11 લાખથી વધુ નવા મહિલા મતદારો

ઇમેજ સ્રોત, Getty Images
આંકડા પ્રમાણે, 2017ની ચૂંટણી વખતે ગુજરાતમાં 4.35 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા, જે પૈકી 68.36 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
મત આપનારા 2.97 કરોડ જેટલા મતદારોમાંથી 1.37 કરોડ મહિલાઓ હતી. એટલે કે સરારેશ 40 ટકા જેટલી મહિલાઓએ મતદાન કર્યું હતું.
જ્યારે 2012ની ચૂંટણીમાં 1.45 કરોડમાંથી 1.26 કરોડ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. ટૂંકમાં છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યામાં 11 લાખનો વધારો થયો છે.
હકીકતમાં મહિલા મતદારોને આકર્ષવાનું ગુજરાત મૉડલ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યું હતું.
તાજેતરના બે અભ્યાસ અનુસાર, ફેબ્રુઆરી, માર્ચ 2022માં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં પુરુષોની સરખામણીએ મહિલાઓએ ભાજપને વધુ મત આપ્યા છે.
2019માં ભાજપ પ્રથમ વખત સૌથી વધુ મહિલાઓના મત મેળવનારો પક્ષ બન્યો હતો.

'તમને કોઈ તકલીફ હોય તો ભાઈ સમજીને મને એક પોસ્ટકાર્ડ લખજો'

ઇમેજ સ્રોત, Getty Images
હાલનું એટલે કે વર્ષ 2022નું વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે. સરેરાશ દર મહિને નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં કોઈને કોઈ કાર્યક્રમ કે સભા હોય છે.
આ જ વર્ષે ઉતર પ્રદેશમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "જ્યાંજ્યાં પણ બહેનો, માતાઓ અને દીકરીઓએ પુરુષની સરખામણીમાં વધારે મતદાન કર્યું છે ત્યાં ભાજપને પ્રચંડ વિજય મળ્યો છે. ઉત્તર પ્રદેશના વિજયમાં મહિલાઓ સારથિ છે."
અમદાવાદમાં રહેતા અન્ય એક વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ એક રસપ્રદ તારણ આપે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં મહિલા મતદારો પર ભાજપ ફોક્સ કરી રહ્યો છે એવું નથી. સ્થિતિ ઊંધી છે. ખરેખર તો ગુજરાતની જેમ મોદીએ બિહાર અને ઉત્તર પ્રદેશમાં મહિલા મતદારો પર ફોક્સ કર્યું હતું અને ભાજપને સારાં પરિણામ મળ્યાં હતાં."
તેઓ કહે છે, "નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી તેમણે મહિલા મતદારોના મત મેળવવાનું આયોજન કર્યું છે. જો વધારે ચોક્કસ રીતે કહેવું હોય તો કહી શકાય કે 2007થી આ આયોજન કર્યું છે."
"2002માં ગોધરાકાંડ થયો હતો. એ પછી 2007માં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી આખી ચર્ચાને વિકાસ તરફ લઈ ગયા. એ દરમ્યાન પાર્ટીને ખ્યાલ આવ્યો કે વિકાસની વાત મહિલા અને યુવાવર્ગને તરત અસર કરે છે. તેથી તેમણે એ વર્ગ પર ફોક્સ વધાર્યું અને ભાજપને એમાં ઉત્તરોત્તર સફળતા પણ ગુજરાતમાં મળી છે."
નરેન્દ્ર મોદી એ વખતે સભાઓમાં કહેતા કે 'બહેનો તમને કોઈ તકલીફ હોય તો ભાઈ સમજીને મને એક પોસ્ટકાર્ડ લખજો.' તેથી આ મૉડલ ગુજરાતમાં તો 2007થી ભાજપે અમલમાં મૂક્યું જ હતું.
2014માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર રચાઈ એ પછી તેનો અમલ ભાજપે મોટા ભાગની ચૂંટણીમાં કર્યો છે. જેમાં પાર્ટીને ધાર્યાં પરિણામ પણ મળ્યાં હતાં. તેથી મહિલા મતદારોને આકર્ષવાનું એ જ ગુજરાત મૉડલ હવે રાજ્યમાં ચૂંટણી છે ત્યારે ફરી સક્રિય થયું છે."

ભાજપ ભારતીય મહિલાઓની પસંદગીનો પક્ષ કેવી રીતે બન્યો?
દિલ્હીસ્થિત થિંક ટૅન્ક 'સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ' (CSDS)ના સંજયકુમાર કહે છે, "નરેન્દ્ર મોદીના કારણે. આ અચાનક નથી થયું કે પાર્ટી મહિલાઓ માટે આકર્ષણ બની ગઈ છે. મોદી ચોક્કસપણે એક પરિબળ છે - મુખ્ય પરિબળ."
આ વાત વધુ વિગતે જણાવતાં દિલીપ ગોહિલ કહે છે, "2007 બાદ ભાજપનો જે વિજય થયો એના જે સરવે થયા તેમાં એવું પણ તારણ નીકળ્યું હતું કે યુવાવર્ગ અને મહિલા મતદારોએ ભાજપને વધુ મત આપ્યા છે. તેમણે ભાજપ કરતાંય નરેન્દ્ર મોદીના ચહેરાને વધુ મત આપ્યા છે."
"એવું જ્યારે ફલિત થયું ત્યારથી એના પર ફોક્સ વધ્યું છે. આ વાત કૉંગ્રેસને પણ હવે કદાચ પરખાઈ ગઈ છે તેથી હાલમાં એવા પણ સમાચાર છે કે ગુજરાત કૉંગ્રેસે નિર્ણય કર્યો છે કે ભાજપની ટીકા કરવી પણ નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ટીકા ન કરવી. "
"એની પાછળનો એક તર્ક એ નીકળી શકે કે કૉંગ્રેસ યુવા અને મહિલાઓના મત ગુમાવવા નથી માગતી."

મહિલાલક્ષી યોજનાએ મોદીને વોટ બૅન્કનો ફાયદો કરાવ્યો?

ઇમેજ સ્રોત, ANI
2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમણે મહિલાઓને લક્ષ્યમાં રાખીને ઉજ્જવલા યોજના, સ્વચ્છતા અભિયાન અને જલ સે નલ જેવી યોજનાઓ લાગુ કરી અને તેનો વ્યાપક પ્રચાર પણ થયો છે.
નલીન મહેતા રાજકીય વિશ્લેષક અને લેખક છે, જેમણે તેમના તાજેતરના પુસ્તક 'ધ ન્યૂ બીજેપી'માં આ વિષય પર વ્યાપકપણે સંશોધન કર્યું છે.
તેઓ કહે છે, "ભાજપની મહિલા સમર્થકોનો એક નોંધપાત્ર ભાગ ભારતના ગ્રામીણ વિસ્તાર અને ગરીબી રેખાથી નીચે જીવતા લોકોમાંથી આવતો હોવાથી પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ પણ મુખ્યત્વે તેમને લક્ષ્યમાં રાખે છે."
"પિતૃસત્તામાં ઊંડે સુધી પેસેલા દેશમાં મહિલાઓ પાસે થોડા મિલકતના અધિકારો છે. 2014 અને 2019ની વચ્ચે ગરીબો માટે મંજૂર કરાયેલા 17 લાખ ઘરોમાંથી લગભગ 68 ટકા વ્યક્તિગત અથવા પુરુષો સાથે સંયુક્ત રીતે મહિલાઓનાં નામે નોંધાયેલાં હતાં."
જોકે, અમદાવાદમાં રહેતા અને સૅક્યુલર લોકશાહીના વિચારને વરેલાં કર્મશીલ મીનાક્ષી જોષીનું કહેવું છે કે, "સરકાર માટે ખરેખર જો મહિલાઓ વોટ બૅન્ક હોય તો તેમને સહાનુભૂતિના જોરે નહીં પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારે પૂરતી તક આપવી જોઈએ."
તેઓ કહે છે, "જાહેરાત પ્રમાણે સાત ટકા બહેનોને નોકરીમાં અનામત મળે છે. જીપીએસસી સિવાય તમે સરકારની કઈ જાહેરખબરમાં જોયું કે વિવિધ ક્ષેત્રે નોકરીમાં બહેનોને સાત ટકા અનામત પ્રમાણે તક મળશે?"
"આંગણવાડી કે આશાબહેનોનાં પ્રશ્નો સરકારને કેમ ઉકેલવા નથી?"

મોંઘવારી અને મહિલાઓને લગતી જાહેરસભાઓ સંબંધિત?

ઇમેજ સ્રોત, ANI
હાલમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાંધણગૅસના બૉટલની કિંમત એક હજાર રૂપિયાને આંબી ગઈ છે. મોંઘવારીને કોઈ પણ મહિલા - ગૃહિણી જેટલી સમજી શકે છે એટલું બીજું કોઈ સમજી ન શકે.
ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપને કદાચ બીક હોઈ શકે કે આ વખતની ચૂંટણીમાં તેમની વોટ બૅન્ક ન જોખમાય. એ માટે પણ મોદીએ ગુજરાતમાં હાલના છેલ્લા કેટલાક જે કાર્યક્રમ આપ્યા છે તે વિશેષ રીતે મહિલાલક્ષી હોવાનું મીનાક્ષી જોષીને લાગે છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "મહિલા સૉફ્ટ ટાર્ગેટ છે. તેમને લાગણીભર્યાં વચનો આપીને ભોળવીને પ્રભાવિત કરી શકાય છે. તેથી તેમના મત એ રીતે મેળવવા સરળ થઈ જાય છે. ખરેખર જોવા જઈએ તો મહિલાઓ વોટ બૅન્ક નથી, પણ તેમને વોટ બૅન્ક બનાવવાના પ્રયાસ દરેક પક્ષના હોય છે."
તેઓ આગળ જાણાવે છે, "યોજનાઓ જાહેર કરવી અને તેના અમલમાં ફરક છે. પછી તે ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત. અંતરિયાળ વિસ્તારના ઘરોમાં ગૅસના બાટલા પહોંચાડતી ઉજ્જવલા હોય કે અન્ય કોઈ યોજના, એની જાહેરાત તો પોસ્ટરો અને હૉર્ડિંગ્સમાં જ સારી લાગે છે, પણ વાસ્તવિકતા એ છે કે ઉજ્જવલામાં બીજી વખત કે ત્રીજી વખત ગૅસ સિલિન્ડર ભરાવવાની વાત આવી તો ઘણી મહિલાઓ તે ભરાવી શકી નથી."
"વિધવા સહાય યોજના કે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવવો એ અભિમન્યુનાં સાત કોઠા વીંધવા જેવું અઘરું બની જતું હોય છે, કારણ કે એના પુરાવા કે દસ્તાવેજીકરણની ટેકનિક એવી છે કે કોઈ સામાન્ય મહિલા માટે મુશ્કેલ થઈ પડે છે."
દિલીપ ગોહિલના જણાવ્યા પ્રમાણે, "મહિલાઓની યોજનાઓનો લાભ મોટા વર્ગ સુધી નથી પહોંચ્યો એ હકીકત છે. છતાં પણ મહિલાઓના મનમાં મોદી પ્રત્યે સહાનુભૂતિ હોવાનું કારણ એ છે કે તેમને એવું લાગે છે કે કોઈક નેતાએ એવું તો વિચાર્યું કે બહેનો ચૂલો ન ફૂંકે. જે કદાચ ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવે છે."

'મહિલાઓના મત જોઈએ છે, પણ ઉમેદવારી નથી આપવી'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની અગાઉની ચૂંટણીઓમાં પણ ભાજપ હોય કે કૉંગ્રેસ, મહિલાને ઉમેદવાર તરીકે ટિકિટ ફાળવવામાં પાર્ટીઓએ ઝાઝો રસ દાખવ્યો નથી. જો વધારે મહિલાઓને ઉમેદવારી આપવામાં આવે તો મહિલા વોટ બૅન્ક આપોઆપ ન સચવાઈ જાય?
આ પ્રશ્નના જવાબમાં દિલીપ ગોહિલ કહે છે, "દરેક પક્ષ મહિલાઓના ન્યાય અને સમાનતાની ભલે વાતો કરે પણ જ્યારે ચૂંટણીનો વખત આવે ત્યારે મહિલાઓને ટિકિટ નથી ફાળવતા, કારણ એ છે કે ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ ફાળવણીમાં તેમની જીતવાની ક્ષમતા એટલે કે 'વિનેબલિટી ફૅક્ટર' જ જોવામાં આવે છે."
"એમાં કોણ જીતશે એ જ અગત્યનું હોય છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની આ વખતની ચૂંટણીમાં 'લડકી હૂં લડ સકતી હૂં' ઝુંબેશ શરૂ કરીને મહિલાઓને 40 ટકા ઉમેદવારી આપી હતી. ત્યારે કૉંગ્રેસ પાર્ટીને પણ એ ખ્યાલ તો હતો જ કે પાર્ટી સરકાર બનાવી શકે એવા કોઈ સગવડ નથી પરંતુ એ ઝુંબેશને બહાને પાર્ટીનો સ્કોર વધારવાની એક તક મળી હતી."
તેઓ ઉમેરે છે કે, "બહેનો એવું ઇચ્છે છે કે તેમને પાયાની સગવડો મળે, જાહેર જીવન તો પછી આવે છે. થોડું ઘણું જે પ્રતિનિધિત્વ છે એવી મહિલાઓને પંચાયતોમાં ટિકિટ આપવામાં આવે છે અને ગુજરાતમાં પંચાયતોમાં અડધોઅડધ મહિલા નેતૃત્વ જોવા મળે છે."
મીનાક્ષીબહેન કહે છે, "દરેક પાર્ટી મહિલાઓના મત ઇચ્છે છે પણ મહિલાઓની રાજકીય જાગૃતિ થાય તે તેમને મંજૂર નથી. સામાજિક કે આર્થિક વ્યવસ્થામાં મહિલાઓને યોગ્ય જગ્યા મળે તે કોઈ પાર્ટી નથી ઇચ્છતી."
"કોઈ પાર્ટીને ખરેખર મહિલા ઉત્કર્ષમાં રસ હોય તો ઉમેદવાર તરીકે મહિલાઓને વધારે ને વધારે ટિકિટ ફાળવવી જોઈએ. પાર્ટી એવી જગ્યાએ જ મોટે ભાગે ટિકિટ ફાળવશે જ્યાં મહિલા અનામત બેઠક હોય. ઘણી જગ્યાઓએ એવું પણ જોવા મળ્યું છે કે પાર્ટી એવી જ મહિલાને આગળ કરશે જે પાર્ટીના આગેવાનોના ઇશારે કામ કરે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













