મહારાષ્ટ્રમાં ફડણવીસના બદલે એકનાથ શિંદેને CM બનાવવા પાછળ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો શું પ્લાન છે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદથી ત્યાંના રાજકારણમાં બે ડાયલૉગ ઘણા ચર્ચામાં રહ્યા -
પ્રથમ : 'મુખ્ય મંત્રી શિવસેનાના જ હશે'
બીજો : 'હું સમુદ્ર છું, પાછો ફરીશ'
વર્ષ 2022 આવ્યું, આ બંને ડાયલૉગ સાચા સાબિત થયા, પરંતુ એક અપવાદ સાથે. ફડણવીસ પાછા સત્તામાં આવ્યા પણ 'ડિમોશન' સાથે.

ઇમેજ સ્રોત, ANI
તેમના આ 'ડિમોશન'ને મહારાષ્ટ્રના રાજકીય વિશ્લેષકો અલગ-અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, અમુક તેને કેન્દ્રીય ભાજપની વર્ષ 2024ની તૈયારી તરીકે જોઈ રહ્યા છે, તો બીજાનું માનવું છે કે શિંદેને ભાજપ ખુલ્લી છૂટ નથી આપવા માગતો.
ઘણા વિશ્લેષકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે આવું જ કરવું હતું તો વર્ષ 2019માં જ ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર બનાવી શકતો હતો. અઢી વર્ષ બાદ એ જ ફૉર્મ્યુલાનો સ્વીકારવાની કેમ જરૂર પડી.

સોશિયલ ઇજનેરીનો સંદેશ

બિહાર બાદ મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે, જ્યાં વધુ બેઠકો છતાં ગઠબંધનમાં ભાજપ 'નાના ભાઈ'ની ભૂમિકામાં છે.
મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અભય દેશપાંડે માને છે કે ભાજપે એક સાથે ઘણા સંદેશ આપવાના પ્રયત્ન કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્રથમ સંદેશ સોશિયલ ઇજનેરીનો છે. મહારાષ્ટ્રમાં મરાઠા 30 ટકા છે. બ્રાહ્મણ ચહેરા સાથે પાંચ વર્ષ ભાજપે કામ ચલાવ્યું, પરંતુ મરાઠા આરક્ષણના મુદ્દે વિપક્ષ અને ખાસ કરીને શરદ પવારની એનસીપીએ તેમને હંમેશાં બૅકફૂટ પર રાખ્યા."
"આથી આ વખત ભાજપની વ્યૂહરચના અંતર્ગત મરાઠા ચહેરાને મુખ્ય મંત્રી તરીકે રજૂ કરાયા."
એવું નથી કે ભાજપ પાસે ખુદના મરાઠા ચહેરા નથી, પરંતુ શિવસેનાના મરાઠા ચહેરાને આગળ કરીને ભાજપે એક તીરથી બે નિશાન સાધ્યાં.

ઉદ્વવ ઠાકરેને કમજોર કરવાની કોશિશ

ઇમેજ સ્રોત, ANI
રાજ્યના બીજા વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમોરે કહે છે કે શિંદેને મુખ્ય મંત્રી બનાવીને એક પ્રકારે ભાજપે ઉદ્ધવની શિવસેનાને વધુ કમજોર કરવાનો પ્રયાસ કર્યો છે.
"કેન્દ્રીય ભાજપ દરેક રાજ્યમાં વ્યૂહરચના ઘડી રહ્યો છે કે ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા અને પછી પોતાનો બૅઝ તૈયાર કરવો અને ધીમેધીમે ક્ષેત્રીય પાર્ટીનો બૅઝ ખતમ કરવો."
"આ વ્યૂહરચના અંતર્ગત પહેલાં એકનાથ શિંદેને તેમણે ઉદ્ધવની શિવસેનાથી અલગ કર્યા, અને હવે તેમને મુખ્ય મંત્રી બનાવીને અન્ય શિવસેના કાર્યકર્તાઓ અને શિવસૈનિકોને ઉદ્ધવ ઠાકરેથી દૂર કરવાની સંપૂર્ણ કોશિશ કરાઈ રહી છે."
"શિંદે ડેપ્યુટી CM હોત તો આવું કરવું થોડું મુશ્કેલ હોત. ભાજપે એક સાથે શિંદેને મુખ્ય મંત્રી બનાવીને મરાઠાકાર્ડ પણ ખેલ્યું અને ઉદ્ધવની શિવસેનાને વધુ કમજોર કરવાનું કાર્ડ પણ. ભાજપ ટૂંક સમયમાં યોજાનારી BMCની ચૂંટણીમાં કમજોર શિવસેનાનો ભરપૂર ફાયદો ઉઠાવવા માગે છે, જે તેમનું પહેલું લક્ષ્ય છે."

2024નું લક્ષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના દીર્ઘકાલિન લક્ષ્યની વાત કરીએ તો તે છે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી.
મહારાષ્ટ્રમાં ભારતનું આર્થિક પાટનગર છે, સાથોસાથ લોકસભામાં 48 સાંસદ પણ મોકલે છે.
વિજય ચોરમોરે કહે છે કે, "શિવસેનાના મુખ્ય મંત્રી બનાવીને ભાજપ વર્ષ 2024 માટે અન્ય શિવસૈનિકોને પણ સંદેશ મોકલવા માગે છે."
"ભાજપ માને છે કે શિવસેના અને ભાજપ 2024માં સાથે મળીને ચૂંટણી લડશે તો પરિણામ ગઠબંધનના પક્ષમાં આવી શકે છે. પરંતુ ભાજપ 2024માં લોકસભા ચૂંટણી એકલો લડે અને શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ એકસાથે ચૂંટણી લડે તો પરિણામ વિપરીત પણ આવી શકે છે. ભાજપને આ વાતની પણ બીક છે."
આ કારણે પણ ભાજપ ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવે છે. જોકે, શિવસેના કોની તે પ્રશ્ન હજુ પણ ઊભો જ છે.
અભય દેશપાંડે વિજય ચોરમોરેની વાતને આગળ વધારતાં કહે છે કે કર્ણાટક અને મધ્ય પ્રદેશ કરતાં મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અલગ હતી.
"મધ્ય પ્રદેશ અને કર્ણાટકની જેમ ધારાસભ્યોનાં રાજીનામાં અપાવીને ફરીથી જીતી શકવું મુશ્કેલ હતું. સાથે જ 2024માં જો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપનો વોટ શૅર ઘણો ઓછો થઈ જાય તેવો પણ ખતરો છે."

2019માં જ શિવસેના સાથે સરકાર કેમ ન બનાવી?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા વિશ્લેષક ભાજપને એવો પણ સવાલ કરે છે કે જો શિવસેનાને મુખ્ય મંત્રીપદ આપવાનું જ હતું તો વર્ષ 2019નાં પરિણામો બાદ જ આપી દેવું હતું. અઢી વર્ષ બાદ મુખ્ય મંત્રીપદ પર દાવો છોડવા પાછળ ભાજપની શી મજબૂરી હતી?
આ અંગે અભય દેશપાંડે કહે છે કે, "ભાજપ એ સમયની રાજકીય પરિસ્થિતિઓનું આકલન યોગ્ય રીતે નહોતો કરી શક્યો. તેથી તેને એ વાતનો અંદાજ નહોતો કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી લેશે અને તે સરકાર આટલાં વર્ષ ચાલી પણ જશે."
"ભાજપને એ સમયે લાગ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનું વલણ ટૂંકસમયમાં જ નરમ પડી જશે અને અઢી-અઢી વર્ષ મુખ્ય મંત્રીની ફૉર્મ્યુલાની જીદ તેઓ મૂકી દેશે. એટલું જ નહીં ભાજપ પણ લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ અતિઉત્સાહિત હતો."
"બાદમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે ગઠબંધન સરકાર ચલાવવામાં સફળ રહ્યા તો ભાજપે પોતાની વ્યૂહરચના બદલી. ભાજપના નેતા પહેલાં તો ઉદ્ધવ સરકારની ઇમેજને ભ્રષ્ટ સાબિત કરવામાં લાગી ગયા, પછી તેમની પાર્ટીઓમાં વિદ્રોહીઓ શોધ્યા અને તેમને પ્રોત્સાહન આપ્યું, જેથી બે તૃતીયાંશ ધારાસભ્યો સાથે પાર્ટી તૂટી જાય અને પછી નવી સરકાર રચવામાં આવે."

'સત્તાભૂખ્યો નથી ભાજપ'

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે મુખ્ય મંત્રીપદ છોડીને ઉપમુખ્ય મંત્રીપદ લઈને, ચોથો સંદેશ એ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ સત્તાભૂખ્યો નથી.
શિંદેએ ગુરુવારે સંમેલનમાં ફડણવીસ અને ભાજપની પ્રશંસામાં કહ્યું, "ફડણવીસે પોતાનું મન મોટું રાખ્યું છે. મોટી પાર્ટી હોવા છતાં ભાજપે તક આપી, તે મોટી વાત છે."
જે. પી. નડ્ડાએ પણ સમાચાર એજન્સી એએનઆઈને આપેલ એક નિવેદનમાં જણાવ્યું કે "દેવેન્દ્ર ફડણવીસે બહારથી સરકારનું સમર્થન કરવાની વાત કરીને સાબિત કર્યું છે કે ભાજપ સત્તાનો ભૂખ્યો નથી. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્ય મંત્રી સ્વરૂપે જવાબદારી સ્વીકારે, એટલે તેમમે સ્વીકારી."
જોકે, પહેલાં વિદ્રોહી ધારાસભ્યોનું સુરત, પછી આસામ અને પછી ગોવા જવું એ જણાવે છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર પાડવાનું સંપૂર્ણ મિશન કોના ઇશારે થઈ રહ્યું હતું.
તેથી જનતા અને કાર્યકર્તાઓ વચ્ચે આ સંદેશ કેટલો પહોંચ્યો અને કેવી રીતે પહોંચ્યો, તેના પર સૌની નજર હશે.

શિંદેને મોકળું મેદાન નહીં

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનામાં વિદ્રોહની પટકથા જે કોઈ પણ લખે, લીડ રોલમાં એકનાથ શિંદે જ છે.
એ પણ ન ભૂલવું જોઈએ કે 39 વિદ્રોહીઓ પૈકી લગભગ અડધા ધારાસભ્યો ઉપર કોઈને કોઈ પ્રકારના કેસ ચાલી રહ્યો છે. પછી ભલે તે ક્રિમિનલ કેસ હોય કે ભ્રષ્ટાચારનો મામલો.
ઉદ્ધવ ઠાકરે અને સાથીઓ એવો આરોપ કરી રહ્યા છે કે કેસની ફાઇલ ખોલવાની બીક બતાવીને ભાજપ આ વિદ્રોહને હવા આપવામાં સફળ રહ્યો.
મુખ્ય મંત્રીપદ શિંદેને આપીને ભાજપ એવું પણ નથી ઇચ્છતો કે તેમના સાથીઓ અને તેમને ખૂલી છૂટ અપાય.
આવનારી ચૂંટણી ખાસ કરીને મુંબઈ નગરનિગમની ચૂંટણી અત્યંત મહત્ત્વની છે.
આ કારણે દેવેન્દ્ર ફડણવીસને તેમણે પોતના સંપૂર્ણપણે ભરોસાપાત્ર પ્રતિનિધિ બનાવીને સરકારમાં રાખ્યા, જેથી પાર્ટીમાં એવો સંદેશ ન જાય કે સમગ્ર ઘટનાક્રમથી ભાજપને શું મળ્યું? શિંદેને સંપૂર્ણ છૂટ ન મળે તે માટે દેવેન્દ્ર ફડણવીસ જેવા અનુભવી ચહેરાની પણ જરૂર હતી.

દેવેન્દ્ર ફડણવીસનું કદ

ઇમેજ સ્રોત, Getty Images
આ સંપૂર્ણ કવાયતમાં એક સંદેશ દેવેન્દ્ર ફડણવીસ માટે પણ છુપાયેલો છે. મહારાષ્ટ્ર ભાજપમાં પાછલાં આઠ વર્ષથી તેમની પકડ સતત વધી રહી હતી.
પાર્ટીએ તેમની પાસે ઉપમુખ્ય મંત્રીપદ સ્વીકાર કરાવીને એક સંદેશ એવો પણ આપ્યો છે કે પાર્ટીના અનુશાસનમાં બધાએ રહેવું પડશે.
ધ હિંદુ અખબારમાં નિસ્તુલા હેબ્બાર અને આલોક દેશપાંડેના લેખ પ્રમાણે ગુરુવારે સવારે જ દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય નેતૃત્વે શિંદેને મુખ્ય મંત્રી અને તેમને ઉપમુખ્ય મંત્રી બનવા સૂચના આપી દીધી હતી.
દેવેન્દ્ર ફડણવીસને જ આ વાતનું એલાન કરવાનું પણ કહેવાયું. દેવેન્દ્ર ફડણવીસ શિંદેને મુખ્ય મંત્રી બનાવવા તૈયાર હતા, પરંતુ જાતે ઉપમુખ્ય મંત્રી બનવા માટે તૈયાર નહોતા.
પરંતુ તેમણે આ વાતની જાહેરાત જાહેરમાં પ્રેસકૉન્ફરન્સમાં કરી. તે સમયે કેન્દ્રીય ભાજપના નેતૃત્વે ભૂમિકા ભજવી. નડ્ડા અને અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી.
પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ પણ જાહેરમાં તેમને ઉપમુખ્ય મંત્રીપદ સ્વીકારવાની અપીલ કરી અને કેન્દ્રીય નેતૃત્વનો સંદેશ પણ પહોંચાડ્યો. જે બાદ ફડણવીસને આ પદ સ્વીકારવું પડ્યું.
જાણકારોની વાત માનીએ તો આ સમગ્ર ઘટનાક્રમમાં એક સંદેશ એવો પણ છુપાયેલો હતો કે રાજ્ય ભાજપ કરતાં ઉપર કેન્દ્રીય ભાજપનું નેતૃત્વ છે, રાજ્યના નેતા આ વાત ન ભૂલે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












