શિવસેના : એકનાથ શિંદેના રાજકીય ગુરુ જેમની પર શિવસૈનિકની હત્યા કરવાનો આરોપ લાગ્યો
- લેેખક, શ્રીકાંત બંગાલે
- પદ, બીબીસી મરાઠી
"શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને વંદન કરું છું. ધર્મવીર આનંદ દીઘેનું સ્મરણ કરું છું. માતા-પિતાના પુણ્યકર્મ છે. મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાહેબના આશીર્વાદ સાથે હું એકનાથ શિંદે...."

ઇમેજ સ્રોત, FACEBOOK
તા. 28 નવેમ્બર 2019ના દિવસે શિવાજી પાર્ક ખાતે એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારના મંત્રી તરીકે શપથ લેવાનું શરૂ કર્યું, તે પહેલાં ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા.
શિવસેનાનો કોઈ નેતા જાહેરમાં ઠાકરે પરિવારનો ઋણસ્વીકાર કરે તે તો સમજી શકાય, પરંતુ 'ધર્મવીર' આનંદ દીઘેનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે તે વ્યક્તિ સામાન્ય ન હોય.
શિંદેનું નિવેદન દીઘે પ્રત્યેનો તેમના આદર અને સન્માન છતા કરે છે. જેઓ શિવસેનાના નેતા હતા અને શિંદેના રાજકીય ગુરુ પણ હતા. થાણે વિસ્તારમાં તેમનું ભારે વર્ચસ્વ હતું, જેના કારણે તેઓ 'થાણેના ઠાકરે' તરીકે ઓળખાતા હતા.
વર્ષ 2001માં તેમની કારનો અકસ્માત થયો અને તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સર્જરી હાથ ધરવામાં આવી, પરંતુ પાછળથી હાર્ટઍટેકને કારણે તેમનું અવસાન થયું.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને પૂર્વ શિવસૈનિક નારાયણ રાણેના પુત્ર નીલેશે આરોપ મૂક્યો હતો કે આનંદ દીઘેના મૃત્યુ માટે બાળાસાહેબ ઠાકેર જવાબદાર હતા, જેમણે સોનુ નિગમની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું. શિવસેનાના સંસદસભ્ય વિનાયક રાઉતે આ આરોપોને નકારી કાઢ્યા હતા .
'ટાડા'ના આરોપી દીઘેના જીવન પર 'ધર્મવીર'ના નામથી મરાઠી ફિલ્મ પણ બની છે. મે મહિનામાં જ્યારે ફિલ્મને લગતો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે તેમાં ઉદ્ધવ ઠાકરે, તેમનાં પત્ની રશ્મી, પુત્ર આદિત્ય, સંજય રાઉત, સલમાન ખાન તથા રીતેશ દેશમુખ હાજર રહ્યા હતા.

કોણ છે આનંદ દીઘે

ઇમેજ સ્રોત, FACEBOOK
આનંદ ચિંતામણિ દીઘેનો જન્મ તા. 27 જાન્યુઆરી, 1957ના રોજ થાણેના ટેંભી નાકા વિસ્તારમાં થયો હતો. આનંદ તરુણાવસ્થામાં હતા અને અહીં બાલ ઠાકેરની સભાઓ થતી, ત્યારે તેઓ ઉત્સાહભેર તેમાં ભાગ લેતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબાર 'થાણે વૈભવ'ના સંપાદક મિલિંદ બલ્લાળના કહેવા પ્રમાણે, "દીઘે બાળાસાહેબના વ્યક્તિત્વ તથા વક્તૃત્વકળાથી આકર્ષાયા હતા. બીજી બાજુ, ઠાકરે પણ દીઘેથી પ્રભાવિત થયા હતા. 1970ના દાયકામાં દીઘેએ આજીવન શિવસેના માટે કામ કરવાનું નક્કી કર્યું અને એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયા. તેઓ કામમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે તેમણે લગ્ન સુધ્ધાં ન કર્યાં."
શિવસેનાને દીઘેસ્વરૂપે થાણે જેવા મોટા અને મહત્ત્વપૂર્ણ જિલ્લામાં પૂર્ણકાલીન કાર્યકર મળ્યા. કામ પ્રત્યેના સમર્પણ અને નિષ્ઠા જોઈને તેમને થાણે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી.
દીઘેની કારકિર્દીને નજીકથી જોનારા સોપાન બોનગાણેના કહેવા પ્રમાણે, "દીઘેના ઘરે તેમનાં માતા, ભાઈ અને બહેન હતાં. છતાં તેમણે શિવસેના જિલ્લાપ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા બાદ ઘરે જવાનું છોડી દીધું હતું. તેઓ કાર્યાલયમાં જ રહેતા અને ત્યાં જ ઊંઘી જતા. કાર્યકરો તેમના માટે ભોજનનું ટિફિન લાવતા."

જિલ્લાપ્રમુખથી 'ધર્મવીર'

ઇમેજ સ્રોત, ARVINND PAREKAR/BBC
'તમે એક મારશો તો અમે 10 મારીશું, તમે 10 મારશો તો અમે 100 મારીશું.' આનંદ દીઘેના જીવન પર આધારિત ફિલ્મ 'ધર્મવીર'માં મુસ્લિમોને સંબોધીને બોલવામાં આવેલો આ સંવાદ તેમની રાજકીય પૃષ્ઠભૂમિ અને વિચારધારાનો પરિચય આપવા માટે પૂરતો છે.
શિવસેનાના જિલ્લાપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા, તે અરસામાં તેમણે ટેંભી નાકા વિસ્તારમાં 'આનંદ આશ્રમ'ની સ્થાપના કરી હતી, જ્યાં દરરોજ સવારે આનંદ દીઘે જનતા દરબાર ભરતા. તેઓ લોકોની સમસ્યાઓ સાંભળતા અને તેનો તત્કાળ ઉકેલ લાવતા.
ફ્રિલાન્સ જર્નાલિસ્ટ રવીન્દ્ર પોખરકરના કહેવા પ્રમાણે, "સવારે છ વાગ્યાથી લોકો પોતાની ફરિયાદો લઈને પહોંચી જતાં. જો વાતમાં વજૂદ જણાય તો તેઓ તરત જ અધિકારીઓને ફોન કરીને કામ કરી આપવા જણાવતા. આમ છતાં પણ જો કામ ન થાય તો તેમણે અધિકારીઓ ઉપર હાથ પણ ઉઠાવ્યો છે. જેના કારણે પોલીસ તથા તંત્રમાં તેમના નામની ધાક બેસી ગઈ હતી."
પોખરકર ઉમેરે છે, "દીઘે દેવ અને ધર્મનું ચુસ્તપણે અનુસરણ કરતા હતા. ટેંભી નાકા વિસ્તારમાં તેમણે જ નવરાત્રી, દહીંહાંડીની શરૂઆત કરાવી હતી. જેના કારણે તેમને 'ધર્મવીર' તરીકે ખ્યાતિ મળી."
"થાણેમાં મ્યુનિસિપલ પરિવહનની શરૂઆત થઈ, ત્યારે તેમણે અનેક શિવસૈનિકોને તેમાં નોકરી અપાવી હતી. આ સિવાય સ્વરોજગાર માટે તેમણે સ્ટોલ પણ શરૂ કરાવ્યા હતા. આ બધી પ્રવૃત્તિઓએ દીઘેને લોકોનાં હૃદયમાં સ્થાન અપાવ્યું."

'થાણેના ઠાકરે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
દીઘેની લોકપ્રિયતા અંગે વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈ કહે છે, "દીઘેની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી હતી. તે સમયે 'માતોશ્રી'માં (બાલ ઠાકરેનું નિવાસસ્થાન) લાગતું હતું કે નાક કરતાં નથણીની વધારે ચર્ચા થઈ રહી છે, કારણ કે દીઘેએ શિવસેનામાં જ અલગ જૂથ ઊભું કર્યું હતું, પરંતુ શિવસેનામાં આવી રીતે કામ નથી થતું. ત્યાં એક રાજા છે અને બાકીના પ્રજા. દીઘે અંગે શિવસેનામાં ચાલી રહેલી ચર્ચાથી બાલાસાહેબ અસ્વસ્થ થઈ ગયા હતા."
શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ કહ્યું હતું, "દીઘેની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અંગે કોઈ શંકા નથી. હિંદુત્વ માટે તેની નિષ્ઠા વિશે કોઈ શંકા નથી. પરંતુ આનંદની કાર્યપદ્ધતિનો પ્રશ્ન છે." આનંદ દીઘેએ જાહેરાત કરી હતી કે, "મારો કોઈ પણ નિર્ણય બાલાસાહેબની સંમતિથી જ હોય છે."

'તારા હાલ ખોપકર જેવા કરું?'

ઇમેજ સ્રોત, KEDAR DIGHE
1989માં થાણેના મેયરની ચૂંટણી સમયે દીઘે રાજ્યભરમાં ચર્ચામાં આવ્યા હતા. શિવસેનાએ મેયરના ઉમેદવાર તરીકે પ્રકાશ પરાંજપેને ઉતાર્યા હતા, એવું લાગતું હતું કે તેઓ જીતી જશે.
શિવસેનાના જિલ્લાપ્રમુખ તરીકે દીઘેની જવાબદારી હતી કે પરાંજપે ચૂંટાઈ આવે તે તેઓ સુનિશ્ચિત કરે, પરંતુ માત્ર એક મતે તેમનો પરાજય થયો.
આ હારને કારણે બાલ ઠાકરે એકદમ ગુસ્સે ભરાયા હતા અને "કોણે ગદ્દારી કરી?" એ સવાલ પુછાવા લાગ્યો હતો. દેસાઈના કહેવા પ્રમાણે, "બાળાસાહેબે સાર્વજનિક રીતે કહ્યું હતું કે જેણે ફંદફેલ કર્યા છે, તેને ક્યારેય માફ કરવામાં નહીં આવે."
અમુક દિવસો પછી સ્પષ્ટ થયું કે શિવસેનાના કૉર્પોરેટર શ્રીધર ખોપકરે તેમની પાર્ટીને દગો દીધો હતો અને વિપક્ષના ઉમેદવારને મત આપ્યો હતો, જેના કારણે શિવસેનાનો પરાજય થયો હતો.
એક મહિના પછી ધોળા દિવસે ખોપકરની હત્યા થઈ ગઈ. દીઘે પર 'ટાડા' (Terrorist And Disruptive Activities Prevention Act, 1987) હેઠળ આરોપ મૂકવમાં આવ્યા. પછી તેઓ જામીન ઉપર છૂટી ગયા અને આજીવન તેમના ઉપર એ કેસ ચાલતો રહ્યો.
હેમંત દેસાઈના કહેવા પ્રમાણે, "એ ઘટના પછી થાણેમાં ક્યારેય કોઈ ઘટના થતી, તો લોકો કહેતા કે તારા હાલ ખોપકર જેવા કરું?"

પાર્ટીની વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ

ઇમેજ સ્રોત, FACEBOOK
દીઘે શિવસેનાના જિલ્લાપ્રમુખ હતા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પાર્ટી જ સત્તા ઉપર હતી, ત્યારે તેમણે સ્થાનિક સ્વરાજ્ય એકમમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ મૂકીને સનસનાટી ફેલાવી દીધી હતી.
તેમણે આરોપ મૂક્યો હતો, "મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 41 ટકા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કૉન્ટ્રાક્ટ બદલ કૉર્પોરેટરોને (નગરસેવક) કમિશન મળે છે."
આ પછી સચિવ નંદલાલના નેતૃત્વમાં તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી. પોખરકરના કહેવા પ્રમાણે, "એક વર્ષની તપાસ પછી નંદલાલ સમિતિનો અહેવાલ આવ્યો. ત્યાર સુધીમાં દીઘેનું મૃત્યુ થઈ ગયું હતું. દીઘેના આરોપોમાં તથ્ય હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ પછી બધું ભીનું સંકેલાઈ ગયું હતું."

મૃત્યુની જાહેરાત કોણ કરે?

ઇમેજ સ્રોત, RAVINDRA POKHARKAR/FACEBOOK
તા. 24 ઑગસ્ટ, 2001ના દિવસે ગણેશોત્સવ હતો. આ દિવસે દીઘે પોતાના કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત થયો. આ અકસ્માતમાં તેમના પગમાં ફ્રેકચર થયું અને ગળાના ભાગમાં ઈજા થઈ હતી.
ઘાયલ દીઘેને થાણેની સુનીતિ દેવી સિંઘાનિયા હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તા. 26મી ઑગસ્ટના બપોરે તેમના પગની સર્જરી કરવામાં આવી, એ પછી તેમની તબિયત કથળવા લાગી.
સાંજે સવા સાત વાગ્યે તેમને પહેલો હાર્ટઍટેક આવ્યો અને 7.25 કલાકે બીજો મોટો હાર્ટઍટેક આવ્યો. છેવટે રાત્રે 10.30 કલાકે હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. એ સમયે તેમની ઉંમર હતી 54 વર્ષ.
દીઘેના મૃત્યુની જાહેરાત કેવી રીતે કરવી તે અંગે અસમંજસ પ્રવર્તતી હતી, ત્યારે ઉદ્ધવ ઠાકરેને મૃત્યુની જાહેરાત કરવાનું કામ સોંપવામાં આવ્યું. જંગલમાં આગ ફેલાય એમ આ સમાચાર થાણેમાં ફેલાઈ ગયા.

ઇમેજ સ્રોત, KEDAR DIGHE
લગભગ 1500 જેટલા શિવસૈનિક સુનીતિ દેવી સિંઘાનિયા હૉસ્પિટલ પહોંચી ગયા અને તેને આગને હવાલે કરી દીધી. કલાકો સુધી 200 બેડની હૉસ્પિટલ અને ત્યાં રહેલી ઍમ્બુલન્સ બાનમાં રહ્યાં.
હૉસ્પિટલમાં થયેલી હિંસા અંગે ટીકા કરતા ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, "તમે પાકિસ્તાનને આતંકવાદી દેશ કહો છો, પરંતુ થાણે કંઈ અલગ છે?"
આ હૉસ્પિટલનું નિર્માણ વિજયપતનાં માતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. તેમણે માગ કરી હતી કે બાલ ઠાકરે હૉસ્પિટલના સ્ટાફની માફી માગે. 2003માં 'પુરાવાના અભાવે' આ કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો.
થાણે ખાતે આનંદ દીઘેની શોકસભામાં બાલ ઠાકરેએ કહ્યું હતું, "અહીં દીઘેની દાઢીનું રાજ હતું. તેની ગર્જના સામે કોઈની અવાજ ઊંચો કરવાની હિંમત ન હતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













