એ ગુજરાતી પ્રેમી યુગલ જેમનો પ્રેમ કટોકટીના આંદોલનમાં પાંગર્યો અને લગ્ન જેલમાંથી કર્યાં

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્રભુતામાં પગલાં પાડવાનાં હોય અને તેની આગલી રાત્રે જ જેલમાં પગલાં માંડવા પડે તો?

અને પછી ખાસ પરણવાં માટે જેલમાંથી જ અઠવાડિયાની પેરોલ આપવામાં આવે. પરણ્યાં પછી દંપતીએ પણ હનીમૂન જેલમાં જ વિતાવવું પડે અને જેલમાં નવદંપતીને અઠવાડિયે માત્ર એક વખત 20 મિનિટ જ મળવાની છૂટ હોય, એ પણ પોલીસના પહેરા વચ્ચે.

હસમુખ અને મંદા પટેલ

ઇમેજ સ્રોત, Hasmukh Patel

ઇમેજ કૅપ્શન, હસમુખભાઈ અને મંદાબહેન

... તો પેલો શેર યાદ આવી જાય, "યે ઇશ્ક નહીં આસાન બસ ઇતના સમજ લીજીયે, ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબતે જાના હૈ"

આ કહાણી છે હસમુખ અને મંદા પટેલનાં જીવનની.

જોકે, હસમુખ અને મંદા પટેલ પ્રેમ માટે નહીં આંદોલન માટે જેલમાં ગયાં હતાં. આંદોલન દ્વારા જ તેઓ એકબીજાની નિકટ આવ્યાં હતાં અને પરિચય પરિણયમાં ફેરવાયો હતો.

line

લગ્ન નક્કી થયાં, ત્યાં તો પોલીસ લઈ ગઈ

હસમુખ અને મંદા પટેલ

ઇમેજ સ્રોત, Hasmukh Patel

ઇમેજ કૅપ્શન, લગ્ન સમયની તસવીર

ચારેક દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હસમુખ પટેલ હાલ આદિવાસીઓ સાથે કામ કરે છે. તેઓ ચીમનભાઈ પટેલની સરકારમાં નર્મદાનો હવાલો પણ સંભાળી ચૂક્યા છે.

હસમુખ પટેલ અને પત્ની મંદાબહેન કૉલેજકાળથી જ સમાજ માટે સંઘર્ષ અને નવરચનાનાં કાર્યોમાં ભાગ લેતાં હતાં. નવનિર્માણનું આંદોલન હોય કે 1975માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી હોય બંને તેમાં સક્રિય હતાં.

હસમુખ પટેલ કહે છે, "કટોકટી વખતે આંદોલનોમાં હું અને મંદા રોજેરોજ મળતાં હતાં. કટોકટી તો દેશમાં લાગુ જ હતી. ગુજરાતમાં બાબુભાઈ પટેલની સરકાર હતી એટલે પકડીને જેલમાં નાખવાનું ચાલુ નહોતું થયું."

તેઓ આગળ કહે છે, "જેવી તેમની સરકાર ગઈ કે લોકોને જેલમાં ભરવાનું શરૂ કરાયું. તેમાં અમારે પણ જેલમાં જવાનું થયું હતું. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું, તેની આગલી રાતે જ અમને જેલમાં નાખી દીધાં હતાં."

line

તે વખતનાં એકમાત્ર મહિલા રાજદ્વારી કેદી

હસમુખ અને મંદા પટેલ

ઇમેજ સ્રોત, Hasmukh Patel

હસમુખ અને મંદા પટેલ 1973થી એકબીજાના પરિચયમાં હતાં. તેમનાં આંતરજ્ઞાતિય લગ્ન હતાં. હસમુખભાઈનો પરિવાર તેના માટે રાજી નહોતો.

હસમુખભાઈ જણાવે છે, "તેથી લગ્ન માટે મારે જ બધું કરવાનું હતું. લગ્નની આગલી રાત્રે અમે ભાઈબંધો અમદાવાદમાં સ્પોર્ટ્સ ક્લબની સામે મળ્યા હતા. એ પછી અમને રાત્રે ઊંચકીને જેલભેગા કરી દીધા હતા."

વિદેશમાં કટોકટી વિરુદ્ધનું જે સાહિત્ય જતું હતું, તેની તપાસ ચાલતી હતી. જેના કારણે હસમુખ અને મંદા પટેલને મિસા(ધ મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યૉરિટી ઍક્ટ)ના કાયદા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

શરૂઆતમાં હસમુખ પટેલને પાલનપુરની જેલમાં અને મંદાબહેનને વડોદરાની જેલમાં લઈ જવામાં આવ્યાં હતાં. એ પછી તમામ રાજકીય કૈદીઓને વડોદરાની જેલમાં લઈ જવાયા હતા.

તેથી બંને એક જ જેલમાં આવી ગયાં હતાં. સમગ્ર ગુજરાતમાં એ વખતે મંદાબહેન એકમાત્ર મહિલા રાજદ્વારી કેદી હતાં.

line

જેલમાં જાન નીકળી અને નેતાઓને આવડ્યું તેવું નાચ્યા

હસમુખ અને મંદા પટેલ

ઇમેજ સ્રોત, Hasmukh Patel

ઇમેજ કૅપ્શન, લગ્ન પછી નવદંપતી સામાન્ય રીતે સગાસંબંધીને મળવા જાય પરંતુ હસમુખભાઈ અને મંદાબહેને રોજ બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા જવું પડતું હતું.

હસમુખ અને મંદા પરણવાનાં હતાં, ત્યાં જ જેલયોગ આવી ગયો હતો. એ વખતે પણ તેમનાં જીવનમાં લગ્ન કરતાં પણ લોકશાહી મૂલ્યોની દરકાર પ્રાથમિક ક્રમે હતી.

તેથી જેલમાં જવાનો તેમને કોઈ રંજ કે અફસોસ હોય એવો વિચાર પણ તેમને ન આવ્યો. બંને જેલમાં હતાં ત્યારે સ્વાતંત્ર્યસેનાની અને મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ નથવાણી હસમુખભાઈ અને મંદાબહેનની વહારે આવ્યા.

તેમણે સરકારને કહ્યું કે તમે જેલમાં બંનેને મળવાની છૂટ આપો અથવા તો તેમને લગ્ન માટે પેરોલ આપો.

સરકારમાં કુલિનચંદ્ર યાજ્ઞિક રાજ્યપાલના સેક્રેટરી હતા. તેમણે હસમુખભાઈ અને મંદાબહેનને લગ્ન માટે અઠવાડિયાની પેરોલની વ્યવસ્થા કરી હતી.

લગ્નની જાન જેલના ઝાંપેથી નીકળી હતી અને જાનૈયા બધા જેલવાસી નેતાઓ હતા. સંઘ, સર્વોદય વગેરે જુદી-જુદી રાજકીય વિચારધારાના નેતાઓ કલ્લોલ કરતા જાનમાં જોડાયા હતા.

એ યાદોને વાગોળતા હસમુખ પટેલ કહે છે, "જેલરે એ વખતે મંજૂરી આપી હતી કે જાન ઝાંપા સુધી જઈ શકશો. જાનમાં ભાઈઓ જ હતા. જેમને જેવું ગાતા આવડતું હતું તેમણે ગાયું."

"જેમને જેવું નાચતાં આવડતું હતું તેવા નાચ્યા. જેલના ઝાંપા સુધી બધા કાયદેસર નાચતાકૂદતા નીકળ્યા હતા. અમે જેલની બહાર આવ્યા એટલે રવિશંકર મહારાજના હંમેશના યજમાન વ્રજલાલ પરીખે આર્યસમાજમાં લગ્ન માટે ગોઠવણ કરી રાખી હતી. બાબુભાઈ જશભાઈ પટેલની હાજરીમાં અમારાં લગ્ન થયાં."

બાબુભાઈ પણ પહેલાં જેલમાં જ હતા પણ તેમને સરકારે છોડી દીધા હતા. આંદોલનના એવા સાથીમિત્રો જે જેલમાં નહોતા તેમની હાજરીમાં આઠ નવેમ્બર 1976ના રોજ તેમનાં લગ્ન થયાં હતાં.

આર્યસમાજમાં લગ્નના 51 રૂપિયા ભરવાના હતા, તે વ્રજલાલભાઈએ ભર્યા હતા. તેમના એક દાદા પેંડા લઈને આવ્યા હતા.

line

અઠવાડિયામાં એક વખત પોલીસ પહેરા વચ્ચે મુલાકાત થતી

હસમુખ અને મંદા પટેલ

ઇમેજ સ્રોત, Hasmukh Patel

ઇમેજ કૅપ્શન, સમગ્ર ગુજરાતમાં એ વખતે મંદાબહેન એકમાત્ર મહિલા રાજદ્વારી કેદી હતાં.

લગ્ન પછી નવદંપતી સામાન્ય રીતે સગાસંબંધીને મળવા જાય પરંતુ હસમુખભાઈ અને મંદાબહેને રોજ બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા જવું પડતું હતું.

હસમુખભાઈ જણાવે છે, "અમે નવદંપતી હાજરી પુરાવવા જઈએ એટલે પોલીસવાળા સહાનુભૂતિ દર્શાવવા કહેતા કે રોજેરોજ આવવાની જરૂર નથી. બે-ત્રણ દિવસે એકાદ વખત આવશો તો ચાલશે."

"અમે સપ્તાહ પછી ફરી જેલમાં ગયા ત્યારે સાથી કેદીઓ અમને જેલમાં આવકારવા પણ આવ્યા હતા."

હસમુખભાઈ અને મંદા પટેલનું હનીમૂન જેલમાં શરૂ થયું હતું. બંને જેલમાં હોવા છતાં પણ મળવાનો કોઈ અવકાશ નહોતો.

મંદાબહેન કહે છે કે, "અઠવાડિયે એક વખત આઠ બાય આઠની ઓરડીમાં બે અધિકારી તેમજ મહિલા-પુરૂષ વૉર્ડનની હાજરીમાં 20 મિનિટ બેસવાનું થતું હતું. મોઢું જોયાનો આનંદ મળતો." હસમુખભાઈ કહે છે કે, "એ પ્રસંગો હાસ્યાપદ તેમજ ભયંકર હતા."

હસમુખ અને મંદા પટેલ 21 જાન્યુઆરી 1977ના રોજ જેલમાંથી છૂટ્યા હતા.

line

નરેન્દ્ર મોદી છાપરા કૂદીને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા

હસમુખ અને મંદા પટેલ

ઇમેજ સ્રોત, Hasmukh patel

ઇમેજ કૅપ્શન, હસમુખ અને મંદા પટેલ 21 જાન્યુઆરી 1977ના રોજ જેલમાંથી છૂટ્યા હતા.

હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને કટોકટી સામેના સંઘર્ષમાં સામેલ હતા.

હસમુખ પટેલ કહે છે, "નરેન્દ્ર મોદી કટોકટી સામેના આંદોલનમાં સક્રિય હતા. પોતાની વ્યૂહરચના અનુસાર તેઓ ભૂગર્ભમાં હતા. કોણ-કોણ જેલમાં છે વગેરે પર તેમની નજર રહેતી હતી."

તેઓ આગળ જણાવે છે,"વરદરાજ પંડિત અમારા સાથીદાર મિત્ર હતા. વરદરાજ પાસેથી અમારાં લગ્નની જાણકારી મળતાં નરેન્દ્ર મોદી છાપરા કૂદીને અમને અમદાવાદના મણીનગર વિસ્તારમાં શુભેચ્છા આપવા આવ્યા હતા."

હસમુખ પટેલ અને નરેન્દ્ર મોદી કટોકટીનાં વર્ષોમાં અવારનવાર મળતા રહેતા હતા. તે વિશે હસમુખ પટેલ કહે છે, "બધા પક્ષોની જે સંકલન સમિતિ હતી તેમાં સંઘ વતી નરેન્દ્રભાઈ અવારનવાર ભાગ લેતા હતા. અમારો પરિચય સારો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ તે પરિચય સક્રિય રીતે જળવાયો રહ્યો હતો."

"નરેન્દ્ર મોદી ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના વર્ગો ભરવા આવતા ત્યારે અમે બહાર ચાની લારીએ ટોળે વળીને બેસતા હતા."

line

1975થી 1977 સુધી ચાલેલી કટોકટી

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધીએ 25 જૂન 1977ના કટોકટી લાગુ કરી દીધી હતી.

ભારતમાં 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી કટોકટી લાગુ હતી. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નય્યરના શબ્દોમાં ટાંકીએ તો 1975માં અલાહાબાદ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી કરતાં ઇંદિરા ગાંધીને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

ઇંદિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો. ઇંદિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. એ સમયે ઇંદિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે દેશમાં કટોકટી લાગુ કરી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી.

કોર્ટના કે કાયદાકીય, કોઈ પણ દસ્તાવેજ વગર ગેરકાયદેસર રીતે તેમણે વિપક્ષના સભ્યોને રાજકીય કેદી બનાવી લીધા હતા. એક લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઇંદિરા ગાંધી પોતે જ કાયદો બની ગયાં હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન