અઢી હજાર વર્ષ જૂનું મમી ઇજિપ્તથી જયપુર કેવી રીતે પહોંચ્યું?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, જયપુરથી બીબીસી ગુજરાતી માટે
જયપુરમાં 14 ઑગસ્ટે થયેલા ભારે વરસાદને કારણે આલ્બર્ટ હૉલમાં પાણી ભરાઈ જવાને કારણે અહીં રાખેલું 2400 વર્ષ જૂનું મમી (મૃતદેહ) બહુ મહેનત બાદ બચાવાયું.
આ મમી ઇજિપ્તના પ્રાચીન રાજ્ય પૅનોપોલીસમાં અખમીનથી સંબંધિત છે, જે 322થી 36 ઈ.સ. પૂર્વે એટલે કે અંદાજે અઢી હજાર વર્ષ પહેલાં ટૉલેમાઇલ યુગનું ગણાવાઈ રહ્યું છે.
આબ્લર્ટ હૉલના દસ્તાવેજ અનુસાર આ મમી ઇજિપ્તના અખમીન ખેમ નામના દેવના ઉપાસક પુરોહિતના પરિવારનાં તૂતુ નામની મહિલા સભ્ય છે.
જયપુરના ઇતિહાસકાર પ્રોફેસર આર.પી. ખંગારોતે જણાવ્યું કે વર્ષ 1883માં સવાઈ માધોસિંહ (દ્વિતીય)એ બ્રિટિશ સરકાર અને ભારતીય રાજ્યોના સહયોગથી ઇન્ડસ્ટ્રીયલ આર્ટ ઇકૉનૉમિક ઍન્ડ ઍજ્યુકેશનલ મ્યુઝિયમ ઍક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શની માટે આ મમી ખાસ લાવવામાં આવ્યું હતું.
પ્રોફેસર ખંગારોતે આ દાવો કર્યો છે કે તેમના પુસ્તક 'અ ડ્રીમ ઇન ધ ડેઝર્ટ'માં પણ કર્યો છે. જોકે ખરીદાયેલી કિંમત અંગે કોઈ જાણકારી નથી.
મમી ખરીદવામાં આવ્યું, ભેટમાં મળ્યું કે કરાર હેઠળ જયપુર લવાયું- એ સવાલ પર આલ્બર્ટ હૉલના અધીક્ષક ડૉ. રાકેશ છોલક અનુસાર આ સ્થિતિને સ્પષ્ટ કરવા માટે કોઈ ચોક્કસ દસ્તાવેજ મોજૂદ નથી.

મમીને પાંચ વાર શો કેસ વિના રખાયું

ઇમેજ સ્રોત, MOHAR SINGG MEENA/BBC
14 ઑગસ્ટે જયપુરમાં એટલો વરસાદ થયો કે બૅઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં મમીને નુકસાન થતું બચાવવા માટે શો કેસના કાચ તોડીને બહાર કઢાયું હતું. આ પહેલી વાર નથી થયું કે મમીને શો કેસમાંથી બહાર કાઢવામાં આવ્યું હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધીક્ષક ડૉ. રાકેશ છોલક કહે છે, "આલ્બર્ટ હૉલના ગ્રાઉન્ડ ફ્લોર પર મમીને શો કેસમાં રાખવામાં આવ્યું હતું. જોકે એપ્રિલ 2017માં તેને બૅઝમેન્ટમાં શિફ્ટ કરાયું હતું અને એ સમયે પણ મમીને શો કેસમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું."
તેઓ જણાવે છે, "2005, 2007માં પણ તેને શો કેસથી બહાર રાખવામાં આવ્યું હતું. જ્યારે સૌથી વધુ 2012માં ચાર દિવસ માટે મમીને બહાર કાઢવામાં આવ્યું હતું. "
"વર્ષ 2012માં મમીની સુરક્ષાતપાસ માટે ઇજિપ્તના ત્રણ વિશેષજ્ઞ સભ્યોને બોલાવાયા હતા. એ સમયે મમીની સુરક્ષાની તપાસ માટે સૌથી વધુ ચાર દિવસ માટે મમીને શો કેસમાંથી બહાર રાખવામાં આવ્યું હતું."
જયપુરમાં વરસેલા કેટલાક કલાકના વરસાદમાં આલ્બર્ટ હૉલને ઘણું નુકસાન થયું છે. અતિ મહત્ત્વના દસ્તાવેજ અને સરકારી ફાઇલો પાણીમાં પલળી ગઈ છે.
બૅઝમેન્ટમાં કમર સુધી પાણી ભરાઈ જતાં શો કેસની સપાટી સુધી પાણી પહોંચી ગયું હતું.
જોકે કર્મચારીઓની મનોબળ વધારતાં અધીક્ષકે શો કેસનો કાચ તોડીને મમીને સુરક્ષિત કાઢવામાં માટે ભારે મહેનત કરી હતી.
એટલે અંદાજે અઢી હજાર વર્ષ જૂનું મમી આલ્બર્ટ હૉલમાં હજુ પણ સુરક્ષિત છે.

મમીની બનાવટ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
આલ્બર્ટ હૉલમાં રાખેલા મમીના ઉપરના આવરણ પર પ્રાચીન ઇજિપ્તનું પંખયુક્ત પવિત્ર ભૃંગ (ભમરો)નું પ્રતીક અંકિત છે.
આ એક નસીબનું પ્રતીક છે, જે મૃત્યુ બાદ પુનર્જન્મનો સંકેત આપે છે. ગરદનથી કમર સુધી મોતીઓથી સજ્જ પરિધાન કૉલરના રૂપમાં પહેરેલું છે અને પંખદાર દેવીનું અંકન આ મૃતદેહની સુરક્ષા માટે છે.
તેની નીચે ત્રણ ફલક છે, એકમાં ચિતાની શય્યા પર મૃતદેહની બંને તરફ સ્રીઓ બનાવાઈ છે. બીજી તરફ પાતાળલોકના નિર્ણાયકોની ત્રણ બેઠી આકૃતિ છે.
ત્રીજા ફલકમાં હોરસ દેવના ચાર પુત્રો છે, જેનાં મોં માનવ, શિયાળ, વાનર અને બાજ પક્ષીનાં છે.

ઇજિપ્તના વિશેષજ્ઞોએ મમીને સુરક્ષિત ગણાવ્યું હતું

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
વરસાદને કારણે આ સંગ્રહાલયમાં અન્ય સ્થાને મમીને શિફ્ટ કરવાની વાત આવી તો તેની સુરક્ષા પર પણ સવાલ ઊઠવા લાગ્યા.
જોકે સંગ્રહાલયના સંચાલકો કહે છે કે તેને (મમી) અહીં ઘણી સારી રીતે સંભાળીને રાખવામાં આવ્યું છે.
મમીને મજબૂત કાચમાં રાખવામાં આવ્યું છે. તેને ખાસ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે, જેથી મમીને કોઈ નુકસાન ન પહોંચે. જોકે હાલમાં મમીને ખુલ્લામાં રાખવામાં આવ્યું છે.
આલ્બર્ટ હૉલના અધીક્ષક ડૉ. રાકેશ છોલક કહે છે કે તપાસ દરમિયાન 2012માં સ્પેશિયાલિસ્ટોની દેખરેખમાં મમીની ઉપરનાં લેયર દૂર કરાયાં હતાં. જોકે ત્રીજું લેયર તેની સ્ક્રીનની સુરક્ષા માટે દૂર કરાયું નહોતું.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
આલ્બર્ટ હૉલના અધીક્ષક ડૉ. રાકેશ છોલક કહે છે કે જયપુર, લખનૌ, કોલકાતા, વડોદરા, ગોવા સમેત ભારતમાં સાત મમી મોજૂદ છે. છ ઇજિપ્તનાં છે, જ્યારે ગોવામાં રાખેલું મમી બહુ જૂનું નથી.
તેઓ કહે છે કે "2012માં ઇજિપ્તના ત્રણ સભ્યોના વિશેષજ્ઞોની ટીમ દ્વારા મમીની સુરક્ષાની તપાસ કરાવાઈ હતી. "
"એ સમયે મમી ઉપર ત્રણ સુરક્ષા લેયરમાંથી બે દૂર કરીને એક્સ-રે કરાયો હતો અને આખી મમીની તપાસ કરાઈ હતી. "
ડૉ. છોલક કહે છે કે ઇજિપ્તથી આવેલા વિશેષજ્ઞોએ તપાસ બાદ જયપુરના આ મમીને સૌથી સુરક્ષિત ગણાવ્યું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












