મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર જ્યારે માત્ર ત્રણ દિવસ જ રહી અને CMને રાજીનામું આપવું પડ્યું

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેના નેતૃત્વમાં મુંબઈથી ગૌહાટી વાયા સુરત પહોંચી ગયા છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેના નેતૃત્વમાં મુંબઈથી ગૌહાટી વાયા સુરત પહોંચી ગયા છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેના નેતૃત્વમાં મુંબઈથી ગૌહાટી વાયા સુરત પહોંચી ગયા છે. ગુજરાત તથા આસામમાં ભાજપની સરકાર છે, એટલે ભારતીય મીડિયામાં તેને 'ઑપરેશન લૉટસ' એવું નામ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમ પાછળ ભાજપના જ ટોચના નેતૃત્વનો દોરીસંચાર હોવાની પણ ચર્ચા છે.

આ પહેલાં ભાજપે મહારાષ્ટ્રમાં ગમે-તેમ કરીને સરકાર બનાવવાનો પ્રયાસ 2019માં વિધાનસભા ચૂંટણીપરિણામો પછી તરત જ કર્યો હતો.

કથિત રીતે ભાજપના પ્રત્યનો પાછળ અમિત શાહનો દોરીસંચાર હતો, પરંતુ એનસીપીના શરદ પવારની રાજકીય વ્યૂહરચના સામે ભાજપનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. માત્ર ત્રણ દિવસમાં દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું.

79 વર્ષની ઉંમરે 'કાકા' શરદ પવાર રાજનીતિના ખેલાડી સાબિત થયા હતા, પરંતુ તેમણે રાજકીય કારકિર્દીનું સૌથી મોટું સમાધાન પણ કરવું પડ્યું. બળવો કરનારા પોતાના જ ભત્રીજા 'દાદા' અજિત પવારે સરેઆમ બળવો કર્યો હોવા છતાં તેમને પક્ષમાંથી બરતરફ ન કરી શક્યા અને ઉદ્ધવ ઠાકરેની સરકારમાં તેઓ નાયબમુખ્ય મંત્રી બન્યા.

સંક્ષિપ્તમાં: 'ઑપરેશન લૉટસ' અને ઘટનાક્રમ

લાઇન
  • ઑક્ટોબર-2019માં ચૂંટણીપરિણામો આવ્યાત્યારે ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 55 તથા કૉંગ્રેસને 44 બેઠક મળી હતી. શિવસેનાએ મુખ્યમંત્રીપદ માટે દાવો કર્યો અને વિવાદની શરૂઆત થઈ.
  • શિવસેનાનું કહેવું હતું કે 'માતોશ્રી'ની મુલાકાત સમયે અમિત શાહે ખાતરી આપી હતી કે ચૂંટણી પછી શિવસેનાને મુખ્ય મંત્રીપદ મળશે અને અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બદલતા રહેશે.
  • સામે પક્ષે ભાજપનું કહેવું હતું કે શિવસેનાના નેતાઓની હાજરીમાં ફડણવીસનો ઉલ્લેખ મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે થતો હોવા છતાં, ત્યારે શિવસેનાએ વિરોધ કેમ ન કર્યો?
  • આ પહેલાં 2014ની વિધાનસભા ચૂંટણી સમયે પણ બંને પક્ષ અલગ-અલગ લડ્યા હતા અને પછી સાથે આવી ગયા હતા અને ફડણવીસે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
  • શિવસેના વગર બહુમત સાબિત કરવા માટે ભાજપને 28 ધારાસભ્યની જરૂર હતી.
  • તા. 23મી ઑક્ટોબરના સવારે ઉતાવળે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકાર રચવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યું. એનસીપી નેતા અજિત પવારે નાયબમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.
  • કોશિયારીએ ફડણવીસને બહુમત સાબિત કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો, વિપક્ષનો આરોપ હતો કે આ ખૂબ જ વધુ સમય હતો અને આ ગાળામાં ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થઈ શકે છે.
  • શિવસેના, કૉંગ્રેસ તથા એનસીપીએ સંયુક્ત રીતે સરકારની ગઠનપ્રક્રિયા તથા તેને આપવામાં આવેલી મુદ્દતને સુપ્રીમ કોર્ટમાં પડકારી.
  • બુધવારે વિધાનગૃહમાં બહુમત સાબિત કરતા પહેલાં અજિત પવારે નાયબમુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. તેઓ એનસીપીમાં પરત ફર્યા હતા.
  • ફડણવીસે પણ રાજીનામું આપી દીધું.
લાઇન
line

રાજકીય'નાટક'ની પૃષ્ઠભૂમિ

વિપક્ષે રસ્તા ઉપર ઉતરીને ફડણવીસ સરકારની શપથવિધિનો વિરોધ કર્યો
ઇમેજ કૅપ્શન, વિપક્ષે રસ્તા ઉપર ઉતરીને ફડણવીસ સરકારની શપથવિધિનો વિરોધ કર્યો

2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ અને વધુ 10 બેઠક સાથે કેન્દ્રમાં ફરી એક વખત નરેન્દ્ર મોદીની સરકાર બની. સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકે તેમ હોવા છતાં આ એનડીએની સરકાર હતી, જેમાં શિવસેના પણ સામેલ હતી.

વિધાનસભા ચૂંટણી પહેલાં બેઠકની ફાળવણી મુદ્દે મહારાષ્ટ્ર ભાજપ તથા શિવસેનાના નેતાઓ વચ્ચે મતભેદ થયા હતા, પરંતુ ઠાકરે પરિવારના સત્તાવાર નિવાસસ્થાન 'માતોશ્રી'ની અમિત શાહે મુલાકાત લીધી એ પછી બધું થાળે પડી ગયું. 'મોદી 2.0'માં અમિત શાહ ગૃહમંત્રી હતા, પરંતુ મહત્ત્વપૂર્ણ ચૂંટણીની કમાન તેમણે પોતે સંભાળી રાખી હતી.

ઑક્ટોબર-2019માં ચૂંટણીપરિણામો આવ્યા ત્યારે ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 55 તથા કૉંગ્રેસને 44 બેઠક મળી હતી. શિવસેનાએ મુખ્યમંત્રીપદ માટે દાવો કર્યો અને વિવાદની શરૂઆત થઈ.

શિવસેનાનું કહેવું હતું કે 'માતોશ્રી'ની મુલાકાત સમયે અમિત શાહે ખાતરી આપી હતી કે ચૂંટણી પછી શિવસેનાને મુખ્ય મંત્રીપદ મળશે અને અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બદલતા રહેશે, પરંતુ ભાજપે સરકાર રચવાનો પ્રયાસ કર્યો અને સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું.

સામે પક્ષે ભાજપનું કહેવું હતું કે પાંચ વર્ષ ફડણવીસના નેતૃત્વમાં સરકાર ચાલી હતી, તેઓ મુખ્ય મંત્રીપદનો ચહેરો હતા. શિવસેનાના નેતાઓની હાજરીમાં ફડણવીસનો ઉલ્લેખ મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે થતો હોવા છતાં, ત્યારે શિવસેનાએ વિરોધ કેમ ન કર્યો?

આ પહેલાં 2014ની વિધાનસભા ચૂંટણી સમયે પણ બંને પક્ષ અલગ-અલગ લડ્યા હતા અને પછી સાથે આવી ગયા હતા અને ફડણવીસે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. એટલે કેટલાક નિરીક્ષકોને લાગતું હતું કે 'ઘીના ઠામમાં ઘી પડી જશે' અને બંને પક્ષો વચ્ચે સમાધાન સધાઈ જશે, પરંતુ આવું ન થયું.

એકાદ મહિના પછી એક શનિવારે સવારે મહારાષ્ટ્ર સહિત દેશભરના નાગરિકો ઉઠ્યા, ત્યારે તેમને આશ્ચર્યજનક સમાચાર સાંભળવા મળ્યા હતા.

line

વહેલી સવારે સરકાર ગઠન

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

288 ધારાસભ્યવાળા વિધાનગૃહમાં બહુમત સાબિત કરવા માટે 145 સભ્યોની જરૂર રહે, જ્યારે ભાજપ પાસે પોતાના 105 જ હતા, એનડીએનાં અન્ય ઘટકદળોને 12 બેઠક હતી. આમ શિવસેના વગર બહુમત સાબિત કરવા માટે ભાજપને 28 ધારાસભ્યની જરૂર હતી.

તા. 23મી ઑક્ટોબરના સવારે ઉતાવળે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકાર રચવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યું. તેમની સાથે એનસીપી નેતા અજિત પવારે નાયબમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, જેના કારણે મહારાષ્ટ્રમાં 'ઑપરેશન લૉટસ'ની ચર્ચા થવા લાગી.

ચૂંટણી પહેલાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીને જંગમાંથી માંડી વાળવામાં આવી હતી, પરંતુ શરદ પવારને ઈડીના સમન્સ તથા વરસતા વરસાદમાં નાટ્યાત્મક રીતે સંબોધેલી જાહેરસભાએ પાર્ટીને ફરીથી ચૂંટણીજંગમાં લાવી દીધી, એટલું જ નહીં 'કિંગમૅકર' પણ બનાવી દીધી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અજિત પવારે કથિત રીતે સરકાર રચવા માટે ધારાસભ્યોનું સમર્થન હોવાનો પત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો હતો, જે પછી શપથવિધિ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમમાં નવો વળાંક એનસીપીની પ્રતિક્રિયા બાદ આવ્યો, જેમાં એનસીપીએ પક્ષ તરીકે ફડણવીસને સમર્થન ન આપ્યું હોવાની જાહેરાત કરી હતી.

કોશિયારીએ ફડણવીસને બહુમત સાબિત કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો, વિપક્ષનો આરોપ હતો કે આ ખૂબ જ વધુ સમય હતો અને આ ગાળામાં ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થઈ શકે છે.

line

સુપ્રીમમાં પહોંચ્યો મામલો

શિવસેના, કૉંગ્રેસ તથા એનસીપીએ સંયુક્ત રીતે સરકારની ગઠનપ્રક્રિયા તથા તેને આપવામાં આવેલી મુદ્દતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, શિવસેના, કૉંગ્રેસ તથા એનસીપીએ સંયુક્ત રીતે સરકારની ગઠનપ્રક્રિયા તથા તેને આપવામાં આવેલી મુદ્દતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી

શિવસેના, કૉંગ્રેસ તથા એનસીપીએ સંયુક્ત રીતે સરકારની ગઠનપ્રક્રિયા તથા તેને આપવામાં આવેલી મુદ્દતને સુપ્રીમ કોર્ટમાં પડકારી.

સુપ્રીમ કોર્ટે પહેલાં રવિવારે, પછી સોમવારે અને છેલ્લે મંગળવારે ચુકાદો આપ્યો. હાલના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બૅન્ચે ચુકાદો આપતા ઠેરવ્યું કે સિક્રૅટ બૅલેટ દ્વારા મતદાન ન થાય અને રાજ્યપાલ બુધવારે જ ફડણવીસને બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવે.

આ માટે ત્રણ જજોની ખંડપીઠે વર્ષ 1994માં એસઆર બોમાઈના કેસમાં નવ જજોની બૅન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ટાંક્યો. જેનો હાર્દ હતો, "વિધાનસભા જનતાની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યપાલ નહીં."

એસઆર બોમાઈએ હાલમાં કર્ણાટકમાં ભાજપના મુખ્ય મંત્રી બીએસ બોમાઈના પિતા થાય. એપ્રિલ-1989માં તેમની જનતા દળની સરકારને બંધારણના અનુચ્છેદ-356નો ઉપયોગ કરીને હઠાવી દેવામાં આવી હતી. જેનો ચુકાદો આપતી વખતે ખંડપીઠે ઉપરોક્ત અવલોકન કર્યું હતું.

બુધવારે વિધાનગૃહમાં બહુમત સાબિત કરતા પહેલાં અજિત પવારે નાયબમુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. તેઓ એનસીપીમાં પરત ફર્યા હતા.

આ પછી ફડણવીસે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને દાવો કર્યો કે આ સરકાર 'પોતાના જ ભાર'થી પડશે. તેઓ માત્ર ત્રણ દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા, જે મહારાષ્ટ્રનો સૌથી ટૂંકો કાર્યકાળ છે.

line

મહાવિકાસ અઘાડીનું ગઠન

કૉંગ્રેસને મન શિવસેના હિંદુવાદી પક્ષ હતો, જ્યારે એનસીપી સાથે તેનો વૈચારિક વિરોધ હતો

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસને મન શિવસેના હિંદુવાદી પક્ષ હતો, જ્યારે એનસીપી સાથે તેનો વૈચારિક વિરોધ હતો

કૉંગ્રેસને મન શિવસેના હિંદુવાદી પક્ષ હતો, જ્યારે એનસીપી સાથે તેનો વૈચારિક વિરોધ હતો.

એનસીપીની સ્થાપના જ સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા સાથે થઈ હતી. પરંતુ મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં કૉંગ્રેસ સાથે સત્તાની ભાગીદાર બની ગઈ હતી અને તે છોછ નીકળી ગયો હતો. 2019ની ચૂંટણી બંને સાથે મળીને લડ્યા હતા.

પરસ્પરના વિરોધને ભૂલાવીને ત્રણેય પક્ષે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા માટે દાવો રજૂ કર્યો. 1995-99 દરમિયાન શિવસેના-ભાજપની સરકાર હતી, ત્યારે મહારાષ્ટ્ર સરકારનું રિમૉટ કંટ્રોલ 'માતોશ્રી'માં હતું, પરંતુ હવે રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું.

એનસીપીના સમર્થન તથા શરદ પવારની કુનેહથી બનેલી સરકારનું રિમૉટ કંટ્રોલ 'સિલ્વર ઓક'માં (શરદ પવારના નિવાસસ્થાન) આવી ગયું હતું. ત્રણેય પક્ષો વચ્ચે ખાતાઓની ફાળવણીનો પેંચ ઉકેલાઈ ગયો અને 'મહાવિકાસ અઘાડી'એ વિધાનસભામાં સરળતાથી બહુમત સાબિત કરી દીધો.

આ દરમિયાન સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા. સરકારના બે પ્રધાન અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં છે.

મહારાષ્ટ્રમાં 'ઑપરેશન કમલ 2.0' સફળ થશે કે નહીં, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં, તાજેતરના ઘટનાક્રમમાં વધુ એક અધ્યાય ઉમેરાય ગયો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન