શિવલિંગની હિન્દુ ઉપરાંત બીજા કયા ધર્મોમાં પૂજા થાય છે?

    • લેેખક, જાહ્નવી મુળે
    • પદ, બીબીસી મરાઠી

હિંદુ ધર્મમાં શૈવ મતના અનુયાયીઓ અને શિવમાં આસ્થા રાખનારા શ્રદ્ધાળુઓ માટે શિવમંદિરોમાં સ્થાપિત થયેલાં શિવલિંગની પૂજા એક મહત્ત્વપૂર્ણ વિધિ છે. જોકે, શિવલિંગનું મહત્ત્વ માત્ર હિંદુ ધર્મમાં જ છે, એવું નથી. અન્ય ધર્મોમાં પણ શિવલિંગની પૂજાનું વિધિવિધાન જોવા મળે છે.

શિવલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

હિન્દુ ધર્મમાં શિવને શંકર, મહાદેવ, રુદ્ર, પશુપતિ, નટરાજ જેવાં અનેક નામોથી ઓળખવામાં આવે છે. આ દેવતાનાં વિવિધ સ્વરૂપો છે, પરંતુ ભારતમાં મોટી સંખ્યામાં શિવપૂજા શિવલિંગના રૂપમાં થાય છે.

અલબત્ત, શિવલિંગના સ્વરૂપમાં પણ પ્રાંત અને પરંપરા પ્રમાણે તફાવતો છે. ઉદાહરણ તરીકે, મુખલિંગ (શિવલિંગ પર શિવનું મુખ), લિંગોદ્ભવમૂર્તિ (શિવલિંગમાં બનેલી સંપૂર્ણ શિવ મૂર્તિ), પિંડિકા અથવા પિંડી અને લિંગાયત સંપ્રદાયોના ઇષ્ટલિંગ.

line

શિવલિંગ શેનું પ્રતીક છે?

શિવલિંગ

ઇમેજ સ્રોત, ANI

શિવલિંગનો આકાર શેનું પ્રતીક છે તે અંગે ઘણા મતભેદો છે. કેટલાક લોકોના મતે, શિવલિંગ એ અગ્નિના સ્તંભનું પ્રતીક છે, જેને શિવપુરાણમાં 'અનલસ્તંભ' તરીકે ઓળખવામાં આવે છે. પુરાણકથા પણ કહે છે કે આ સ્તંભનો કોઈ અંત નથી અને શરૂઆત નથી. જ્યોતિર્લિંગનો વિચાર અહીંથી આવ્યો હતો.

શિવલિંગનો આકાર, જે સામાન્ય રીતે લંબચોરસ, નળાકાર આકારનું અને શાલુંકથી ઘેરાયેલું હોય છે, તે મોટા ભાગના લોકો માટે પરિચિત છે. આ આકારને શાયોનિક શિવલિંગ પણ કહેવામાં આવે છે અને એવી માન્યતા છે કે ટટ્ટાર લિંગ એ પુરુષની જનનેન્દ્રીયનું પ્રતીક છે અને શાલુંક સ્ત્રીની યોનિનું પ્રતીક છે.

અલબત્ત, નિષ્ણાતો કહે છે તેમ તે ગુપ્તાંગનું પ્રતીક હોવા છતાં તેની પાછળ કોઈ કામુક લાગણી નથી, પરંતુ તે પવિત્રતાની નિશાની છે. કેટલાકના મતે આ એક પ્રકારનું 'અદ્વૈત' છે.

line

શિવલિંગ પાછળનો અર્થ શું છે?

શિવલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

લેખક અને પુરાણવિદ્દ દેવદત્ત પટનાયકે આ પ્રતીક પાછળનો અર્થ શોધવાનો પ્રયાસ કર્યો છે અને તેના વિશે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે 'શિવ ટુ શંકર - ગિવિંગ ફોર્મ ટુ ફોર્મલેસ'.

તેમના મતે, વૈદિક અને હિન્દુ ફિલસૂફી અનુસાર, શિવલિંગ કાં તો અમૂર્તનું મૂર્ત સ્વરૂપ છે અથવા તે શિવ અને શક્તિનું સંયુક્ત પ્રતીક છે.

દેવદત્ત પટનાયક લખે છે કે "શિવ અને શક્તિનું મિલન આપણા અંતરાત્મા અને બહારની દુનિયા વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે."

તેઓ કહે છે, "શિવ આપણી આંતરિક પવિત્રતા છે, તે દૃષ્ટિ છે જે અવલોકન કરે છે. શક્તિ એ આપણી બાહ્ય પવિત્રતા છે, તે જીવન છે જે આપણે જોવા માગીએ છીએ. એકનું બીજા વિના અસ્તિત્વ નથી. આ પરસ્પર નિર્ભરતાને હિંદુઓએ શિવલિંગ તરીકે દર્શાવ્યું છે."

'કલ્ચરલ એન્સાયક્લોપીડિયા ઑફ ધ પાઇન્સ' પુસ્તકમાં માઈકલ કિમેલ અને ક્રિસ્ટીન મિલરોડ શિવલિંગ વિશે લખે છે. "હિંદુ ધર્મના શ્રદ્ધાળુઓના દૃષ્ટિકોણથી તે સંપૂર્ણતાનું પ્રતીક છે, જ્યાં સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષના સિદ્ધાંતો ભેગા થાય છે અને સર્જન પૂર્ણ થાય છે. લિંગ અને યોનિનું જોડાણ એ પુરુષ અને સ્ત્રીનું જોડાણ છે જ્યાં પવિત્રતા જન્મે છે."

લિંગાયત લોકો માને છે કે ગળામાં પહેરવામાં આવેલું 'ઈષ્ટલિંગ' સત્યનું પ્રતીક છે. સ્ત્રી અને પુરુષ બંને આ ઐક્ય કરી શકે છે.

માત્ર અર્થવિજ્ઞાન (ભાષા અને તર્ક સંબંધિત વિજ્ઞાન)ને ધ્યાનમાં લેતા સંસ્કૃતમાં લિંગમ શબ્દનો અર્થ ફક્ત પુરુષ જનનાંગ પૂરતો મર્યાદિત નથી. આ શબ્દનો ઉપયોગ સ્ત્રી અને પુરૂષો (સ્ત્રૈણ, પૌરુષ) વચ્ચે તફાવત બતાવવા માટે થાય છે, જોકે તેમાં એક ચિહ્ન, પ્રતીક, સૂક્ષ્મ સ્વરૂપ પણ છે.

line

'લિંગપૂજા' પરંપરા

શિવલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

હિન્દુ સાહિત્ય અને શાસ્ત્રોમાં પણ શિવલિંગનું વિશેષ સ્થાન છે. તેના પર સ્વતંત્ર 'લિંગપુરાણ' અને 'લિંગાષ્ટકસ્તોત્ર'ની રચના કરવામાં આવી છે.

પ્રોફેસર અને પુરાતત્ત્વવિદ્ મંજીરી ભાલેરાવ કહે છે કે "લિંગપૂજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં આદિમ સમાજોમાં પણ પ્રચલિત છે. લિંગપૂજા ભૂતાનમાં કરવામાં આવે છે અને તે બૌદ્ધ ધર્મનો એક ભાગ બની ગઈ છે. લિંગપૂજા વધુ સહજ છે."

મંજીરી એમ પણ કહે છે કે હડપ્પન સંસ્કૃતિમાં લિંગપૂજા કરવામાં આવતી હતી, પરંતુ હડપ્પન સંસ્કૃતિમાં મૂર્તિ શિવજીની છે.

ઇજીપ્તિયન અને રોમન સભ્યતાઓથી લઈને યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક આદિવાસી સમાજોમાં પણ લિંગને પ્રજોત્પત્તિના દેવતા તરીકે પૂજવામાં આવે છે. પરંતુ શિવલિંગ એ માત્ર ફળદ્રુપતાનું પ્રતીક નથી, એમ દેવદત્ત પટનાયક લખે છે.

"પતિ કે સંતાનની ઈચ્છા રાખતી હિંદુ સ્ત્રીઓને શિવલિંગની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી શિવની સરખામણી ઈજીપ્તિયન અથવા રોમન દેવતાઓ સાથે કરવામાં આવે છે. જો કે આવી સરખામણી આપણી અનુકૂળતા પ્રમાણેની છે, તે શિવનાં પ્રતીકો, મૂર્તિઓ અને તેની પાછળની છબીઓથી અલગ છે. અલબત્ત, તે તો ઊલટું તપ, સંન્યાસ અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિનું પ્રતીક છે."

પરંતુ શિવલિંગને આવો રહસ્યમય અર્થ કેવી રીતે મળ્યો? તેનો જવાબ વૈદિક કાળથી લઈને આજ સુધી શંકરની બદલાતી કથાઓમાં રહેલો છે.

line

રૂદ્રથી શિવ સુધીની યાત્રા

શિવલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં હડપ્પન કાળમાં અને તે પછી પણ લિંગપૂજા પ્રચલિત હતી, પરંતુ તે સમયે તે વૈદિક ધર્મનો ભાગ ન હતી. વેદોમાં 'રુદ્ર' દેવતાનો ઉલ્લેખ છે, પરંતુ વેદોમાંના રુદ્ર આજના શંકર કરતાં અલગ હતા.

ઋગ્વેદમાં રુદ્ર એક રીતે સંહારના દેવ છે. તે ઉગ્ર, રૌદ્ર, મહાશક્તિશાળી જટાધારી દેવ છે. તેનાં શસ્ત્રોનું વર્ણન તોફાન દરમિયાન વીજળીનું સૂચક છે.

શિવનો ઉલ્લેખ વૈદિક સમયમાં સંહારના અધિપતિ રુદ્રના શાંત સ્વરૂપ તરીકે થયો છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં શિવનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. સ્વેતાશ્વતરોપનિષદમાં રુદ્ર મુખ્ય દેવતા બને છે. નંદીનો ઉલ્લેખ શિવના વાહન તરીકે થાય છે.

એક રીતે વૈદિક પરંપરાએ પાછળથી ભગવાનના લિંગ સ્વરૂપને શિવ તરીકે સ્વીકાર્યું.

મંજીરી ભાલેરાવ કહે છે, "લિંગપૂજાનું નામ વૈદિક પરંપરામાંથી આવ્યું હતું, કારણ કે તે સમયના પંડિતો શિષ્નદેવ, મૂળદેવ, માલદેવની પૂજા કરતા હતા. ઉપરાંત કિન્નરોને શિવની પૂજા કરતા બતાવવામાં આવ્યા છે."

માનવ સ્વરૂપમાં ભગવાન શિવની મૂર્તિઓનાં વિવિધ સ્વરૂપો બનાવવામાં આવ્યાં અને ત્રીજી આંખ, માથા પરનો ચંદ્ર, ભસ્મ, નીલકંઠ, નંદી અને ગંગા જેવાં પ્રતીકો ઉમેરવામાં આવ્યાં હતાં. જોકે શિવલિંગની પૂજા કરનારાઓની સંખ્યા મોટી છે.

line

'રુદ્ર' હિંદુ ધર્મથી આગળના દેવ

શિવલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં શૈવનાં બે જૂથો છે જે શિવની પૂજા કરે છે અને વૈષ્ણવ ધર્મીઓ વિષ્ણુની પૂજા કરે છે. ભગવાન શિવના ઉપાસકોમાં વીરશૈવ, શાક્ત, લિંગાયત જેવા સંપ્રદાયો પણ રચાયા છે.

બૌદ્ધ ધર્મના વજ્રયાન સંપ્રદાયમાં રુદ્રનો ઉલ્લેખ છે. તેમાં એકાદશમુખ અવલોકિતેશ્વરની ભયાનક રુદ્ર પરના વિજયની કથા છે. કેટલાકના મતે જૈન ધર્મમાં આદિનાથ અને ઋષભદેવ શંકર સમાન છે.

આનો અર્થ એ થયો કે ભારતમાં શિવલિંગ અને શિવની પૂજા સમય-સમયે અને પ્રદેશ પ્રમાણે બદલાતી રહી છે. મંજીરી ભાલેરાવ કહે છે, "શિવની પાઘડી સમાજમાં મોટી છે. તે લોકવાયકાના દેવ છે"

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો