હિંમતનગર : ત્રણ બાળકોનાં માતા પર પ્રેમી સાથે મળીને ત્રણ વર્ષના દીકરાની 'હત્યા'નો આરોપ, શું છે સમગ્ર કિસ્સો?

ઇમેજ સ્રોત, JULY RUPALI
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
હિંમતનગરમાં એક બાળકનું અકસ્માત મોત થયાની ફરિયાદ નોંધાઈ હતી, પણ પોલીસને આ ઘટના અકસ્માતની લાગતી નહોતી.
"ભીડભાડવાળા અલીફ મસ્જિદ વિસ્તારમાં કોઈ મોટરસાઇકલચાલક એક્સિડન્ટમાં બાળકનું મોત નિપજાવી ભાગી જાય અને કોઈએ એને જોયો ના હોય એવું બને નહીં, એટલે અમે બાળકનાં માતાપિતા પર વૉચ રાખી અને આખાય વિસ્તારનાં સીસીટીવી ચેક કર્યાં તો બાળકની માતા બાળકને લઈને રિક્ષામાં જતી દેખાઈ અને અમે ખૂનનાં આરોપી માતા અને એના પ્રેમી સુધી પહોંચી ગયા..."
આ શબ્દો છે હિંમતનગર ડી.વાય.એસ.પી. એકે પટેલના.
અહીંના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલા સલાટવાસમાં રહેતા 38 વર્ષીય વાલજી સલાટ અને એનાં ત્રણ બાળકની માતા જમનાએ 27મી જૂને સાંજે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં આવીને રડતાં ફરિયાદ લખાવી હતી કે પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી અલીફ મસ્જિદ નજીક એમના ત્રણ વર્ષના દીકરાનું કોઈ અજાણ્યા મોટરસાઇકલચાલકે અડફેટ મારીને મોત નિપજાવ્યું છે.
હિંમતનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વીઆર ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "બાળકની લાશ જોતા લાગતું નહોતું કે એનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. એની છાતી અને પેટ પર મારનાં નિશાન હતાં. બીજું કે એ વિસ્તાર ભીડભાડવાળો છે એટલે કોઈએ અકસ્માત થતા ના જોયો હોય એવું બને નહીં, પણ આ અકસ્માત નજરે જોનાર અમને કોઈ ના મળ્યો."

અકસ્માત નહીં પણ હત્યા કરી હોવાની શંકા

ઇમેજ સ્રોત, JULY RUPALI
ડી.વાય.એસ.પી. એકે પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી પાસે જ્યારે આ માહિતી આવી ત્યારે જ શંકા ગઈ કે આ સામાન્ય અકસ્માતનો ગુનો નથી. મારી ટીમે સૌથી પહેલાં આખાય વિસ્તારનાં 150 જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં. બાળકનાં માતાપિતા પર નજર રાખવા ઉપરાંત અમે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કામે લગાડ્યું."
"પછી ખબર પડી કે જ્યારે વાલજી સલાટ સવારે કડિયાકામ પર જાય અને એનો મોટો દીકરો સ્કૂલે જાય એટલે એની પત્ની જમના ક્યાંક બહાર નીકળી જતી હતી. અમારી શંકા હવે જમના તરફ હતી. ત્યાં એક સીસીટીવીમાં એક જગ્યાએ જમના એના બાળકને ખભે નાખીને રિક્ષામાં બેસતી દેખાઈ."
"એટલે પછી અમે જમનાનું ઇન્ટરોગેશન ચાલુ કર્યું ત્યારે એણે કબૂલ્યું કે એના પતિની આવક ઓછી હતી. દિવસભર એ કડિયાકામ કરીને આવતા અને એને એનામાં કોઈ રસ નહોતો. એટલે એમની જ જ્ઞાતિના એનાથી છ વર્ષ નાના ભરત સલાટ સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા અનુસાર, "પ્રેમસંબંધ માટે ભરત સલાટે એક મકાન ભાડે રાખ્યું હતું. જમનાના પતિ કામે જાય અને છ વર્ષનો દીકરો સ્કૂલે જાય ત્યારે જમના ભરત સાથે પોતાનાં બે નાનાં ત્રણ વર્ષનાં જોડિયાં બાળકોને લઈને ભાડે રાખેલા મકાન પર જતી હતી. અને તેમના પતિ મજૂરીએથી આવે એ પહેલાં ઘરે આવી જતી."

માતા અને પ્રેમી પર આરોપ - 'રડતાં બાળકને માર મારીને મારી નાખ્યો'

ઇમેજ સ્રોત, JULY RUPALI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડી.વાય.એસ.પી. પટેલ કહે છે કે "એ દિવસે જમનાને ઘરકામ વધુ હતું એટલે નિયત કરેલા સમયે ભરત પાસે પહોંચી નહીં અને બે બાળકોને ભરત પાસે મોકલી દીધાં. એક દીકરો આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો હતો અને બીજો દીકરો ભરત પાસે હતો, એણે રડવાનું શરૂ કર્યું."
"એટલી વારમાં જમના ભરતે રાખેલા ભાડાના ઘરે આવી પહોંચી. જમના મોડી આવી એટલે ભરત ગુસ્સે થયો હતો. અને બાળકને રોજની જેમ બહાર મૂકીને બંને એક રૂમમાં પૂરાઈ ગયાં."
"બહાર બાળક રડતું હતું એટલે ભરત વધુ ગુસ્સે થયો અને નાના બાળકને મારવાનું શરૂ કર્યું, એને એટલી હદ સુધી માર્યું કે એનું મોત થઈ ગયું. પછી બાળકની લાશનો નિકાલ કરવા માટે જમના એને ખભે તેડીને નીકળી હતી. જેમાં એ એક જગ્યાએ રિક્ષામાં બેસતી દેખાઈ હતી. બસ, એ આધારે અમે તાત્કાલિક એની અટક કરી લીધી એનું ઇન્ટરોગેશન કર્યું."
પોલીસની મદદથી જમનાનું કાઉન્સિલિંગ કરી ઇન્ટરોગેશન કરનાર મહિલા અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "34 વર્ષની જમનાને ત્રણ બાળકો હતાં. એના પતિ કડિયાકામ કરતો અને થાકીને આવે ત્યારે એનામાં કોઈ રસ લેતા નહોતા, જેના કારણે એમને અગાઉ પણ એક વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો અને સલાટવાસમાં ખબર પડી ગઈ હતી. ત્યારબાદ એ એની જ જ્ઞાતિના ભરતના પ્રેમમાં પડી. ભરત આર્થિક રીતે સધ્ધર હોવાથી બંનેએ મળવા માટે નજીકમાં ભાડાનું ઘર રાખ્યું હતું."
તેઓ કહે છે, "પ્રેમી ભરત એમને સાચવતો એટલે એમનો પ્રેમનો સિલસિલો લાંબો ચાલ્યો હતો. ઘટના બની એ દિવસે એક વાર એનો પ્રેમી ઘરે આવીને ગુસ્સો કરી ગયો હતો. પ્રેમી એનાથી નાનો અને એક જ જ્ઞાતિનો હોવાથી કોઈને એના પર શંકા ગઈ નહોતી."
તેઓ વધુમાં કહે છે, "જમના મૃતક દીકરાને એક જગ્યાએ મૂકી આવી હતી અને એના દિયરને બોલાવી પોતાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે એવી વાર્તા ઘડી કાઢી. અને પછી એના પતિને બોલાવી અકસ્માતે મોતની પોલીસ ફરિયાદ પણ નોંધાવી. સમાજમાં એમના પ્રેમસંબંધ ખબર પડે તો સામાજિક બહિષ્કાર થાય એ બીકે પોતાના બાળકની લાશને સગેવગે કરવામાં મદદ કરી હતી."
ઉલ્લેખનીય છે કે જમના અને ભરતની પોલીસે 30 જૂને ધરપકડ કરીને તેમને પોલીસ કસ્ટડીમાં લીધાં હતાં.

આરોપીના પતિ અને મૃતક બાળકના પિતાએ શું કહ્યું?
જમનાના પતિ વાલજી ફોન નથી રાખતા, પણ એ જે કૉન્ટ્રાક્ટરના ત્યાં કામ કરે છે એ કૉન્ટ્રાક્ટરની મદદથી એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારા ત્રણ દીકરા છે. એક છ વર્ષનો અને બે ત્રણ વર્ષનાં જોડિયાં છે. હું પત્ની અને બાળકોના ભરણપોષણ માટે સવારે સાત વાગ્યે નીકળીને રાત્રે નવ વાગ્યે આવું છું ત્યારે માંડ ઘરનું પૂરું થાય છે."
"મારી પત્નીની બધી માગો પૂરી કરતો હતો. હું એને જે પૈસા આપું એમાં એ મોંઘાં કપડાં કેવી રીતે લાવતી હતી એની હવે મને ખબર પડી. અમાસના દિવસે મારે રજા હોય ત્યારે મારા સલાટવાસના કેટલાક લોકોએ મને કહ્યું હતું કે મારી પત્નીને કોઈની સાથે સંબંધ છે. મારી ગેરહાજરીમાં કોઈ ઘરે આવે છે."
"મેં પત્નીને પૂછ્યું ત્યારે એણે બાળકોના સોગંધ ખાધા અને ભગવાનના દીવા પર હાથ મૂકીને કોઈની સાથે પ્રેમસંબંધ નહીં હોવાના સોગંધ ખાધા હતા."
"પછી અમાસની રજા આવી ત્યારે મારા સલાટવાસના દોસ્તોએ કહ્યું કે કોઈ ઘરે નથી આવતું એટલે મારી શંકા દૂર થઈ ગઈ. મને ખબર નહીં એ પ્રેમી સાથેના સંબંધમાં દીકરાને મારી નાખશે."















