ગુજરાતનાં 2002 કોમી રમખાણોના સાક્ષી: 'અમને લાગે છે કે અમે બધું જ ગુમાવી દીધું'

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- 2002નાં રમખાણોના કેસની તપાસ માટે એસઆઈટી દ્વારા 300થી વધુ જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા
- કોર્ટ સમક્ષ જુબાની આપનારા પૈકી કેટલાક સાથે બીબીસીએ વાત કરી
- સલીમ શેખ જેવા અમુક લોકોએ સાક્ષી થયા પછીના પોતાના જીવનની વાત કરી
- કેટલાકને કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપવા બદલ પસ્તાવાની લાગણી થાય છે
- કેટલાક કહે છે કે અપરાધીઓ મનમાં બદલાની ભાવના રાખીને ફરી રહ્યા છે
- કેટલાક કહે છે કે બીક છે કે તેઓ ક્યારેક તેમને કે તેમના પરિવારને નુકસાન પહોંચાડશે
- સાક્ષીઓના મનમાં રહેલો ડર અને તેમના અનુભવો વિશે જાણવા માટે વાંચો આ અહેવાલ

ગુજરાતનાં 2002નાં કોમી રમખાણોના કેસમાં નરોડા પાટિયામાં રહેતા સલીમ શેખની જુબાનીને કારણે ભાજપના ભુતપૂર્વ ધારાસભ્ય માયા કોડનાણી અને તેમના ચાર સહયોગીઓને આજીવન કારાવાસની સજા થઈ હતી. કોર્ટની ઓળખ પરેડ દરમિયાન શેખે આ તમામ લોકોને કોર્ટમાં ઓળખી બતાવ્યા હતા.
રમખાણોના કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી એસઆઈટી દ્વારા 300થી વધુ જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાં સરકારી સાક્ષીઓ ઉપરાંત રમખાણપીડિતો અને પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે. જોકે આ સાક્ષીઓમાં કેટલાક પોતે ફરિયાદી પણ હતા.
કોર્ટ સમક્ષ જુબાની આપનારા પૈકી કેટલાક સાથે બીબીસીએ વાત કરી. કેટલાકે નામ નહીં આપવાની શરતે વાત કરી. સલીમ શેખ જેવા અમુક લોકોએ સાક્ષી થયા પછીના પોતાના જીવનની વાત કરી.
બિલકીસબાનો કેસ 2002ના ગોધરા રમખાણો પછી સૌથી વધુ ચર્ચાયેલા કેસ પૈકીનો એક છે. બિલકીસબાનોએ અખબારી યાદી જાહેર કરી છે. તેમાં તેમણે કહ્યું છે કે તેમને પોતાના જીવનનું જોખમ લાગી રહ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે બળાત્કારપીડિતના ન્યાયની પ્રક્રિયાનો અંત આવો કેવી રીતે આવી શકે?
બિલકીસબાનોના પરિવાર સાથે સંકળાયેલા કેટલાક લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે બિલકીસના પરિવારે સમયાંતરે પોતાનું સરનામું બદલતું રહેવું પડે છે. કારણ કે એક જ સ્થળે વધુ સમય રહેવાથી તેમને પોતાનો જીવ ગુમાવવાનું જોખમ લાગી રહ્યું છે. એવામાં 11 ગુનેગારો દોષમુક્ત થતા બિલકીસબાનોને જોખમ વધી ગયું છે.

'ક્યારેક સાક્ષી બનવા બદલ પસ્તાવો થાય છે'

રમખાણના કેસના સાક્ષી સલીમ શેખને કારણે રમખાણોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓનો હાથ હતો તેવી વાત પ્રથમ વખત બહાર આવી હતી. આ રમખાણોમાં સલીમ શેખે તેમની ભાણી અને અન્ય પરિવારજનો ગુમાવ્યાં હતાં.
તેમણે કોર્ટ સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું છે કે તેમણે કોડનાણીને દૂરથી જોયાં હતાં, તેઓ ટોળા સાથે વાત કરી રહ્યાં હતાં, જ્યાર બાદ ટોળું વધુ આક્રમક બનીને નરોડા પાટીયાનાં ઘરોને સળગાવવાં આગળ ધપ્યું હતું.
સલીમ શેખ કહે છે, "જ્યારે કોર્ટમાં જજે મને તેમને ઓળખી બતાવવા કહ્યું તો મેં તેમને અને તેમના સાથીઓને ઓળખી બતાવ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સલીમ શેખ રિક્ષા ડ્રાઇવર છે અને તેમનાં પાંચ સંતાનો છે. તેમની ત્રણ પુત્રીઓના લગ્ન થઈ ચૂક્યાં છે, એક પુત્ર બીજા રાજ્યમાં અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર કામ શોધી રહ્યો છે.
સલીમ કહે છે, ''આટલાં વર્ષે પણ મને દરરોજ તેમની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. મને લાગે છે કે, અમારી બરબાદીનો તમાશો થયો. વિવિધ રાજકીય પક્ષોએ પોતાને જોઈતો ફાયદો મેળવી લીધો અને અમે જેવા હતા, જ્યાં હતા, તેવા અને ત્યાં જ રહી ગયા. ક્યારેક તો મને કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપવા બદલ પસ્તાવાની લાગણી થાય છે."
આજે આટલા વર્ષે પણ ડરનું કારણ? પ્રશ્નના જવાબમાં સલીમ શેખ કહે છે, "મારા વિસ્તારમાં ઘણી વખત મારે જામીન પર છૂટેલા એવા લોકોનો સામનો થઈ જાય છે કે જેમની સામે મેં જુબાની આપી હતી અને મારી જુબાનીને કારણે તેઓ જેલમાં ગયા હતા."
તેઓ ઉમેરે છે, "તેમની નજર પરથી ખબર પડી જાય કે તેઓ મનમાં બદલાની ભાવના રાખીને ફરી રહ્યાં છે, અને તેમને જ્યારે મોકો મળશે ત્યારે અમને કોઈ રીતે નુકસાન પહોંચાડશે.''
''આમ મને સતત એવું લાગ્યાં કરે છે કે, મને ખોટા કેસ વગેરેમાં ફસાવી દેવાશે."
સલીમે કહ્યું કે બિલકીસબાનોની જેમ તેમને પણ પોતાના જીવનું જોખમ લાગે છે.
જોકે આ વિશે બીબીસી ગુજરાતીએ ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.

'20 વર્ષથી કોર્ટના ચક્કરમાં દેવાળિયો થઈ ગયો'

અન્ય સાક્ષી બશીર ખાન પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. નરોડા-પાટીયા રોડ પર તેઓ વર્ષોથી નૉન-વેજ ફૂડની લારી ચલાવતા હતા.
પરંતુ તેમનું કહેવું છે કે, તેઓ તોફાનોના કેસના સાક્ષી છે, માટે તેમને ખોટી રીતે પોલીસ હેરાન કરે છે. બશીર કહે છે, "આરોપીઓ હાલમાં બહાર છે અને તેમની પાસે રાજકીય પીઠબળ છે, માટે તેઓ અમને એક કે બીજી રીતે પરેશાન કરે છે."
27 ફેબ્રુઆરી 2002ના દિવસે તેમણે નરોડા પાટીયામાં થયેલાં રમખાણો પોતાની આંખે જોયાં હતાં. તેમણે જોયું હતું કે કેવી રીતે ટોળાએ દરેક દિશામાંથી તેમની વસાહત તરફ આવીને હુમલો કર્યો હતો.
બશીર કહે છે, "તે ઘટના બાદ મેં નક્કી કર્યું કે અમારે આ ઘટનાનો બદલો લેવો છે, અને તે માટે મેં ફરીયાદ નોંધાવી અને તેનો સાક્ષી પણ બન્યો હતો. તે માટે જ હું છેલ્લાં 20 વર્ષોથી કોર્ટની દરેક તારીખોમાં જાઉં છું, અને દરેક કામમાં ભાગ લઉં છું."
જોકે આ ઘટનાક્રમમાં બશીરના કહેવા પ્રમાણે તેઓ પોતે હાલમાં દેવાળિયા થઈ ચૂક્યા છે, કારણ કે અહીંની પોલીસ તેમનો નૉન-વેજ ફૂડનો ધંધો નથી ચાલવા દેતી. આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેક્ટર કે વાય વ્યાસને વાત કરી તો તેમણે કહ્યું કે, "પોલીસની સામેના આ આરોપો પાયાવિહોણા છે. પોલીસ કોઈ પણ સાક્ષીને પરેશાન નથી કરતી."
બીબીસીને જાણવા મળ્યું હતું કે ગુલબર્ગના કેસના સાક્ષીઓ પણ હાલમાં ભયમાં જીવી રહ્યા છે. આ પહેલાં જે સાક્ષીઓ બહાર આવીને વાત કરી રહ્યા હતા, તેમાંથી ઘણા હવે સામે આવતા ડરે છે.
આવા જ એક સાક્ષીએ નામ નહીં આપવાની શરતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "ગુલબર્ગ સોસાયટી કેસના ઘણા સાક્ષીઓને હાલમાં પોલીસ એક યા બીજી રીતે બોલાવી રહી છે, અને તેમની તિસ્તા સેતલવાડ વિશે પૂછપરછ કરી રહી છે, એવામાં અમારું કંઈ પણ બોલવું યોગ્ય નથી."
વધુ એક સાક્ષીએ નામ નહીં આપવાની શરતે દાવો કર્યો કે, જામીન પર બહાર આવેલા તોફાનોના કેસના એક આરોપી દ્વારા હાલમાં જ તેમને એક ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો. તેઓ કહે છે, "મારી જુબાનીને કારણે તે જેલમાં છે. મારી વિરુદ્ધ એક નાનકડી બાબતને લઈને તે આખો મામલો પોલીસમાં લઈ ગયો, જ્યાં તેમની વાત સાંભળવામાં આવી, મારી નહીં. માટે મારે કંઈ જ કહેવું નથી."
ઇમ્તિયાઝ કુરેશી જેવા કેટલાક એવા પણ સાક્ષીઓ છે જેમણે પોતાનું પૈતૃક મકાન છોડી દીધું છે અને અન્યત્ર રહેવા જતા રહ્યા છે.
ઇમ્તિયાઝ નરોડા ગામ કેસના મુખ્ય સાક્ષી અને ફરિયાદી છે, તેઓ હવે નરોડા ગામમાં નથી રહેતા. તેઓ કહે છે, "અલબત્ત, હજુ નરોડા ગામના આરોપીઓને સજા નથી થઈ તોપણ મેં તેમના વિરુદ્ધ જુબાની આપેલી છે અને હવે મને બીક છે કે તેઓ ક્યારેક મને કે મારા પરિવારને નુકસાન પહોંચાડશે."

સાક્ષીઓની પોલીસ સુરક્ષા પર સવાલો

બશીર ખાન સહિતના સાક્ષીઓને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પોલીસ સુરક્ષા આપવામાં આવેલી છે. બશીર ખાન બીબીસી સાથે વાત કરતા કહે છે કે "પોલીસ સુરક્ષાકર્મીએ સતત સુરક્ષામાં તહેનાત રહેવું જરૂરી છે પરંતુ માત્ર મહિનામાં એક વખત મળવા આવે છે."
બીબીસી ગુજરાતીએ બશીર ખાનના આ આરોપ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "જો આવું કંઈ થઈ રહ્યું હોય તો તે ગંભીર બાબત છે, પરંતુ આવી કોઈ બાબત અમારા ધ્યાને આવી નથી. જો અમને આ અંગે કોઈ ફરીયાદ મળે તો અમે તત્કાલ તેના પર કાર્યવાહી કરીશું."
જોકે સુરક્ષાકર્મીની સમસ્યા અંગે એક સિનિયર એડવોકેટ સાથે વાત કરતા તેમણે બીબીસીને કહ્યું કે, "ઘણા કિસ્સામાં સાક્ષીઓ જ પોલીસને પોતાની સાથે રાખવા નથી માગતા અને પછી પોલીસનો વાંક કાઢતા હોય છે."
બીબીસીએ સાક્ષી સુરક્ષાની સ્કીમ સમજવા માટે ધારાશાસ્ત્રી શમશાદ પઠાણનો સંપર્ક કર્યો. તેઓ તોફાનોના કેસના ફરિયાદીના વકીલ રહી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે, "સાક્ષીની સુરક્ષાનું ધ્યાન કોર્ટ રાખતી હોય છે. આમ તો સાક્ષીઓની સુરક્ષા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. કેસ મુજબ સુરક્ષાના ધોરણો નક્કી કરતી હોય છે. કોર્ટનો એકમાત્ર ઇરાદો સાક્ષીને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાનો હોય છે. 2001નાં રમખાણોના સાક્ષીઓની સુરક્ષાની વાત કરીએ તો તેમને પહેલાં સીઆઈએસએફની સુરક્ષા હતી જે પાછળથી બદલીને હથિયારધારી ગુજરાત પોલીસને સોંપવામાં આવી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













